સરદાર ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 20

Updated: 30th December, 2018 14:35 IST | ગીતા માણેક

લોહી રેડ્યા વિના હિન્દુસ્તાનને છિન્નભિન્ન થતા રોકવાનો જંગ આલેખતી ડૉક્યુ-નૉવેલ

સરદાર પટેલ
સરદાર પટેલ

‘જો જૂનાગઢને ગમે એ ભોગે પાકિસ્તાન સાથે જોડાતું અટકાવવામાં નહીં આવે તો હું મારું રાજીનામું ધરી દઉં છું.’ જૂનાગઢના મુદ્દે વાઇસરૉય હાઉસની માઉન્ટબેટનની ઑફિસમાં યોજાયેલી મીટિંગમાં સરદાર અને જવાહરલાલ નેહરુની હાજરીમાં વી. પી. મેનને આ ધડાકો કર્યો ત્યારે અચાનક સોપો પડી ગયો. માઉન્ટબેટન સૌથી વધુ અસ્વસ્થ થઈ ગયા હતા, કારણ કે બે કલાક પછી કૅબિનેટની મીટિંગ હતી. સરદાર અને વી. પી. મેનન ઉગ્ર મિજાજમાં હતા. ગમે એ ભોગે પાકિસ્તાન પર આક્રમણને રોકવા માગતા માઉન્ટબેટને સરદાર, નેહરુ અને મેનનની ત્રિપુટીને સમજાવવા પોતાની બધી જ કાબેલિયત કામે લગાડી દીધી.

જૂનાગઢમાં સૈન્ય મોકલવું જ જોઈએ એ વિશે સરદાર અને મેનન કોઈ પણ હિસાબે ટસના મસ થવા તૈયાર નહોતા. વાતને વળ ચડી રહી હતી. જવાહરલાલ નેહરુ અને માઉન્ટબેટને વચલો માર્ગ કાઢ્યો. જોકે એના માટે સરદાર રાજી નહોતા, પણ એ તબક્કે તેમણે તૂટે એટલું તાણવાને બદલે થોડું ઢીલું મૂક્યું. છેવટે નક્કી થયું કે કાઠિયાવાડમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ભારતીય સૈન્ય અને ભારત સાથે જોડાઈ ચૂકેલા અન્ય રાજાઓનાં સૈન્યો જૂનાગઢની સરહદની આસપાસ ગોઠવી દેવાં, પણ એમણે જૂનાગઢમાં પગ પણ ન મૂકવો. એને લીધે જૂનાગઢ પર એક દબાણ સર્જા‍ય, પરંતુ રીતસર લશ્કરી કાર્યવાહી ન થવાને કારણે પાકિસ્તાન આ મુદ્દે કાગારોળ ન મચાવી શકે. દરમ્યાન વી. પી. મેનન જૂનાગઢ જાય અને નવાબને ભારત સાથે જોડાવા માટે સમજાવવાનો છેવટનો પ્રયાસ કરે. તરત જ યોજાયેલી કૅબિનેટની મીટિંગના સભ્યો પણ ઉશ્કેરાયેલા હતા, પરંતુ માઉન્ટબેટનની વિનવણીઓને પગલે સરદાર અને નેહરુએ કૅબિનેટ પાસે આના માટે મંજૂરી મેળવી લીધી.

બીજા જ દિવસે મેનન જૂનાગઢ જવા ઊપડી ગયા અને આ તરફ જૂનાગઢની આસપાસ સૈન્ય ગોઠવવા માટેની કાર્યવાહી શરૂ થાય એ પહેલાં એમાં એક બહુ મોટું વિઘ્ન આવી પડ્યું. ભારતીય લશ્કરના ત્રણેય વડા એટલે કે બ્રિટિશ ઇન્ડિયન આર્મીના જનરલ રોબ લોકહાર્ટ, રૉયલ ઇન્ડિયન નેવી (નૌકાદળ)ના રિઅર ઍડ્મિરલ સર જૉન ટેલબર્ટ સેવિન્યાક, રૉયલ ઇન્ડિયન ઍરફોર્સ (વાયુદળ)ના ઍરમાર્શલ સર થોમસ એલ્મહર્સ્ટની સહીવાળો એક પત્ર કૅબિનેટને મળ્યો. આ પત્રમાં ત્રણેય દળના વિદેશી વડાઓએ લખ્યું હતું કે કાઠિયાવાડમાં સૈન્ય મોકલવું એનો અર્થ પાકિસ્તાન સાથે યુદ્ધ જાહેર કરવા બરાબર છે. તેમનું કહેવું હતું કે તે ત્રણેય જણ અને સૈન્યમાંના અન્ય કેટલાક અધિકારીઓ વિદેશી હોવાના નાતે ભારત કે પાકિસ્તાન તરફથી યુદ્ધ ન લડી શકે. આ પત્ર ભલે શિક્ટ ભાષામાં લખાયો હોય, પણ આનો સીધો અર્થ એ થતો હતો કે તેઓ ભારત વતી જૂનાગઢમાં કોઈ કાર્યવાહી કરશે નહીં.

સરદાર, જવાહરલાલ નેહરુ અને કૅબિનેટના તમામ સભ્યો આ પત્રથી ઊકળી ઊળ્યા. જવાહરલાલ નેહરુએ આની સામે સખત વિરોધ નોંધાવતાં કહ્યું કે ‘સૈન્યના વડાઓને દેશની રાજકીય નીતિમાં દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી. સૈન્યનું કામ સરકારની નીતિઓનું પાલન કરવાનું છે. સૈન્યના વડાઓનો આદેશને અનુસરવાનો નનૈયો સદંતર અયોગ્ય છે અને એમાં સરકારનો અનાદર ગણાય.’

આ આખો મામલો બિચકી જાય એ પહેલાં સૈન્યના ત્રણેય વડાઓએ પત્ર પાછો ખેંચી લેવો પડ્યો.

બીજી બાજુ મેનન જૂનાગઢ પહોંચી ગયા. જૂનાગઢ શહેરની વચ્ચોવચ આવેલા ગૉથિક, યુરોપિયન તેમ જ ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્યના કલાત્મક સંયોજન ધરાવતા ભવ્ય રાજમહેલમાં તેમનું સ્વાગત દીવાન શાહનવાઝ ભુટ્ટોએ કર્યું. દીવાનખંડમાં કોતરણીવાળા કળાત્મક સોફાઓ અને ખુરસીઓ પર કૂતરા ફરતા હતા. મેનન જૂનાગઢના નવાબના શ્વાનપ્રેમથી વાકેફ હતા, પણ આસપાસ કૂતરા ફરતા હોય અને એની વચ્ચે બેસીને ગંભીર વાતો કરવામાં તેઓ મુશ્કેલી અનુભવી રહ્યા હતા. થોડીક ઔપચારિક વાતો કર્યા પછી મેનને નવાબ મહાબતખાન રસૂલખાન સાથે સીધી વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

‘માફ કિજિએગા, લેકિન નવાબસાબ કી તબિયત નર્મ હૈ. વે પિછલે દસ દિનોં સે કિસી સે ભી નહીં મિલે હૈં...’ શાહનવાઝ ભુટ્ટોએ કહ્યું ત્યારે મેનન એ શબ્દો પાછળનું જુઠ્ઠાણું અનુભવી શકતા હતા, પરંતુ તેઓ એ વિશે કંઈ કરી શકે એમ નહોતા.

‘ઓહ, હું સમજી શકું છું, પણ મારે તેમની સાથે લાંબી વાતચીત નથી કરવી. ફક્ત થોડીક મિનિટો જ...’ મેનને શક્ય એટલી નમ્રતાથી કહ્યું.

‘મેરે લિએ અગર મુમકિન હોતા તો મૈં આપકો ઝરૂર મિલવાતા. લેકિન જનાબ, મૈં ખુદ પિછલે ચાર દિનોં સે નવાબસાબ સે મુખાતિબ નહીં હો પાયા હૂં. કિતને મસલે હૈં જો ઐસે હી પડે હૈં...’

‘ઠીક હૈ, પર ઉનકે શાહઝાદે મુહમ્મદ દિલવરખાન સે તો મૈં મિલ સકતા હૂં ના...’

‘જી, વો તો ક્રિકેટ ખેલને ગએ હૈં ઔર શાયદ શામ કો હી લૌટેંગે...’

એક મિનિટ માટે વી. પી. મેનનને એવો કાળ ચડ્યો કે હવે સીધા ભારતીય સૈન્ય સાથે જ વાતચીત કરજો એમ કહીને ત્યાંથી ઊભા થઈને ચાલ્યા જાય. આવો આવેશભર્યો નિર્ણય લેવા માટે નહીં પણ શક્ય હોય તો વાતચીતથી સમસ્યાનો ઉકેલ આણવાનું કાર્ય નિભાવવા માટે તેમને મોકલવામાં આવ્યા હતા. એ તેમની ફરજનો હિસ્સો હતો. તેમણે આવેશને અનુસરવાને બદલે પોતાની ફરજ નિભાવવાનું ચાલુ રાખ્યું.

‘તમને નથી લાગતું કે પાકિસ્તાનમાં જોડાવાના નિર્ણય પર તમારે ફેરવિચારણા કરવી જોઈએ?’ નેછૂટકે મેનને શાહનવાઝ સાથે જ વાટાઘાટ કરવાનું શરૂ કર્યું.

‘અમે બધાં પાસાંઓનો વિચાર કર્યા પછી જ આ નિર્ણય લીધો છે. અમારા પ્રધાનમંડળના લગભગ દરેક પ્રધાને અમને આ જ સલાહ આપી હતી.’

‘પરંતુ જૂનાગઢના રાજકીય સલાહકાર નબી બક્ષે તો વાઇસરૉય હાઉસની મીટિંગમાં કહ્યું હતું કે તેઓ નવાબને હિન્દુસ્તાનમાં જોડાવા માટે સમજાવશે.’

‘તમારી કંઈ ગેરસમજ થઈ રહી છે મેનનસાહેબ. નબી બક્ષે તો અમને એવી સલાહ આપી હતી કે જૂનાગઢ પાકિસ્તાનમાં જ મહફૂઝ રહેશે.’ શાહનવાઝે સફેદ જૂઠ ઉચ્ચાર્યું છે એ મેનન જાણતા હતા. હકીકતમાં નબી બક્ષે હિન્દુસ્તાનમાં જોડાવાની સલાહ આપી હતી એટલે જ તો તેમને તગેડીને મુસ્લિમ લીગના શાહનવાઝને તેમનું સ્થાન આપી દેવાયું હતું.

‘તમે નબી બક્ષને અહીં બોલાવો એટલે આ ગેરસમજ દૂર થઈ જાય.’ મેનને કહ્યું.

‘એમાં એવું છેને કે નબી બક્ષ જૂનાગઢ છોડીને જતા રહ્યા છે. તેઓ કદાચ પાકિસ્તાન ચાલ્યા ગયા છે.’ શાહનવાઝે પાંપણ પણ પટપટાવ્યા વિના કહ્યું.

વી. પી. મેનન માટે શાહનવાઝનું આ જૂઠાણું પણ ચલાવી લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

‘મને તો એવું કહેવામાં આવ્યું છે કે જૂનાગઢમાં તમામ કોમના પ્રતિિષ્ઠત લોકો ભારત સાથે જોડાવાના પક્ષમાં છે.’

‘મેનનસાહેબ, તમારા ખબરીઓ તમને ખોટી માહિતી આપી રહ્યા છે.’ શાહનવાઝે ઉપહાસભર્યું સ્મિત કરતાં કહ્યું. ‘હકીકતમાં તો ભારત સામ્યવાદી નીતિઓ અપનાવવા તરફ જઈ રહ્યું છે એ બાબત દરેક સમજદાર વ્યક્તિને ખૂંચી રહી છે. આવા સંજોગોમાં પાકિસ્તાનમાં સાથે જવામાં જ લાભ છે એવું અમને સતત કહેવામાં આવી રહ્યું છે.’ શાહનવાઝ કોઈ રીતે સમજવા જ માગતા નહોતા એવું પ્રતીત થતું હતું.

‘બીજી બધી વાત જવા દો, પણ જૂનાગઢની ૮૦ ટકા પ્રજા હિન્દુ છે એનો તો તમે ઇનકાર નહીં જ કરી શકો.’

‘યહ તો નિહાયત સચ હૈ, ઇસસે કૈસે ઇનકાર કિયા જા સકતા હૈ...’

‘તો આ બહુમતી હિન્દુ પ્રજાને તમે એક મુસલમાન રાષ્ટ્રનો હિસ્સો કઈ રીતે બનાવી શકો? ખાસ તો જ્યારે મુલ્કના બે ભાગ મઝહબ અને કોમના મુદ્દે થયા છે.’ મેનનની આ વાતનો શાહનવાઝ પાસે કોઈ જવાબ નહોતો.

‘પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય લેતાં પહેલાં તમારે એક વાર ભારત સરકાર સાથે વાતચીત કરવી જોઈતી હતી એવું કહું તો એ વધારે પડતું તો નથી જ.’ મેનનની તાર્કિક વાતો સાંભળીને શાહનવાઝ સપડાવા માંડ્યા હતા.

‘હા, મૈં માનતા હૂં કી વહ હમારી ગલતી થી...’

‘તમારા રાજ્યની આર્થિક હાલત પણ એવી નથી કે તમે કોઈ સાથે જંગમાં ઊતરી શકો. આવા સમયે પ્રજા પણ તમારી વિરુદ્ધ થઈ જાય તો પાકિસ્તાન તમને કેટલું સંરક્ષણ આપી શકશે એનો વિચાર તમે કર્યો છે ખરો?’ મેનનની વાત ધીમે-ધીમે શાહનવાઝ ભુટ્ટોના ગળે ઊતરતી જતી હતી.

ત્રણેક કલાક ચાલેલી આ વાતચીત પછી શાહનવાઝ ભુટ્ટોએ પોતાના મનની વાત મેનન પાસે રજૂ કરી. ‘જૂનાગઢની પ્રજા પાકિસ્તાનમાં જોડાવા માગે છે કે નહીં એ માટે તેમનો મત લેવો જોઈએ એ વાત સાચી છે; પરંતુ હું જાહેરમાં એવું કહી શકવાની સ્થિતિમાં નથી, કારણ કે જો એવું કહું તો જિન્નાહસાહેબ મને ગોળી મારી દે.’

મેનને જૂનાગઢના રાજમહેલમાંથી વિદાય લીધી ત્યારે શાહનવાઝ ભુટ્ટોએ કહ્યું, ‘હું જિન્નાહસાહેબને સમજાવવાની કોશિશ કરીશ કે તેઓ જૂનાગઢમાં પ્રજામત લે, પણ તેઓ મારા આ સૂચનને માન્ય રાખશે જ એવી ખાતરી હું આપી શકું નહીં.’

જોકે શાહનવાઝ ભુટ્ટોએ છેલ્લે સુધી મેનનની મુલાકાત નવાબ મહાબત ખાન કે તેમના દીકરા સાથે થવા દીધી નહીં. મેનન અને સરદાર બન્ને જાણતા હતા કે જૂનાગઢ લાતોનું ભૂત હતું અને વાતોથી માનવાનું નહોતું અને છતાં માઉન્ટબેટનના આગ્રહને વશ થઈને તેમણે વાટાઘાટથી આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો હતો. જોકે શાહનવાઝ ભુટ્ટો કોઈ પણ પ્રકારની બાંયધરી આપવા રાજી નહોતા. છેવટે મેનને કહ્યું, ‘કાઠિયાવાડના લોકોમાં ધૂંધવાટ છે. જો તેઓ કાયદો પોતાના હાથમાં લેશે તો લખી રાખજો કે નવાબનું નામોનિશાન નહીં રહે. એ વખતે પાકિસ્તાન તમને બચાવી નહીં શકે અને અમે પણ તમારો હાથ નહીં ઝાલી શકીએ. માટે જે કંઈ કરો એ સમજી-વિચારીને કરજો. પ્રજા જ્યારે વિફરે છે ત્યારે કોઈ સલ્તનત ટકી શકતી નથી.’

(ક્રમશ:)

તમારા રાજ્યની આર્થિક હાલત પણ એવી નથી કે તમે કોઈ સાથે જંગમાં ઊતરી શકો. આવા સમયે પ્રજા પણ તમારી વિરુદ્ધ થઈ જાય તો પાકિસ્તાન તમને કેટલું સંરક્ષણ આપી શકશે એનો વિચાર તમે કર્યો છે ખરો? કાઠિયાવાડના લોકોમાં ધૂંધવાટ છે. જો તેઓ કાયદો પોતાના હાથમાં લેશે તો લખી રાખજો કે નવાબનું નામોનિશાન નહીં રહે. એ વખતે પાકિસ્તાન તમને બચાવી નહીં શકે અને અમે પણ તમારો હાથ નહીં ઝાલી શકીએ. માટે જે કંઈ કરો એ સમજી-વિચારીને કરજો. પ્રજા જ્યારે વિફરે છે ત્યારે કોઈ સલ્તનત ટકી શકતી નથી.

- જૂનાગઢના દીવાન શાહનવાઝ ભુટ્ટોને પાકિસ્તાનમાં ન જોડાવા માટે સમજાવતા વી. પી. મેનન

First Published: 30th December, 2018 13:46 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK