હું જે કમાઉં એ તો મારું પણ તારી કમાણીમાં મારો ભાગ

Published: Dec 03, 2019, 15:10 IST | Heta Bhushan | Mumbai

આજની વર્કિંગ વુમન આવું વિચારે છે? લંડનમાં થયેલા સર્વેનું તારણ તો આ જ કહે છે. મહિલાઓને જૉબ કરવી છે અને એના માટે પરિવાર પાસેથી તમામ અનુકૂળતાઓ પણ તેઓ ઝંખે છે, પરંતુ પોતાની ઇન્કમ તેમને શૅર નથી કરવી એ વાત સાચી છે?

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

થોડાક સમય પહેલાં લંડનમાં સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને પર્સનલ ફાઇનૅન્સને લગતો એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ધ્યાનમાં આવ્યું કે ૧૬થી ૪૦ વર્ષની સ્ત્રીઓ પોતાની મિલકત અને કમાણી પતિ અને ફૅમિલી સાથે શૅર કરવા તૈયાર નથી. મોટા ભાગની સ્ત્રીઓએ ટોટલ ફાઇનૅન્શિયલ ઇન્ડિપેન્ડન્સ પર ભાર મૂક્યો હતો. આ સર્વે આપણે ત્યાં કેટલો સાચો છે એ વિશે વાત કરીએ.

સાવ એવું નથી

આજના મૉડર્ન જમાનામાં સ્ત્રીઓ ભણીગણી મહેનત કરી આગળ વધી ગઈ છે અને કામ કરી પોતે પૈસા કમાય છે. પોતે ઘર અને કામની જવાબદારી નિભાવી જે પૈસા કમાય છે એના પર તેનો જ હક છે. તે બચત કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે તેની પાછળ તેનો મુખ્ય હેતુ આર્થિક સુરક્ષિતતા હોય છે. અમુક અપવાદરૂપ કિસ્સાઓમાં સ્ત્રીઓ પોતાની કમાણી પોતાના નામે બચત કરે અને પતિના જ પૈસા વાપરે એવી સ્વાર્થી વૃત્તિ દેખાય છે. મૅરેજ-કાઉન્સેલર ગીતાંજલિ સકસેના કહે છે, ‘ઘરમાં બિલકુલ પૈસા ન આપવા અને પતિના પૈસે તાગડધિન્ના કરવા અને પોતાની કમાણી સાચવી રાખવી એવા કિસ્સા જૂજ હોય છે. લગભગ બધી સ્ત્રીઓ પોતાની કમાણીનો અમુક ભાગ સાચવીને રાખે છે, પણ એની પાછળનું કારણ માત્ર અને માત્ર ભવિષ્યની સુરક્ષા હોય છે. આજકાલની ભણેલી યુવતીઓ લગ્ન પહેલાંથી જ પોતાની કરીઅર અને અલગ કમાણી ધરાવતી હોય છે. તેઓ થનાર પતિ સાથે પહેલેથી જ બધું નક્કી કરી લે છે કે તે પોતાની કમાણી કઈ રીતે વાપરશે; ઘરમાં આપશે, પોતાના ખર્ચા કરશે, પોતાનાં મમ્મી-પપ્પાને સાચવશે, રોકાણ કરશે વગેરે. જ્યાં આ બધું સમજણપૂર્વક નક્કી હોય છે ત્યાં વાંધો આવતો નથી, પણ મારી સામે એવા કિસ્સા આવે છે જ્યાં સયુંક્ત કુટુંબ અને સાસરિયાં દાદાગીરી કરી સ્ત્રીની બધી કમાણી લઈ લે છે અને તેની પાસે ઘરનાં કામ કરાવે છે અને નોકરી પણ. આવા કિસ્સા જોઈને આજની મૉડર્ન યુવતીઓ વિચારે છે કે પોતાની કમાણી પોતે જ રાખવી જોઈએ.’

 એક બીજો દૃષ્ટિકોણ સમજાવતાં ગીતાંજલિ સકસેના ઉમેરે છે, ‘અમુક કિસ્સામાં સ્ત્રી ઘરમાં પૈસા આપતી નથી, પણ પોતાના ખર્ચ અને બાળકોના ખર્ચ પોતે પૂરા કરે છે તેવી સ્ત્રીઓ પણ સમાજમાં મોટી સંખ્યામાં છે. તો સાથે અમુક માથાભરે સ્વાર્થી સ્ત્રીઓ પણ છે. એક કિસ્સામાં ભણેલી ગુજરાતી શિક્ષિકા યુવતી જૉઇન્ટ ફૅમિલીમાં રહે છે, પણ એક પણ પૈસો ઘરમાં આપતી નથી. કામ પણ કરાવતી નથી. બીજા કિસ્સામાં પતિના લગ્નેતર સંબંધ હોવાની પત્નીને ખબર પડી જતાં તે ઘરમાં કોઈ પૈસા આપતી નથી અને બધા ખર્ચા માટે પતિ પાસે જ પૈસા માગે છે. આવા કિસ્સાઓ બહાર ઓછા આવે છે કારણ કે કોઈ સામેથી કેવી રીતે કબૂલ કરે કે હું કમાઉં છું પણ ઘરમાં પૈસા આપતી નથી.’

સમય બદલાયો છે

રિલેશનશિપ કાઉન્સેલર માધવી શેઠ સમાજની સ્ત્રીઓની બદલાતી માનસિકતા વિષે પાયાથી સમજાવતાં કહે છે, ‘પહેલાં આપણી સંસ્કૃતિમાં પુરુષ કમાતો અને સ્ત્રી ઘર સાચવતી, બાળકો સાચવતી. ધીરે-ધીરે સ્ત્રીઓ અભણ ન રહેતાં ભણવા લાગી, પણ હોશિયાર હોવા છતાં તેમને બહાર કામ કરવાની અને પૈસા કમાવાની છૂટ પતિ અને સાસરાવાળા ભાગ્યે જ આપતા. પછી સમય જતાં સમાજ બદલાયો. વહુ ભણેલી છે તો ભલે કામ કરે, પણ અમને તેના પૈસાની જરૂર નથી એવી વિચારસરણી આવી જે હજી છે અને છેલ્લાં દસ વર્ષમાં મોંઘવારી વધતાં કુટુંબો નાનાં થતાં એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે બન્નેએ કમાવું જરૂરી બન્યું છે. આજે પતિ-પત્ની બન્ને કમાય છે અને સંસાર ચલાવે છે. થોડાં વર્ષો પહેલાં સુધી અને અમુક ઘરોમાં આજ સુધી સ્ત્રી ઘરનું કામ કરે છે અને બહાર જઈ કમાય પણ છે અને આ બોજ લઈને દોડી-દોડીને થાકી જાય છે. તે કમાઈને ઘરમાં પૈસા આપે છે અને ઘરને સાચવે પણ છે. કુટુંબ ઊંચું આવે છે, પણ સ્ત્રી ઘસાઈ જાય છે. આવી પરિસ્થિતિ ઘણાં ઘરોમાં છે. જોકે પોતાની માતાની સ્થિતિ પરથી આજની વધુ ભણેલી વધુ મૉડર્ન છોકરીઓ કમાય છે અને સ્વતંત્રતા ઇચ્છે છે. ઘરનાં કામ, સાસરિયાંઓનું ખરાબ વર્તન, પૈસા કમાવાની મહેનત આ બધાં વચ્ચે દબાઈ જવું આજની યુવતીઓ પસંદ કરતી નથી. તેથી તેઓ ઘરમાં પૈસા આપતી નથી અને આપે છે તો ઘરના પુરુષને મળતું જ માન તેને મળવું જોઈએ અને ઘરકામનો બધો બોજો માત્ર તેના પર ન રહેવો જોઈએ, પતિએ અને સાસરિયાંઓએ એમાં મદદ કરવી જોઈએ એવી સ્પષ્ટતા સાથે આપે છે. એક કિસ્સામાં યુવતી કામ કરતી, કમાતી અને બધા પૈસા સાસુ લઈ લેતાં; તેની પાસે કંઈ જ ન રહેતું ત્યારે તે ડિપ્રેશનનો શિકાર બની અને કહે કે જો મારી પાસે મારી મહેનતનો એક પણ પૈસો ન રહે તો હું શું કામ કામ કરું? અને તેણે નોકરી છોડી દીધી. અમુક કિસ્સાઓમાં યંગ કપલ એટલાં સમજદાર હોય છે કે પહેલેથી જ નક્કી કરી લે છે કે કોણ કેટલો ખર્ચ કરશે એટલે પૈસાની બાબતે વિવાદ થતો નથી.’ 

પૈસાનો મુદ્દો કોર્ટે ચડે ત્યારે ઘણી હકીકત બહાર આવતી હોય છે. છેલ્લાં વીસ વર્ષથી ફૅમિલી કોર્ટમાં કાર્યરત વકિલ જાગૃતિ ઠાકર કહે છે, ‘આમ તો આપણી ભારતીય સંસ્કૃતિમાં એકમેક પરનો વિશ્વાસ જ દરેક સંબંધની તાકાત છે, પણ આજકાલ અમે ફૅમિલી કોર્ટમાં જોઈએ છીએ કે આ વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. લગ્ન બહુ ટકતાં નથી. યુવાન ભણેલી છોકરીઓ લગ્ન કરતાં પણ વધારે મહત્ત્વ કરીઅરને આપે છે અને કરીઅર ક્રેઝી છોકરીઓ એ માટે લગ્ન તોડતાં પણ અચકાતી નથી. જ્યારે વાત સાવ છૂટાછેડા સુધી પહોંચે છે ત્યારે આર્થિક બાબતો બહુ તકલીફ આપે છે. એક યુવાન કપલ છૂટાછેડા માટે આવ્યું હતું. તેમણે ઘર, કાર, બધું જૉઇન્ટ લોન પર લીધું હતું. યુવતીએ હપ્તા પોતાની સૅલેરીમાંથી ભર્યા હતા, પણ છેલ્લે છૂટાં પડતી વખતે તેને કાર પાછી ન મળી. ઘરના ભરેલા હપ્તા સામે પણ બરાબર વળતર ન મળ્યું. આવું થાય ત્યારે એમ થાય કે તેણે પોતાની આવક જુદી જ રાખી હોત તો સારું થાત. ફૅમિલી કોર્ટમાં એવા કેસ પણ આવે છે કે છોકરીઓ પોતે કામ કરતી હોવા છતાં એ છુપાવી વધુ મેઇન્ટેનન્સ મેળવવાના કેસ પણ કરે છે. મારા મતે આજની મૉડર્ન છોકરીઓ પોતાની આવક છુપાવે નહીં, આવક થોડી જૉઇન્ટ અને થોડી અલગ રાખે અને સ્વાર્થી બન્યા વિના જો કુટુંબ કે પતિને જરૂર પડે ત્યારે આપવા તૈયાર રહે તો આર્થિક સુરક્ષા રહે અને સંબંધ પણ સારા રહે.’

એક કિસ્સામાં પતિના લગ્નેતર સંબંધ હોવાની પત્નીને ખબર પડી જતાં તે ઘરમાં કોઈ પૈસા આપતી નથી અને બધા ખર્ચા માટે પતિ પાસે જ પૈસા માગે છે. આવા કિસ્સાઓ બહાર ઓછા આવે છે કારણ કે કોઈ સામેથી કેવી રીતે કબૂલ કરે કે હું કમાઉં છું પણ ઘરમાં પૈસા આપતી નથી.

- ગીતાંજલિ સકસેના, મૅરેજ કાઉન્સેલર

વહુ ભણેલી છે તો ભલે કામ કરે, પણ અમને તેના પૈસાની જરૂર નથી એવી વિચારસરણી ઘણા ઘરોમાં છે. જોકે છેલ્લાં દસ વર્ષમાં મોંઘવારી વધતાં કુટુંબો નાનાં થતાં એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે બન્નેએ કમાવું જરૂરી બન્યું છે. આજે પતિ-પત્ની બન્ને કમાય છે અને સંસાર ચલાવે છે.

માધવી શેઠ, રિલેશનશિપ કાઉન્સેલર

એક યુવાન કપલ છૂટાછેડા માટે આવ્યું હતું. તેમણે ઘર, કાર, બધું જૉઇન્ટ લોન પર લીધું હતું. યુવતીએ હપ્તા પોતાની સૅલેરીમાંથી ભર્યા હતા, પણ છેલ્લે છૂટાં પડતી વખતે તેને કાર પાછી ન મળી. ઘરના ભરેલા હપ્તા સામે પણ બરાબર વળતર ન મળ્યું. આવું થાય ત્યારે એમ થાય કે તેણે પોતાની આવક જુદી જ રાખી હોત તો સારું થાત

-જાગૃતિ ઠાકર, વકિલ

જો જીવન સાથે જોડ્યું છે તો પછી કમાણી કે મિલકત કંઈ પણ જુદું રાખવું જ શું કામ? પતિ આદર આપે છે, પોતાની કમાણી અને ઘર આપણા હાથમાં સોંપે છે તો પછી આપણે શું કામ આપણી મિલકત જુદી રાખવાનું વિચારવું પણ જોઈએ? અમે બધા નિર્ણયની જેમ આર્થિક નિર્ણયો સાથે મળીને લઈએ છીએ. મારી કમાણી હોય કે માતાપિતા તરફથી પ્રાપ્ત મિલકત, હું બધું જ સાથે રાખવામાં જ વિશ્વાસ રાખું છું અને આ વિશ્વાસ જ તમારા સંબંધો મજબૂત કરે છે.

- અંજલિ મહેતા, ઑન્ટ્રપ્રનર

હું ઍર-હોસ્ટેસ હતી. લગ્ન બાદ પણ કામ ચાલુ હતું. પછી પ્રેગ્નન્સી રિલેટેડ પ્રૉબ્લેમને લીધે મારે જૉબ છોડવી પડી. ૧૦ વર્ષ કોઈ કામ વિના ઘરે બેસી રહેવાથી ડિપ્રેશનનો શિકાર બની હતી, પણ મારા પતિએ મને નવો રસ્તો દેખાડ્યો. મને કામ કરવા માટે મોટિવેટ કરી અને આજે હું કમાઉં છું. અમે સયુંક્ત કુટુંબમાં રહીએ છીએ. હું ઘરના અમુક ખર્ચા ઉઠાવું છું. અમારા દીકરાના એજ્યુકેશન માટે બચત પણ કરું છું. મારા સસરાની મૃત્યુ પહેલાં વતનમાં ઘર લેવાની ઇચ્છા હતી તો અમે ઘરના બધા સભ્યોએ ભેગા થઈ અમુક પૈસા આપી ઘર લઈ તેમની છેલ્લી ઇચ્છા પૂરી કરી હતી. હા, અમુક કમનસીબ કિસ્સામાં જોવા મળે છે કે સ્ત્રીની કમાણી અને મિલકત લઈ લીધા પછી તેની સાથે ખરાબ વર્તન થાય છે. એટલે સજાગ રહેવું જરૂરી છે.

- મેઘા વ્યાસ, ટીચર

આ પણ વાંચો : સોશ્યલ મીડિયા પર વ્યક્ત કરી બેસો છો તમે?

મોટા ભાગનાં વર્કિંગ કપલ સાથે મળીને બધા નિર્ણયો લે છે. અમુક કિસ્સામાં હજી પણ માત્ર પતિ જેમ કહે તેમ જ થાય છે ભલે પત્ની પણ કમાતી હોય, પણ મોટા ભાગે નૉમિની તરીકે પતિ-પત્નીનાં જ નામ વાપરવામાં આવે છે. અમુક અપવાદરૂપ કિસ્સા જેમાં ઘરમાં બહુ રોકટોક હોય કે અન્ય કોઈ કારણ હોય, કમાતી યુવતીઓ વધુ સ્માર્ટ બની અમુક કમાણીનો ભાગ પતિને અને ઘરમાં આપે છે અને અમુક પૈસા માત્ર પોતાની પાસે જુદા જ અકાઉન્ટમાં રાખે છે અને એનો ઉપયોગ પોતાની મરજી પ્રમાણે કરે છે.

- ઐશાની વેદાંત, LIC ઍડ્વાઇઝર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK