Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Exclusive Interview: બીજેપીની સીટ 282થી ઘટવાનું કોઈ કારણ જ નથી

Exclusive Interview: બીજેપીની સીટ 282થી ઘટવાનું કોઈ કારણ જ નથી

23 May, 2019 07:50 AM IST | ગાંધીનગર

Exclusive Interview: બીજેપીની સીટ 282થી ઘટવાનું કોઈ કારણ જ નથી

વિજય રૂપાણી

વિજય રૂપાણી


લોકસભાની ચૂંટણીનાં પરિણામોની પૂર્વસંધ્યાએ મિડ-ડેના તંત્રી મયૂર જાનીએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ગાંધીનગરમાંના તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી

સવાલ : સી.એમ. સાહેબ આપ આ ચૂંટણીપ્રચારમાં ગુજરાત સિવાયના પણ ઘણા પ્રદેશોમાં ગયા છો, આપની દૃષ્ટિએ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએને કેટલી સીટો મળે એવું આપને લાગે છે?



જવાબ :  મારું માનવું છે કે ગયા વખતે ભારતીય જનતા પાર્ટીને ૨૮૨ બેઠકો મળી હતી અને એનડીએને ૩૩૦ બેઠકો મળી હતી. બન્નેમાં કોઈ ઘટવાનાં કારણો નથી. ગયા વખતે યુપીએની ભ્રષ્ટ સરકારને દૂર કરી અબ કી બાર મોદી સરકાર. લોકોની મોદી પાસે અપેક્ષા અને સરકાર બની ને આખા દેશમાં લહેર બની. આ વખતે અબ કી બાર ફિર સે મોદી સરકાર. પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈએ તમામ ક્ષેત્રોમાં જે આગવું કામ કર્યું છે અને એમાં પણ પુલવામાના બનાવ પછી જે રાષ્ટ્રવાદ ઊભો થયો, જ્ઞાતિવાદ-જાતિવાદથી ઉપર ઊઠીને લોકોએ માત્ર મોદી જ આ દેશના વડા પ્રધાન બનવા જોઈએ એવી ભાવના સાથે હું માનું છું કે ઉમેદવારોને ક્યાંક જોયા પણ નથી અને સીધા મોદીને મત આપવા નીકળેલા લોકોએ કમળ પર મતદાન કર્યું છે એટલે સીટ ઘટવાનું કોઈ કારણ નથી.


સવાલ : આમ જોવા જાવ તો ગઈ લોકસભાની ચૂંટણીમાં વોટિંગ પર્સન્ટેજ તો ઑલમોસ્ટ સિમિલર છે, એમાં કોઈ ઝાઝો ફેર પડ્યો નથી. તો તમને નથી જણાતું કે વોટિંગ વધ્યું હોત?

જવાબ : ઊલટાનું નિરાશ હોત તો મતદાન ઘટ્યું હોત. એનાં કારણ પણ એ છે કે સામે કોઈ દેખાતું નથી. અચ્છા ચાલો મોદી નહીં, તો માયાવતી બનવાના? મમતાબહેન બનવાના? શરદ પવારને બનાવવા? ચંદ્રબાબુ કે રાહુલ. એટલે આમાં કોઈનું મન ઠરતું નહોતું એટલે જો મોદીને ન બનાવવાના હોત તો મતદાનની ટકાવારી પણ ખૂબ ઘટત. લોકો નિરાશ થઈને મત દેવા ન ગયા હોત. આ વખતે એવું નથી બન્યું. ઊલટાનું લોકો સવારના પહોરમાં લાઇન લગાવીને ઊભા હતા. અમુક જગ્યાએ તો બબ્બે કલાકે ગરમીમાં વારો આવતો હતો અને લોકોએ મતદાન કર્યું.


સવાલ : તમારી દૃષ્ટિએ આ પરિણામ પછી જો ફરીથી નરેન્દ્રભાઈની સરકાર બને, બીજેપી અને એનડીએની, તો આ સરકારની પ્રાથમિકતા શું હોઈ શકે?

જવાબ : હું જે માનું છું કે જે અનુમાન છે મારું... એ મુજબ ચૂંટણીઢંઢેરામાં જે વચનો આપ્યાં છે જેવા કે દેશની સુરક્ષા, સલામતી, ખેડૂતોની ચિંતા, મહિલાઓની ચિંતા, યુવાનોની ચિંતા, એના પર પ્રાથમિકતા રહેશે.

સવાલ : સંકલ્પ પત્ર જુઓ તો આ વખતનું જે ઘણું બધું ગયા વખતના સંકલ્પ પત્રને અનુસરવા સાથે એમાં ઉમેરો પણ ઘણો બધો કર્યો છે. ગુજરાતમાં આપણને કેટલી સીટો દેખાય છે.

જવાબ : છવ્વીસેછવ્વીસ. એનું કારણ કહું તમને, લગભગ પોસ્ટ, સોરી, પ્રી-કાઉન્ટિંગમાં આપણે બેઠા છીએ એટલે અનુમાનો જ હોય. અનુમાનો ત્રણ-ચાર પ્રકારનાં હોય. એક, એક્ઝિટ પોલ. એ પણ ૧૦, ૧૨ અને ૧૫ હજારનું સર્વે કરે છે એક-એક કોન્સ્ટિટ્યુન્સીમાં. શૅરબજાર, જ્યોતિષો, આ બધા પાસેથી અલગ-અલગ રીતે આવતું હોય છે. ચારેય તરફથી આવી રહ્યું છે કે મોદી જ વડા પ્રધાન બનશે. ક્યાંય નકારાત્મક નથી આવ્યું. એક જગ્યાએથી એવું કહેવામાં નથી આવ્યું કે રાહુલ વડા પ્રધાન બનશે. એ વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ છે. એનો અર્થ એ છે કે અંડરકરન્ટ મોદીનો ચાલ્યો છે. ગુજરાતમાં અંડરકરન્ટ મોદીનો ચાલ્યો હોય તો કૉંગ્રેસ બચે નહીં. ગયા વખત જેવું જ થાય. ગુજરાતમાં જે એક્ઝિટ પોલ આવ્યા છે એમાં ૨૨, ૨૩ અને ૨૪ બેઠક અમને આપી છે. કો’કે કહ્યું છે કે ચાર બેઠકો ઓછી આવશે, કો’કે ત્રણ અને કો’કે બે બેઠક ઓછી આવશે એવું કહ્યું છે. મેં ગયા વખતનો એક્ઝિટ પોલ કઢાવ્યો તો ગયા વખતે ટાઇમ્સ નાઉએ ૨૩ બેઠક આપી હતી અને ૨૬ જીત્યા. ઇન્ડિયા ટીવીએ સી-વોટર દ્વારા કર્યું હતું અને ૨૨ બેઠક આપી હતી ને ૨૬ મળી. આ વખતે પણ બધા ૨૨થી ૨૪ વચ્ચે જ છે અને ૨૬ મળશે.

સવાલ : હવે આ ઈવીએમને લઈને છેલ્લા બે દિવસથી વિપક્ષોએ ખૂબ હોબાળો મચાવ્યો છે. આજે સવારે પણ ચૂંટણીપંચ પાસે ગયા હતા. આને તમે કઈ રીતે જુઓ છો?

જવાબ : હું માનું છું કે પહેલવહેલો તો જનમતનો અનાદર છે. ૨૦૦૪માં ઈવીએમ હતું. ૨૦૦૯માં ઈવીએમ હતું. એ વખતે કૉંગ્રેસની સરકાર બની હતી. કેમ ૨૦૦૯ વખતે ઈવીએમનો વાંધો ન લીધો કૉંગ્રેસે? ત્રણ રાજ્યોનાં પરિણામ આવ્યાં, ઈવીએમ જ હતાં. એ દિવસે ઈવીએમ મીઠાં લાગ્યાં. હવે પાણી પહેલાં પાળ બાંધે એમ હારનાં ઠીકરાં રાહુલ ગાંધી અને પ્રિયંકા પર ફૂટે નહીં, નેતાગીરી સામે બળવા ન થાય એટલે આ ઈવીએમને માથે ઠીકરું ફોડવાનું એક ષડ્યંત્ર છે.

સવાલ : તે લોકોની દલીલ એવી છે કે આજની આપની પાર્ટીના મુખ્ય પ્રવક્તામાંના એક જી.વી.એલ. નરસિમ્હા રાવ ઈવીએમ સામે વાંધો ઉઠાવી ચૂક્યા છે?

જવાબ : ૨૦૦૯માં જ્યારે તેમની સરકાર બની એ જ સમયે ઈવીએમ મશીન આવ્યાં હતાં. તો તેમણે એ વખતે એનો વિરોધ કરવો જોઈતો હતોને. અમારી વાત એક વાર છોડી દો. એ સમયે પરિણામ તેમના ફેવરમાં આવ્યું હતું એટલે ઈવીએમ તેમને મીઠાં લાગ્યાં હતાં. તેમણે ત્યારે પણ વિરોધ કરવો જોઈતો હતો. ત્રણ રાજ્યનાં પરિણામ આવ્યાં છે. હજી તો ચાર મહિના થયા છે. એ દિવસે તેમને બધુ સારું લાગ્યું હતું કે બીજેપીને પાડી દીધી. તેમને હવે હાર દેખાઈ ગઈ છે અને એથી જ તેઓ પાણી પહેલાં પાળ બાંધી રહ્યા છે. રાહુલ અને પ્રિયંકાની નેતાગીરી વિશે પ્રશ્નાર્થ થવાના છે અને એ બધું ન થાય એ માટે આ ઈવીએમનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.

સવાલ : શંકરસિંહ વાઘેલાએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેમને ગુજરાતમાં પરિવર્તન લાવવું છે. તો એને તમે કંઈ રીતે જુઓ છો?

જવાબ : હું એને જરા પણ ગંભીરતાથી નથી લેતો. મોદી સાહેબ બંગાળમાં બોલે અને એના રિઍક્શન અહીં આવે. તેઓ તેમના અસ્તિત્વ માટે મહેનત કરી રહ્યા છે, બીજું કંઈ નથી.

સવાલ : ગુજરાતી વાચકોમાં સૌથી લોકપ્રિય ન્યુઝપેપર ‘મિડ-ડે’ના વાચકોને તમે શું કહેશો?

જવાબ : ‘મિડ-ડે’ના બધા વાચકોનો હું આભાર માનું છું કે જેઓએ સખત ગરમીમાં ઊભા રહીને વોટ આપ્યો. તેમણે એક કલાક, બે કલાક, ચાર કલાક સુધી ગરમી સહન કરી છે. હવે પરિણામ આવી જવાનું છે. વાચકોને હું ખાસ ધ્યાન દોરવા માગું છું કે ઇન્ડિયા દુનિયામાં સૌથી મોટો લોકશાહી દેશ છે. કૉંગ્રેસ આ લોકશાહી સિસ્ટમ પરંપરાને તોડવા માગે છે. તમામ સિસ્ટમ પર આક્ષેપ કરવા એ તેમની આદત બની ગઈ છે પછી એ ન્યાયતંત્ર હોય, ઇલેક્શન કમિશન હોય, ઈવીએમ હોય કે પછી સીબીઆઇ કેમ ન હોય. આજ સુધી તેમણે આ બધું એન્જૉય કર્યું છે એ દિવસે તેમણે સીબીઆઇને દૂર નહોતી કરી. આજે સીબીઆઇનો પણ વિરોધ કરે છે અને એ દિવસે પણ ન્યાયતંત્ર હતું અને ઇલેક્શન કમિશન પણ હતું. આ વાત ચિંતાજનક એટલા માટે છે કે અંતે લોકશાહીમાં જનમત એ મતદાન દ્વારા જ થતું હોય છે. આ મતદાન ખૂબ જ અમૂલ્ય છે. દેશનો સૌથી જૂનો પક્ષ અને એ પાર્ટીના દિગ્ગજોએ ૫૫ વર્ષ સુધી રાજ કર્યું છે અને તેઓ આ મતદાનને સ્વીકારે નહીં એ ખૂબ જ ચિંતાનો વિષય છે. આ માનસિક્તાથી તેમની નેતાગીરી કામ કરી રહી છે અને એની સામે ચિંતાનો વિષય ઊભો થવો જોઈએ. જો આપણે એનો વિરોધ ન કરીશું તો આપણી લોકશાહી જોખમમાં આવી જશે.

આ પણ વાંચો : અહીં આખો દિવસ ચા મળશે મફત, પણ જો રાહુલ ગાંધી PM બને તો

સવાલ : મતગણતરી દરમિયાન વીવીપીએટીને કારણે રિઝલ્ટમાં થોડું મોડું થાય એવું તમને લાગે છે?

જવાબ : અડધાથી-પોણા કલાકની અસર પડશે, વધુ નહીં.

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2019 07:50 AM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK