સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 39

Updated: May 19, 2019, 11:53 IST | ગીતા માણેક | મુંબઈ

લોહી રેડ્યા વિના હિન્દુસ્તાનને છિન્નભિન્ન થતા રોકવાનો જંગ આલેખતી ડૉક્યુ-નૉવેલ

સરદાર: ધ ગેમ-ચેન્જર
સરદાર: ધ ગેમ-ચેન્જર

‘હાઉ આર યુ ડુઇંગ મિ. પટેલ (તમે કેમ છો, મિ. પટેલ)?’ દેહરાદૂનના સરદારના નિવાસસ્થાને પહોંચતાં જ માઉન્ટબેટને ઉષ્માપૂર્વક હસ્તધૂનન કર્યું. તેમની સાથે તેમના પરમ મિત્ર જવાહરલાલ નેહરુ, રાજેન્દ્રપ્રસાદ, ગોપાળસ્વામી અને બળદેવસિંઘને પણ લઈ ગયા હતા.

સરદાર પટેલે પણ માઉન્ટબેટનને ભાવપૂર્વક આવકાર્યા. બન્ને જણ જાણતા હતા કે આ કદાચ તેમની છેલ્લી મુલાકાત હતી, કારણ કે ટૂંક સમયમાં માઉન્ટબેટન કાયમ માટે ઇંગ્લૅન્ડ જવા રવાના થવાના હતા. થોડી વાર માટે ઇધર-ઉધરની વાતો થતી રહી. ત્યાર પછી માઉન્ટબેટને પોતાની બૅગમાંથી એક દસ્તાવેજ કાઢ્યો અને સરદારના હાથમાં મૂક્યો. સરદારે એ વાંચવા માંડ્યો. માઉન્ટબેટન અને તેમની સાથે આવેલી બધી જ વ્યક્તિઓના ચહેરા પર તનાવ હતો. ખૂબ મહેનત બાદ મેનન, મોન્કટન અને માઉન્ટબેટને અસંખ્ય સુધારા-વધારા બાદ તૈયાર કરેલો આ દસ્તાવેજ નિઝામે મંજૂર કર્યો હતો, પણ સરદાર એના પર સહી કરે એવી સંભાવના નહીંવત્ હતી એ બધા જ જાણતા હતા. તેમ છતાં માઉન્ટબેટન એક વાર પ્રયાસ કરી જોવા માગતા હતા. જો સરદાર આના પર દસ્તખત કરે તો હૈદરાબાદનો પ્રશ્ન કાયમ માટે ઉકેલાઈ જાય એવું સોહામણું સપનું આંખમાં લઈને માઉન્ટબેટન આવ્યા હતા.

‘આવી ધૃષ્ટતા કરવાની હિંમત જ કેવી રીતે કરી? હું આના પર હરગિજ સહી નહીં કરું,’ સરદારે ઉગ્રતાથી કહ્યું.

આ પ્રતિભાવ અપેક્ષિત હોવા છતાં થોડી વાર માટે સોપો પડી ગયો. માઉન્ટબેટને એ દસ્તાવેજ બાજુ પર મૂકી દીધો. એટલી વારમાં મણિબહેન બધાને જમવા બોલાવવા આવ્યાં. જૂની યાદો વાગોળતાં-વાગોળતાં બધા હસીખુશીથી જમ્યા.

‘તમારું મારા પર અને આ દેશ પર બહુ બધું ઋણ છે. આ જન્મમાં તો અમે એ ફેડી શકીએ એમ નથી. અમારો પ્રેમ અને આભાર કઈ રીતે દર્શાવીએ એ સમજાતું નથી.’  માઉન્ટબેટનને વિદાય આપતાં સરદાર એકદમ ભાવુક થઈ ગયા.

માઉન્ટબેટન પણ સરદારના લાગણીભર્યા શબ્દો સાંભળીને ભાવવિવશ થઈ ગયા હતા. છતાં તેમણે મન મક્કમ કરી કહ્યું, ‘જો તમને ખરેખર એવું લાગતું હોય તો આ દસ્તાવેજ પર સહી કરી આપો.’

માઉન્ટબેટનની આ અણધારી માગણીથી એક ક્ષણ માટે સરદાર સ્તબ્ધ થઈ ગયા.

‘હૈદરાબાદ સાથેનું સમાધાન તમારા માટે આટલું બધું મહત્વનું છે?’ સરદારે ધીમેકથી પૂછ્યું.

‘હા, કારણ કે એમાં ભારતની આબરૂનો સવાલ છે.’

સરદાર કશુંય બોલ્યા વિના ઊભા થયા. તેમણે પેન હાથમાં લીધી, તરત જ દસ્તાવેજ પર સહી કરી અને માઉન્ટબેટને ભેટી પડ્યા. બન્નેની આંખમાં આંસુ છલકાઈ ગયાં.

આ દસ્તાવેજમાં લખ્યું હતું કે દિલ્હી વિનંતી કરે ત્યારે સંરક્ષણ, વિદેશી બાબતો અને વાહનવ્યવહાર અંગે ભારત સરકાર જેવા કાયદાઓ નિઝામ સરકારે ઘડવાના. હૈદરાબાદની સેના ૨૦ હજારથી અને અન્ય સૈનિકો આઠ હજારથી વધારે ન હોવા જોઈએ. રઝાકારો પર એકદમ પ્રતિબંધ મૂકવાને બદલે ધીમે-ધીમે વિખેરી નાખવા. વ્યાપાર સિવાયના હૈદરાબાદના વિદેશી સંબંધો ભારત સરકાર સંભાળશે. નિઝામે જોડાણ અંગે લેવાની બાંયધારી આપવી, બંધારણસભાની સ્થાપના કરવી અને વચગાળાની સરકારની રચના કરવી. અગાઉ આવી સરકારમાં અડધોઅડધ બિનમુસલમાનો હોવા જોઈએ એવી શરત હતી, પણ દિલ્હી સરકારે એ સુધ્ધાં પડતી મૂકવાની તૈયારી દાખવી હતી.

આવી શરતો સરદારે માન્ય રાખીને સહી કરી આપી એ બાબત હજુ પણ માઉન્ટબેટનના માન્યામાં આવતી નહોતી. પાછા ફરવા માટે માઉન્ટબેટન વિમાનમાં બેઠા ત્યારે તેઓ ખૂબ ઉત્તેજિત હતા. ઇંગ્લૅન્ડ પાછા જતાં પહેલાં હૈદરાબાદનું કોકડું ઉકેલાઈ રહ્યું હતું એ બાબતથી તેઓ ખૂબ ખુશ હતા. દિલ્હી પહોંચતાંની સાથે જ તેમણે સરદારની સહી ધરાવતો આ દસ્તાવેજ મોન્કટનને આપીને તેમને હૈદરાબાદ રવાના કર્યા.

બે દિવસ બાદ માઉન્ટબેટનને ઉદ્દેશીને એક જ શબ્દમાં લખાયેલો મોન્કટનનો તાર આવ્યો: લોસ્ટ. (હારી ગયા)

નિઝામે નવા મુદ્દાઓ ઊભા કર્યા હતા અને સરદારની સહી ધરાવતા સમાધાનના દસ્તાવેજને નામંજૂર કર્યો હતો. સરદારે ગણતરીપૂર્વકનું જોખમ લીધું હતું. હકીકતમાં તેઓ જાણતા હતા કે નિઝામ માનશે નહીં અને વાટાઘાટો પડી ભાંગવાની છે. માઉન્ટબેટન પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નહોતો. તેમણે કહેવું પડ્યું, ભારત સરકારને હૈદરાબાદમાં દખલગીરી કરવાનો નૈતિક અધિકાર મળી ગયો છે.

હૈદરાબાદનું તેમણે ધાર્યું હતું એવું

સમાધાન થયું નહીં અને એ નિરાશા સાથે જ ૨૧ જૂન, ૧૯૪૮ના માઉન્ટબેટન ઇંગ્લૅન્ડ જવા રવાના થયા.

બીજા દિવસે કનૈયાલાલ મુનશીએ દેહરાદૂન સરદારને ફોન કર્યો.

‘તમે કેમ છો અને તમારો નિઝામ કેમ છે?’ સરદારે પૂછ્યું.

‘નિઝામ તો મજામાં છે અને સમાધાન માટે ફરી પ્રયાસ થઈ રહ્યા છે.’

‘કેવું સમાધાન?’

‘માઉન્ટબેટનવાળું સમાધાન.’

‘નિઝામને કહો કે એ સમાધાન ઇંગ્લૅન્ડ ગયું,’ કહીને સરદાર ખડખડાટ હસ્યા.

હૃદયરોગના હુમલાને કારણે લગભગ ચારેક મહિના દિલ્હી બહાર હોવા છતાં હૈદરાબાદ અંગે સરદાર નિષ્ક્રિય બેઠા નહોતા. હૈદરાબાદમાં રમખાણો પુરજોશમાં ચાલુ હતાં. હિન્દુ બ્રાહ્મણોની આંખો કાઢી લેવામાં આવે છે એવા અહેવાલ આવી રહ્યા હતા. હિન્દુઓ પરના અત્યાચાર બેફામપણે વધી રહ્યા હતા. આ બધાથી અકળાઈને નિઝામના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના હિન્દુ સભ્ય જોશીએ રાજીનામું આપી દીધું. તેમણે કહ્યું કે આ સંજોગોમાં હું સરકારનો હિસ્સો બની રહી શકું નહીં.

આ બધા બનાવોને પગલે હિન્દુસ્તાનનાં અખબારો, સામયિકો અને લોકોમાં રોષ ભભૂકવા માંડ્યો. પ્રજાને લાગતું હતું કે હૈદરાબાદમાં હિન્દુઓ પર આટઆટલા અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે ભારત સરકાર શા માટે હાથ પર હાથ ધરીને બેઠી છે? સરકારની સરેઆમ ટીકા થવા માંડી. સરદારનો મત વધુ દૃઢ થઈ રહ્યો હતો કે હૈદરાબાદમાં લશ્કરી કાર્યવાહી કર્યા વિના છૂટકો થવાનો નથી, પરંતુ જવાહરલાલ નેહરુ અને કૅબિનેટના કેટલાક સભ્યો તેમની સાથે સહમત નહોતા.

નિઝામ, લાયક અલી, કાસિમ રાઝવી  અને તેમના પ્રધાનમંડળના મુસલમાનો હૈદરાબાદમાં ભારત સરકાર લશ્કર નહીં જ મોકલે એવું માનીને નિશ્ચિંત હતા. તેમને લાગતું હતું કે કાશ્મીરમાં જ્યારે સમસ્યા ચરમસીમાએ છે ત્યારે ભારત સરકાર હૈદરાબાદનો મોરચો નહીં જ ખોલે. ભારત કાશ્મીરમાં ગૂંચવાયેલું હોય ત્યાં સુધી નિઝામે પોતાની રીતે તૈયારીઓ શરૂ કરવા માંડી. કરાચીથી નાનાં-નાનાં પ્લેનમાં હથિયારો આવવા માંડ્યાં. તેમણે ઇરાક અને ઇજિપ્ત પાસે મદદ માગવા માટે પોતાના એજન્ટને મોકલી દીધા. હૈદરાબાદના બેગમપેઠ ઍરોડ્રમમાં માળાખાકીય સુધારા શરૂ કરી દીધા. નિઝામને ખાતરી હતી કે પાકિસ્તાને ભલે મદદ કરવાની ના પાડી હોય, પણ જો ભારત આક્રમણ કરશે તો હૈદરાબાદના મુસલમાનો માટે પાકિસ્તાનને પેટમાં બળશે અને તે જરૂર મદદ પહોંચાડશે.

ભારતીય અખબારો અને સામયિકોમાં રઝાકારો અને નિઝામની ટીકા થઈ રહી હતી, પણ આંતરરાષ્ટ્રીય અખબારો એનાથી બિલકુલ વિપરીત સૂર આલાપી રહ્યાં હતાં. નિઝામ આંતરરાષ્ટ્રીય અખબારના સંવાદદાતાઓને ખાસ આમંત્રણ આપીને બોલાવતા. તેમને શૅમ્પેન અને અન્ય મોંઘા દારૂ પીરસતા. આ સંવાદદાતાઓ પાસે તે એવી રજૂઆત કરતા કે ભારત સરકાર હૈદરાબાદના મુસલમાનો પર અત્યાચાર ગુજારી રહી છે. આવા બધા અહેવાલો પ્રસિદ્ધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની નાલેશી થઈ રહી હતી.

હૈદરાબાદમાં  ચાલી રહેલી આ તમામ ગતિવિધિઓની રજેરજ માહિતી મુનશી દ્વારા સરદારને મળી રહી હતી. સરદારે પણ હવે હૈદરાબાદમાં લશ્કરી કાર્યવાહી માટે કૅબિનેટની મંજૂરી મેળવી. જોકે વડા પ્રધાન નેહરુએ આ મંજૂરી આપવામાં  ઠાગાઠૈયા કર્યા હતા. એ વખતે કાશ્મીરમાં પણ પરિસ્થિતિ વિકટ હતી એટલે તેમણે એવું કારણ આપ્યું હતું કે, હૈદરાબાદમાં લશ્કર મોકલવામાં આવે તો કાશ્મીરના મોરચે લશ્કર નબળું પડશે. એ વખતના લશ્કરના વડા સર ફ્રાન્સિસ રોબર્ટ રૉય બુચર, હવાઈ દળના વડા ઍડમિરલ સર જ્હોન ટેબ્લત અને હવાઈ દળના વડા સર થોમસ એલ્મહસ્ર્ટ ત્રણેય બ્રિટિશર હતા. આ ત્રણેયની સલાહ હતી કે કાશ્મીર અને હૈદરાબાદની સમસ્યા એકસાથે હાથમાં લેવી એ જુગાર રમવા જેવું છે. લશ્કરી વડાઓના આ મંતવ્ય લઈને જ્યારે મેનન આવ્યા ત્યારે સરદારે તેમની સાથે સહમત થવાનો સ્પક્ટ ઇનકાર કરી દીધો.

ફક્ત લશ્કરી કામગીરીથી દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાતાં નથી. ભાગલા વખતે ૫૫,૦૦૦ સૈનિકોની સેના હોવા છતાં હત્યાકાંડને રોકી શકાયો નહોતો. સરકારની પ્રતિષ્ઠા અને શસ્ત્રબળના સહિયારા ઉપયોગથી જ સમાજમાં વ્યવસ્થા જળવાય છે. અત્યારે આ પ્રતિષ્ઠા એટલી વધી છે કે હૈદરાબાદ સામે પગલાં ભરવાની સાથોસાથ હૈદરાબાદમાં શાંતિ જાળવી શકાશે, પરંતુ હવે જો આપણે

પગલાં લેવામાં વિલંબ કરીશું તો સરકારની આબરૂ એટલી હલકી પડી જશે કે ગમે તેટલી મોટી સેનાથી પણ આંતરિક સુરક્ષા જાળવી શકાશે નહીં.

દરમ્યાન સરદારે ભારતીય લશ્કરના મેજર જનરલ જયંતો નાથ ચૌધરીને દેહરાદૂન બોલાવ્યા. તમારે હૈદરાબાદ ઑપરેશનનું નેતૃત્વ સંભાળવાનું છે. જો તમે આમાં સફળ થશો તો તમને પ્રતિષ્ઠા અને પ્રશંસા મળશે, પણ નિષ્ફળ જશો તો દોષનો ટોપલો તમારા માથે જ ઢોળાશે, પરંતુ જે કંઈ પણ થાય હું તમારી પડખે ઊભો છું. સરદાર હૈદરાબાદ પર લશ્કરી હુમલો કરવા સજ્જ થઈ રહ્યા હતા.

આ પણ વાંચો : સરદાર - ધ ગેમ-ચેન્જર : પ્રકરણ 38

સરદારની વાતમાં વજૂદ લાગતાં સંરક્ષણ સમિતિએ પણ લશ્કરી તૈયારીઓ કરવાનો ઠરાવ કર્યો. જોકે માઉન્ટબેટનને ખાનગીમાં જવાહરલાલ નેહરુએ જે બાંયધરી આપી હતી એ જ વાત તેમણે આ સમિતિની બેઠકમાં કરી, હું લશ્કરી આદેશ પર સહી નહીં કરું, સિવાય કે હૈદરાબાદમાં એવો કોઈ બનાવ બને, જેમાં હિન્દુઓની સામૂહિક કતલ થાય. જો એવું થાય તો જ દુનિયાની નજરમાં ભારત સરકારનું લશ્કરી પગલું વાજબી ઠરે.

(ક્રમશ:)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK