Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > વાત સોરઠનીઃ જ્યાં ધબકે છે વારસો અને સચવાઈ છે પરંપરા

વાત સોરઠનીઃ જ્યાં ધબકે છે વારસો અને સચવાઈ છે પરંપરા

20 February, 2020 03:35 PM IST |
ફાલ્ગુની લાખાણી

વાત સોરઠનીઃ જ્યાં ધબકે છે વારસો અને સચવાઈ છે પરંપરા

જૂનાગઢ, જે છે પ્રાચીનતા અને પરંપરાઓનો સંગમ

જૂનાગઢ, જે છે પ્રાચીનતા અને પરંપરાઓનો સંગમ


ગુજરાતનો એક મહત્વનો હિસ્સો એટલે કે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં અસ્તિત્વ ધરાવતા નગરોમાંથી સૌથી જૂનું એટલે જૂનાગઢ. ગરવા ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢમાં અનેક સ્થાપત્યો અને પરંપરાઓ સચવાઈ રહી છે. ગિરનારમાં થતો મહાશિવરાત્રીનો મેળો, લીલી પરિક્રમા જેવી પરંપરાઓ હોય કે સમ્રાટ અશોકનો શિલાલેખ, અડીકડી વાવ, નવઘણ કૂવો, મહોબત મકબરા જેવો વારસો જૂનાગઢે તમામનું જતન કર્યું છે.

પુણ્યનું ભાથું બાંધી આપતો ગરવો ગિરનાર



girnarજૂનાગઢની શાન, ગરવો ગિરનાર(તસવીર સૌજન્યઃ જૂનાગઢ મહાનગરપાલિકા વેબસાઈટ)


ગિરનાર, એક એવો પર્વત જે છે આસ્થાનું કેન્દ્ર. જેની પરિક્રમા માત્રથી પાપ ધોવાઈ જાય છે. અઘોરીઓનું કેન્દ્ર બિંદુ કહેવાતો ગિરનાર હિન્દુ અને જૈનો માટે શ્રદ્ધાનું પ્રતીક છે. પાંચ શિખર ધરાવતો આ પર્વત ગુજરાતનો ઉંચામાં ઉંચો પર્વત છે. જ્યાં આવેલું અંબા માતાનું મંદિર હિન્દુઓ માટે તો નેમિનાથનું મંદિર જૈનો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. દર વર્ષે દિવાળી બાદ ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન થાય છે. જેમાં લાખો ભાવિકો જોડાઈને પુણ્યનું ભાથું બાંધે છે. પૌરાણિક કાળથી ચાલતી આ પરંપરા આજે પણ સચવાઈ છે.

ગુજરાતનો મિની કુંભ એટલે મહાશિવરાત્રિનો મેળો

આપણ દેશમાં કુંભ મેળાનું અનોખું મહત્વ છે. બાર વર્ષે યોજાતો મહાકુંભ હોય કે ત્રણ વર્ષ યોજાતો અર્ધકુંભ મેળો આસ્થાનું કેન્દ્ર છે. અને આવો જ મિની કુંભમેળોય દર વર્ષે ભરાય છે શિવરાત્રીના પર્વ પર. દેવાધિદેવને અતિપ્રિય એવા આ દિવસ પર ગિરનારની તળેટીમાં પાંચ દિવસનો ભવ્ય મેળો ભરાય છે. જે નાગા બાવાઓના મેળા તરીકે ઓળખાય છે. શિવરાત્રીની મધ્યરાત્રીએ શંખનાદ સાથે નાગા બાવાનું વિશાળ સરઘસ ભવનાથ મંદિરે જાય છે. ત્યાં મૃગીકુંડમાં સાધુ સંતો સ્નાન કરે છે. માનવામાં આવે છે કે કેટલાક સાધુઓ મૃગીકુંડમાં જ અદ્રશ્ય થઈ જાય છે.


junagarh mrugikundમૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ-સંતો

રવાડીઃસાધુ સંતોની શાહી સવારી
84 સિદ્ધોના નિવાસસ્થાન ગિરનારમાં યોજાતા આ મેળાનું સૌથી મોટું આકર્ષણ છે સાધુ-સંતોની રવાડી. મહાશિવરાત્રીના મેળામાં દેશભરના અખાડાઓના સાધુઓ આવે છે. અને તેઓ પોત પોતાના ઈષ્ટદેવતા, ધ્વજાજી અને નિશાન સાથે રવાડીમાં જોડાય છે. સાધુ સંતો શાહી બગીમાં સવાર થઈને જ્યારે નીકળે છે ત્યારે નજારો કાંઈક અલૌકિક જ હોય છે. જૂનાગઢમાં યોજાતા આ મેળામાં ભાગ લેવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પણ આવે છે.

jungarh shivratriશિવરાત્રિએ નિકળતી રવાડીની એક ઝલક

શ્રદ્ધાને લઈને તો જૂનાગઢ સમૃદ્ધ છે જ. પણ આ જ શ્રદ્ધા અહીં વારસા સાથે પણ જોડાયેલી છે. કહી શકાય કે જૂનાગઢને મજબૂત રીતે ટકાવી રાખવાના બે પાયા એટલે શ્રદ્ધા અને વારસો. જેમ શિવરાત્રિનો મેળો, ગિરનાર એ લોકોને અહીં ખેંચી લાવે છે, તો અહીં આવ્યા બાદ આ શહેરનો વારસો લોકોને અહીંના પ્રેમમાં પાડે છે.

પ્રાચીન જૂનાગઢનું રક્ષાકવચ- ઉપરકોટ

junagarh upar kot fortપુરાતન જૂનાગઢનું સુરક્ષા કવચ

પ્રાચીન જૂનાગઢ નગરી ઉપરકોટની અંદર વસેલી હતી. જે નગરના રક્ષાકવચ સમાન હતું. ઉપરકોટનો કિલ્લો એ સમયની કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. નગરને સુરક્ષિત કરવા માટે કેવા આયોજન કરવા આવે તેઓ આ કિલ્લો ઉત્તમ નમૂનો છે. ઉપરકોટના કિલ્લામાં જ રાણકદેવીનો મહેલ આવેલો છે. આ મહેલની સાથે તેમનો લગ્ન મંડપ પણ આવેલો છે. જો કે આજે તો જૂનાગઢ ઉપરકોટની બહાર પણ વિસ્તરી ગયું છે. પરંતુ આ કિલ્લો આજે પણ અડીખમ ઉભો છે અને આજની પેઢીને ઈતિહાસ યાદ કરાવે છે.

'અડીકડીની વાવ ને નવઘણ કૂવો, જે ન જોવે એ જીવતો મૂઓ'
જૂનાગઢ અને તેના વારસાનું મહત્વ દર્શાવવા માટે ઉપરની એક જ કહેવત પૂરતી છે. જેનો અર્થ છે, જેણે જૂનાગઢમાં આવેલી અડીકડીની વાવ અને નવઘણ કૂવો નથી જોયો તે જીવતો હોવા છતા મૃત સમાન છે.

junagarh adi kadi vavઅડી કડીની વાવ(તસવીર સૌજન્યઃ હિતેશભાઈ દવે)

ઉપરકોટમાં વસેલા જૂનાગઢને પાણી પુરું પાડવા માટે અડીકડી વાવ અને નવઘણ કૂવો બનાવવામાં આવ્યો હતો. જે આજે પણ છે. આ બંને સ્થાનો સાથે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે. કહેવાય છે કે અડીકડીની વાવ એક જ પથ્થર કાપીને બનાવવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે 15મી સદીમાં બનેલી વાવના નામ સાથે એવી દંતકથા જોડાયેલી છે કે વાવ બનાવતા સમયે પાણી નહોતું મળતું. પાણી મેળવવા માટે અડી અને કડી નામની કન્યાઓનું બલિદાન આપવામાં આવ્યું જેની યાદમાં વાવનું નામકરણ કરવામાં આવ્યું છે. આજે પણ આ વાવની બાજુમાં આવેલા વૃક્ષ ઉપર અડીકડીની યાદમાં લોકો કપડા અને બંગડીઓ ટીંગાડે છે.

junagarh navghan kuvoનવઘણ કૂવો(તસવીર સૌજન્યઃ હિતેશભાઈ દવે)

નવઘણ કૂવાની રચના પણ અન્ય કૂવાઓ કરતા અલગ પડે છે. કૂવા સુધી પહોંચવા માટે બાવન મીટર સુધી પગથિયા છે. સર્પાકાર રચના ધરાવતા પગથિયામાં બાકોરા રાખવામાં આવ્યા છે જેથી સૂર્યપ્રકાશ મળતો રહે. ખાસ પ્રકારે કરવામાં આવેલી આ કૂવાની રચના એ સમયના શાસકો અને કારીગરોની દૂરંદેશી ઉત્તમ નમૂનો છે. આ કૂવાનું નામ જૂનાગઢના શાસક રા' નવઘણના નામ પરથી પડ્યું છે.

સદીઓ જૂનો સંદેશ- અશોકનો શિલાલેખ

junagarh ashok shilalekhઅશોકના શિલાલેખની દુર્લભ તસવીર(તસવીર સૌજન્યઃ હિતેશભાઈ દવે)

લગભગ 2,300 વર્ષ પહેલા સમ્રાટ અશોકે આપેલો સંદેશ જૂનાગઢે આજે પણ જાળવ્યો છે. આ શિલાલેખ પ્રાકૃત અને બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવેલા છે. આ શિલાલેખમાં સમ્રાટ અશોકે 14 આજ્ઞાઓ કોતરાવેલી છે. જેને સામાન્ય લોકો પણ સમજી શકે તે માટે તેનું ગુજરાતીમાં ભાષાંતર પણ કરવામાં આવ્યું છે. આ શિલાલેખ અતુલ્ય ભારતનો અમૂલ્ય વારસો છે. જેની જાળવણી પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે.

જૂનાગઢના ઈતિહાસના જાણકાર હિતેશભાઈ દવેના કહેવા પ્રમાણે, 'જૂનાગઢનો વારસો અમૂલ્ય છે. પરંતુ તેને લઈને અનેક ગેરમાન્યતાઓ પણ પ્રવર્તે છે. આજની પેઢીને સાચા ઈતિહાસની જાણ જ નથી. એટલે જ અમે અશોકના શિલાલેખનું ભાષાંતર પણ કરાવ્યું. જેથી લોકો સુધી જે ખરેખર સંદેશો છે તે મળી શકે. જૂનાગઢના રાજા રજવાડાઓને લઈને પણ અનેક ખોટી માન્યતાઓ છે. જેથી સાચી માહિતી લોકો સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. જૂનાગઢને પ્રાચીન વારસાની ભેટ મળી હતી. જેને તેણે જતનથી સાચવ્યો છે'.

સોરઠની ભૂમિ અનેક પરાક્રમોની સાક્ષી પણ રહી છે. અહીં અનેક શૂરવીરો થયા છે તો સંતોએ ધૂણી પણ ધખાવી છે. અને આ તમામ યાદો, સ્થાપત્યો અને મૂલ્યો જૂનાગઢ આજે પણ ભૂલ્યું નથી. ભલે કદાચ આ વારસાનો એટલો પ્રચાર કે પ્રસાર નથી થયો પરંતુ તેનું જતન તો જૂનાગઢે ખૂબ જ સારી રીતે કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2020 03:35 PM IST | | ફાલ્ગુની લાખાણી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK