કચરાના ઢગલામાં ફેરવાઈ રહ્યો છે વિશ્વનો સૌથી ઊંચો પર્વત

વર્ષા ચિતલિયા | Jun 09, 2019, 10:43 IST

માઉન્ટ એવરેસ્ટ માટેનું વૉર્નિંગ અલાર્મ વાગી ચૂક્યું છે...

કચરાના ઢગલામાં ફેરવાઈ રહ્યો છે વિશ્વનો સૌથી ઊંચો પર્વત
એવરેસ્ટ પર વધ્યો કચરો

એક રિપોર્ટ અનુસાર માઉન્ટ એવરેસ્ટના ૮૮૪૮ મીટર લાંબા માર્ગમાં ટેન્ટ, બેકાર થઈ ગયેલાં ઉપકરણો, ખાલી થઈ ગયેલાં સિલિન્ડર, માનવીય વેસ્ટ અને અન્ય કચરો મળીને હાલમાં અંદાજે એક હજાર ટન કચરો જમા થઈ ગયો છે. પ્રદૂષણ, બરફ નીચે દટાયેલો કચરો અને પીગળતી હિમનદીઓ આવનારા સમયમાં એવરેસ્ટ સર કરવા જનારા પર્વતારોહીઓ માટે અનેક નવાં મોટાં જોખમ લઈને આવશે એવી શક્યતાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે

વિશ્વનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ છેલ્લા થોડા દિવસથી વિશ્વભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. સુસવાટા મારતા પવન અને ગાત્રો થિજાવી નાખતી ઠંડીની વચ્ચે અહીં રીતસરનો જીવન-મૃત્યુ વચ્ચેનો જંગ ખેલાઈ રહ્યો છે. આ સીઝનમાં માઉન્ટ એવરેસ્ટ સર કરવા નીકળેલા ૩૮૧ પર્વતારોહીમાંથી આ લખાય છે ત્યાં સુધી ઓડિશાનાં કલ્પના દાસ, પુણેના નિહાલ બાગવાન અને થાણેનાં અંજલિ કુલકર્ણી એમ ત્રણ ભારતીયો સહિત ૧૧ પર્વતારોહીનાં કરુણ મોત નીપજ્યાં હોવાના સમાચાર છે. ૫૮ વર્ષનાં સિનિયર સિટિઝન અંજલિના હસબન્ડ શરદ કુલકર્ણીએ પત્નીને ઑક્સિજનના અભાવે તરફડી-તરફડીને મરતાં નજરે જોઈ હતી. આટલી ઊંચાઈએ પત્નીને મદદ ક્યાંથી મળે? આ એક ભયાનક ઘટના હતી.

દર વર્ષે આખા વિશ્વના મીડિયા જગતની મીટ જેના પર મંડાયેલી હોય એ પર્વત પર વિજય પ્રાપ્ત કરવાનું આકર્ષણ વધતાં એવરેસ્ટ પર માનવ ભીડ જામી છે. ૮૮૪૮ મીટર ઊંચા માઉન્ટ એવરેસ્ટના સર્વોત્તમ શિખર પર પહોંચવું એ દરેક પર્વતારોહકનું સ્વપ્ન હોય છે એ સાચું, પરંતુ છેલ્લા નવ દાયકામાં ૩૦૦થી વધુ ક્લાઇમ્બર્સ મોતને ભેટ્યા છે એ ઘટનાને બિલકુલ નજરઅંદાજ ન કરી શકાય. છેલ્લા બે દસકામાં જ ૧૩૧ પર્વતારોહીએ જીવ ગુમાવ્યા છે. માઉન્ટન સિકનેસ, થકાવટ, ફ્રૉસ્ટ બાઇટ, ઑક્સિજનની અછત અને ચડવા-ઊતરવામાં વિલંબ થવાના લીધે આ વર્ષના પ્રારંભમાં જ અગિયારનાં મોત થઈ ચૂક્યાં છે.

એવરેસ્ટ સર કરી હેમખેમ પરત ફરેલા પર્વતારોહકોનું કહેવું છે કે નેપાળ સરકારે હિમાલયના સર્વોચ્ચ શિખર પર ચડવા આ વર્ષે રેકૉર્ડ બ્રેક પરમિટ આપતાં માર્ગમાં હ્યુમન ટ્રાફિક જૅમ થઈ ગયો હતો અને પરિસ્થિતિ વણસી હતી. પર્વત પરથી નીચે ઊતરતી વખતે તેમણે દોરડા પર લટકેલા બરફમાં થીજી ગયેલાં શબ જોયાં હતાં. એવરેસ્ટ પર હ્યુમન ટ્રાફિકની બહાર આવેલી તસવીરો પણ આઘાત પમાડનારી છે. બરફની સાંકડી કેડીમાં દોરડું ઝાલી કતારબંધ ઊભેલા પર્વતારોહીની બિહામણી તસવીરો ઘણુંબધું કહી જાય છે. કેટલાય પર્વતારોહીઓ શબ પર પગ મૂકીને પસાર થયા હતા. આ સંદર્ભે નેપાલ ટૂરિઝમ બાર્ડે પોતાનો બચાવ કરતાં સ્પષ્ટ કર્યું હતું કે હ્યુમન ટ્રાફિકને પર્વતારોહીનાં મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી. અમારો દેશ પ્રવાસનની આવક પર નભે છે તેથી પર્વતારોહી પર પ્રતિબંધ મૂકવાનો પણ કોઈ વિચાર નથી. બોર્ડનું કહેવું છે કે માત્ર પર્વતારોહીઓની સંખ્યા માઉન્ટ એવરેસ્ટનું ભાવિ નક્કી ન કરી શકે. અનેક વાર એવરેસ્ટ પર જઈ આવેલા જાણીતા પર્વતારોહક ઍલન આર્નેટનું કહેવું છે કે ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટીના નામે એવરેસ્ટ ન ચડાય. જે રીતે અન્ય સ્પોર્ટ્સ માટે તાલીમ અને નિયમો બનાવેલાં છે એવી શરતો પાળવામાં કેમ નથી આવી?

પર્વતારોહીઓના મૃત્યુના ચોંકાવનારા આંકડાઓ ઉપરાંત અન્ય કારણો પણ છે જેને લીધે માઉન્ટ એવરેસ્ટનું ભાવિ જોખમમાં મુકાઈ ગયું છે. એક તરફ એવરેસ્ટ પર પ્રદૂષણનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે બીજી બાજુ વૈશ્વિક તાપમાનમાં વધારાથી હિમનદીઓ પીગળી રહી છે, જેની અસર એવરેસ્ટ અને એની આસપાસની પર્વતમાળાનાં શિખરો પર દેખાવા લાગી છે. વર્ષ ૨૦૦૯થી એવરેસ્ટ પર સંશોધન કરી રહેલા વેસ્ટર્ન વૉશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર જૉન ઑલ અને તેમની ટીમના અન્ય વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પ્રદૂષણ, બરફ નીચે દટાયેલો કચરો અને પીગળતી હિમનદીઓ હવે પછી એવરેસ્ટ સર કરવા જનારા પર્વતારોહીઓ માટે ખૂબ જ જોખમી પુરવાર થઈ શકે છે. દસ વર્ષમાં એવરેસ્ટ અને હિમાલયની પર્વતમાળાના વિસ્તારમાં જોવા મળેલાં પરિવર્તન પર્યાવરણ સામે ખતરો દર્શાવી રહ્યાં છે. પર્વતારોહીઓ જે કચરો ફેંકતા જાય છે એનું બરફમાં રૂપાંતર થઈ જાય છે. આ બરફ ઓગળે છે ત્યારે ગંદકીને પોતાની સાથે નીચે ઢસડી લાવે છે. છેલ્લા થોડા દાયકાથી ઉષ્ણાતામાન વધતાં હિમનદીઓના ઓગળવાની પ્રક્રિયા ઝડપી બની છે. આ ઉપરાંત જો હિમવર્ષા થાય તો કચરા પર બરફનો સ્તર વધતો જાય અને કચરો નીચેને નીચે દટાતો જાય. બન્ને દૃષ્ટિએ વિચારીએ તો બરફમાં પ્રદૂષણનું પ્રમાણ વધી જ રહ્યું છે એ વાસ્તવિકતાને સ્વીકારવી પડે. બરફ નીચે દટાયેલી ગંદકીને તેમની ટીમે નજરોનજર જોઈ હતી. વૈજ્ઞાનિકોની આ ટુકડીએ ઓગળતા બરફનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરીક્ષણ કરતાં એનો રંગ ઘેરો હોવાનું તારણ નીકળ્યું હતું. હિમાલય પર ઊગતા છોડ પર પથરાયેલા બરફનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું. પોતાની સાથે તેઓ છોડના નમૂનાઓ લાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા પહોંચ્યા બાદ તેઓ આ છોડનું પરીક્ષણ કરી એનાં તારણો પર અહેવાલ રજૂ કરશે. આ ટીમે એવરેસ્ટની સાથે એની સિસ્ટર પીક લોહટ્સે (૨૬૨૪૦ ફીટ)ની ચોટી પર જવાનો પ્લાન પણ બનાવ્યો હતો, પરંતુ બન્ને શિખરના લાસ્ટ કમ્બાઇન પૉઇન્ટ પર પહોંચ્યા બાદ હ્યુમન ટ્રાફિકના કારણે વિચાર પડતો મૂક્યો હતો.

અત્યાર સુધીમાં આશરે ચાર હજાર પર્વતારોહીઓ એવરેસ્ટ સમિટ પર પહોંચ્યા છે. વિશ્વભરમાંથી દર વર્ષે સેંકડો પર્વતારોહકો એવરેસ્ટ સર કરવા આવે છે. પરિણામે પર્વત કચરાના ઢગલામાં ફેરવાઈ ગયો છે. પર્વતારોહકો જેમ-જેમ આગળ વધે છે, પોતાની સાથે લાવેલો વપરાયેલો સામાન પર્વત પર ઠાલવતા જાય છે. એક રિપોર્ટ અનુસાર માઉન્ટ એવરેસ્ટના ૮૮૪૮ મીટર લાંબા માર્ગમાં ટેન્ટ, બેકાર થઈ ગયેલાં ઉપકરણો, ખાલી થઈ ગયેલાં સિલિન્ડર, માનવીય વેસ્ટ અને અન્ય કચરો મળીને હાલમાં અંદાજે એક હજાર ટન કચરો જમા થઈ ગયો છે. એવરેસ્ટ પર વધી રહેલી ગંદકીના કારણે ચીને પર્વતારોહકોની સંખ્યામાં ઘટાડો કર્યો છે, જ્યારે આર્થિક લાભ માટે નેપાલ વધુમાં વધુ પર્વતારોહકોને મંજૂરી આપવા લાગ્યું છે. અનુભવી પર્વતારોહકો અને પર્વતારોહણના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે બિનઅનુભવી ક્લાઇમ્બર્સ જાયન્ટ કિલર છે. ઍડ્વેન્ચર માટે નીકળી પડેલા આ ક્લાઇમ્બર્સને દોરડાં બાંધવા માટે પણ શેરપાની હેલ્પ લેવી પડતી હતી. આવેદનકર્તાઓને મંજૂરી આપતાં પહેલાં નેપાલ સરકારે આ બાબત તકેદારી રાખવાની આવશ્યકતા છે. અત્યારે ઊહાપોહ થયો છે તેથી ત્યાંની સરકાર સફાળી જાગી છે, પરંતુ પ્રસ્તાવિત બદલાવ માત્ર દેખાડો છે. નેપાલ સરકાર હંમેશાંથી ૧૧ હજાર ડૉલર ભરનાર તમામ આવેદનકર્તાઓને મંજૂરી આપતી રહી છે. નવા-નવા ક્લાઇમ્બર્સ જે રીતે માર્ગમાં ફોટો પાડવા અને સેલ્ફી ખેંચવા ઊભા રહી જાય છે એ બતાવે છે કે માઉન્ટ એવરેસ્ટનો જાદુ ઓસરી રહ્યો છે.

ઉકેલ શું?

એવરેસ્ટની માઠી દશા જોતાં પ્રશ્ન થાય કે આનો ઉકેલ શું? કોઈ પ્લાન બનાવવામાં આવ્યા છે? પર્વત પર જમા થયેલો ટનબંધ કચરો નીચે લાવવો સહેલો નથી. નેપાલ સરકાર આ સમસ્યા ઘણાં વર્ષથી ફેસ કરી રહી છે. વિશ્વના સૌથી ઊંચા શિખર પર જનારા લોકોની સંખ્યામાં વધારો થતાં માઉન્ટ એવરેસ્ટ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનો વારો આવ્યો છે. વૈશ્વિક દબાણ વધતાં ત્યાંની સરકારે હવે કચરાની સફાઈ માટે ટીમ બનાવવાની ફરજ પડી છે. આ માટે પર્વતારોહણની તાલીમ આપતી સંસ્થાઓ, સ્થાનિક સંગઠનો, શેરપાઓ અને સેનાની સહાય લેવામાં આવી રહી છે. તાજેતરમાં ધરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનમાં અગિયાર હજાર કિલો કચરો અને ચાર મૃતદેહ મળ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. મૃતદેહોને કાઠમાંડુની હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બે મૃતદેહ (એક રશિયન અને એક નેપાળી)ની ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે. નીચે લાવવામાં આવેલા કેટલાક કચરાને પાંચ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસના રોજ નેપાલના આર્મી ચીફ જનરલ પૂરનચંદ્ર થાપાની ઉપસ્થિતિમાં બ્લુ વેસ્ટ ટુ વૅલ્યુ નામની બિનસરકારી સંસ્થાને સોંપવામાં આવ્યો છે. આ સંસ્થા પ્લાસ્ટિક અને અન્ય વેસ્ટના રીસાઇક્લિંગ સાથે જોડાયેલી છે. ગુમ થયેલા પર્વતારોહીની શોધ ચલાવવા હાથ ધરવામાં આવેલા રેસ્ક્યુ મિશનમાં ભારતીય સેના પણ સહાય કરી રહી છે. ઇન્ડિયન ઍરફોર્સના પાઇલટોએ ચીન-નેપાલ સરહદ નજીક પાંચ મૃતદેહો જોયા હોવાની પુષ્ટિ કરી હતી. હાલમાં પર્વતારોહીઓની શોધખોળ અને કચરો નીચે લાવવાના કામમાં વેગ આવ્યો છે.

બે વર્ષ પહેલાં સાગરમાથા પ્રદૂષણ નિયંત્રિત સમિતિએ આવેદનપત્ર ભરનાર માટે કેટલાક નિયમો બનાવ્યા હતા. પર્વત પર જનારા પર્વતારોહીએ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે અઢી લાખ રૂપિયા જમા કરાવવાના હોય છે. જે પર્વતારોહી પોતાની સાથે ઓછામાં ઓછો આઠ કિલોગ્રામ કચરો પરત લાવે તેને આ રકમ પાછી આપી દેવામાં આવે છે. અહીં નેપાલ સરકારને નજીવી સફળતા મળી છે. પાછલી સીઝનમાં ૨૫ ટન કચરો અને ૧૫ ટન માનવ વેસ્ટ નીચે લાવવામાં આવ્યો હતો, પરંતુ કચરાનો આ અંશ ઘણો ઓછો છે. જે ઝડપથી ઉપર જનારા પર્વતારોહીની સંખ્યા વધી રહી છે એની સામે ક્લીનઅપ મિશનની ગતિ ઘણી ધીમી છે તેથી આગામી સમયમાં કચરાનું પ્રમાણ વધશે. એ જ રીતે પર્વતારોહણ માટેના નિયમો કડક બનાવવામાં નહીં આવે તો એવરેસ્ટની ચોટી પર પોતાના દેશનો ધ્વજ ફરકાવવાની અભિલાષા સાથે જનારા પર્વતારોહીઓ બરફની ચાદર નીચે દટાતા જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

માઉન્ટ એવરેસ્ટ નામ કઈ રીતે પડ્યું?

નેપાલમાં સાગરમાથા (સ્વર્ગશીર્ષ), તિબેટમાં ચોમોલંગમા (પર્વતોની રાણી) અને સંસ્કૃતમાં દેવગિરિના નામે ઓળખાતા એવરેસ્ટની ગણના વિશ્વના સૌથી ઊંચા શિખરમાં થાય છે. નેપાલ અને ચીન (તિબેટ સ્વાયત્ત પ્રદેશ)ની આંતરરાષ્ટ્રીય સરહદની હિમાલય પર્વતમાળાની મહલંગુર રેન્જમાં આવેલા એવરેસ્ટની ઊંચાઈ ૮૮૪૦ મીટર (૨૯,૦૦૨ ફીટ) માપવામાં આવી હતી. વિશ્વના સર્વોચ્ચ પર્વતોની હાઇટ્સ, લોકેશન અને નામકરણને નિર્ધારિત કરવા ૧૮૦૨માં બ્રિટિશરોએ ભારતમાં ટ્રાઇગોનોમેટ્રિક સર્વે શરૂ કરાવ્યો હતો. દક્ષિણ ભારતમાં આવેલા પર્વતોની ઊંચાઈ માપવાથી શરૂ કરતાં-કરતાં ૧૮૩૦માં સર્વે ટીમ હિમાલય પર્વતમાળા સુધી પહોંચી હતી, પરંતુ નેપાલે પોતાની સરહદમાં પ્રવેશવાની પરવાનગી ન આપતાં વાત અટકી ગઈ હતી. ૧૮૪૭માં તત્કાલીન બ્રિટિશ જનરલ ઍન્ડ્રુ વૉઘે સર્વેને આગળ વધારી હિમાલયની પૂર્વમાં સ્થિત સવાજપોર સ્ટેશનથી ચકાસણી કર્યા બાદ નેપાલમાં આવેલા કાંચનજંગાને વિશ્વના સૌથી ઊંચા શિખર (૮,૫૮૨ મીટર) તરીકે ઓળખાવ્યો હતો. વૉઘના સહકર્મચારી જૉહન આર્મસ્ટ્રૉન્ગે પશ્ચિમ દિશામાંથી ચકાસણી કરાવ્યા બાદ ખ્યાલ આવ્યો હતો કે હિમાલયમાં કંચનજંઘા કરતાં પણ ઊંચો પર્વત (૮૮૪૦ મીટર) આવેલો છે જેને એક્સવી પૉઇન્ટ કહ્યો હતો. કંચનજંઘા અને ઢોલાગિરિ જેવાં સ્થાનિક નામો બોલવામાં અઘરાં લાગતાં બ્રિટિશ સર્વેયર જ્યૉર્જ એવરેસ્ટના નામ પરથી ૧૮૫૭ની સાલમાં આ શિખરને માઉન્ટ એવરેસ્ટ નામ આપવામાં આવ્યું હતું. ત્યારથી આ જ નામ પૉપ્યુલર છે.

આ સીઝનમાં ગુજરાતી સિસ્ટર્સે એવરેસ્ટ પર ત્રિરંગો ફરકાવીને બનાવ્યો રેકૉર્ડ

આ સીઝનમાં એક તરફ મોતનો તાંડવ જોવા મળે છે તો બીજી તરફ ગુજરાતના સુરતની બે બહેનો ૨૫ વર્ષની અદિતિ અને ૨૧ વર્ષની અનુજા વૈદ્યએ એવરેસ્ટ સર કરનારી પહેલી ગુજરાતી સિસ્ટર્સની જોડી બનવાનું બહુમાન મેળવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર માઇનસ ચાળીસ ડિગ્રી તાપમાન અને અનેક પડકારોનો સામનો કરી આ બહેનોએ ૨૨મી મેએ વહેલી સવારે સર્વોચ્ચ ચોટી પર ત્રિરંગો લહેરાવ્યો હતો. ઇતિહાસ રચતાં પહેલાં બન્નેએ પર્વતારોહણને લગતી માર્ગદર્શિકાનો અભ્યાસ કર્યો હતો તેમ જ અથાક પરિશ્રમ અને પ્રૅક્ટિસ કરી હતી. આ વર્ષના ફેબ્રુઆરીમાં બન્નેએ ઉત્તરાખંડમાં આવેલા ૧૮,૭૦૦ ફીટ ઊંચા પર્વત દ્રોપદી કા દંડા તેમ જ એશિયાની બહાર આવેલા સૌથી ઊંચા શિખર ઓકોનકાગુઆ, આર્જેન્ટિના (૨૨,૮૩૭ ફીટ) પર માઉન્ટેનિયરિંગની પ્રૅક્ટિસ કરી હતી. દીકરીઓને એવરેસ્ટની ચોટી સુધી પહોંચાડવા તેમના પેન્ટ્સે એક પુત્રીદીઠ અંદાજે ૪૧ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સાહસ અને સિદ્ધિ માટે તેમના પરિવારને દેશભરમાંથી શુભેચ્છા મળી રહી છે.

પ્રથમ ભારતીય મહિલા

પોતાની ૩૦મી વર્ષગાંઠના માત્ર એક દિવસ પહેલાં બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ ચડનારાં ભારતનાં પ્રથમ તેમ જ વિશ્વનાં પાંચમા મહિલા બન્યાં હતાં. હિમાલય રીજન (હાલમાં ઉત્તરાખંડ)માં જન્મેલાં બચેન્દ્રીને ૧૨ વર્ષની ઉંમરથી જ પર્વતારોહણનો શોખ હતો. તેમણે પરિવારની ઇચ્છા વિરુદ્ધ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની હિંમત કરી હતી. મહિલાઓને પર્વતીય મુસાફરીની તાલીમ આપતી સંસ્થા નૅશનલ ઍડ્વેન્ચર ફાઉન્ડેશનમાં તેઓ પ્રશિક્ષક તરીકે જોડાયાં હતાં. ૧૯૮૪માં એવરેસ્ટ પર મોકલવામાં આવનારી ભારતની પ્રથમ મિક્સ-જેન્ડર ટીમ માટે તેમની પસંદગી થઈ હતી. ૧૯૮૪ની ૨૨મી મેએ એવરેસ્ટ સર કરી તેમણે ઇતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ બાદ તેમણે મહિલાઓને એવરેસ્ટ ચડાણ માટે પ્રોત્સાહિત કરવાની દિશામાં વધુ પ્રયાસો શરૂ કર્યા હતા. ૧૯૯૪માં તેમણે ગંગા નદીમાં હરિદ્વારથી કલકત્તા સુધીના ૨૫૦૦ કિલોમીટર લાંબા અંતરના નૌકા અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. ૨૦૧૩માં ઉત્તરાખંડ પૂરમાં તણાઈ ગયેલા લોકોને બચાવવા માટેની રેસ્ક્યુ અને રિલીફ મિશન ટીમનાં તેઓ મેમ્બર હતાં. પદ્મશ્રી, અજુર્ન અવૉર્ડ, યશ ભારતી સહિત અનેક અવૉર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યાં છે.

એવરેસ્ટ સમિટ પર પહેલો પગ મૂકનાર તેનજિંગ કે હિલેરી?

નેપાલના શેરપા તેનજિંગ નાર્જે અને ન્યુ ઝીલૅન્ડના ઍડ્મન્ડ હિલેરી એવરેસ્ટ સર કરનારા પ્રથમ પર્વતારોહી બન્યા હતા. આ જોડી ૧૯૫૩ની સાલમાં એવરેસ્ટ પર ગઈ હતી આ વાતથી બધા પરિચિત છે, પરંતુ બન્નેમાંથી કોણે પહેલો પગ મૂક્યો એ રહસ્ય હજી અકબંધ છે. એવું કહેવાય છે કે ‘અમે સાથે પગ મૂક્યો’ એવો જવાબ વિશ્વ સમક્ષ આપવા તેઓ પહેલેથી સહમત થયા હતા. પરત ફર્યા બાદ બન્નેએ વિશ્વ સમક્ષ સંમતિનુસાર જવાબ પણ આપ્યા હતા. જોકે રૉયલ જ્યૉગ્રાફિક સોસાયટીમાં સાચવી રાખવામાં આવેલા પત્ર અનુસાર હિલેરીએ જ એવરેસ્ટ સમિટ પર પહેલો પગ મૂક્યો હતો. એવરેસ્ટ સમિટ સર કર્યા બાદ હિલેરીએ લખેલા આ ત્રણ પાનાંના મેમોને નેપાલના બ્રિટિશ ઍમ્બૅસૅડર ક્રિસ્ટોફર સમેરહાયસે પુરાવા તરીકે રજૂ કર્યો હતો.

એવરેસ્ટ પર પગ મૂકનારાં પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ

ઍડ્મન્ડ હિલેરી અને શેરપા તેનજિંગ

એવરેસ્ટ સર કરનારી પ્રથમ ગુજરાતી જોડી અદિતિ અને અનુજા વૈદ્ય

શિખરની ચોટી સુધી પહોંચનાર પ્રથમ ગુજરાતી ડૉ. મનોજ વોરા

આ પણ વાંચો : કૉલમ : એક કિલોનું વજન વધી ગયું છે ત્યારે...

ઍટમબૉમ્બ જેવી છે એવરેસ્ટની હિમનદીઓ

એવરેસ્ટ અને એની આસપાસની પર્વતમાળાની હિમનદીઓ ઓગળવા લાગે તો હિમાલયની તળેટીના વિસ્તારમાં રહેતા માનવજીવન સામે મોટું સંકટ ઊભું થશે એવી ચેતવણી નિષ્ણાતો ઘણા સમયથી આપી રહ્યા છે. સૌપ્રથમ એવરેસ્ટ સર કરી ઇતિહાસ સર્જનારા તેન્ઝિંગ અને એડમન્ડ હિલેરીના પુત્રો પીટર હિલેરી અને જેમલિંગ તેન્ઝિંગે બ્રિટિશ અખબાર ‘ઇન્ડિપેન્ડન્ટ’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગ્લોબલ વૉર્મિંગના કારણે પર્યાવરણને ભયંકર નુકસાન થઈ રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જિંગની પૅટર્ન જોતાં નેપાળ અને તિબેટના હજારો લોકોના જીવ સામે જોખમ છે. એવરેસ્ટના માર્ગમાં આવતા બેઝ કૅમ્પમાં રહેતા આશરે ૪૦ હજાર શેરપાઓના જીવ સામે પણ સતત જોખમ ઝળૂંબી રહ્યું છે. તેમણે રજૂ કરેલા રિપોર્ટ અનુસાર હિમાલય પર આવેલી નવ હજાર હિમનદીઓમાંથી માત્ર બસો હિમનદીઓ પણ ઓગળે તો ભયાનક પૂર આવે. ૧૯૮૫ની સાલમાં હિમનદીઓમાંથી દસ મિલ્યન ક્યુબિક મીટર પાણી ઓગળતાં પંચાવન માઇલ સુધીના વિસ્તારમાં તારાજી સર્જાઈ હતી. અત્યારે જે હિમનદીઓ ઓગળી રહી છે એ ૧૯૮૫માં ઓગળેલી હિમનદીઓની સરખામણીએ કદમાં વીસગણી મોટી છે. આ નદીઓને તેમણે ઍટમબૉમ્બ સાથે સરખાવી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK