લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે -પ્રકરણ ૨૮

Published: 9th December, 2012 08:49 IST

તરુણ આંખો ચોળતો કમ્પ્યુટર સ્વિચ ઑફ કરીને ઊઠ્યો. માથું ભારે થઈ ગયું હતું અને ભૂખ લાગી હતી એની હવે ખબર પડી હતી.


અગાઉના પ્રકરણ


(વર્ષા અડાલજા)


પાર્ટીઓમાં શરાબના ઑર્ડરનો એક નવો રસ્તો ખૂલ્યો હતો. ઇન્ટરનેટ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર પાર્ટીનો સંદેશો વહેતો થઈ જતો, કોડવર્ડમાં. એ સંદેશો આંતરી તદ્દન અર્થ વિનાનાં ચીલાચાલુ વાક્યોની અટપટી આંટીઘંૂટીમાંથી પાર્ટીનાં સ્થળ, સમય અને ઑર્ડરની માહિતી મેળવી અને શરાબનો રિયલ સ્ટફ પહોંચાડી દેવાનો. તરત જ માલ સામે પૈસા. પછી તમે કોણ અને અમે કોણ?

ગોવાથી તેમને માલ સપ્લાય કરનાર જૉનીએ તેમને આ

સેટ-અપ કરી આપી તરુણને તાલીમ આપી હતી ત્યારથી ત્રિપુટીને નિરાંત લાગતી હતી. પોલીસ આંતરવાનો ડર નહીં, કોઈ વચેટિયા નહીં. એકમેકની ઓળખ પણ ગુપ્ત.

યંગસ્ટર્સની આ પાર્ટીઓ ખૂબ માનીતી બની ગઈ હતી. મૉડલ્સ, ક્રિકેટર્સ, બૉલીવુડ સ્ટારનાં બચ્ચાંઓ, ટીવી ઍક્ટર્સ આ પાર્ટીઓમાં ઊમટી પડે છે.

કોઈ-કોઈને ઓળખે નહીં. બસ નાચો, પીઓ, એન્જૉય. એન્જૉય તેમનો ગુરુમંત્ર હતો. આજકાલ બધાંમાં મિલાવટ હતી - ફૂડ, ડ્રિન્ક ઍન્ડ લવ ઑલ્સો. સંબંધોમાં પણ ભેળસેળ.

ખાદ્યપદાર્થોમાં ભેળસેળની પરખ કરવાની લૅબોરેટરી ટેસ્ટ છે, પણ પ્રેમમાં થતી ભેળસેળની પરખ કરવાની કોઈ ટેસ્ટ હજી સુધી શોધાઈ નથી.

તેથી એની ચિંતા શી? કાલ કોણે દીઠી છે? બસ ગાઓ, ઝૂમો, પીઓ. એટલે રિયલ સ્ટફની શોધમાં યુવાનો, કહેવાતી સેલિબ્રિટીઝ નીકળી પડે છે. જૉનીએ બિન્દાસ જીવન જીવતા લોકોની આ ફિલસૂફી સમજાવેલી. ત્યારથી ઇન્ટરનેટ પરથી સપ્લાયના બિઝનેસનો નવો રસ્તો ખૂલ્યો હતો. ક્રિસમસને હવે વધુ વાર નહોતી અને પાર્ટીઓનો દોર ક્યારનો શરૂ થઈ ગયો હતો.

સવારથી તરુણ કમ્પ્યુટર પર હતો તે ચાર કલાકે ભેજાફોડી કરી ઊઠ્યો હતો. કાંદિવલીની એક પૉશ રેસ્ટોરાંમાં ટેરેસ પર રેવ પાર્ટી હતી. ચાર વાગ્યે માલ પહોંચાડી દેવાનો હતો સ્ટોરરૂમમાં. પૈસા લઈ રસોડાના દરવાજેથી નીકળી જવાનું હતું.

રેસ્ટોરાંને ઑર્ડર માટે ફોન કરતો જ હતો કે શંકર લૅચ કીથી દાખલ થયો.

‘ગુડ આફ્ટરનૂન, તરુણ.’

શંકરને જોઈ તરુણ ખુશ થયો. શંકર ત્રણ દિવસથી ગોવા ગયો હતો. તરુણ એકલો કંટાળી ગયો હતો. પ્રકાશ ફરતારામ હતો. ડિલિવરી હોય ત્યારે અને ઊંઘ ચડે ત્યારે આવતો. ફ્લૅટમાં કમ્પ્યુટર આવ્યું ત્યારે જ બન્નેએ હાથ ઊંચા કરી દીધા હતા, ‘ભઈ તરુણ, અમારી ચાંચ એટલી નાની છે કે ઇન્ટરનેટના હિલોળા લેતા મહાસાગરમાં ડુબાડવા જતાં અમે જ ડૂબી જશું. એ માથાફોડી તારી.’

તરુણ શંકરને ભેટી પડ્યો.

‘ક્યારે આવ્યો ગોવાથી? તારા વિના ગમતું નહોતું. તું જાણે છે પ્રકાશની તો કોઈ કંપની જ નહીં.’

શંકર સોફામાં પગ ઉપર લઈ નિરાંતે બેઠો.

‘કાલે રાત્રે આવ્યો. ગૅરેજ પર જ સૂઈ ગયો. આરામથી ઊંઘ્યો અને આપણા માટે રેસ્ટોરાંમાંથી ખાવાનું લઈને આવ્યો.’

તરુણે પ્લેટ, ચમચી, ગ્લાસ ગોઠવવા માંડ્યાં.

‘અરે વાહ! વેરી ગુડ.’

શંકર ખુશમિજાજમાં દેખાતો હતો. તરુણે પૅકેટ્સ ખોલ્યાં.

‘થાક જલદી ઊતરી ગયો લાગે છે. ફ્રેશ દેખાય છે અને... એય શંકર! કોઈ સારા સમાચાર છે કે? ગર્લફ્રેન્ડ મળી ગઈ કે શું ગોવા

બીચ પર?’

શંકર હસી પડ્યો. ‘એથીયે સારા સમાચાર છે જાની!’

ગરમ-ગરમ બિરયાની ખાતાં તરુણે તરત કહ્યું, ‘સારું છે પ્રકાશ નથી, નહીં તો તરત વિરોધ નોંધાવત - યાર ગર્લફ્રેન્ડથી વધીને કોઈ ગુડ ન્યુઝ હો હી નહીં સકતા. ઝટ શુભ સમાચાર આપી દે. કોઈ મોટો ઑર્ડર મળ્યો?’

‘ના, નવા બિઝનેસની

લાઇન મળી.’

‘એટલે?’ તરુણના હાથમાં કોળિયો રહી ગયો. નવો બિઝનેસ? તે તળિયા વિનાના કૂવામાં ઊંડો ને ઊંડો ઊતરતો જતો હતો. વનવે સ્ટ્રીટ, જેમાં દાખલ થયા પછી

પાછા ફરવાનો કોઈ રસ્તો નથી. જ્યારે-જ્યારે અંતરાત્મા ડંખે છે ત્યારે પપ્પા-મમ્મીના ચહેરા પર છલકાતા આનંદનું દૃશ્ય યાદ આવતાં વિરોધ કરતું મન પારોઠનાં પગલાં ભરવા માંડતું. કમ્પ્યુટર પર સપ્લાયનું કામ શરૂ કર્યું ત્યારે ફરી તે થોડો ઢીલો પડી ગયો હતો, પણ જૉનીએ સમજાવ્યું કે આ રીત એકદમ સુરક્ષિત, હજી સાઇબર ક્રાઇમ પોલીસ માટે પણ નવું છે. ત્યારે જીવનો થોડો ઉત્પાત

શમ્યો હતો.

અત્યારે શંકરે નવા બિઝનેસની વાત કરી ત્યારે ફરી તેનું હૈયુ ધબકારો ચૂકી ગયું. શંકરે તેના ખભે હાથ મૂક્યો અને તરુણે પાછળ ફરી તેની સામે જોયું.

‘તારા મનમાં શું ચાલે છે એ હું જાણું છું દોસ્ત. તું જાણે છે આપણે આપણને પાંચ વર્ષનો સમય આપ્યો છે. જે મળે, જેટલા મળે એ લઈને આ લાઇનમાંથી નીકળી જવું છે. જૉની આ બિઝનેસમાં ૧૯ વર્ષથી છે અને તેનું રૂંવાડુંય ફરક્યું નથી...’

‘૧૯ વર્ષ? ના ના શંકર, આપણે લાલચમાં તણાતાં

રહીશું તો...’

‘પણ હું જે વાત તને કરવાનો છું એ સાંભળી તું ઊછળી જ પડશે. ૧૯ વર્ષ તો નહીં અને પાંચ વર્ષ પણ નહીં, ચોખ્ખોચટાક ધોળોફૂલ ધંધો કરવાના વાવડ લઈને આવ્યો છું. કોઈ રાંધનારું નથી, નહીં તો કહેત કે લાપસીનું આંધણ મૂક.’

તરુણ તાકી રહ્યો શંકરને. શું બોલી રહ્યો હતો તે? સૂકા હોઠ પર જીભ ફેરવતાં તે ઘોઘરા સાદે બોલ્યો, ‘ફરીથી બોલ. અને માંડીને વાત કરજે, અધ્ધરતાલ નહીં. પાકે પાયે હોય તો જ કહેજે. ધોળોફૂલ ધંધો એટલે કાયદેસરનો? કોઈ જોખમ વગરનો?’

‘હા ભાઈ હા. આ ધંધામાં રહીને ભોટ રહેવું હવે પાલવે

એમ નથી તું જાણે છે, એટલે

મેં તો સોઈ ઝાટકીને ચોખવટ

કરી લીધી.’

તરુણ ઉતાવળો થઈ ગયો. ‘ઇન્વેસ્ટમેન્ટ, મૂડીરોકાણ કેટલું?’

‘શૂન્ય.’

તરુણ નિરાશ થઈ ગયો.

‘શંકર, મજાક મત કર ભિડૂ. આપણા જેવા ડિગ્રી વગરના, ગાંઠે ગરથ વગરના જુવાનિયાને વળી વગર રોકાણે કોણ રળીને

આપવાનું હતું? સાલી બિરયાની ઠંડી થઈ ગઈ.’

‘બેસ તો ખરો.’

શંકરે વિગતે વાત કરી. જૉનીના દોસ્તે કંપની ખોલી છે. મલેશિયામાં ટૅટૂ સ્ટિકરનો ક્રેઝ છે. જ્યારે જે ડિઝાઇનનું સ્ટિકર ગમે તે લગાડી લો, ઉખેડીને ફેંકી દો. ઝંઝટ જ નહીં ટોચવાની. અને બાળકોની ગેમ્સ. એ લોકો એક્સર્પોટ કરે. ખર્ચો બધો તેનો. આપણે મુંબઈમાં કુરિયર કંપનીથી પાર્સલ મોકલી આપવાનું.

તરુણને યાદ આવ્યું. બે-એક મહિના પહેલાં ત્રણ પાર્સલ શંકર ગોવાથી લાવેલો અને અંધેરી-ઈસ્ટની ગ્લોબલ કુરિયરમાં તેણે જ રવાના કયાર઼્ હતાં. આઠમે જ દિવસે પેમેન્ટ મળી ગયું હતું. આ વખતે શંકર ચાર કાર્ડબોર્ડ બૉક્સ લઈ આવ્યો હતો અને મલેશિયા મોકલવાનાં હતાં.

‘તરુણ, આ કામ આપણને નિયમિત મળે એમ છે. પૈસા પણ સારા મળશે અને ટેન્શનની મગજમારી નહીં. બોલ ક્યા બોલતા? મુંબઈથી કાર્ગો હૅન્ડલિંગની જવાબદારી આપણી.’

તરુણે શંકરને ઊંચકી જ લીધો અને ખડખડાટ હસતો રૂમમાં

ગોળ-ગોળ ફરવા માંડ્યો. શંકર બૂમો મારતો રહ્યો, ‘છોડ મારા બાપલા. એક તો તારાથી મોટો અને કોથળા જેવું શરીર. બેય પડશું.’

 હાંફતાં-હાંફતાં તરુણે તેને નીચે મૂક્યો અને સોફામાં લંબાવ્યું.

ઓહ! અચાનક છાતીએ બાંધેલો પથ્થર છૂટી ગયો હોય એમ તરુણે ઊંડો શ્વાસ ભર્યો. ચડતા બપોરનો ઝગમગ તડકો ઓરડામાં સોનેરી ઉજાસ પાથરી રહ્યો હતો. અચાનક દિવસનો મ્લાન ચહેરો કેટલો પ્રસન્ન્ા લાગતો હતો! આ છાનોછપનો શરાબનો ધંધો... કંટાળાજનક, લાંબી રસ્તાની મુસાફરી... માતાજીના ગોખે દીવો કરતી મા સામે ઊભા રહી આચરેલાં અનેક જૂઠાણાં... ભોળા પિતાનું તેના ઉપર ઓવારી જવું...

રક્તબીજ રાક્ષસના એક-એક ટીપામાંથી અનેક રાક્ષસો પેદા થતા હતા. કશુંક કરવાની, કમાવાની ભીંસમાં ભરેલું એક ડગલું તેને ધીમે-ધીમે કેવા વિશાળ રાજમાર્ગ તરફ દોરી જતું હતું એની સરત રહી નહોતી.

અને અચાનક શંકરની આ વાત.

શું આ નો એક્ઝિટ ગલીમાંથી તે પાછો ફરી શકશે? શક્ય છે?

કેમ નહીં?

તે સ્ફૂર્તિથી બેઠો થઈ ગયો. અત્યાર સુધીમાં થયેલા બિઝનેસની કમાણીમાં કાલે જ ભાગ પાડી દેશે. કુરિયર કંપનીનો બિઝનેસ જ જમાવવો. જે મળે જેટલા મળે લઈ આમાંથી નીકળી જવું.

શંકર તેની સામે જોઈ રહ્યો હતો.

‘તરુણ, હું વિચારું છું એ જ તું પણ...’

‘યસ.’ કહેતાં તરુણ શંકરને ભેટી પડ્યો. કળિયુગમાં પણ ઈશ્વરે ચમત્કાર કર્યો હતો. સુગંધી વાયુ વાતો હોય, કોમળ-ઝાકળભીનાં ફૂલોની વષાર્ થતી હોય એમ તરુણનું મન બાગ-બાગ થઈ ગયું.

* * *

ડોરબેલ વાગી.

પ્રિયાએ બારણું ખોલ્યું. અમર હતો. હંમેશની જેમ પ્રસન્ન્ા વદન પર આછું સ્મિત. પ્રિયા સમજતી હતી, અમરે કેટલી કોશિશ પછી ચહેરા પર આ મહોરું પહેર્યું હશે!

ધીરુભાઈ-સાવિત્રીબહેનને નમસ્તે કરી બેસતાં તેણે

અહીં-તહીંની વાતો કરવા માંડી સહજતાથી. મુંબઈની, એની લોકલ, એની હાડમારી, જગ્યાના ભાવ, દેશને ભરડો લેતો કરપ્શનનો અજગર, પ્રામાણિકતા, નિષ્ઠા જેવા કીમતી સિક્કા જેવા શબ્દો કેવા ચલણમાંથી બહાર ફેંકાઈ રહ્યા છે એની વાત...

ધીરુભાઈ પણ અમર સાથે વાતોમાં એવા ગુંથાતા હતા કે સાવિત્રીબહેને અંતે કહ્યું, ‘હવે તમે બન્ને બસ કરશો? આ મુંબઈ અને ભારત પર કોઈ સેમિનાર છે? તમે બન્ને ચીફ ગેસ્ટ છો?’

બન્ને ખડખડાટ હસી પડ્યા.

દેખીતું હતું. ધીરુભાઈ અમર પર ઓવારી ગયા હતા. સાવિત્રીની વાત સાચી હતી, દીવો લઈને શોધવા ગયા હોત તો પણ પ્રિયા માટે આવો જીવનસાથી ન શોધી શકત. અમરે મનમાં નક્કી કર્યું હતું: સહજતાથી વર્તવાનું. વંદનામાસીએ સવારે જ કહ્યું હતું, આખો દિવસ ગુમસુમ રહે છે, એવો ઉદાસ ચહેરો લઈ પ્રિયાને ત્યાં નહીં જતો, હસજે; હંમેશાં સૌનાં મન જીતી લે છે એમ તેનાં પપ્પા-મમ્મીને તને મળીને મનનો રાજીપો થવો જોઈએ. જે ગુમાવ્યું છે એ તો તેં અને મંે. તેમને તો તું મળ્યો, એક સ્વજન જે હવે કુટુંબનું અવિભાજ્ય અંગ બનશે.

વારાણસીમાં અસ્થિવિસર્જન કરતાં તે રડી પડ્યો હતો, જાણે બીજી વાર મા ખોઈ હતી. પાછો ફર્યો ત્યારે મન પર ઓથાર લઈને આવ્યો હતો. ખૂબ એકલું લાગ્યું હતું. જાણે હવે તેનું કોઈ નથી. વંદનામાસીએ ઠપકો આપ્યો હતો, પાગલ થઈ ગયો છે કે? હું શું તારી કોઈ નથી? પણ હું ક્યાં સુધી ગણી-ગણીને શ્વાસ લેવાની?  પ્રિયા તો છેને!

પણ અત્યારે, આ ક્ષણે અમરને સમજાયું કે એ માત્ર પ્રિયાને નહોતો પામવાનો, આ ઘરનો; આ ઘરમાં રહેતા લોકોના જીવનનો પણ એક હિસ્સો બનવાનો છે.

તેનાથી બોલાઈ જવાયું, ‘પ્રિયાની જેમ હું પણ તમને મા કહું તો વાંધો નથીને! પ્રિયા તમારી રસોઈનાં ખૂબ વખાણ કરે છે, પણ હું કેવી રીતે પ્રશંસા કરું? મને તમે કંઈ ખવડાવો તો ખબર પડે.’

સમય વીતવાનો કોઈ અણસાર ન વર્તાયો. પહેલી જ વાર સૌને મળ્યો છે એય સ્મરણ ન રહ્યું અમરને.

‘હવે તો જવું જોઈએ. ખૂબ મોડું થયું.’ અમરે ઊઠતાં-ઊઠતાં કહ્યું. નમસ્તે કરવા તેણે જોડેલા હાથ ધીરુભાઈએ પકડી લીધા.

‘તને મળીને આનંદ થયો એમ કહું તો આૈપચારિકતા માટે નહીં હોં!’

‘સાચું કહું તો મારું મન પણ હળવું થયું.’

સાવિત્રીબહેને પાસે આવી ઋજુતાથી કહ્યું, ‘હું સમજું છું બેટા, આપણા જીવનમાંથી કોઈ સ્વજન ચાલ્યું જાય પછી હૃદયનો એક ખૂણો ખાલી જ રહે છે...’

 જરા અટકીને કહ્યું, ‘એમાંય માની વિદાય તો ખાસ.’

સાવિત્રીબહેન બારણામાંથી થોડુંક પાછળ ખસી ગયાં. તે પોતાને કહેતાં હતાં કે અમરને? તેમની નજર સામે દૃશ્ય તરી આવ્યું. નાની કાજલ અને તરુણ પ્રિયાની આસપાસ નાચતાં ગાઈ રહ્યાં છે, રાજાકી આએગી બારાત, મગન મૈં નાચુંગી... આજે અમર દરવાજે ઊભો છે અને કોઈ નાચી નથી રહ્યું.

પ્રિયા અમરને આવજો કહેવા લિફ્ટ સુધી ગઈ. ઊલટથી અમરનો હાથ પકડી લીધો, ‘થૅન્ક્સ ફૉર એવરીથિંગ અમર.’

‘બદલો વાળવો હોય તો કાલે સવારે મારાં મહેમાન બનો.’

‘અરે, પણ સવારે તો ઑફિસ...’

‘આઠ દસની ફાસ્ટ ટ્રેન. પ્લૅટફૉર્મ નંબર ચાર. મારી સાથે કૉફી પીઓ, પ્લીઝ!’

પ્રિયા હસી પડી. લિફ્ટ આવી ગઈ. તે ઘરમાં પાછી ફરી ત્યારે ડાઇનિંગ  ટેબલ પર પડેલો તેના મોબાઇલનો રિંગટોન ગૂંજી ઊઠ્યો હતો. ધીરુભાઈએ ફોન લઈ સ્વિચ આïૅન કર્યો એ સાથે જ તરુણનો ઉતાવળો ગભરાયેલો અવાજ ધસી આવ્યો.

‘પ્રિયા, મારી વાત ધ્યાનથી સાંભળ. હું થોડા દિવસ નહીં મળું. પ્લીઝ, ફોન તો નહીં જ કરતી અને પ્લીઝ પપ્પા-મમ્મીને કંઈ કહેતી નહીં. બાય થૅન્ક્સ.’

મોબાઇલ સ્ક્રીન કાળીધબ થઈ ગઈ. તરત શબ્દો ઊપસી આવ્યા. કૉલ ડ્યુરેશન ૩૦ સેકન્ડ્સ.

ધીરુભાઈ ફોનને તાકી રહ્યા. નર્જિીવ આંખે, સ્તબ્ધ.

પ્રિયા નવાઈ પામી ગઈ. ઝડપથી પાસે આવી પૂછવા લાગી, ‘શું થયું પપ્પ્ાા? કોનો ફોન હતો?’

કાચની હોય એવી ભાવવિહીન આંખે હજી ધીરુભાઈ મોબાઇલને તાકી રહ્યા હતા. સાવિત્રીબહેને અધીરતાથી ખભે હાથ મૂક્યો.

‘શું થયું? કંઈક તો બોલો.’

શું બોલે? વાચા હરાઈ ગઈ હતી.

રંગબેરંગી અદ્ભુત સજાવેલો સુવર્ણમહેલ ભડ-ભડ સળગી રહ્યો હતો લાક્ષાગૃહની જેમ. માત્ર ત્રીસ સેકન્ડમાં, સાથે અનેક સપનાંઓ બળીને ભસ્મીભૂત થઈ ગયાં હતાં.

* * *

વહેલી સવારે ડ્રાઇવિંગ ક્લાસ પછી સ્વિમિંગ કરીને ઑટોમાં ઘરે આવતાં કાજલ થાકી ગઈ.

કરણે કોલ આપ્યો હતો: ક્રિસમસમાં તને કારની ભેટ આપીશ અને બે દિવસ કોઈ રિસૉર્ટમાં ઊપડી જઈશું. હાઉઝ ધૅટ!

તે ઊછળી પડી હતી અને ડ્રાઇવિંગ શીખવા લાગી પડી હતી. હાશ, આખરે કાર હશે તેની પાસે. ઑટોવાળાની બદમિજાજ વર્તણૂક સહન નહીં કરવી પડે. શૂટિંગ વખતે પણ તેનું એક સ્ટેટસ હશે.

આજકાલ ખુશમિજાજમાં રહેતી હતી. કૉફી બનાવી અખબાર ખોલતાં ગરમ ઘૂંટ ભર્યો. ‘સન્ડે મિડ-ડે’માં પહેલે જ પાને હેડલાઇન્સ - કાંદિવલીની પૉશ રેસ્ટોરાંમાં ટેરેસ પરની રેવ પાર્ટી પર ઇન્સ્પેક્ટર કાળે વંટોળની જેમ ધસી જઈ તૂટી પડ્યો હતો અને રાતોરાત કાળેનું નામ સૌથી ચર્ચાતું બની ગયું હતું. ઇન્સ્પેક્ટરને દારૂના જથ્થા સાથે હેરોઇન, કોકેન અને મૅન્ડ્રેક્સ જેવાં ડ્રગ્સ પણ મળી આવ્યાં હતાં.

કાજલ રસપૂર્વક અહેવાલ વાંચી રહી. કરણે અજાણ્યાઓ સાથે, સાથીમૉડલોના આમંત્રણને અવગણીને પણ પાર્ટીઓમાં જવાની તેને ચોખ્ખી ના શું કામ પાડી હતી એ હવે રોજ આવા જાતજાતના સમાચાર વાંચી તેને સમજાતું હતું.

પછી લાંબોલચક અહેવાલ હતો. કઈ રીતે ભારતીય પોલીસને એફબીઆઇ અને ઇન્ટરપોલના અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવે છે, ભારતમાં કયાં-કયાં ડ્રગ ક્યાંથી, કઈ રીતે આવે છે. એનાં નામ, અધધધ દામ...

કાજલે પાનું ફેરવી દીધું અને જોતી જ રહી ગઈ. નિવેદિતા અને સુસ્મિતાબહેને એકમેકને વળગીને પોઝ આપ્યો હતો. લવ ફૉર ધ ડૉટર. નિવેદિતાનાં લગ્નમાં શું થશે, કોણ આવશે બધું લાંબુંલચક લખાણ હતું.

તે એકીટસે નિવેદિતાના હસતા ચહેરાને જોઈ રહી. જો નજરના ઝેરથી કોઈ જખ્મી થઈ શકતું હોત તો તસવીરમાંની નિવેદિતા ક્યારની ઢળી પડી હોત. એવાં તે કેવાં પુણ્યનાં પોટલાં આ છોકરીએ બાંધ્યાં હતાં કે કરોડપતિ બાપને ત્યાં જન્મ મળ્યો! સૌએ હુલાવી, ફુલાવી અને અત્યારે સોનાની ડોલીમાં બેસીને ચાંદીની શરણાઈએ પરણી ઊતરવાની છે!

તેણે પોતે વળી કયાં પાપ કયાર઼્ હશે! પણ જે ભાગ્યમાં નથી એ પોતે છીનવી લેશે. કરણ તેનો દુલ્હો અને તે તેની દુલ્હન. બસ, ક્યાં હવે ઝાઝી વાર છે! બહેનનાં લગ્નનું ગાણું કરણ ગાયા કરતો હતો. તો એ ઢૂંકડાં હતાં. તેનાં લગ્નમાં ફિલ્મસ્ટાર્સ, પૉલિટિશ્યન અને બિઝનેસમેન ઊમટશે. કરણ કહેતો હતો, પરદેશથી પણ મહેમાનો આવશે. કાજલની નજર સામે નીરજા અને ઇરાની વચ્ચે ઊભેલા કરણનું દૃશ્ય તાદૃશ્ય થઈ ગયું.

ફૂલગુલાબી મિજાજ અચાનક બરખિલાફ અને આંખમાં ઈષ્ર્યાનો તણખો ઝગી ઊઠ્યો. ભલે તે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ પિતાની પુત્રી નહોતી, પણ એક મિત્ર તરીકે તો કરણ તેને લગ્નમાં બોલાવી જ શકેને! હા, શું કામ નહીં? બહેનનાં લગ્નમાં કરણે તેના મિત્રોને તો આમંત્રણ આપ્યું જ હશેને! આમ પણ કરણની કંપનીની તે મૉડલ હતી. એ બિઝનેસ રિલેશનને લીધે પણ તે લગ્નમાં જઈ શકે. વાંચ્યું હતું, ખૂબ મોંઘી લગ્નપત્રિકા હતી અને સાથે મોંઘીદાટ ગિફ્ટ.

આમંત્રણપત્રિકા માટે તે તલપાપડ થઈ ઊઠી. ઉદયપુરના બ્રાઇડલવેઅરના શૂટિંગમાંથી એક કીમતી ડ્રેસ તેને ભેટમાં મળેલો. ભાડેથી લક્ઝરી કાર બોલાવશે અને...

તે અધીરાઈથી ઊઠી. કરણને ફોન કર્યો. આજે નક્કી સમાનો સૂરજ ઊગ્યો હતો, કરણે જ લીધો અને ધીમેથી પૂછ્યું, ‘કેમ ફોન કર્યો? બિઝી છું. આખી ફૅમિલી જે. ડબ્લ્યુ. મેરિયટમાં છીએ, રિસેપ્શનની ડીટેલ્સની ચર્ચા...’

‘જાણું છું. જલદી વાત કરીશ. કરણ, મને લગ્નનું ઇન્વિટેશન કેમ નહીં?’

‘વૉટ?’

‘એમાં ભડકે છે શાનો? તારી ફ્રેન્ડ તરીકે નહીં તો કંપનીની મૉડલ તરીકે. પ્લીઝ ના નહીં પાડતો, આઇ વૉન્ટ ટુ બી પાર્ટ ઑફ ધ ફૅમિલી એન્ડ સેલિબ્રેશન. ભલેને કંપનીની એક મૉડલ તરીકે...’

કરણના દબાયેલા અવાજમાં ગુસ્સો હતો.

‘તને રોજ નવાં ફીતુર સૂઝે છે. મમ્મી પોતે ખાસ આમંત્રિતોની યાદી ધ્યાનથી જુએ છે. એક-એક નામ બરાબર તપાસે છે. શી વૉન્ટ્સ બેસ્ટ વેલનોન પીપલ અને...’

‘અને હું બેસ્ટ વેલનોન પીપલમાંની એક નથી. જાણું છું. તારી ફ્રેન્ડ તરીકે બોલાવીશ ત્યારે જાણીતી થઈશને!’

‘પ્લીઝ કાજલ!’

‘પ્રૉમિસ કરણ. તને ફરિયાદની એક તક નહીં આપું. આટલાં ભવ્ય ઝાકઝમાળ લગ્ન અને હું ઘરે એકલી શું કામ બેસી રહું? પ્લીઝ કરણ.’

‘મને મોડું થાય છે, ખોટી જીદ ન કર. ના એટલે ના.’

કાજલ કરગરી જ પડી. ‘આટલો મમ્મીથી શું ડરે છે? વાઘ છે? તને કાચ્ચો ખાઈ જશે? કહી દેવાનું, મારા તરફથી ઇન્વિટેશન આપું છું. તું બીજા ફ્રેન્ડ્સને આપવાનોને! તારી બહેનનાં લગ્ન છે. ભાઈ તરીકે એટલો હક તો મમ્મી મંજૂર રાખેને! અને પપ્પાને કહેને, તેમના લિસ્ટમાં મારું નામ...’

‘માય ગૉડ! ક્યાં-ક્યાં તારું ભેજું દોડે છે? પપ્પા અમારા બિઝનેસ રિલેશન્સનું લિસ્ટ ફાઇનલ કરશે. બાકી બધું મમ્મી જ સંભાળશે. મહેરબાની કરી હઠ નહીં કર. ચાલ હવે...’

કરણ હમણાં જ ફોન મૂકી દેશે એ ડરથી તેણે તરત કહ્યું, ‘એક મિનિટ કરણ, છેલ્લો પ્રશ્ન. મને એટલું જાણવામાં રસ છે, હું લગ્નમાં આવું તો તને ગમે કે નહીં?’

કરણના અવાજમાં કંટાળો હતો. ‘અ..હા.. અફર્કોસ. પણ એ શક્ય નથી. સમજી લે. અને એક અઠવાડિયું ફોન નહીં કરતી. સ્ટ્રિક્ટ્લી નો. લગ્ન પછી કાર લઈ હું જ આવીશ અને આપણો રિસૉર્ટનો પ્લાન છે યાદ છેને ડાર્લિંગ? બાય, લવ યુ.’

કાજલ ફોન પકડી ક્યાંય સુધી બેસી રહી. તો લગ્નમાં આમંત્રણ નહીં મળે એ નક્કી હતું. કરણ તેની માતાના પડછાયામાં જીવતો હતો એ પણ સ્પષ્ટ હતું. મહેતાપરિવાર કરણની આ સુસ્મિતાની મુઠ્ઠીમાં હતો. કાજલના મનમાં ચિત્રની રેખાઓ અંકાતી ગઈ.  આ બાઈ મુઠ્ઠી ખોલશે તો જ તે કરણને પામી શકશે.

અને એ મુઠ્ઠી એળે નહીં તો બેળે તે પોતે જ ખોલી શકશે. અંગ ફરકી ઊઠે એમ મનમાં વિચાર ફરકી ઊઠ્યો. શા માટે કરણની માને ન મળવું? અને દીકરીના રૂડા અવસરથી વધીને કયો મોકો મળવાનો હતો? અત્યારે તે ટેન્સ હોય, પ્રસંગને સારી રીતે પાર પાડવા બધું જ કરી છૂટવાના મૂડમાં હોય ત્યારે જ એ બાઈને આંતરવી. કરણમાં એ હિંમત ક્યારેય નહીં આવે. કરણને ખબર પડશે ત્યારે... તે નિવેદિતાનાં લગ્નમાં સજીધજીને આવેલી તેને જોશે અને છક થઈ જશે. કાજલ, મારી માને મનાવવાનો ચમત્કાર તેં કઈ રીતે કર્યો?

કાજલ પોતાના પર ખુશ થઈ ગઈ. કરણ રોજ કહેતો; કાજલ તું સાવ ભોળી છે, તને  દુનિયાદારીની કશી ખબર નથી. પણ કરણનેય અંતે કબૂલ કરવું પડશે કે કાજલ ચાલાક છે, ખેલાડી છે, તેની અડોઅડ ઊભી રહી શકે છે. તેના કુટુંબનેય કબૂલ કરવું પડશે.

કાજલે જે મેળવ્યું એ પોતાની મેળે, પોતાના દિલોદિમાગથી મેળવ્યું છે. માત્ર કાજોલ બનીને. કોઈની પણ સહાય વિના. કરણની પણ નહીં. ક્યારેક જરૂર પડે તો એમ વિચારીને કરણના મોબાઇલમાંથી છાના તેનાં પપ્પ્ાા અને મમ્મી, નિવેદિતાના મોબાઇલ નંબર લખી લીધેલા.

કાજલને અધીરાઈ આવી ગઈ. તેણે પોતાના મોબાઇલમાં તો સેવ કર્યા નહોતા. કોઈ વાર કરણ જોઈ લે તો? ક્યાં લખી રાખ્યા હશે? બધાં પર્સ, વૉલેટ જોયાં. ડ્રેસિંગ ટેબલ ફંફોળ્યું. એક નોટમાંથી નંબર મળ્યો.

કાજલે તરત જ સુસ્મિતાબહેનનો નંબર ઉતાવળે ડાયલ કર્યો.

(ક્રમશ:)


અગાઉના પ્રકરણ
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK