ચેન્જની દુનિયામાં એક સ્ટેપ

Published: 4th October, 2020 18:27 IST | Bhavya Gandhi | Mumbai

છેલ્લા ૬ મહિનાએ આપણને એ લેવલ પર ટેક્નૉસૅવી બનાવ્યા છે કે હવે ટેક્નૉલૉજી માસ્ટર્સ નવાં-નવાં એક્સપરિમેન્ટ્સ વિશે વિચારવા માંડ્યા છે. કેવા હશે આ નવાં એક્સપરિમેન્ટ્સ એ જાણવા અને જોવા જેવું છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

છેલ્લા ૬ મહિનામાં કેટલાં ચેન્જિસ આવ્યાં લાઇફમાં. આપણા બધાની લાઇફ લગભગ આખી બદલાઈ ગઈ એમ કહું તો પણ ખોટું નહીં કહેવાય. આપણી સામે એક નવી દુનિયા આવી ગઈ હોય એવું લાગે છે. આપણે કોઈએ દુનિયાને આ રીતે તો ક્યારેય કલ્પી નહોતી કે પછી ક્યારેય આવી દુનિયા વિચારી નહોતી, પણ કોવિડે આ દુનિયામાં એક બહુ મોટો ચેન્જ આપી દીધો. આ ચેન્જ એવો છે જેની અસર સાવ જુદી રીતે સૌકોઈને જોવા મળવાની છે. જોકે અત્યારે આપણે દુનિયા બદલાઈ છે એની નહીં, પણ આવતા સમયમાં દુનિયા હજી કેવી અને કેટલી બદલાશે એની વાત કરવાના છીએ, પણ એ પહેલાં થોડા ફૅક્ટ્સ હું તમારી સામે મૂકું છું.

આ ૬ મહિનામાં આપણે ઘરમાં રહીને બહારની દુનિયા જોઈ છે. ૬ મહિનામાં આપણે મોટા ભાગનો સમય ઘરે રહીને પસાર કર્યો, ગમે કે ન ગમે, પણ ઘરમાં રહેવાનું પસંદ કર્યું અને એ સમય દરમ્યાન જે ફરક આવ્યો એની પણ નોંધ લીધી. આ ૬ મહિનામાં ઑલમોસ્ટ એક વખત તો આપણે ઘરે બનાવેલી કેક ખાધી જ છે અને એ કેક ઑનલાઇન જોઈને બનાવવામાં આવી છે. મોટા ભાગના કેસમાં એવું જ બન્યું છે. નવી વરાઇટી પણ ચાખી અને એ પણ ઑનલાઇન જોઈને જ બનાવવામાં આવી. ઑનલાઇન, માની ન શકાય અને ધાર્યો ન હોય એ સ્તરે આપણે ઇન્ટરનેટ-ડેટા આ ૬ મહિનામાં વાપર્યો છે. આપણી ફક્ત ટેરાબાઇટ્સ સુધીની ગણતરી જાણીએ છીએ એટલે હું કહીશ કે આ ૬ મહિનામાં આપણે લાખો ટેરાબાઇટ્સનો ડેટા વાપરી નાખ્યો છે. આ ડેટા ક્યાં વપરાયો અને કેવી રીતે વપરાયો એ પણ જાણવા જેવું છે.

કેક અને નવી વરાઇટી. યસ, આપણે ઑનલાઇન જોઈને જેકોઈ નવી વાનગી ઘરમાં બની અને એમાં આપણને જે યુઝફુલ થયું એ યુટ્યુબ સૌથી પહેલાં આવે છે. યુટ્યુબ ડૉટકૉમે ઑફિશ્યલ જાહેર કરેલા ફિગર્સ મુજબ આ ૬ મહિનામાં ૪૦ ટકાથી વધારે નવો યુઝર તેમની વિડિયો સ્ટ્રીમિંગ સાઇટ પર આવ્યો. એક તબક્કે વપરાશ એ લેવલ પર વધી ગયો હતો કે યુટ્યુબે પોતાની હાઈ રેઝોલ્યુશન સર્વિસ ઇન્ડિયામાં બંધ કરવી પડી હતી. એકસાથે કરોડો લોકો જો હાઈ-ડેફિનેશન એટલે કે એચડી વિડિયો જુએ તો સર્વર પર એનો લોડ વધે અને સર્વર પર લોડ વધે તો એ ક્રૅશ પણ થઈ શકે, આવું ન બને એ માટે હાઈ-ડેફિનેશન સર્વિસ બંધ કરી દેવાનું યુટ્યુબે પસંદ કર્યું. આવું પહેલી વાર, યુટ્યુબની હિસ્ટરીમાં પહેલી વાર બન્યું.

બીજા નંબરે સૌથી વધુ ડેટા જો કોઈએ જમ્યો હોય તો એ છે ડિજિટલ પ્લૅટફૉર્મ. નેટફ્લિક્સ, વુટ સિલેક્ટ, ઍમેઝૉન પ્રાઇમ, હૉટસ્ટાર અને એવા બીજાં ઘણાં ઑનલાઇન વિડિયો પ્લૅટફૉર્મ માટે આ ૬ મહિના લૉટરી જેવા બની ગયા. ઇન્ડિયામાં ક્યારેય ન થયા હોય એ લેવલ પર ડેટા રીચાર્જ થયા. યસ, માત્ર ને માત્ર ડેટા રીચાર્જ, ટૉકટાઇમની તો વાત જ નથી. અબજો રૂપિયાના ડેટા રીચાર્જ થયા અને એ ડેટાનો ઉપયોગ ડિજિટલ પ્લૅટફૉર્મ માટે કરવામાં આવ્યો. વાત અહીં પૂરી નથી થતી. ત્રીજા નંબરે આવે છે ઑનલાઇન ડેટિંગ ઍપ, જેમાં પુષ્કળ અકાઉન્ટ ખૂલ્યાં અને સબસ્ક્રિપ્શન પણ લેવામાં આવ્યાં તો ઑનલાઇન મૅચમેકિંગની વેબસાઇટ પર પણ કરોડો લોકો જોડાયા. ટિન્ડરથી માંડીને શાદીડૉટકૉમ જેવી વેબસાઇટ પર જે રીતે અકાઉન્ટ વધ્યાં એ જ દેખાડે છે કે ઘરમાં રહીને લોકોએ પોતાના ફ્યુચરનો વિચાર પણ કર્યો અને ફ્યુચરનો વિચાર કરતાં-કરતાં તેમણે પાર્ટનર કે લાઇફ-પાર્ટનરનો વિચાર પણ કર્યો. ચોથા ક્રમે જેણે સૌથી વધારે ડેટાનો વપરાશ કર્યો હોય એવું કોઈ આવે તો એ છે ફિટનેસ ઍપ. જી હા, જિમ બંધ હતાં અને ગાર્ડન પણ બંધ હતાં. ટ્રેઇનર પણ આવવાના નહોતા એટલે લોકોએ સ્વસ્થતા સાથે ચેડાં કરવાને બદલે ફિટનેસ ઍપને ગુરુ બનાવીને પોતાની ફિટનેસ જાળવવાની કોશિશ કરી. આ ઉપરાંત સ્કૂલ અને ટ્યુશનમાં પણ પુષ્કળ ડેટા વપરાયો અને આજે પણ વપરાય છે તો આ ૬ મહિનાએ ઘણી નવી દુનિયા પણ ખોલી. ઑનલાઇન મેડિકલ સ્ટોર અને ડૉક્ટરનું કન્સલ્ટેશન ક્યારેય વિચાર્યું નહોતું, પણ હવે એ પણ થવા માંડ્યું છે અને એની ઘણી ઍપ આવી ગઈ, સક્સેસ પણ એણે મેળવી લીધી.

આ ૬ મહિનાએ ટેક્નૉલૉજીની બાબતમાં બહુ સાઉન્ડ કરી દીધા. જેમને સ્માર્ટફોન વાપરતાં આવડતો નહોતો તેઓ સ્માર્ટફોનમાં માસ્ટર બની ગયા. આ જ માસ્ટરી આવતા સમયમાં હવે કામ લાગવાની છે. જે વાત હું કહી રહ્યો છું એ જ કામ ટેક્નૉલૉજીના જાયન્ટ્સ પણ કહી રહ્યા છે.

આજે આપણે જે સિચુએશનમાં છીએ એના કરતાં પણ વધારે મોટી પેન્ડેમિક સિચુએશન આવે તો એને માટે શું કરવું એ દિશામાં આ ટેક્નૉલૉજી જાયન્ટ્સ અત્યારથી વિચારવા લાગ્યા છે. મને લાગે છે કે હવે કશું બદલાવાનું હશે તો એ છે ઇન્શ્યૉરન્સ ઇન્ડસ્ટ્રી. હા, આ પેન્ડેમિક સિચુએશનમાં જેમ કરોડો લોકોએ ઘરે રહીને ડેટા યુઝ કર્યો એમ લાખો લોકોએ ઘરમાં રહીને હેલ્થ ઇન્શ્યૉરન્સ અને લાઇફ ઇન્શ્યૉરન્સ લઈ લીધા. જેને લીધે હવે ઇન્શ્યૉરન્સ ઇન્ડસ્ટ્રીએ પણ પોતાની રીતે આ જાયન્ટ ફ્લો જોઈને પોતાની પ્રોડક્ટમાં ધરખમ ચેન્જ કરવાના આવશે કે પછી એના વિશે વિચારવાનું શરૂ કરવું પડશે. મને લાગે છે કે આ દિશામાં પહેલું સ્ટેપ નૉન-કૉન્ટૅક્ટ પૉલિસી હશે.

કોઈ પણ પૉલિસી હોય, હેલ્થની કે પછી લાઇફ પૉલિસી કે પછી તમારી કારની પૉલિસી, બધી પ્રોસીજર આવતા સમયમાં ઑનલાઇન થઈ જશે અને દરેક વેરિફિકેશન વર્ચ્યુઅલી વિડિયો-કૉલથી થશે. આ ચેન્જ બહુ જલદી આપણને જોવા મળી શકે છે. કાર ઇન્શ્યૉરન્સ લેવો હોય તો હવે ઑનલાઇન ડીટેલ ફીલ કરો, કારના ફોટોગ્રાફ્સ અપલોડ કરો. બધું વેરિફાય થશે અને ૧૫ મિનિટમાં પૉલિસી તમારી કમ્ફર્મ થશે. એવું જ લાઇફ ઇન્શ્યૉરન્સમાં થશે અને એવું જ હેલ્થ ઇન્શ્યૉરન્સમાં પણ બનશે. કોઈએ કોઈને મળવાનું નહીં અને કોઈએ વાઇરસ આગળ ફેલાવવાનો નહીં.

બીજો ટર્ન ઑટો ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી શકે છે. આવતા સમયમાં કાર કે ટૂ-વ્હીલર માટે શોરૂમમાં નહીં, પણ વર્ચ્યુઅલ શોરૂમમાં જવાનું હશે. તમને તમારા કમ્પ્યુટર કે મોબાઇલમાં કાર દેખાડશે, તમારે કાર પસંદ કરવાની, પેમેન્ટ કરવાનું અને ડિલિવરી ડાયરેક્ટ તમારા ઘરે. તમારા ઘરે કાર આવ્યા પછી પણ એ પહેલાં સૅનિટાઇઝ થશે અને તમને કારની ચાવી મોકલાવી દેવામાં આવશે. થોડું વધારે પડતું લાગી શકે, પણ ખરું કહું તો મને લાગે છે કે આવતા સમયમાં ઑનલાઇન સ્કૂલ પણ જોવા મળશે. બાળકોને સ્કૂલ મોકલવાના જ નહીં. અત્યારે ઑનલાઇન ભણવાની જે પ્રક્રિયા છે એ કમ્પલ્સરી છે, પણ આવતા સમયમાં આ કામ ઇચ્છાથી થશે અને બાળકો સ્કૂલ ગયા વિના જ પોતાનું એજ્યુકેશન પૂરું કરશે. ઑનલાઇન એજ્યુકેશનના ગેરફાયદા છે, ના નથી, પણ એની સાથોસાથ એના લાભ પણ પુષ્કળ છે. જો સ્કૂલ મૅનેજમેન્ટ ધારે તો ઑનલાઇન એજ્યુકેશનમાં ફીનું ધોરણ નીચું લાવી શકે છે અને જો એ નીચું લાવે તો મિડલ ક્લાસનાં બાળકો પણ સારામાં સારી સ્કૂલમાં ભણી શકે છે.

આ બધા ચેન્જ મારા અને તમારા માટે નવા નહીં હોય, પણ ગઈ જનરેશનના લોકો માટે આ ચેન્જ બહુ મોટો કહી શકાય. આપણે અત્યાર સુધી ઑનલાઇન શૉપિંગ કરતા અને ડિલિવરીબૉય આવીને ડિલિવર કરી જતો, પણ આવતા સમયમાં આ ડિલિવરીબૉયની પણ બાદબાકી થઈ જાય તો નવાઈ ન પામતા. આવતા થોડા સમયમાં ઍમેઝૉન, ફ્લિપકાર્ટ જાયન્ટ્સ ડ્રૉનથી પ્રોડક્ટ ડિલિવર શરૂ કરી દે તો જરાય નવાઈ ન પામતા. પહેલી વાત, આ એક્સપરિમેન્ટ પર ઑલરેડી કામ શરૂ થઈ ગયું છે અને અમેરિકામાં વૉલમાર્ટે ડ્રૉન-ડિલિવરી ચાલુ પણ કરી દીધી છે. એવું પણ બની શકે કે ઍમેઝૉન અને ફ્લિપકાર્ટ પહેલાં જ,રિરીલાયન્સનું જિયો પ્લૅટફૉર્મ ડ્રૉન લાવીને એનાથી ડિલિવરી કરવા માંડે અને સમયથી માંડીને કૉન્ટૅક્ટ બધું બચાવે.

બની શકે અને આ જે સંભાવના છે એ આવતા સમયની બહુ મોટી માગ પણ પુરવાર થવાની છે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK