ઈશ્વરોલૉજી - પ્રકરણ - 26

Published: Oct 13, 2019, 16:22 IST | નવલકથા - ડૉ. હા‌ર્દિક ‌નિકુંજ યા‌‌જ્ઞિક | મુંબઈ

ગતાંક... સંજય આસ્તેય નામના યમદૂત સાથે એક અલૌકિક જગ્યાએ પહોંચે છે, જ્યાં એ એક મગરથી ભરેલી નદી તરાપાની મદદથી પાર કરે છે.

ઈશ્વરોલૉજી
ઈશ્વરોલૉજી

ગતાંક... સંજય આસ્તેય નામના યમદૂત સાથે એક અલૌકિક જગ્યાએ પહોંચે છે, જ્યાં એ એક મગરથી ભરેલી નદી તરાપાની મદદથી પાર કરે છે. મૃત્યુ પામેલી દરેક વ્યક્તિએ કરેલા પુણ્યના હિસાબે ત્યાં વિવિધ તરાપા રહેલા હોય છે. એને સમજાય છે કે ફક્ત પાપ ન કરવું એકલું જ જરૂરી નથી, પણ જીવનમાં પુણ્ય કરવું પણ ખૂબ જરૂરી છે. સંજય ઈશ્વરને મળવા આતુર છે. ત્યાં અતિવિશાળ દરવાજામાંથી અંદર જવા માટે ઘણી બધી લાઇનો છે. અસ્તેય એને ચૂપચાપ એક લાઇનમાં ઊભા રહેવાનો ઇશારો કરે છે. એની પાછળ ઊભેલો વ્યક્તિ તે ખોટી લાઇનમાં ઊભો છે એવી માહિતી આપે છે...

હવે આગળ...

કોઈ વ્યક્તિના જીવનમાં હોવાની કે ન હોવાની કિંમત આપણી પરિસ્થિતિ પર આધાર રાખતી હોય છે. અમુક સંજોગો અને પરિસ્થિતિઓમાં અમુક માણસ સાવ કિંમતવિહોણા લાગતા હોય છે, એ જ માણસ સંજોગો અને પરિસ્થિતિ બદલાતાં ખૂબ મહત્વના બની જાય છે.

સંજય સૌપ્રથમ વાર વૈકુંઠમાં આવ્યો ત્યારે ઈશ્વર સાથે સીધો જ સંવાદ કરવાની તક મેળવીને આવ્યો હતો. કદાચ એટલે જ એ સમયે ઈશ્વર સિવાયનાં દરેક દેવ-દેવીઓ કે પછી યમદૂતો તેને માટે સાવ તુચ્છ હતાં. ઈશ્વરને ચૅલેન્જ આપતી વખતે તેને રોકનારા કે સમજાવનારા ઘણા દેવોની બોલતી બંધ કરવાનો પણ તેણે પ્રયત્ન કર્યો હતો અને આવા જ એક દેવ હતા દેવર્ષિ નારદ.

જે નારદની સંજયે ઈશ્વરની સામે બોલતી બંધ કરી હતી એ જ નારદમુનિએ સિક્યૉરિટી ગાર્ડ બની હારની ચોરીમાંથી એક વાર સંજયને બચાવ્યો હતો. એ ઘટનાનો આભાર માનવો હજી બાકી હતો અને આજે આમ અહીં અચાનક સંજયને દૂર દેવર્ષિ નારદમુનિ દેખાયા. ઍક્સિડન્ટથી મૃત્યુ પામેલા લોકોની લાઇન તરફ જવાનું પડતું મૂકી સંજય દૂર ટેકરી પર ઊભાં-ઊભાં સૌ જીવોને નિહાળતા નારદમુનિ તરફ દોડ્યો.

સંજયને પોતાની તરફ આવતો જાણીને નારદમુનિના મુખ પર પણ નાનકડું સ્મિત આવ્યું, પણ તેમણે સફળતાપૂર્વક સંતાડ્યું. સંજયે આવીને તેમને પ્રણામ કરતાં કહ્યું, ‘કેમ છો પ્રભુ, ઓળખાણ પડી?’

તક ઝડપીને નારદજીએ સંભળાવ્યું, ‘કેમ નહીં? તમને અને તમારા શબ્દોને કોઈ દિવસ ભુલાય?’

નારદજીના શબ્દોમાં રહેલો વ્યંગ એ તરત સમજ્યો, પણ અત્યારે તો એને સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો.

સંજયે સ્વસ્થતા કેળવી. બે હાથ જોડીને પૂછ્યું, ‘પ્રભુ હજી સુધી ગુસ્સામાં?’

નારદજીએ સંભળાવ્યું, ‘ગુસ્સામાં તો એ વખતે પણ નહોતો અને અત્યારે પણ નથી, કારણ કે સદીઓથી અનેક મૂઢમતીઓ સાથે સંવાદ કરવાનું મારે ફાળે જ આવ્યું છે.’

આમ તો મૂઢનો મતલબ અચંચલ, અબૂજ, અજ્ઞાની, અભણ, કંઈ સમજે નહીં એવું, મૂર્ખ, જડબુદ્ધિ, બેવકૂફ, ઠોઠ, મતિમંદ, જડમંદ, અજ્ઞ, કંઈ જ ભણેલું નહીં એવું અને જડ થાય, પણ આમાંથી નારદમુનિના કહેવા પ્રમાણે એના ઉપર કયું વિશેષણ બંધ બેસે છે એ સંજય વિચારવા લાગ્યો.

આમ તો સંજય સ્વભાવ પ્રમાણે ત્યાં જ સંવાદ કરી બેસત, પણ અત્યારે સૌથી પહેલી ઉતાવળ ઈશ્વરને શોધવાની હતી અને નારદમુનિને તો પછી જોઈ લેવાશે એમ વિચારી તેણે આગળ વાત વધતી અટકાવી. આગળ હવે શું એવી અસમંજસમાં સંજય હતો ત્યાં તો નારદમુનિ સામેથી જ બોલ્યા, ‘હવે અહીં જ ઊભા રહીશું કે પછી અંદર પણ જઈશું?’

સંજય હરખાયો. તેને થયું કે દોડીને નારદમુનિને ગળે વળગી પડું, પણ પોતાની જાતને સંભાળતાં તેણે બે હાથ જોડીને કહ્યું, ‘જેવી આપની મરજી બૉસ...’

નારદજીએ સંજયનો હાથ પકડ્યો અને બીજી જ ક્ષણે બન્ને જણ એક ખૂબ સુંદર બગીચામાં હતા. ત્યાં રહેલી સુંદરતા પૃથ્વી પર ક્યારેય માણી કે જાણી શકાય એવી નહોતી. આવાં અદ્ભુત પુષ્પો અને ત્યાં વહેતી મંદ-મંદ સુગંધ આ પહેલાં સંજયે વૈકુંઠમાં અનુભવી હતી. એને ખાતરી થઈ ગઈ કે નારદમુનિ સીધા જ તેને વૈકુંઠમાં લાવ્યા છે.

હવે ટૂંક સમયમાં વળી પાછા ઈશ્વરને મળી શકાશે એવો વિશ્વાસ સંજયને થયો. તેનો હરખ સમાતો નહોતો. તેને થયું કે સૌપહેલાં તો ઈશ્વર પર ગુસ્સો કરવા બદલ અને તેમની બનાવેલી સિસ્ટમ પર શંકા કરવા બદલ તે સૌપ્રથમ તો તેમના પગ પકડીને માફી માગશે અને પછી તેમને વળી પાછા પોતાની સાથે લઈ જશે.

વૈકુંઠમાં અંદર જતી વખતે બન્ને દ્વારપાલો જય અને વિજયે નારદમુનિને પ્રણામ કર્યા. સંજયે જોયું તો બન્ને દ્વારપાલોની નજરમાં સંજય પ્રત્યે બીજાની જેમ થોડો ગુસ્સો હોય એમ લાગ્યું. તેને થયું કે ગયા વખતે જે રીતે ચૅલેન્જ આપીને ઈશ્વરને પોતાની સાથે લઈ ગયો હતો એના બદલામાં દરેક દેવો તેના પર થોડોઘણો ગુસ્સો રાખે એ સ્વાભાવિક હતું, પણ હવે તો તે ઈશ્વરની ઈશ્વરોલૉજીને સમજવા લાગ્યો હતો એટલે ઈશ્વરને એક વાર મળ્યા પછી તેમના દ્વારા જ દરેકના મનમાં રહેલી શંકાને તે દૂર કરી દેશે એમ નક્કી કર્યું.

અંદર પ્રવેશતાંની સાથેતેણે જોયું તો અનેકાનેક દેવ-દેવીઓ પણ તેને કોઈક જુદી જ નજરથી જોતાં હતાં. જોકે સંજયને તેમની ચિંતા નહોતી, તેનું મન તો શેષનાગ પર આરામથી સૂતેલા ઈશ્વર અને મા લક્ષ્મીનાં દર્શન કરવા માટે તલપાપડ હતું, પણ ત્યાં જઈને જોયું તો શેષનાગ પર ન તો ઈશ્વર હતા કે ન મા લક્ષ્મી.

તેને આશ્ચર્ય થયું કે જે ઈશ્વર તેને અચાનક છોડીને જતા રહ્યા હતા તેઓ તેમના મૂળ સ્થાને તો મળશે જ એવી તેને ખાતરી હતી, પણ અહીં તો બાકીનાં બધાં દેવ-દેવીઓ હાજર હતાં, પણ ઈશ્વર ક્યાંય નહોતા.

સંજયે વળી પાછું મન મનાવ્યું કે ઈશ્વર જ અહીં સુધી લઈ આવ્યા છે એટલે આગળનું પણ તેઓ જ કોઈ ગોઠવણ કરશે. ત્યાં તો નારદમુનિએ ભગવાન ઇન્દ્ર સામે જોઈને કહ્યું કે લો સંજય સંતુરામ જોશી આપણી વચ્ચે છે.

દેવોના રાજા ઇન્દ્રએ એક ઇશારો કર્યો અને થોડા લોકો એક સિંહાસન લઈને આવ્યા. ભગવાનના શેષનાગથી પાંચ ફૂટ નીચે એક સમથળ જગ્યાએ વચ્ચોવચ એ સિંહાસન મૂકવામાં આવ્યું. સિંહાસન એવી જગ્યાએ મૂકવામાં આવ્યું હતું કે દરેક દિશામાં ઊભેલા લોકો એને જોઈ શકે.

નારદમુનિએ સૌને સંબોધીને બોલવાનું શરૂ કર્યું, ‘આપ સૌ જાણો છો એમ પૃથ્વી પરથી આપણા એક યમદૂતની નાનકડી ભૂલને પરિણામે આ માણસ સદેહૈ વૈકુંઠ સુધી પહોંચ્યો હતો.’ આટલું બોલતી વખતે નારદમુનિની આંખો સામે રહેલી ભીડમાં યમદૂત આસ્તેયને શોધતી હતી અને આસ્તેય દરેક દેવો અને યમદૂતોની પાછળ સંતાઈને ઊભો હતો.

તેના પર ગુસ્સાવાળી નજર કરી નારદમુનિએ આગળ ચલાવ્યું, ‘આ માણસે આપણા સૌની સામે ઈશ્વરને પોતાની સાથે રહેવાની ચૅલેન્જ આપી હતી અને આપ સૌ જાણો છો એમ ઈશ્વરે અને મા ભગવતીએ તેની ચૅલેન્જ સ્વીકારીને તેની સાથે રહેવા જવાનું નક્કી કર્યું હતું. ઈશ્વરે પોતાના વચન મુજબ કોઈ પણ પ્રકારની શક્તિ વાપર્યા વગર આ માણસને જ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો, પણ ઈશ્વરની બનાવેલી આ સૃષ્ટિ અને તેમના નિયમો માટે હજી પણ આ માણસને કંઈકેટલાય પ્રશ્નો બાકી છે અને એથી જ ઈશ્વરે અદ્ભુત અને પહેલાં ક્યારેય ન લેવાયેલો એક નિર્ણય લીધો છે. આ નિર્ણય વિશેની જાણ સ્વયં ઈશ્વરે અંતર્ધ્યાન થતાં પહેલાં ભગવાન ઇન્દ્રને કરી છે તો હું ભગવાન ઇન્દ્રને સાદર વિનંતી કરું છું કે આપણા સૌની વચ્ચે આવીને ઈશ્વરે તેમને કરેલો હુકમ આપણા સૌને સંભળાવે.’ 

સામે ઊભા રહેલા સઘળાની સાથોસાથ સંજય પણ ચમક્યો. દેવરાજ ઇન્દ્રે આગળ આવીને બોલવાનું શરૂ કર્યું, ‘સર્વે દેવોને અને વૈકુંઠમાં આવેલા સર્વે દિવ્ય આત્માઓને દેવરાજ ઇન્દ્રના પ્રણામ અને શુભત્વ. આપણા સૌના ઇષ્ટ એવા ભગવાને સ્વયં મને આદેશ આપ્યો છે કે સંજય સંતુરામ જોશી નામના ભૂલોક પરથી આવેલા આ માણસને વૈકુંઠનો વહીવટ સોંપવો.’ 

સભામાં એક ક્ષણ માટે સોપો પડી ગયો અને પછી બધા જ અંદર-અંદર વાતો કરવા લાગ્યા. આ તરફ સંજયની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ.

ભગવાન ઇન્દ્રએ આગળ ચલાવ્યું, ‘સંજયનું માનવું છે કે ઈશ્વર વિશ્વને સારી રીતે અથવા તો યોગ્ય પદ્ધતિથી ચલાવી નથી રહ્યા. તો ઈશ્વરના આદેશથી હવેથી વિશ્વમાં ઘટતી દરેક ઘટનાઓ અને શુભ-અશુભનું ફળ આપવાનું કામ સંજય સંતુરામ જોશીના કહેવા પ્રમાણે થશે. સમગ્ર સૃષ્ટિનું સંચાલન તેઓ તેમની આવડત અને જ્ઞાન મુજબ કરશે...’

આ છેલ્લા શબ્દો બોલતી વખતે ભગવાન ઇન્દ્રની કરડી આંખો બાજુમાં ઊભાં-ઊભાં ધ્રૂજી રહેલા સંજય પર હતી.

સંજય આટલું સાંભળતાંની સાથે જોરથી બોલ્યો, ‘ના મારાથી આ બધું નહીં કરી શકાય. મારો કહેવાનો મતલબ એવો જરાય નહોતો.’ બીજી જ ક્ષણે તેણે હાથ જોડીને ઈશ્વરને સંબોધીને કહેવાનું ચાલુ કર્યું, 

‘હે ભગવાન, મારી ભૂલ થઈ એ મેં સ્વીકાર્યું અને એની માફી પણ હું માગું છું, પણ અત્યારે તમે જે કરી રહ્યા છો એ મારા માટે અશક્ય છે.’

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 25

નારદમુનિએ તેના ખભે હાથ મૂક્યો અને બોલ્યા, ‘હવે કશું ન થાય ભાઈ, તમને બહુ શંકા હતીને કે ભગવાન કેમ બધા સાથે આમ કરે છે? ભગવાન તો ઘણાની સાથે અન્યાય કરે છે. તો હવે તમે જ એનું નિવારણ કરો અને અમને સૌ દેવોને  શીખવાડો કે આ સૃષ્ટિનું સંચાલન કઈ રીતે થઈ શકે?’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK