Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જમ્મુ-કાશ્મીરમાં જનજીવન સામાન્ય કરવા પર સુપ્રીમનો આદેશ

જમ્મુ-કાશ્મીરમાં જનજીવન સામાન્ય કરવા પર સુપ્રીમનો આદેશ

17 September, 2019 12:57 PM IST | નવી દિલ્હી

જમ્મુ-કાશ્મીરમાં જનજીવન સામાન્ય કરવા પર સુપ્રીમનો આદેશ

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ


જમ્મુ-કાશ્મીરની સ્થિતિને લઈને દાખલ અલગ-અલગ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે બે સપ્તાહમાં જવાબ માગ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. એ. બોબડે અને જસ્ટિસ અબ્દુલ નઝીરની બેન્ચે બે સપ્તાહમાં કાશ્મીરની આખી તસવીર સામે મૂકવાનો કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે. સાથોસાથ કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનને નિર્દેશ આપ્યો છે કે રાજ્યમાં ઝડપથી સ્થિતિ સામાન્ય બને. કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખતાં સ્થિતિ સામાન્ય કરવામાં આવે અને સ્કૂલ તથા હૉસ્પિટલો ફરીથી શરૂ કરવામાં આવે. આ કેસની આગળની સુનાવણી ૩૦ સપ્ટેમ્બરે થશે.

કલમ-૩૭૦ની મોટા ભાગની જોગવાઈઓને હટાવીને સરકારના નિર્ણયો અને નૅશનલ કૉન્ફરન્સના નેતા અને સંસદસભ્ય ફારુક અબદુલ્લાની નજરકેદ વિરુદ્ધ પણ અરજી દાખલ કરવામાં આવી હતી. તામિલનાડુના નેતા અને એમડીએમકેના સંસ્થાપક વાઇકોની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.



અરજીઓ પર કોર્ટમાં શું થયું?


ઍટર્ની જનરલ (એજી)ને સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે કયા કારણસર તમે કહ્યું કે કાશ્મીરમાં સમાચારપત્ર પ્રકાશિત થઇ રહ્યાં છે? કોર્ટે એજીને એમ પણ પૂછ્યું કે કાશ્મીર ખીણમાં ઇન્ટરનેટ અને ફોન હજી સુધી કામ કેમ કરતાં નથી. ખીણમાં કમ્યુનિકેશન કેમ બંધ કરાયું છે? ત્યાર બાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. એ.બોબડે અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો કે તેઓ બે સપ્તાહમાં કાશ્મીરની સ્થિતિ પર વિસ્તૃત રિપોર્ટ સોંપે.

ઍટર્ની જનરલે કહ્યું કે કાશ્મીરમાં આતંકવાદીઓ માટે મોટા પાયા પર પાકિસ્તાનના હાઈ કમિશન તરફથી ફન્ડિંગ થઈ રહ્યું છે. કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનું અને પથ્થરમારાને સમર્થન આપવાનું કામ થઈ રહ્યું છે. ઍટર્ની જનરલે એમ પણ કહ્યું કે ૨૦૧૬માં બુરહાન વાનીના મોત બાદ રાજ્ય સરકારે ત્રણ મહિના માટે ઇન્ટરનેટ અને ફોન-સુવિધા બંધ કરી દીધી હતી. એજીએ કહ્યું કે હાલની સ્થિતિમાં ઇન્ટરનેટ અને ફોન બંધ કરવાનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.


વાઇકોને વકીલે કોર્ટમાં કહ્યું કે ફારુક અબદુલ્લાની નજરકેદ પર કેન્દ્ર સરકાર અલગ-અલગ તર્ક આપી રહ્યું છે. સરકાર તરફથી કહ્યું છે કે પબ્લિક સેફ્ટી ઍક્ટ અંતર્ગત નૅશનલ કૉન્ફરન્સના નેતાને નજરકેદ કર્યા છે. એ અંતર્ગત બે વર્ષ સુધી કોઈ શખસની સુનાવણી વગર કસ્ટડીમાં રાખી શકાય છે. એમડીએમઆઇકેના ચીફ વાઇકોની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ રજૂ કરી છે.

વાઇકોએ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લા માટે અરજી (હેબિયસ કૉર્પસ) દાખલ કરી છે. એમાં કહેવામાં આવ્યું છે કે ફારુક અબ્દુલ્લા તેમના નિમંત્રણ પર ૧૫ સપ્ટેમ્બરે ચેન્નઈમાં યોજાનારા ભૂતપૂર્વ સીએમ અન્નાદુરાઈની ૧૧૧મી જન્મશતાબ્દી સમારંભમાં સામેલ થવા માટે તૈયાર હતા, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ હટાવવાના નિર્ણય બાદથી તેમનો સંપર્ક થયો નથી. અરજીમાં કહ્યું છે કે તેમને ગેરકાયદે કસ્ટડીમાં રખાયા છે. તેમણે ફારુક અબદુલ્લાને મળવાની મંજૂરી પણ માગી, પરંતુ કોઈ જવાબ આવ્યો નથી. એવામાં કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો કે તેઓ ફારુક અબદુલ્લાને હાજર કરે જેથી તેઓ સમારંભમાં સામેલ થઈ શકે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે પાંચમી ઑગસ્ટ બાદ જમ્મુ-કાશ્મીરમાં એક પણ ગોળી ચાલી નથી કે એક પણ શખસનો જીવ ગયો નથી. કોર્ટે કહ્યું કે ૧૯૮૦થી લઈને પાંચમી ઑગસ્ટ સુધીમાં અહીં ૪૧,૮૬૬ લોકોના જીવ ગયા છે, ૭૧,૦૩૮ હિંસાની ઘટનાઓ બની છે અને ૧૫,૨૯૨ સુરક્ષાબળોએ જીવ ગુમાવવા પડ્યા છે.

જરૂર પડી તો હું પણ કાશ્મીર જઈશ : સીજેઆઇ

બાળ અધિકાર કાર્યકર ઇનાક્ષી ગાંગુલીએ જમ્મુ અને કાશ્મીરની જેલમાં બંધ ૧૮ વર્ષથી નાની ઉંમરનાં બાળકોની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આ વિશેના કેસની જાણકારી માગી જેમની દેખરેખ હાઈ કોર્ટ કમિટી કરી રહી છે.

આ પણ વાંચો : રામજન્મભૂમિ વિવાદના નિવારણ માટે અયોધ્યા કમિટી હવે મધ્યસ્થી કરશે

અરજીકર્તાના વકીલની ટિપ્પણી પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે જો લોકો હાઈ કોર્ટમાં અપીલ ન કરી શકે તો આ ખૂબ ગંભીર બાબત છે. ચીફ જસ્ટિસે આ વિશે જમ્મુ-કાશ્મીર હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ પાસે રિપોર્ટ પણ માગ્યો છે. તેમણે પૂછ્યું કે હાઈ કોર્ટ અપીલકર્તાઓની પહોંચમાં છે કે નહીં? સીજેઆઇએ આગળ કહ્યું કે આ ખૂબ ગંભીર મામલો છે. હું પોતે પર્સનલી ફોન પર હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે વાત કરીશ. જરૂર પડી તો પ્રદેશની મુલાકાત પણ લઈશ. જોકે સીજેઆઇએ અરજીકર્તાઓને ચેતવણી આપીને કહ્યું કે જો તમારો દાવો ખોટો નીકળ્યો તો તમારે એનાં પરિણામ ભોગવવાં પડશે.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2019 12:57 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK