સરદારઃ ધ ગેમ-ચેન્જર (પ્રકરણ - 21)

Geeta Manek | Jan 06, 2019, 11:09 IST

જૂનાગઢમાં હોવા છતાં માંગરોળ અને બાબરિયાવાડ પોતાનું સ્વતંત્ર રાજ્ય ધરાવતાં હતાં. આ બન્ને રાજ્યો ભારત સરકારમાં જોડાય તો જૂનાગઢ છંછેડાશે એ સરદાર જાણતા હતા

 સરદારઃ ધ ગેમ-ચેન્જર (પ્રકરણ - 21)
લોહી રેડ્યા વિના હિન્દુસ્તાનને છિન્નભિન્ન થતા રોકવાનો જંગ આલેખતી ડૉક્યુ-નોવેલ

જૂનાગઢના નવાબના મહેલમાંથી નીકળ્યા ત્યારે મેનન કંઈક અંશે હતાશા અનુભવી રહ્યા હતા. જૂનાગઢના દીવાન શાહનવાઝ ભુટ્ટોએ નવાબ કે તેમના દીકરા સાથે ધરાર તેમની મુલાકાત થવા દીધી નહોતી. ત્રણેક કલાકની વાતચીત બાદ પણ જૂનાગઢની સમસ્યાના ઉકેલ માટે કોઈ નક્કર પ્રગતિ થઈ નહોતી. શાહનવાઝ ભુટ્ટોએ એ કબૂલ કર્યું હતું કે પ્રજાનો મત ભારતમાં જોડાવા તરફ છે, પણ એટલે તેઓ પાકિસ્તાન સાથેનું જોડાણ પાછું ખેંચવા માટે નવાબ મહાબતખાનને સમજાવશે એવી કોઈ ખાતરી તેમણે આપી નહોતી.

શાહનવાઝ ભુટ્ટો સાથેની મુલાકાતનો બધો જ અહેવાલ મેનને સરદારને આપ્યો.

‘જે કંઈ થયું એ તો અપેક્ષિત જ હતું. તમારી નવાબ સાથે મુલાકાત થઈ હોત તો પણ આનાથી કંઈ જુદું પરિણામ આવ્યું હોત એવું હું નથી માનતો. વાઇસરૉય અને વડા પ્રધાનના આગ્રહને કારણે આપણે વાટાઘાટોનો આ પ્રયાસ કરી જોયો. કાઠિયાવાડના રાજાઓ જૂનાગઢના મુદ્દે આક્રમક મિજાજમાં છે. તમે હવે ત્યાંથી સીધા રાજકોટ જાઓ. માંગરોળ અને બાબરિયાવાડ સાથે વાતચીત કરો.’ સરદારના શબ્દોથી મેનનની હતાશા ઓછી થઈ.

જૂનાગઢમાં હોવા છતાં માંગરોળ અને બાબરિયાવાડ પોતાનું સ્વતંત્ર રાજ્ય ધરાવતાં હતાં. આ બન્ને રાજ્યો ભારત સરકારમાં જોડાય તો જૂનાગઢ છંછેડાશે એ સરદાર જાણતા હતા. બાબરિયાવાડ ૫૧ ગામડાંઓનું એક ટચૂકડું રાજ્ય હતું, જ્યારે માંગરોળમાં તો માત્ર ૨૧ ગામ હતાં. બાબરિયાવાડ ભારતમાં જોડાવા ઉત્સુક હતું, પરંતુ દરિયાકિનારે આવેલા માંગરોળના શાસક મહેરબાન શેખશ્રી મહમ્મદ નસીરુદ્દીન મિયાંસાહેબ દ્વિધામાં હતા કે ભારતમાં જોડાવું કે નહીં. સરદારની સૂચના મુજબ મેનને માંગરોળના શેખને તાર કરીને રાજકોટ મળવા બોલાવ્યા. રાજકોટમાં શેખે શરત મૂકી કે જો માંગરોળને જૂનાગઢના હિસ્સા તરીકે નહીં પણ સ્વતંત્ર રાજ્ય તરીકે સ્વીકારવામાં આવે તો તેઓ જોડાવા તૈયાર છે. આ વાત માન્ય રાખવામાં મેનનને કોઈ વાંધો નહોતો. માંગરોળના શેખ અને બાબરિયાવાડના પ્રતિનિધિએ રાજીખુશીથી જોડાણખત પર સહી કરી આપી.

દરમ્યાન કૅબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ જૂનાગઢની આસપાસ એટલે કે કાઠિયાવાડમાં બ્રિગેડિયર ગુરદેલ સિંહના નેતૃત્વમાં કાઠિયાવાડ ડિફેન્સ ફોર્સ ગોઠવી દેવામાં આવી હતી. ઉપરાંત નવાનગર, પોરબંદર અને ભાવનગરે પણ પોતાનું સૈન્ય મોકલી આપ્યું હતું જે ગુરદેલ સિંહના હાથ નીચે કામ કરી રહ્યું હતું. આને કારણે આખા કાઠિયાવાડની પ્રજાને હૈયાધારણ મળી હતી. જોકે સૈન્યના વડાઓએ સખત આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી સૈન્યે હદની આસપાસ રહેવું, પણ જૂનાગઢમાં પ્રવેશ કરવો નહીં.

€ € €

‘હું જૂનાગઢનો પ્રજાજન છું, રખેવાળ છું... આજથી નવાબ મહાબત ખાનના શાસનનો અંત આવે છે. હવેથી પ્રજાએ આરઝી હકૂમત (કામચલાઉ સરકાર)ના હુકમનું પાલન કરવું. આજે જૂનાગઢની પ્રજાએ આરઝી હકૂમતની રચના કરી છે. એ જગતના તમામ સુધરેલા દેશોએ સ્વીકારેલા લોકશાહીના સિદ્ધાંતોના અનુસાર છે.’ ગાંધીજીના ભત્રીજા અને પત્રકાર શામળદાસ ગાંધી ૧૯૪૭ની ૨૫ સપ્ટેમ્બરે ગુરુવારે મુંબઈના માધવબાગ વિસ્તારમાં યોજાયેલી એક સભામાં વક્તવ્ય આપી રહ્યા હતા. આ સભામાં જૂનાગઢ માટે નવી પ્રજાકીય સરકાર - આરઝી હકૂમતની સ્થાપના થઈ. ત્યાર બાદ આરઝી હકૂમતના સભ્યો રાજકોટ ગયા. ત્યાં નવાબનો જ્યાં ઉતારો હતો એ ગેસ્ટહાઉસ પર પિકેટિંગ અને ત્રિરંગાનું આરોહણ કરવામાં આવ્યું. શામળદાસ અને તેમના સાથીઓનો ઉત્સાહ જબરો હતો. તેમણે સ્વયંસેવકો અને સાદાં હથિયારો એકઠાં કરીને જૂનાગઢની સરહદમાં પ્રવેશ કર્યો. કેટલાંક ગામનો કબજો તો તેમને લડાઈ વિના મળી ગયો, પણ આગળ વધતાં ક્યાંક સશસ્ત્ર છમકલાં થયાં.

€ € €

‘જૂનાગઢનું કોકડું વધુ ગૂંચવાઈ રહ્યું છે.’ સરદારે ચિંતિત સ્વરે કહ્યું.

‘હું રાજકોટથી મુંબઈ ગયો ત્યારે મેં શામળદાસ ગાંધીને બહુ સમજાવ્યા હતા, પણ તેઓ કામચલાઉ સરકાર સ્થાપીને જ રહ્યા.’ મેનન શાહનવાઝ ભુટ્ટોને મળીને જૂનાગઢથી રાજકોટ અને ત્યાંથી સરદારની સૂચના અનુસાર મુંબઈ ખાસ શામળદાસ ગાંધીને મળવા ગયા હતા. ‘આરઝી હકૂમતના સભ્યો સાથે થયેલી મીટિંગ વિશેની જાણકારી તેમણે સરદારને આપી.

‘આરઝી હકૂમત ચલાવી ન લેવાય. આવી સમાંતર સરકાર ભવિષ્યમાં રાજકીય અને બંધારણીય ગૂંચવાડા ઊભા કરે. આ ભારત સરકારનો વિષય છે અને એના પર જ છોડી દેવો જોઈએ. તેમને સમજાતું નથી કે અતિ ઉત્સાહમાં આવીને તેઓ જે કરી રહ્યા છે એનાથી જૂનાગઢનું કે દેશનું કોઈનું ભલું થવાનું નથી.’

એક લાખ લોકો જૂનાગઢ છોડી ગયા હતા, આખા કાઠિયાવાડમાં અશાંતિ ઊભી થવાનો ભય તોળાતો હતો અને સરદારને લાગતું હતું કે હવે ભારત સરકારે પગલાં લેવાં જ જોઈએ.

‘આ સંજોગોમાં આપણે શું કરી શકીએ? આપણા હાથ ઘણીબધી જગ્યાએ બંધાયેલા છે.’ મેનને કહ્યું.

સરદાર થોડીક વાર માટે વિચારમગ્ન થઈ ગયા. પછી અચાનક બોલ્યા, ‘મને એક રસ્તો સૂઝે છે. બાબરિયાવાડનો કબજો લેવા આપણે લશ્કર મોકલીએ.’

બાબરિયાવાડ સ્વતંત્ર રાજ્ય છે એ વાત જૂનાગઢના નવાબ સ્વીકારવા જ તૈયાર નહોતા. એટલે બાબરિયાવાડના ભારત સાથેના જોડાણને તેમણે માન્યતા આપી નહોતી અને એ ટચૂકડા રાજ્ય પર કબજો લેવા જૂનાગઢે પોતાનું લશ્કર મોકલ્યું હતું.

€ € €

‘આપણે હજી વિચાર જ કરી રહ્યા છીએ અને જૂનાગઢે બાબરિયાવાડમાં સૈન્ય મોકલી દીધું છે.’ વડા પ્રધાનની ઑફિસમાં જૂનાગઢના મુદ્દા પર નિર્ણય લેવા માટે યોજવામાં આવેલી મીટિંગમાં સરદાર અકળાયેલા હતા.

‘આઇ અન્ડરસ્ટૅન્ડ મિસ્ટર પટેલ, પણ આપણે કોઈ ઉતાવળિયો નિર્ણય લઈ ન શકીએ.’ માઉન્ટબેટન હજી પણ કોઈ આક્રમક પગલું લેવાના વિરોધમાં જણાતા હતા.

‘મિસ્ટર ગવર્નર જનરલ, તમે એટલું તો સમજો જ છોને કે બાબરિયાવાડમાં સૈન્ય મોકલવાનો અર્થ શું થાય? આ જૂનાગઢનું અને આડકતરી રીતે પાકિસ્તાનનું ભારત પર આક્રમણ જ ગણાય.’

‘હિન્દુસ્તાન તો વિશ્વને હંમેશાં શીખવતું આવ્યું છે કે ઈંટનો જવાબ પથ્થરથી ન આપવાનો હોય.’ માઉન્ટબેટન કટાક્ષમાં બોલ્યા.

‘હિન્દુસ્તાને કાયરતાને પણ કોઈ દિવસ માન્યતા નથી આપી. પ્રજાના સંરક્ષણની જવાબદારી સરકારની છે. જ્યારે આક્રમણ થાય ત્યારે એનો પૂરેપૂરી શક્તિથી મુકાબલો કરવામાં અહિંસાના સિદ્ધાંતનો ભંગ થાય છે એવું હું નથી માનતો. બ્રિટિશરો પાસેથી સ્વરાજ મેળવવા માટે અહિંસા હથિયાર હતું અને હવે રાજ્ય ચલાવવાની જવાબદારી આવી છે ત્યારે સાચકલાં હથિયારો ઉપાડવા જ પડે.’ સરદારના મનમાં કોઈ સંશય નહોતો.

‘આ તબક્કે બન્ને દેશોને યુદ્ધ પરવડી શકશે ખરું?’ કહીને માઉન્ટબેટને નેહરુ સામે નજર કરી. ‘યુદ્ધનાં પરિણામો હંમેશાં ભયંકર જ હોય છે અને આ યુદ્ધ થાય તો પાકિસ્તાનનો વિનાશ તો નિãત જ છે, પણ ભારતની ઓછામાં ઓછી એક પેઢી તો ખતમ થઈ જ જશે.’

વડા પ્રધાનની ઑફિસની હવામાં જ વજન વર્તાતું રહ્યું. થોડીક ક્ષણો કોઈ કશું બોલ્યું નહીં.

‘નિર્ણય લેવામાં જે વિલંબ થાય છે એને લીધે સરકાર ભયાનક મુશ્કેલીમાં મુકાઈ રહી છે. અમુક રાજ્યો જે ભારતમાં જોડાઈ ચૂક્યાં છે તેઓ કહી રહ્યા છે કે જો તેમને સંરક્ષણ આપવામાં નહીં આવે તો જોડાણખત રદ કરશે. સરકારની છાપ એવી ઊભી થઈ રહી છે કે રાજ્યો સાથે કામ પાડવામાં આપણે કમજોર સાબિત થઈ રહ્યા છીએ. આની અસર હૈદરાબાદ સાથેની વાટાઘાટો પર પણ થઈ રહી છે.’ સરદારે પરિસ્થિતિની ગંભીર આડઅસરો વિશે જાણકારી આપી.

‘એ તો હકીકત છે કે જૂનાગઢના મામલે આપણે ત્વરિત નિર્ણયો લેવા પડશે.’ વડા પ્રધાન નેહરુએ પણ સરદાર સાથે સમંતિ દર્શાવી.

‘હું જૂનાગઢ ગયો હતો ત્યારે મેં જોયું કે પ્રજામાં નવાબ સામે ભારે રોષ ઊકળી રહ્યો છે અને રાજ્યની આર્થિક સ્થિતિ ભયંકર રીતે કથળી રહી છે.’ મેનને અહેવાલ આપતાં કહ્યું.

‘આઇ સજેસ્ટ (મારું સૂચન છે કે) આ આખો મામલો યુનાઇટેડ નેશન્સ પાસે લઈ જઈએ...’ માઉન્ટબેટને ઉકેલ સૂચવતાં કહ્યું.

‘હરગિજ નહીં. યુનાઇટેડ નેશન્સમાં આ મામલો લઈ જવો મતલબ કે આપણે ફરિયાદી બનીને ર્કોટમાં જવું. મારો વકીલાતનો અનુભવ કહે છે કે જ્યારે આપણે યુનાઇટેડ નેશન્સમાં જઈએ છીએ ત્યારે એક અર્થમાં આપણે પાકિસ્તાનનો જૂનાગઢ પરનો દાવો સ્વીકારીએ છીએ. એક વાર આપણે કાજી પાસે જઈએ એટલે તેના નિર્ણયને આપણે સાવ ફગાવી નહીં શકીએ. આપણે સામે ચાલીને પગ પર કુહાડી નથી મારવી.’

‘ યુનાઇટેડ નેશન્સમાં મામલો લઈ જવાથી ફાયદો નહીં થાય એ વાત તો હું પણ માનું છું.’ નેહરુએ સરદારની વાતને જ દહોરાવી.

લાંબા વાદવિવાદ અને ચર્ચાઓના અંતે નક્કી થયું કે પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલીને ટેલિગ્રામ લખવો, જેમાં તાત્કાલિક ધોરણે માંગરોળ અને બાબરિયાવાડમાંથી સૈન્ય હટાવી લેવાની માગણી કરવી.

€ € €

ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી દિલ્હી આવ્યા હતા ત્યારે પણ આ મુદ્દે બન્ને વડા પ્રધાનો વચ્ચે વાતચીત થઈ. માઉન્ટબેટનની હાજરીમાં નેહરુએ વાયદો આપ્યો, ‘જૂનાગઢમાં ચૂંટણીઓ થાય અગર લોકમત લેવાય તો એનું પરિણામ ભારત સ્વીકારી લેશે.’

આ પણ વાંચોઃસરદાર ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 20

જવાહરલાલ નેહરુએ જ્યારે આ વચન આપ્યું ત્યારે તેમણે એ વિચાર્યું નહોતું કે જૂનાગઢમાં લોકમત લેવાશે તો અન્ય રાજ્યોમાં પણ આ જ નિયમ લાગુ કરવાની માગણીને તેઓ કઈ રીતે રોકી શકશે. આ મીટિંગમાં નેહરુ અને માઉન્ટબેટન તો હાજર હતા, પણ સરદારની ગેરહાજરી હતી. જો સરદાર ત્યાં હાજર હોત તો તેમણે આવી માગણીનો ઘસીને ઇનકાર કરી દીધો હોત.

સરદારની ગેરહાજરીનો લાભ લઈને માઉન્ટબેટન ભારત વતી કહેતા હોય એમ બોલ્યા, ‘જરૂર પડે તો અન્ય રાજ્યોમાં પણ આ જ નિયમ લાગુ પાડવા મિસ્ટર નેહરુ તૈયાર છે.’

એ ઘડીએ કદાચ જવાહરલાલ નેહરુને સમજાયું કે તેમણે ભાંગરો વાટ્યો છે, પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ રહ્યો નહોતો. નેહરુએ દિલગીરીપૂવર્‍ક માથું હલાવ્યું અને લિયાકત અલી ખાનની આંખો ચમકી ઊઠી. પાકિસ્તાનના વડા પ્રધાનની નજરો સામે ધરતી પરનું સ્વર્ગ કાશ્મીર રમી રહ્યું હતું.

(ક્રમશ:)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK