Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મેટ્રોના કારનામા

મેટ્રોના કારનામા

15 June, 2019 11:49 AM IST |
વર્ષા ચિતલિયા

મેટ્રોના કારનામા

મેટ્રો

મેટ્રો


મચ્છરોને કારણે મંત્રાલય વિસ્તારમાં રહેતા સરકારી અધિકારીના પરિવારના સભ્યો સહિત ૧૨ મેટ્રો-વર્કરને મલેરિયા અને ડેંગીની અસર થઈ હોવાના અખબારી અહેવાલો તમે પણ વાંચ્યા જ હશે. ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જેને પ્રમોટ કરવામાં આવી રહ્યો છે એ મુંબઈ મેટ્રો ચોમાસાને કારણે આવનારા દિવસોમાં નાગરિકોની તકલીફોમાં કેવો ઉમેરો કરે છે એ તો સમય જ કહેશે. જોકે આજે આ આખે-આખા પ્રોજેક્ટના પ્રોગ્રેસ રિપોર્ટ પર એક નજર નાખીએ

દક્ષિણ મુંબઈમાં મેટ્રોના બાંધકામને કારણે મચ્છરોનો ત્રાસ ખૂબ વધી ગયો છે એવી નાગરિકોની ફરિયાદને પગલે તાજેતરમાં બીએમસીના સ્વાસ્થ્ય વિભાગે એમએમઆરસીને પત્ર લખીને આ બાબત તપાસ કરવાનું જણાવ્યું હતું. મચ્છરોને કારણે મંત્રાલય વિસ્તારમાં રહેતા સરકારી અધિકારીના પરિવારના સભ્યો સહિત ૧૨ મેટ્રો-વર્કરને મલેરિયા અને ડેંગીની અસર થઈ હતી. પાલિકાએ પત્રમાં જણાવ્યું હતું કે મેટ્રોના બાંધકામ માટે ખોદવામાં આવેલા ખાડાઓમાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં જંતુનાશક દવા છાંટવા જનારા કર્મચારીઓને પણ રોગ થવાનો ભય રહે છે.



એમએમઆરસી (મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન)એ કોલાબા-બાંદરા-સીપ્ઝને જોડતી મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રો લાઇન માટે ટનલિંગનું ૫૦ ટકા કામ પૂર્ણ કરી નાખ્યું છે. દક્ષિણ મુંબઈ અને શહેરના ઉત્તર ઉપનગરીય વિસ્તારોને જોડતી આ રેલ સર્વિસ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. ૧૭ ટનલ બોરિંગ મશીનને એકસાથે કામે લગાવી એમએમઆરસીએ કુલ ૫૬ કિલોમીટર ટનલિંગમાંથી ૨૮ કિલોમીટર ટનલિંગનું કામ ૧૯ મહિનાના રેકૉર્ડબ્રેક સમયમાં સમાપ્ત કર્યું છે.


મેટ્રોના નિર્માણ સાથે સંકળાયેલા ઉપરોક્ત બન્ને સમાચાર એકદમ તાજા છે. છેલ્લાં ૧૫ વર્ષથી કોઈ ને કોઈ કારણસર સતત અખબારોમાં ચમકતા મુંબઈ મેટ્રો પ્રોજેક્ટનું આટલું મહત્વ કેમ? એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)એ ચાલુ નાણાકીય વર્ષમાં મેટ્રોના બાંધકામની સ્પીડ વધારવા તેમ જ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ૧૬,૯૦૯ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. અધધધ કહી શકાય એવી આ રકમ મુંબઈના વિકાસ માટે વપરાવાની છે જેમાં મેટ્રો પ્રોજેક્ટ મુખ્ય છે. પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની મોટી-મોટી કંપનીઓ સીધી અથવા આડકતરી રીતે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છે. એમએમઆરડીએએ ૨૦૨૨ સુધીમાં તમામ પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવાની બાંયધરી આપી છે ત્યારે મુંબઈ મેટ્રો શું છે એ જાણવું રસપ્રદ રહેશે.

શહેરની ધોરી નસ સમાન લોકલ ટ્રેનની ભીડ અને રોડ-ટ્રાફિકની સમસ્યાનો ગંભીર સામનો કરી રહેલા મુંબઈગરાઓની મુખ્ય જરૂરિયાત છે કનેક્ટિવિટી. મેટ્રો એ બીજું કંઈ નહીં, શહેરના તમામ વિસ્તારોને જોડતી એક રૅપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે. મુંબઈને મેટ્રોપૉલિટન રીજન (વિરાર, ડોમ્બિવલી-કલ્યાણ અને મુંબ્રા જેવાં દૂરનાં ઉપનગરોને મુંબઈ સાથે જોડવું) બનાવવા મેટ્રો સર્વિસ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. ૨૦૦૬ના જૂન મહિનામાં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહ હસ્તક મેટ્રોના ફસ્ર્ટ ફેઝના ફાઉન્ડેશનનો પાયો નખાયો હતો. ૧૫ વર્ષમાં ત્રણ તબક્કામાં તમામ લાઇન કાર્યરત કરવાનો પ્લાન હતો, પરંતુ રાજકીય ખટપટ, પર્યાવરણ ખાતાની મંજૂરી અને જમીનસંપાદનના કાર્યમાં વિલંબ થતાં પ્રારંભિક તબક્કાના બાંધકામનું કાર્ય મોડું શરૂ થયું હતું.


Metro Work

કોઈ પણ સારું કાર્ય ઇમ્પ્લીમેન્ટ કરવાનું હોય ત્યારે અડચણ તો આવવાની જ, પણ એનાથી કામ અટકી ન જાય એમ જણાવતાં એમએમઆરડીએના પ્રવક્તા દિલીપ કવાથકર કહે છે, ‘મુંબઈ મેટ્રો એ ડ્રીમ પ્રોજેક્ટ છે. મેટ્રો રેલ કાર્યરત થતાં રોડનો ટ્રાફિક હળવો થશે. હાલમાં પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલુ છે અને નક્કી કરેલા સમયમાં પૂર્ણ થઈ જશે. પ્રોજેક્ટ ફિક્સ કરવો, ટેન્ડર મગાવવાં, એજન્સીની નિમણૂક કરવી એ બધાં કામમાં સમય લાગે. ROW અવેલેબલ હોય ત્યાં અમારું કામ સરળ થઈ જાય છે. વેસ્ટર્ન અને ઈસ્ટર્ન હાઇવે પર કામ શરૂ કરવામાં કોઈ અડચણ ઊભી થઈ નહોતી, પરંતુ જમીનસંપાદનની પ્રક્રિયા જટિલ હોય છે. મેટ્રોના બાંધકામના માર્ગમાં આવતા લોકોનાં પુનવર્સન અને સ્થળાંતરને લઈને થોડા ઇશ્યુઝ આવે છે. પ્રભાવિત લોકોને અન્ય જગ્યાએ ખસેડવામાં વિલંબ થવાથી કેટલીક વાર કામ ખોરંભે ચડી જાય છે. આ સિવાય કોઈ મુશ્કેલી નડી નથી.’

મેટ્રોના નિર્માણને કારણે રસ્તા સાંકડા થઈ ગયા છે અને માથે ચોમાસાની સીઝન છે એવામાં લોકોની હાલાકી વધશે? આ સંદર્ભે વાત કરતાં દિલીપ કવાથકર કહે છે, ‘મેટ્રોને લીધે મુંબઈગરાઓને ચોમાસામાં પણ કોઈ મુશ્કેલી નડશે નહીં. જે જગ્યાએ બાંધકામ ચાલે છે ત્યાંના રસ્તાઓ પર ભરણીનું કાર્ય થઈ ગયું છે. કોઈ પણ પ્રકારની કટોકટી સર્જાય અથવા ફરિયાદ આવે તો એને પહોંચી વળવા અમે મશીનરી અને માણસો તૈયાર જ રાખ્યા છે. માત્ર ચોમાસા પૂરતું નહીં, પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધી રસ્તા સુધારવાનું કામ અમારું છે અને અમે એ કરી રહ્યા છીએ. જ્યાં મેટ્રોનું કામ નથી એ રસ્તાઓની જવાબદારી અમારી નથી.’

ચારે બાજુ ખોદકામને કારણે સામાન્ય જીવન પર અસર થઈ છે. અનેક જગ્યાએ બૅરિકેડ્સ લગાવી દેવાતાં યુટર્ન લાંબા થઈ ગયા છે, રાત-દિવસ ચાલતા કામને કારણે ઘોંઘાટ અને પ્રદૂષણ વધ્યું છે, અકસ્માત વધ્યા છે. મેટ્રો શરૂ થતાં આ તમામ મુસીબતોનો અંત આવશે એવી આશા સેવાઈ રહી છે. શું મેટ્રો બનવાથી સામાન્ય નાગરિકને લાભ થશે? આ સંદર્ભે વાત કરતાં બોરીવલીના બિઝનેસમૅન સુરેશ પટેલ કહે છે, ‘મેટ્રો બનવાથી ઓડ રૂટ પર ટ્રાવેલ કરવાવાળાને કોઈ લાભ થવાનો નથી. હા, લોકલ ટ્રેનના પ્રવાસીઓને રાહત થશે. બીજું, રોડ પરના ટ્રાફિકમાં કોઈ ફરક પડશે નહીં. મુંબઈમાં મેટ્રો બનવી જોઈએ એ વાત સાથે હું સહમત છું, પણ જે રીતે કામ ચાલે છે એનાથી લોકોની હાડમારી વધી છે. છેલ્લાં ૧૦ વર્ષથી હું બાય રોડ ચેમ્બુર જાઉં છું. પવઈ, બાંદરા, થાણે એમ બધા રસ્તા ટ્રાય કરી જોયા છે, પિલર અને ડિવાઇડરનાં ઑબ્સ્ટ્રેશન આવે જ છે. બૅરિકેડ્સ લગાવી રોડ સાંકડો કરી નાખે એ ચલાવી લઈએ, પણ ખાડાની ભરણી તો કરો. એક લાઇન બ્લૉક કરો છો ત્યારે બીજી લાઇન પર ગાડીઓ સડસડાટ દોડવી જોઈએ. જો સાઇડના રસ્તા સુધારી લેવામાં આવે તો અકસ્માત ઘટી જશે. ટ્રાફિક સ્મૂધ કરવો જરૂરી છે. હાલમાં પવઈ-વિક્રોલી રૂટ પર ઇલેક્રિે કનું કામ ચાલે છે. ક્યાંક પાણીની લાઇન તો ક્યાંક ટેલિફોનવાળા કામ કરતા હોય છે. ઓવરઑલ કમાન્ડર બીએમસીના હાથમાં છે તો એમએમઆરડીએ સાથે કો-ઑર્ડિનેટ કરી સાઇડના રસ્તા સુધારવા જોઈએ.’

હાલમાં મુંબઈ મેટ્રો ડ્રીમ પ્રોજેક્ટમાં લાઇન-વન કાર્યરત છે. લાઇન-ટૂએ અને લાઇન-ટૂબી, લાઇન ૩, ૪, ૬ અને ૭ પર બાંધકામનું કાર્ય ચાલુ છે. લાઇન-૯ માટે ટેન્ડર મગાવવામાં આવ્યાં છે. લાઇન-૧ અને ૩ સિવાયના બધા પ્રોજેક્ટ એમએમઆરડીએના કન્ટ્રોલમાં છે.

એમએમઆરડીએના પ્રવક્તા દિલીપ કવાથકરનું શું કહેવું છે?

મુંબઈ મેટ્રોના બાંધકામને કારણે ચોમાસામાં કે કોઈ પણ સીઝનમાં નાગરિકોને હાલાકી ભોગવવી ન પડે એવા તમામ પ્રયાસો કરવામાં આવે છે. વરસાદ શરૂ થતાં પહેલાં જ રસ્તા સુધારી લેવામાં આવ્યા છે તેમ જ કોઈ પણ કટોકટી અથવા ફરિયાદ આવે તો તાબડતોબ કામ શરૂ કરી શકાય એ માટે માણસો અને મશીનરી તૈયાર રાખવામાં આવી છે.
મેટ્રોને ડ્રીમ પ્રોજેક્ટ કહેવું એ નાગરિકોની આંખમાં ધૂળ નાખવા જેવી વાત છે : નીતિન કિલ્લાવાલા, આર્કિટેક્ટ અને અરજદાર

તાજેતરમાં જુહુ વિલે પાર્લે ડેવલપમેન્ટ અસોસિએશનના સભ્યોએ મુંબઈ મેટ્રોના નિર્માણને લઈને મુંબઈ હાઈ કોર્ટમાં એક પિટિશન ફાઇલ કરી છે. અરજદારોનું કહેવું છે કે મેટ્રોને કારણે ટ્રાન્સપોર્ટનાં બીજાં માધ્યમ અને રાહદારીઓને અસર થઈ રહી છે. પહેલેથી જ સાંકડા રસ્તાનું વિસ્તરણ મુશ્કેલ છે. આ સંદર્ભે વાત કરતાં જેવીપીડીના સભ્ય અને આર્કિટેક્ટ નીતિન કિલ્લાવાલા કહે છે, ‘૧૦૦ વર્ષ સુધીની આવરદા ધરાવતા મોટા પ્રોજેક્ટ માટે સૌથી જરૂરી છે જમીન અને આયોજન. જમીનસંપાદન વગર માત્ર એજન્ડા બનાવી નાખવાથી કંઈ મેટ્રો દોડવા નહીં માંડે. આ વિકાસ નથી, અંધવિકાસ છે. એક મેટ્રો સ્ટેશન પર ચાર એન્ટ્રી અને ચાર એક્ઝિટ તેમ જ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક લાખ ચોરસ ફુટ જમીન જોઈએ. મેટ્રો યાર્ડ અને સ્ટેશન માટે એમએમઆરડીએએ જમીનસંપાદન કરી જ નથી તો ડેડલાઇનમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે ક્યાંથી? અત્યારે જે કામ ચાલે છે એ બે સ્ટેશન વચ્ચે વાયર ટક્ટનું કામ છે, એટલું જ નહીં, છેલ્લા છ મહિનાથી લગભગ બધી સાઇટ પર કામ બંધ કરી દેવામાં આવ્યું છે અથવા એકદમ જ ધીમી ગતિએ ચાલે છે. લાઇન-ટૂએ અને લાઇન-૭ના ૩૪ સ્ટેશનોમાંથી ફક્ત સાતથી આઠ સ્ટેશનનું ૬૦ ટકા કામ પૂર્ણ થયું છે. નક્કી કરેલા સમયે મેટ્રો દોડે એ પૉસિબલ જ નથી.’

કોઈ પણ મહત્વના ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ માટે આયોજન હોવું જોઈએ, ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં જ્યાં પહેલેથી લોકલ ટ્રેન સર્વિસ ઉપલબ્ધ છે જ. મેટ્રો લાઇન-ટૂબી આયોજન વગરનો પ્રોજેક્ટ છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘ડીએન નગરથી મંડાલાનો ૨૩.૫ કિલોમીટર લાંબો પટ્ટો ગીચ રહેણાક વિસ્તાર છે. આ રૂટ પર ઍરપોર્ટ આવેલું છે એથી એની ગણના સંવેદનશીલ વિસ્તારમાં થાય છે. અહીં અમુક ફુટથી વધુ ઊંચાઈના બાંધકામની પરવાનગી જ નથી મળવાની, એટલું જ નહીં, બાંદરા-કુર્લા રેલ ટ્રૅક્સ, ફ્લાયઓવર, વેસ્ટર્ન-ઈસ્ટર્ન હાઇવે, મોનોરેલ, મીઠી નદી જેવા અસંખ્ય અવરોધો છે એથી એલિવેટેડ કામ શક્ય નથી. આવા જ અવરોધો અન્ય જગ્યાએ પણ છે. અત્યારે જ્યાં ધીમી ગતિએ કામ ચાલે છે એવા

અંધેરી-ઈસ્ટ અને દહિસર-ઈસ્ટના માર્ગમાં રાષ્ટ્રીય ઉદ્યાન (નૅશનલ પાર્ક)છે અને પાંચ મિનિટના અંતરમાં લોકલ ટ્રેન છે. આ પ્રોજેક્ટનો કોઈ હેતુ દેખાતો નથી. હજારો કરોડો રૂપિયાની લોન મંજૂર કરાવી લીધી છે, પણ અત્યાર સુધીમાં અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયા જ વપરાયા છે. આટલી રકમ વાપરતાં ત્રણ વર્ષ લાગ્યાં છે તો શું ડેડલાઇન સુધીમાં બાકીની રકમ વાપરીને કામ પૂરું કરી શકાય? શક્ય જ નથી. જમીનસંપાદન સિવાયના પણ ઘણા ઇશ્યુઝ છે એથી મેટ્રોને ડ્રીમ પ્રોજેક્ટ કહેવું એ નાગરિકોની આંખમાં ધૂળ નાખવા જેવી વાત છે.’

Navi Mumbai Metro

સમસ્ત મુંબઈને આવરી લેતી મેટ્રો લાઇનનું વિભાજન કઈ રીતે?

લાઇન-૧ : લાઇન-૧ મુંબઈની પ્રથમ કાર્યરત મેટ્રો રેલ સર્વિસ છે. આઠમી જૂન, ૨૦૧૪ના રોજ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે ૧૧.૪૦ કિલોમીટરના અંતરની વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રોને લીલી ઝંડી આપી હતી. શહેરનાં પશ્ચિમ અને પૂર્વનાં પરાંને જોડતા આ રૂટ પર કુલ ૧૨ સ્ટેશન છે. ચાર કોચવાળી મેટ્રો ટ્રેનમાં એક સર્વિસ દરમ્યાન અંદાજે ૧૫૦૦ મુસાફરો પ્રવાસ કરે છે. મુસાફરોની અવરજવરની સંખ્યામાં લાઇન-૧ વિશ્વમાં આઠમો ક્રમાંક ધરાવે છે. રિલાયન્સ ઇન્ફ્રા અને એમએમઆરડીએના સંયુક્ત પ્રોજેક્ટના નિર્માણ પાછળ ૪૩૨૧ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે.

લાઇન-૨ : એમએમઆરડીએ દ્વારા અનાવરણ કરવામાં આવેલા ઓરિજિનલ મેટ્રો માસ્ટર પ્લાન, ૨૦૦૪માં કોલાબા-બાંદરા-ચારકોપના ૩૮.૨૪ કિલોમીટરના પ્રસ્તાવિત અંતરનો લાઇન-૨માં તેમ જ ૧૩.૩૭ કિલોમીટર લાંબા બાંદરા-કુર્લા-માનખુર્દ અને ચારકોપથી દહિસરના ૭.૫ કિલોમીટરના અંતરનો અનુક્રમે લાઇન-૩ અને લાઇન-૪માં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૨૦૧૨ના રિવાઇઝ્ડ પ્લાનમાં ચારકોપ-બાંદરા-માનખુર્દ અને ચારકોપ-દહિસર કૉરિડોરને એક જ છત હેઠળ આવરી લેવામાં આવ્યો છે. ૩૨ કિલોમીટરના અંતરમાં ૨૭ સ્ટેશન ધરાવતા પ્રસ્તાવિત દહિસર-બાંદરાા-માનખુર્દ રૂટ પર પ્રથમ ચરણ (લાઇન-ટૂએ અને લાઇન-ટૂબી)ના બાંધકામનું કાર્ય પુરજોશમાં ચાલે છે. એમએમઆરડીએએ આ વર્ષના અંત સુધીમાં કામ પૂરું થઈ જવાનો દાવો કર્યો છે. પ્રથમ ચરણનું કાર્ય પૂરું થતાં સુધીમાં ૬૪૧૦ કરોડ રૂપિયા ખર્ચાઈ જવાનો અંદાજ છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ લાઇનને ભાઇંદર (લાઇન-૯) સુધી વિસ્તારવાની જાહેરાત કરી છે.

લાઇન-૩ : કોલાબા-બાંદરા-સીપ્ઝ કૉરિડોર લાઇન-૩ તરીકે ઓળખાય છે. કફ પરેડથી સીપ્ઝ વચ્ચેના ૩૩.૫ કિલોમીટરના અંતરના આ રૂટ પર ૨૬ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન બંધાશે. પ્રસ્તાવિત કૉરિડોરના બાંધકામ માટે ૩૦ હજાર કરોડ રૂપિયાનું બજેટ બનાવવામાં આવ્યું છે. બીકેસી અને ધારાવી સ્ટેશન વચ્ચેના ભાગમાં ૧૭૦ મીટર લાંબી ટનલ (મીઠી નદી)માંથી મેટ્રો પસાર થશે. આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને જોડતા અત્યંત મહત્વના આ પ્રોજેક્ટ માટે જપાન ઇન્ટરનૅશનલ કો-ઑપરેશન એજન્સીએ ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકારના માધ્યમથી ૧૩,૨૩૫ કરોડ રૂપિયાની લોન આપી છે. લાઇન-૩ની ડેડલાઇન ડિસેમ્બર ૨૦૨૧ છે.

લાઇન-૪ : વડાલા-કાસરવડવલી (ઘોડબંદર, થાણે) વાયા ઘાટકોપર-મુલુંડ લાઇન-૪ના બાંધકામનું કાર્ય એના પ્રારંભિક તબક્કામાં છે. એમએમઆરડીએ પ્રસ્તાવિત પ્રોજેક્ટના ૩૨.૩૨ કિલોમીટરના અંતરમાં ૩૪ સ્ટેશન હશે. લાઇન-૪ના બાંધકામ માટે ૧૪,૫૪૯ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ૨૦૨૨ સુધીમાં આ રૂટ કાર્યરત થઈ જશે.

લાઇન-૫ : ૨૪.૯ કિલોમીટર લાંબા થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો રૂટ માટે ૮૪૧૬ કરોડ રૂપિયાનું બજેટ બનાવવામાં આવ્યું છે. એમએમઆરડીએ પ્રસ્તાવિત ૧૭ સ્ટેશન ધરાવતા આ રૂટનું નિર્માણકાર્ય ૨૦૧૭માં શરૂ થયું છે. ૨૦૨૧માં લાઇન-પાંચ કાર્યરત થવાની અપેક્ષા છે.

લાઇન-૬ : લોખંડવાલા-જોગેશ્વરી-વિક્રોલી-કાંજુરમાર્ગ કૉરિડોર લાઇન-૬ તરીકે ઓળખાય છે. એમએમઆરડીએ પ્રસ્તાવિત ૧૪.૪૭ કિલોમીટરના અંતરમાં બાંધકામનું કાર્ય ચાલુ છે. ૧૩ સ્ટેશનમાં વિસ્તારિત આ રૂટના નિર્માણ માટે ૬૬૭૨ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ૨૦૨૨ સુધીમાં અહીં મેટ્રો દોડતી થઈ જશે.

લાઇન-૭ : ૩૩.૫ કિલોમીટરના અંધેરી પૂર્વ-દહિસર પૂર્વ કૉરિડોરમાં ૧૩ સ્ટેશન બની રહ્યાં છે. જેમાંથી કેટલાંક સ્ટેશન અન્ડરગ્રાઉન્ડ હશે. હાલમાં કામની ઝડપ વધારવામાં આવી છે. આ રૂટને ભાઈંદર (લાઇન-૯) સુધી વિસ્તારવાની યોજના હેમખેમ પાર પડશે તો સ્ટેશનની સંખ્યા વધીને ૨૯ થઈ જશે. આવતા વર્ષના અંત સુધીમાં એમએમઆરડીએ લાઇન-૭ના નિર્માણનું કાર્ય પૂરું કરી દેશે એવી અપેક્ષા છે.

લાઇન-૮ : છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ વચ્ચે ૪૫ કિલોમીટરના અંતરને આવરી લેતા એમએમઆરડીએ અને સિડકોના સંયુક્ત પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં આઠ મેટ્રો સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી મુંબઈમાં ઍરપોર્ટ બની રહ્યું છે એથી આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વનો છે.

લાઇન-૯ : ઉપર જણાવ્યા અનુસાર ભાઈંદર સુધી મેટ્રોને વિસ્તારવાની યોજનાને લાઇન-૯ નામ આપવામાં આવ્યું છે.

લાઇન-૧૦ : એમએમઆરડીએ પ્રસ્તાવિત ગાયમુખ (થાણે)થી શિવાજી ચોક (મીરા રોડ) કૉરિડોર માટે સરકારી મંજૂરી મળી ગઈ છે. ૯ કિલોમીટરના આ રૂટ પર ૯ સ્ટેશન બાંધવાની યોજના છે.

લાઇન-૧૧ : વડાલાથી છત્રપતિ શિવાજી ટર્મિનસના ૧૪ કિલોમીટરના અંતરને આવરી લેતા આ પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. આ રૂટ પર ૧૦ (બે એલિવેટેડ અને ૮ અન્ડરગ્રાઉન્ડ) સ્ટેશન હશે. એમએમઆરડીએએ લાઇન-૧૧ માટે ૮૭૩૯ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ મૂક્યો છે.

લાઇન-૧૨ : એમએમઆરડીએ પ્રસ્તાવિત કલ્યાણ-ડોમ્બિવલી-તળોજા મેટ્રો પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. ૨૦.૭૫ કિલોમીટરના અંતરમાં ૧૭ સ્ટેશન બાંધવાની યોજના ધરાવતો આ રૂટ લાઇન-પાંચનું વિસ્તરણ હશે. લાઇન-૧૨ માટે ૪૧૩૨ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ મૂકવામાં આવ્યો છે.

લાઇન-૧૩ : પ્રસ્તાવિત મીરા-ભાઈંદર-વિરાર કૉરિડોરને લાઇન-૧૩ નામ આપવામાં આવ્યું છે. એમએમઆરડીએ વિરાર રીજનને મુંબઈ સાથે જોડવા માગે છે.

આ પણ વાંચો : કચરાના ઢગલામાં ફેરવાઈ રહ્યો છે વિશ્વનો સૌથી ઊંચો પર્વત

લાઇન-૧૪ : સમસ્ત થાણે શહેરના વિસ્તારોને આવરી લેતી લાઇન-૧૪ પર જલદી કામ શરૂ થવાની અપેક્ષા છે. ૨૯ કિલોમીટર લાંબા આ મેટ્રો કૉરિડોરમાં ૨૦ એલિવેટેડ અને બે અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનનંવ નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે ૧૦,૮૪૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2019 11:49 AM IST | | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK