સોશ્યલ મીડિયા પર વ્યક્ત કરી બેસો છો તમે?

Published: Dec 03, 2019, 15:05 IST | Darshini Vashi | Mumbai

એક અભ્યાસ મુજબ વ્યક્તિએ કરેલા ટ્વીટ પરથી જાણી શકાય છે કે તે વ્યક્તિ કેટલો એકલો છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

એક અભ્યાસ મુજબ વ્યક્તિએ કરેલા ટ્વીટ પરથી જાણી શકાય છે કે તે વ્યક્તિ કેટલો એકલો છે. સોશ્યલ મીડિયા પર થતી પોસ્ટ તમારી માનસિક સ્થિતિનું પ્રતિબિંબ બની શકે છે. લોન્લીનેસ અનુભવવી અને એને વ્યક્ત કરવી એ ગુનો નથી, પરંતુ એ ઘણી માનસિક બીમારીઓનું ઉગમસ્થાન પણ કહેવાય છે એટલે અલર્ટ થઈ જવામાં માલ છે.

અમેરિકાસ્થિત એક મેડિકલ યુનિવર્સિટીના ભારતીય મૂળના રિસર્ચરે હાથ ધરેલા એક અભ્યાસ મુજબ ટ્વિટર યુઝર દ્વારા કરવામાં આવતા ટ્વીટ પરથી જાણી શકાય છે કે વ્યક્તિ એકલતા અનુભવે છે કે નહીં. આ અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ એકલતા વ્યક્તિને ડિપ્રેશન, કાર્ડિયો પ્રૉબ્લેમ, મેન્ટલ ઇલનેસ સહિતની બીમારીઓ તરફ પણ ધકેલી શકે છે. આ રિસર્ચ મુજબ જે વ્યક્તિ દિવસના એક કરતાં વધુ વખત એકલતાપણા, મેન્ટલ વેલનેસ ઇશ્યુ, રિલેશનશિપમાં સ્ટ્રગલને સંબધિત પોસ્ટ મૂકતા હોય છે તેઓ એકલતાનો શિકાર બન્યા હોવાનું જણાયું છે. સોશ્યલ મીડિયા એટલે વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાનું મંચ બની રહ્યું છે. માનવીના મનને પારખવું ઘણું મુશ્કેલ હોય છે, પરંતુ સોશ્યલ મીડિયા પર કરવામાં આવતી કમેન્ટ કે કોઈ ટ્વીટ એ માણસની આખી માનસિક કુંડળી ખોલી દેતી હોય છે ત્યારે જાણીએ આવું શું કામ છે અને તેને કઈ રીતે હૅન્ડલ કરી શકાય.

બે પ્રકારની એકલતા

ઘણા લોકોને એકલા રહેવાનું ગમતું હોય છે. એવી સ્પષ્ટતા સાથે સાઇકોલૉજિસ્ટ જૈની સાવલા કહે છે, ‘સગાંસંબંધીઓ, પાડોશીઓ હોવા છતાં પોતાના કામમાં મસ્ત રહીને એકલા એન્જૉય કરીને રહેવાનું ગમે તો એવી વ્યક્તિને એકલતાનો શિકાર બન્યા હોવાનું ન કહી શકાય, કેમ કે એ પરિસ્થિતિ તેમણે પોતે પસંદ કરેલી છે અને એમાં રહેવાનું તેમને ગમે પણ છે. જ્યારે બીજી તરફ એક એવો વર્ગ પણ છે જેને મિત્રો બનાવવા છે, સબંધ બાંધવા છે, દુનિયાની સામે ખીલવું છે; પરંતુ એમાં તેઓ સફળ થઈ શકતા નથી અને જેને લીધે નિરાશ છે અને એકલતા અનુભવી રહ્યા છે અને એનો અહેસાસ, ગુસ્સો, લાગણી બધું સોશ્યલ મીડિયાના મંચ મારફત બહાર કાઢી રહ્યા છે અને એકલતાનો ભોગ બન્યા છે. આજના સમયમાં લોકોમાં સંયમ ઘટી ગયો છે. કોઈ વાતમાં સંતોષ રહ્યો નથી. સ્વભાવ અગ્રેસ‌િવ બની રહ્યો છે. અમારી પાસે ઘણા એવા પેશન્ટ આવતા હોય છે જેમને અટેન્શન નહીં મળતું હોવાની ફરિયાદ રહેતી હોય છે. એકલતા કોરી ખાતી હોવાનું જણાવતા હોય છે. તેઓ પોતાની માનસિક સ્થિતિને શબ્દોના માધ્યમ થકી જણાવી પણ શકતા નથી એટલે તેઓ ટ્વિટર કે પછી અન્ય સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર જઈને બધું ફ્રસ્ટ્રેશન ઠાલવતા રહે છે.’

સોશ્યલ મીડિયા જ કેમ?

શું કામ બીજે ક્યાંય નહીં પણ સોશ્યલ મીડિયા પર જ પોતાની લાગણીઓ વ્યક્ત થાય એના કારણો આપતા સાઇકોલૉજિસ્ટ પૂર્વી શાહ કહે છે, ‘થોડા સમય પૂર્વે સોશ્યલ મીડિયા પર #MeToo ચળવળ શરૂ થઈ હતી, જેના હેઠળ વર્ષોથી કેટકેટલાયના હૃદયમાં ધરબાયેલો કડવો ભૂતકાળ બહાર આવ્યો હતો જેમાં ઘણાને ન્યાય પણ મળ્યો. અને પછી જાણે સોશ્યલ મીડિયાનું મંચ એક મિત્ર, મદદનીશ બની ગયું હતું. એના ખભા પર લોકો આવીને પોતાની લાગણી અને વિચારો વ્યક્ત કરતા થઈ ગયા હતા એની પાછળ બીજું એક કારણ એ પણ છે કે અહીં લખનારને કોઈ જોઈ શકતું નથી એટલે કોઈને શરમ પણ આવતી નથી. જાહેરમાં ન બોલી શકનારા લોકો આ માધ્યમ થકી પોતાના વિચારો નિરંકુશપણે રજૂ કરી શકે છે. ઘણા તો ઓળખ છુપાવીને પણ લખી જતા હોય છે.’

લોન્લીનેસને કેવી રીતે ઓળખવી?

દરેકના જીવનમાં એક તબક્કો આવે છે જ્યારે તે પોતાને એકલો સમજે છે. એમ જણાવીને જૈની કહે છે, ‘કોઈ તેને સમજતું નથી, કોઈ તેની ફીલિંગ્સને જાણી શકતું નથી એવું માને છે. જોકે સમય જતાં બધું નૉર્મલ થઈ જાય છે. પરંતુ કેટલાક કેસમાં એવું થતું નથી. માણસ એ વસ્તુને પકડીને બેસી જાય છે અને દરેક નાની વસ્તુઓમાં ફ્રસ્ટ્રેશન કાઢે છે, જેનો ભોગ કાં તો તેના અંગત લોકો બને છે કાં તો સોશ્યલ મીડિયા.’

આ વાતને આગળ વધારતાં ડૉ. શાહ કહે છે, ‘જો કોઈ વ્યક્તિ નિરાશાવાદી અભિગમ ધરાવતી અથવા તો ગુસ્સો દર્શાવતી પોસ્ટ દિવસમાં એક કરતાં વધુ વખત પોસ્ટ અથવા ટ્વીટ કરતી હોય, તેની પોસ્ટમાં વારંવાર કોઈ ચોક્કસ વસ્તુ પર જ અટૅક થતો હોય, સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધી જાય, ફોન માટે પઝેસિવનેસ રહે વિગેરે ચિહ‍્નો એકલતા તરફ આંગળી ચીંધે છે.’

એકલતાપણું કેટલું જોખમી

એકલતાપણું અનેક માનસિક અને શારીરિક બીમારીને આમંત્રણ આપે છે જેમાં શારીરિક બીમારી તો એક વાર દવાથી સારી થઈ શકે છે, પરંતુ માનસિક બીમારી અતિ જોખમી સાબિત થઈ શકે છે. જૈની કહે છે, ‘એકલતાપણાને લીધે સૌથી પહેલાં ડિપ્રેશન જ આવે છે. એનું એક ઉદાહરણ આપું તો મારા એક પેશન્ટ છે, જેનાં લગ્ન નથી થયાં. એમાં એવું છે કે તેનાં માતાપિતાના ડિવૉર્સ થયા હતા એટલે તેની માતાએ ખૂબ મહેનત કરીને તેને મોટી કરી હતી. તેથી મારી પેશન્ટ એટલે કે તેની દીકરીએ લગ્ન કરવાની ના પાડી, કેમ કે તેની પાછળ તેની માનું ધ્યાન રાખવાવાળું કોઈ હતું નહીં તેમ જ આખી જિંદગી મા અને દીકરીએ એકબીજાના સહારા સાથે જ વિતાવી હતી, ન કોઈ ખાસ મિત્ર કે ન કોઈ ખાસ સગાં. થોડા સમય પૂર્વે દીકરી એકલી થઈ ગઈ હતી અને તેની પાસે નોકરી પણ રહી નહીં. કોઈ સાથે ખાસ સબંધ નહીં એટલે બહાર નોકરી માટે જઈ શકવાની હિંમત પણ હતી નહીં. પૈસા પણ ખાલી થઈ ગયા હતા એવી પરિસ્થિતિની વચ્ચે તે એકદમ એકલતાનો અનુભવ કરવા લાગી હતી. સમયસર એનો ઉકેલ નહીં આવતાં તે ડિપ્રેશનમાં સરી પડી હતી. તેનો આજે મારી પાસે ઇલાજ ચાલી રહ્યો છે. એવો જ બીજો એક કિસ્સો એક ફૅમિલીનો છે, જેમાં હસબન્ડ અને વાઇફના ડિવૉર્સ થઈ ગયા છે. તેમનું નાનું બાળક વાઇફની કસ્ટડીમાં છે. હસબન્ડને તેના બાળકની સાથે ખૂબ લગાવ છે, પરંતુ તેને ઘડી-ઘડી મળવા મળતું નથી એટલે તે મેન્ટલી ખૂબ ડિસ્ટર્બ રહે છે. એકલા રહેવાનું પસંદ કરે છે. જ્યારે કામ ન હોય ત્યારે એકલા બેસીને રડ્યા જ કરે છે. આવા તો ઘણા કેસ છે.’ 

ફૅમિલી સપોર્ટ મસ્ટ

દુનિયામાં માત્ર ભારતમાં જ સંયુક્ત કુટુંબની પરંપરા વર્ષોથી ચાલતી હતી એ સારી હતી એમ જણાવીને પૂર્વી કહે છે, ‘આજે દેખાદેખીના લીધે મોટા ભાગનાં કુટુંબ ન્યુક્લિયર બની ગયાં છે. ચાર જણના એક ઘરમાં માતાપિતા નોકરીએ જતાં રહે પછી બાળકો કાં તો એકલાં રહેતાં હોય છે કાં તો નૅની સાથે રહેતાં હોય છે. આવી પરિસ્થિતિમાં બાળક નાનપણથી જ અંદર ને અંદર પોતાને એકલું સમજવા માંડે છે. જેમ જેમ તેઓ મોટાં થાય છે તેમ-તેમ તેમનો આ વિચાર અને લાગણી પણ એટલાં જ પ્રબળ બની જાય છે, જે પછી તેમને બહારની દુનિયા સાથે સંપર્ક સાધવા દેતાં નથી અને પરિણામ સ્વરૂપે તેને એકલતાના ઊંડા કૂવામાં ધકેલી દે છે. અગાઉ એક ઘરની અંદર દસથી પંદર સભ્યો સાથે મળીને રહેતા હતા જેઓ પરિવારની સાથે મિત્રની ભૂમિકા પણ ભજવતા હતા. સુખદુઃખ એમ દરેક પરિસ્થિતિમાં પરિવાર સાથે રહેતો હતો એટલે અગાઉ એકલતાની ફરિયાદ પણ ઓછી કાને સંભળાતી હતી, પરંતુ આજે ઘણા લોકોના મોઢે એકલતાની પીડા સાંભળવા મળે છે.’

સમજો, સ્વીકારો અને ઇલાજ કરો

એક માનવી તરીકે કુદરતી રીતે આપણા મગજમાં પૉઝિટિવ અને નેગેટિવ વિચાર આવે જ છે. જૈની સાવલા આ વિશે કહે છે, ‘નેગેટિવ વિચાર આવે એટલે આપણને મેન્ટલ પ્રૉબ્લેમ છે એવું માની લેવું જોઈએ નહીં, પરંતુ કઈ વસ્તુને મગજમાં કેટલા સમય સુધી ફરવા દેવી એ આપણે આપણા હાથમાં રાખવું જોઈએ. જો એમ ન કરી શકતા હો તો એનો રસ્તો કાઢવો જોઈએ. દરેક જણે જીવનમાં મૂવ ઑન થવું જોઈએ. જે મૂવ ઑન નથી થતું તકલીફ તેમને જ થાય છે. પરિસ્થિતિને  સ્વીકારીને આગળ વધવામાં જ ભલાઈ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK