Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 25

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 25

06 October, 2019 01:52 PM IST | મુંબઈ
નવલકથા - ડૉ. હા‌ર્દિક ‌નિકુંજ યા‌‌જ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 25

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


ગતાંક – સંજય સહેજ ઈશ્વરથી નાખુશ થયો છે. તેને ફરિયાદ હતી કે ઈશ્વરની પોતાની હાજરી હોવા છતાંય તેમણે આત્મારામ બંસરીને કેમ મરવા દીધા? ઈશ્વર એ વાતનું સમાધાન કરતાં કહે છે કે ખરેખર તો એમ કરીને તેમણે તેમની જ છેલ્લી ઇચ્છા પૂરી કરી હતી. સંજયને કશું સમજાય એ પહેલાં ઈશ્વર અદૃશ્ય થઈ ગયા. સંજય તેમને શોધવા નીકળે છે, પણ ક્યાંય તે દેખાતા નથી. ઊલટાનું તેને અનુભવ થાય છે કે છેલ્લા કેટલાક દિવસથી તેની જોડે જે કંઈ થયું એવું તો કંઈ થયું જ નથી. અચાનક તેનો ઍક્સિડન્ટ થાય છે. તેનો જીવ નીકળે છે અને સામે પેલો આસ્તેય નામનો યમદૂત ઊભો હોય છે...

હવે આગળ.



અચાનક એક દિવસ આપણને થાય કે જે કંઈ જીવનમાં આપણી જોડે ઘટ્યું છે એવું કંઈ આપણી જોડે બન્યું જ નથી તો?


મગજ બહેર મારી જાય અને ગાંડપણ ઘેરી વળે. સંજયને પણ કંઈક આવું જ અનુભવાઈ રહ્યું હતું. એક તો અચાનક જ ઈશ્વરનું આમ ગુમ થઈ જવું અને ત્યાર બાદ જે કંઈ અનુભવો થયા હતા એ સઘળા જાણે એની જોડે ઘટ્યા જ નથીની અનુભૂતિ. અને આ સઘળું ઓછું હોય એમ સ્વયંનું મૃત્યુ અને સામે એ જ યમદૂતનું આવવું જેની ગંભીર ભૂલને લીધે પોતે સદેહે વૈકુંઠ એક વાર જઈ આવ્યો હતો.

જીવનમાં બહુ જ ઓછી ક્ષણો એવી આવે છે જેમાં માણસ સંપૂર્ણપણે વિસ્મયથી ઘેરાયલો હોય અને આવા વખતે અનંતના હાથમાં જાતને સોંપી દેવાથી જ એ સમસ્યાઓનો દરિયો ઓળંગી શકાય છે.


સંજયને ઈશ્વરભાઈ ગગનવાસી બનેલા ઈશ્વરની કહેલી વાત આ સમયે યાદ આવે છે કે જ્યારે દરેક રસ્તા બંધ થયા છે એવું અનુભવાય અને પોતે કોઈ નિર્ણય લઈ શકાય એમ ન હોય ત્યારે મારે શરણે આવી જવું. સઘળી ચિંતા મને સોંપી મારામાં મનને સ્થિર કરવું.

મૃત્યુના દૂતની સામે ઊભેલા સંજયને આ વાત યાદ આવે છે અને એની સાથે-સાથે પોતે એ સમયે ઈશ્વરને કરેલો છણકો યાદ આવે છે કે અમારે એ સિવાય છૂટકો છે? આમ જોવા જઈએ તો તમે જ એવી પરિસ્થિતિનું નિર્માણ કરો કે અમારે તમારા શરણે આવું જ પડે. એનું શું?

અને આ વાત યાદ આવતાં જ તેને શું કરવું એની સમજણ આવે છે. તે વિચારે છે કે આ પણ ઈશ્વરની મને કશું શીખવાડવાની ઈશ્વરોલૉજીનો જ એક ભાગ હશે.

સંજય તરત જ જે કંઈ થઈ ગયું છે એની ચિંતા છોડી હવે જે કંઈ થવાનું છે એની તત્પરતામાં લીન થઈ જાય છે.

આસ્તેય તેની સામે એક હાથ લંબાવીને કહે છે, ‘ચાલો.’ 

જેવો એ તેનો હાથ અડકે છે બન્ને જણ સુપર સોનિક ઝડપે ઉપરની તરફ ઊડી અજીબ જગ્યાએ પહોંચે છે.

જ્યારે સૌપ્રથમ વાર તે ઉપર આવ્યો હતો ત્યારે આવી કોઈ જગ્યા હતી જ નહીં.

તેણે જોયું તો તેની નજર સામે એક ખૂબ જ વિશાળ નદી હતી. સામાન્ય રીતે દરિયામાં ઊઠે એવાં મોજાં એ નદીમાં ઊઠી રહ્યાં હતાં. તેણે જોયું તો પોતે જેવા હવાના વમળમાંથી આસ્તેય જોડે બહાર આવ્યો હતો એવાં જ અનેક વમળ આસપાસ હતાં. અને એમાંથી હાથ પકડી-પકડીને યમદૂતો લોકોને લઈને આવતા હતા. કોઈ યમદૂત પાસે એક જણ હતું તો કોઈકની પાસે આખું ટોળું. નદીના કાંઠા સુધી આવનાર મોટા ભાગના લોકો રડતા અને દુઃખી હતા. અમુક સ્તબ્ધ હતા અને અમુક ખૂબ ખુશ હતા.

નદી મગરોથી ભરપૂર હતી. ત્યાં અનેક તરાપા હતા અને ત્યાં જે-તે વ્યક્તિઓનાં નામ લખ્યાં હતાં. આસ્તેયે નદી તરફ ઇશારો કર્યો.

નદીનું તોફાન જોઈ ગભરાયેલા સંજયે આસ્તેયને ખૂબબધા પ્રશ્ન પૂછ્યા પણ એકનો પણ જવાબ તેણે ન આપ્યો. તેણે એક ઇશારો કરીને સંજયને દૂર પડેલા તરાપા તરફ જવાનો ઇશારો કર્યો.

સંજયને સ્વાભાવિક રીતે ગમ્યું નહીં. જે માણસના બોલે સ્વયં શ્રી હરિ માણસનો દેહ ધારણ કરીને આવ્યા હોય, જગત નિયંતાની સાથે છેલ્લા ઘણા દિવસોથી જેણે સમય પસાર કર્યો હોય અને સ્વયં ભગવાને જેને પોતાના પરમ સખા અર્જુન સાથે સરખાવ્યો હોય તેને આમ સામાન્ય જીવોની જેમ વર્તવાનું તો કેમ કરી ગમે?

નછૂટકે એ નદીકિનારા સુધી ગયો. ત્યાં એક તરાપો હતો જેની પર લખ્યું હતું – સંજય સંતુરામ જોષીનાં સત્કર્મ.

આજુબાજુ અનેક લોકો અને તેમનાં નામના તરાપા હતા. દરેકના નામની પાછળ સત્કર્મ શબ્દ હતો. સંજય મૂંઝાયો કે એનો તરાપો ખૂબબધાં લાકડાંથી બાંધેલો અને મજબૂત દેખાતો હતો. બાજુમાં જ કોઈ આદર્શ ચન્દ્રેશભાઈ શાહનો તરાપો હતો. એ ખૂબ જ ઓછી લાકડીઓવાળો અને વચ્ચે-વચ્ચે બાકોરાંવાળો હતો.

સંજયે નદી તરફ જોયું તો સામાન્ય કરતાં ત્રણગણા મોટા મગરોથી એ નદી ભરપૂર હતી. મોટા ભાગના તરાપામાંથી માણસ નીચે પડતા અને કોઈ-કોઈને તો વચ્ચેથી જ મગરો ખેંચી અને પાણીમાં લઈ જતા.

સંજય ગભરાયો. તેણે આસ્તેયની સામે જોઈ કહ્યું, ‘હું આમાં નથી જવાનો. ભગવાનને બોલાવો.’ 

આસ્તેય કંઈ જ ન બોલ્યો. તેણે ફક્ત એક સ્મિત આપ્યું અને સંજયના પગ તરફ ઇશારો કર્યો.

સંજયે નીચે જોયું તો અચાનક જ તેના પગની નીચે ગરમી વધવા માંડી. પગ દઝાયા એટલે નાછૂટકે તેણે કૂદકો મારીને તરાપા પર ચડવું પડ્યું.

આસ્તેયને પૂછ્યું, ‘પણ આ બધું છે શું એ તો કહો?’  

આસ્તેયે કહ્યું કે ‘આ સત્કર્મનો તરાપો છે. તમે જીવનમાં જેટલાં સત્કાર્યો કર્યાં હશે એટલાં સત્કર્મ જેટલી લાકડીઓ એમાં જોડાતી ગઈ હશે. એટલે જેનાં સત્કર્મો વધારે તેનો તરાપો એટલો વધારે મજબૂત અને જેણે ઓછાં સત્કર્મ કર્યાં હશે તેના તરાપામાં ઓછી લાકડીઓ.’

સંજયને એટલું સમજાયું કે પાપની તો હજી ગણતરી જ નથી આવી, આ તો ખાલી સત્કર્મોનો જ હિસાબ છે. અહીં તેને પોતાનો જ ઈશ્વરને પૂછેલો પ્રશ્ન યાદ આવ્યો કે કોઈએ પુણ્ય કેમ કરવાનું, ખાલી માણસ પાપ ન કરે તો ન ચાલે?

ત્યારે ભગવાને ખાલી હસીને ડોકું હલાવતાં કહ્યું હતું કે તો પછી વૈતરણી કેમ કરીને તરાશે?

પણ એ શું હતું એ આજે ખબર પડી કે ખાલી પાપ ન કરીએ એટલું પૂરતું નથી, પુણ્ય પણ કરવું પડે છે.

લોકોને મગરો દ્વારા ખેંચીને લઈ જવાતા જોઈ તેણે આસ્તેયને બીજો પ્રશ્ન પૂછ્યો કે આ લોકોનું શું થાય છે?

આસ્તેયે કહ્યું કે સીધો નિયમ છે, મગર ખેંચી જાય તો નીચે નર્ક અને જો વૈતરણી તરી જાઓ તો સ્વર્ગ. તમે પુણ્ય તો કર્યાં જ છેને પછી ગભરાઓ છો શું કામ? જે માણસ ઈશ્વરની સામે ગભરાયો નથી તે મગરોથી ગભરાય તો કેવું લાગે?

આસ્તેયના શબ્દોમાં વ્યંગ હતો કે નહીં એ સમજવા જાય ત્યાં તો તેનો તરાપો પાણીમાં તર્યો.

તેણે જોયું કે મોટાં-મોટાં પાણીનાં મોજાં ઊછળવા છતાં પણ તેનો તરાપો સ્થિર સરકતો હતો. અડધે રસ્તે સુધી તેને વિશ્વાસ થઈ ગયો કે પોતે કંઈક તો પુણ્ય કર્યું જ છે. એટલે તે આજુબાજુમાંથી નીકળી રહેલા તરાપાઓને જોવા માંડ્યો.

જેવો તે સામેના કાંઠે પહોંચ્યો તેની આંખો પહોળી થઈ ગઈ. આસ્તેય આ તરફના કાંઠે આવીને  ઊભો-ઊભો હસી રહ્યો હતો.

એક છલાંગ મારીને કૂદી કિનારા પર આવીને સંજયે બોલવાનું ચાલુ કર્યું, ‘તમે પણ ખરા છોને ગુરુ. તમે જે રસ્તે આવ્યા ત્યાંથી જ લઈ આવવો હતોને. આ ખાલી-ખાલી ઍડ્વેન્ચર કરાવવાનું કંઈ કારણ?’

આસ્તેય કંઈ જ બોલ્યો નહીં. ખાલી પાછળની બાજુએ ઇશારો કર્યો. સંજયે જોયું તો એક મોટા ખડક પાસે નરી આંખે જેની ઊંચાઈ માપી ન શકાય એટલો મોટો દરવાજો હતો. વાતાવરણમાં જે અદ્ભુત સુંગધ હતી એ પહેલાં ક્યારેય માણી નહોતી. આજુબાજુ અનેક આસ્તેય જેવા યમદૂતો ફરતા હતા અને જગતભરના માણસોનો ત્યાં મેળો હતો. છતાંય ક્યાંય કોઈ અવાજ નહીં. એક અજીબ છતાં પણ મનને ડોલાવી દે એવું મ્યુઝ‌િક સંભળાઈ રહ્યું હતો. જાણે બૅકગ્રાઉન્ડમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટલ સીડી ચાલી રહી હોય.

તેણે જોયું તો એકબે માણસ તરાપાની જગ્યાએ નદીમાંથી તરીને પાર કરી બહાર નીકળ્યા. આ રીતે તરનાર દરેકને દરેક વખતે મગરના હુમલામાંથી બચીને નીકળવું પડ્યું. તેમને જોઈને વિચાર આવ્યો કે આ લોકો વળી પાછા કઈ કૅટેગરીના છે?

આસ્તેય તરત જ બોલ્યો, આ એ લોકો છે જેણે પુણ્ય નથી કર્યાં પણ પાપ પણ નથી કર્યાં. એ લોકોને તરાપો નથી મળતો, વૈતરણી જાતે તરીને પાર કરવી પડે છે.

સંજયને પોતાના પૂછેલા પ્રશ્નનો જવાબ મળ્યો અને સાથે-સાથે ઈશ્વરનું કહેલું વાક્ય પણ યાદ આવ્યું કે હું કોઈ પ્રશ્નને ઉત્તરવિહોણો નથી રાખતો, ખાલી વખત આવે એનો જવાબ આપું છું.

સંજયનું મોં મલક્યું અને ધ્યાન પાછું પેલા મોટા દરવાજા તરફ ગયું. હવે તેને પાછું ભગવાનને મળવાની તાલાવેલી લાગી હતી.

આસ્તેયે સંજયને દરવાજા તરફ લાગેલી અનેકાનેક લોકોની લાઇન તરફ ઇશારો કરી ત્યાં જવાનું કહ્યું.

સંજય ત્યાં પહોંચ્યો તો જોયું કે નદી પાર કરીને આવતા લોકોમાં એક અજબનું તેજ અનુભવાયું. દરેક માણસની આસપાસ નાનું કે મોટું પ્રકાશનું વર્તુળ હતું. તેણે જોયું તો પોતાની આસપાસ કશું છે કે નહીં એ અનુભવી શક્યો નહીં.

આખરે અંદર જવાની ઉતાવળે તે એક લાઇનમાં ગોઠવાયો. તેની બરાબર પાછળ એક બેઠી દડીનો ગોળમટોળ માણસ આવીને ઊભો રહ્યો. તેની પાતળી મૂછો તેના મરક-મરક થતા હોઠ પર શોભી રહી હતી. તેણે સંજયને જોતાંની સાથે જ પૂછ્યું, ‘પ્રભુ, કેમના ઊકલી ગયા? હાર્ટ-અટૅક કે બીજું કંઈ? હું તો ચાલુ બાયપાસે જ આયો બોલો!’

સંજયે કહ્યું કે પોતાને ઍક્સિડન્ટ થયો હતો. 

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 24

‘તો પછી ખોટી લાઇનમાં ઊભા છો બંધુ. આ તો નૅચરલ ડેથવાળાની લાઇન છે. તમારી ઍક્સિડન્ટ વાળાની પેલી રહી.’ તે માણસે દૂરની લાઇન તરફ ઇશારો કર્યો.

જેવું સંજયે એ તરફ જોયું તે ચમક્યો.

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2019 01:52 PM IST | મુંબઈ | નવલકથા - ડૉ. હા‌ર્દિક ‌નિકુંજ યા‌‌જ્ઞિક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK