ઈશ્વરોલૉજી - પ્રકરણ - 24

Published: Sep 22, 2019, 17:55 IST | નવલકથા - ડૉ. હા‌ર્દિક ‌નિકુંજ યા‌‌જ્ઞિક | મુંબઈ ડેસ્ક

ઈશ્વરોલૉજીને ન સમજી શકેલા સંજયને પોતાની ભૂલ ખબર પડી અને એ ઈશ્વરને ગળે મળવા જાય ત્યાં તો ઈશ્વર ત્યાં હતા જ નહીં...

ઈશ્વરોલૉજી
ઈશ્વરોલૉજી

ગતાંક - એક પથારીવશ માણસને કોઈ પણ ચમત્કાર કર્યા વગર આપબળે બેઠો કરવાની ચૅલેન્જ સંજયે ઈશ્વરને આપી અને તે તેમણે પૂરી કરી. પણ આ ઘટનાની તરત જ બાદ તે વ્યક્તિ ઈશ્વરની સામે જ મરણ પામ્યો. સંજયને ખૂબ લાગી આવ્યું. એને ચીડ ચડી કે ઈશ્વર ખુદ ત્યાં હાજર હતા તો પછી એમણે એ માણસને મરવા કેમ દીધો? ઈશ્વરે આખરે ભેદ ખોલ્યો કે એ ખરેખર તો એ માણસની જ ઇચ્છા હતી કે તે ઈશ્વરના સાંનિધ્યમાં પોતાની મનગમતી વાંસળી સંભળાવી મૃત્યુને ભેટે. એટલે ઈશ્વરે તો એની છેલ્લી ઇચ્છા પૂરી કરી હતી. ઈશ્વરોલૉજીને ન સમજી શકેલા સંજયને પોતાની ભૂલ ખબર પડી અને એ ઈશ્વરને ગળે મળવા જાય ત્યાં તો ઈશ્વર ત્યાં હતા જ નહીં...
હવે આગળ..
અણીના સમયે સરકી જવું એ તો માણસની આદત પણ અહીં ઈશ્વરમાં જોવા મળી. કદાચ આટલા દિવસનો માણસનો સંગ થયો એટલે જ...
સંજયે ચારે તરફ જોયું તો ઈશ્વર ત્યાં હતા જ નહીં! પહેલાં થયું કે ઈશ્વર સ્વભાવ મુજબ રમત રમી રહ્યા છે. એટલે એણે એમને સંબોધીને કહેવાનું શરૂ કર્યુ કે
“મને ખબર જ છે કે તમે મને સાંભળી શકો છો. આટલા સમયમાં તમારી જોડે રહી તમારી સઘળી આદતોની ખબર પડી ગઈ છે. ચલો, હવે સામે આવો ને યાર...”
કોઈ જ જવાબ ન આવ્યો. એને થયું કે સાવ હું આમ ગુસ્સે થઈ જાઉં અને એ પણ ભગવાન ઉપર, એ તો કેમનું ચાલે? હવે એ રિસાય એ સ્વાભાવિક છે. નીચે બેઠા હશે, લક્ષ્મીજી સાથે. એટલે એણે નીચે જઈ દરેક રૂમમાં તપાસ કરી. ત્યાં કોઈ જ ન હતું. જે રૂમમાં એમનો સામાન મૂક્યો હતો એ રૂમમાં સામાન પણ ન હતો.
એ થોડો હાંફળોફાંફળો થઈ એમને શોધી રહ્યો હતો, ત્યાં જ હાથમાં શાકની થેલી લઈ એની પત્ની ઘરમાં દાખલ થઈ. એને જોતાંની સાથે જ સંજયે પૂછ્યું “એ લોકો કયાં છે?”
પત્ની આશ્ચર્ય પામી. એણે વળતું પૂછ્યું “ કોણ લોકો?”
સંજયને સમજાયું નહીં... એણે કહ્યું, “અરે શું? કોણ લોકો? ઈશ્વર... બીજું કોણ?
પત્નીને થયું કે એનો પતિ ગાંડો થઈ ગયો છે કે શું? એણે જરા આંખ પહોળી કરીને ઉપરાઉપરી પૂછ્યું,
“કોણ? કોણ? કોણ?”
પરિસ્થિતિનો ખ્યાલ આવતાં સંજયે ટૉન બદલ્યો, “અરે મારા કઝીન ઈશ્વરભાઈ અને પ્રદ્મજાભાભી, જે આટલા દિવસથી આપણી સાથે રહે છે તે...”
પત્નીએ કહ્યું, “તમને દારૂ પીવાની ટેવ ક્યારથી પડી? કોણ રહે છે આટલા દિવસથી આપણા ઘરે? તબિયત તો ઠીક છે ને?”
સંજયને થયું કે ભગવાનની જેમ પત્ની પણ એની મજાક ઉડાવી રહી છે. મન મનાવ્યું કે હાલમાં એ મજાકના મૂડમાં છે એટલે એને કશું કહેવાનું ટાળી એ બહાર નીકળ્યો.
જે સ્કૂટર ઉપર ભગવાન સાથે ફરતો તે લઈને એ નીકળ્યો. રસ્તામાં જ આત્મારામ બંસરીનું ઘર આવ્યું. એમનો દીકરો રીતેશ ઘરની બહાર જ હતો. એણે સંજયની સામે સ્માઇલ કરીને હાથ કર્યો...
હજી હમણાં જ જેના પિતાના દેહને અગ્નિ આપી હતી, એ માણસ આમ આટલી સ્વસ્થતાથી સ્માઇલ કરીને બોલાવે એ અજુગતું હતું. રીતેશે એને હાથ કરીને થોભવાનું કહ્યું. એ રસ્તાની એક બાજુએ ઊભો રહ્યો અને રીતેશ બન્ને બાજુ જોઈ, દોડીને રસ્તો પાર કરી એની પાસે આવી બોલ્યો,
“શું! આજકાલ તો દેખાતા જ નથી...? તમને ખબર છે? પપ્પા તમને છેલ્લા કેટલાય દિવસથી યાદ કરે છે?”
સંજયના પગ નીચેથી જમીન ખસી જતી હોય તેમ લાગ્યું. એને થયું કે આવી મજાક બદલ રીતેશને એક લાફો મારી દે. હજી હમણાં તો આ સ્વર્ગસ્થ આત્મારામને લીધે ભગવાન જોડે રિસામણાં થયાં. એમને પથારીમાંથી બેઠાં થતાં અને ઈશ્વરના સાંનિધ્યમાં દેહ છોડતાં તો નજરે જોયા છે અને આ નવું તૂત શું છે?
હજી તો એ કશું વધારે વિચારે ત્યાં તો સરસ મજાની બંસરીનો નાદ એને સંભળાયો. સ્કૂટર સરખું પાર્ક થયું કે નહીં? તે જોવાની દરકાર કર્યા વગર એ રસ્તાની બન્ને બાજુ જોયા વગર દોડ્યો. ઘરની અંદર જતાં જ એ આભો બની ગયો. પથારીમાં બેઠાંબેઠાં આત્મારામ આંખ બંધ કરીને બંસરી વગાડી રહ્યા હતા.
સંજયનું મગજ બહેર મારી ગયું. શું ચાલી રહ્યું છે એનું એને જરાય ભાન ન રહ્યું. પાછળથી આવેલા આત્મારામના દીકરાએ આવીને ખભે હાથ મૂકી પૂછ્યું, “આ અચાનક શું થયું?”
સંજય શું કહે? એ એટલું જ બબડ્યો કે “હું પણ એ જ પૂછું છું કે આ અચાનક શું થયું?”
આ સઘળું શું છે? એનો તાગ મેળવવા માટે એણે સ્કૂટર લીધું, સાહુ સાહેબની ઑફિસ તરફ.
એમની આલિશાન ઑફિસમાં હજી તો જ્યાં સ્કૂટર વાળે ત્યાં તો એક ગાડી એની બાજુમાં આવીને ઊભી રહી.
કાળા કાચ ઊતર્યા અને અંદર બેઠેલા સાહુ સાહેબે ખૂબ જ પ્રેમથી કહ્યું, ‘‘વોટ અ કો-ઇન્સિડન્સ સંજય!! તને થોડા દિવસથી સખત યાદ કરું છું... ઇનફેક્ટ આજે તો તારા ઘરે આવવાનો હતો... સારું થયું, આપણે અહીં જ મળી ગયા. મારે તારું કામ છે... એઝ યુઝઅલ તારી સલાહ લેવી છે...”
એક પલક પણ ઝબકાર્યા વગર સંજય બોલ્યો, “તમારી ઑફિસનો વહીવટ તમારા કયા જમાઈને આપવો છે, એ નક્કી નથી કરી શકતા એટલે એને માટે મને મળવું છે...”
“વોટ ધ...” સાહુ સાહેબના મોંમાંથી ગાળ નીકળતાંનીકળતાં રહી ગઈ... એમણે આશ્ચર્ય અને શંકાના મિશ્ર ભાવ સાથે પૂછ્યું, “પણ તને કેવી રીતે ખબર પડી?”
એ કશું બોલવા જતો હતો પણ પછી એટલું જ બોલ્યો, “કંઈ નહીં, એમ સમજી લો ને કે આજકાલ ભગવાન બધું મને જ આવીને કહી જાય છે.”
સાહુ સાહેબ વધારે કશું પૂછે એ પહેલાં એણે સ્કૂટરને કીક મારી અને સડસડાટ આગળ વધ્યો.. સાહુ સાહેબને થયું કે જે વસ્તુ છેલ્લા ઘણા દિવસથી મારા મગજમાં ચાલી રહી છે તે આ માણસને કેવી રીતે ખબર પડી?”
લગભગ બારીમાંથી કાઢી શકાય એટલું મોં બહાર કાઢી એમણે સ્કૂટર ઉપર જતા સંજયને જોયા કર્યું...
સ્કૂટર કદાચ આપમેળે જ ચાલતું હતું... રસ્તા ઉપર સંજયની માત્ર આંખ હતી, મગજ તો છેલ્લા ઘણા દિવસથી સાથે ફરતા ઈશ્વરની અનોખી ઈશ્વરોલૉજીને વિચારી રહ્યું હતું.
આ બધું શું થઈ રહ્યું છે? એની એને કશી જ ખબર પડી રહી ન હતી. રસ્તામાં એ હૉસ્પિટલ આવી જ્યાં એને દાખલ કરવામાં આવ્યો હતો. ક્ષણનોય વિલંબ કર્યા વગર એ અંદર ગયો. એ જ હૉસ્પિટલ, એ જ રૂમ અને બધું એવું ને એવું હતું, જ્યાં તે આવ્યો હતો...
અચાનક બાજુમાંથી થોડા યંગ ડૉક્ટર્સને સાથે લઈને સિનિયર ડૉક્ટર વાસુદેવ પેશન્ટને જોવા રાઉન્ડ ઉપર નીકળ્યા. એમને જોઈ સંજયે પૂછ્યું, “ડૉક્ટર સાહેબ, જય શ્રી કૃષ્ણ... ઓળખાણ પડી?”
અચાનક કોઈ સામાન્ય માણસને આમ પૂછતાં જોઈ એમણે કહ્યું, “જય શ્રી કૃષ્ણ... માફ કરજો પણ ખ્યાલ ન આવ્યો.”
સંજયને ઈશ્વરનો ફેંકેલો સૌથી મોટો દાવ થોડોઘણો ખ્યાલ આવ્યો. એણે હાથ જોડી ડૉક્ટરને સોરી કહ્યું... એ જ સ્તબ્ધ અવસ્થામાં એ બહાર નીકળ્યો... એને થયું કે આ કોઈ બહુ મોટી લીલા કરી રહ્યા છે, ઈશ્વર...
એમને ના પાડી હતી છતાંય તેમણે ચમત્કાર કર્યો છે... કે પછી ખરેખર આ બધું મારું સ્વપ્ન હતું કે ઈશ્વર મારી જોડે રહેતા હતા?
રસ્તામાં એની નજર પડી પેલા શણગારેલા મંદિર ઉપર, જ્યાં બહાર મોટી જાહેરાત હતી કે આજથી બે દિવસ પછી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે... સંજય ત્યાં જ ઊભો રહ્યો... જમણી બાજુના મોટા બોર્ડ ઉપર અતુલ ચતુરભાઈ નામની વ્યક્તિ હાથમાં સોનાના મોટા કડા લઈને ઊભો હોય તેવો ફોટો હતો અને એની ઉપર લખ્યું હતું કે આપણા એરિયાના ભાવિ નગરપાલિકા ઉમેદવાર તરફથી ભગવાનને લાખેણી ભેટ...
એને ઈશ્વરના શબ્દો યાદ આવ્યા... “અતુલ સટોડિયો કરીને એક માણસ જુગારમાં ખૂબ કમાયો અને ખોટી રીતે થયેલી અચાનક આવકને લીધે એણે મારાં આ કડાં બનાવીને નવા બનાવેલા મંદિરમાં પધરાવ્યાં હતાં... ખોટી આવક અને કોઈકને નુકસાન પહોંચાડીને કમાયેલા પૈસામાંથી મને સોનાનાં કડાં તો શું, કંઈ પણ ધરાવે, એ મારે માટે તો સદાય અસ્વીકાર્ય હોય...”
મોટાં પોસ્ટરના ફોટોમાં અતુલ સટોડિયાના હાથમાં એ જ કડાં હતાં, જે પોતાની પાસે ચોરાવી નદીમાં ઈશ્વરે નખાવ્યાં હતાં... સંજયને થયું કે એનું જીવન જાણે રીવાઇન્ડ થયું છે.
શૂંટિગની જગ્યાથી લઈને પેલા ગીતાદર્શનના ચિત્રવાળી દીવાલ સુધીની દરેક જગ્યાએ ફરી વળ્યો. એને થયું કે નક્કી કંઈક અજુગતું જ મારી જોડે થયું છે! આ સ્વપ્ન નથી એ ચોક્કસ છે, એના વગર આટલા બધા અનાયાસ એકસાથે શક્ય જ નથી. ઈશ્વર તો મારી જોડે અહીં રહેવા આવેલા એ નક્કી છે પણ આ અચાનક જ બધુ પાછું રીવાઇન્ડ કેવી રીતે થઈ ગયું એ ખબર નથી પડતી!!!
દીવાલ ઉપર ચીતરેલા કૃષ્ણના ફોટોની સામે જોઈને એણે મનોમન કહ્યું કે મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો... હજી તો કેટકેટલુંય મારે શીખવાનું બાકી છે. મને પ્રોમિસ આપીને આમ અરધેથી છોડવાનું શું કારણ? તમારે પાછું આવવું જ પડશે. અર્જુનને અરધી ગીતા સંભળાવીને તમે ગુમ થોડા થઈ ગયેલા? અને જો એમ કર્યું હોત તો અર્જુન તો સાવ તૂટી જાત... મારે પણ એની જેમ પ્રશ્નો છે એના જવાબ તો તમારે આપવા પડે ને? આખરે તમારી જવાબદારી બને છે...
ઈશ્વરની આ જ તો મજા હોય છે. એ કોઈ પણ સ્વરૂપે જીવનમાં પ્રવેશે છે અને પછી એના અસ્તિત્વમાં આપણને તરબોળ કરી દે છે... પછી એના સિવાય બીજું કંઈ પણ માણસ ન તો વિચારી શકે છે ના કરી શકે.
સ્કૂટર લઈને ઘરે જતાં સંજયની પણ આવી જ અવસ્થા છે. ઈશ્વર વગરની ક્ષણોને એ સ્વીકારી શકતો નથી. આ જ ભક્તિ કહેવાય કે પછી બાકી રહી ગયેલી ઇચ્છા, એ પણ એને ખબર નથી.
અચાનક એની આંખ અંજાય છે... સામેથી એક ખૂબ ઝડપથી આવતી ટ્રક એની સામે આવે છે. આ ટ્રક સાથે અથડાતાં પહેલાં એને ટ્રકની ઉપર લખેલું કલરફૂલ વાક્ય વંચાય છે કે - સબ માયા હૈ
બીજી જ ક્ષણે એ સ્કૂટર ઉપરથી ઉછળી રસ્તાની એક બાજુએ પડ્યો હોય છે... એક અજીબની અનુભૂતિ સાથે એ આંખ ખોલે છે ત્યારે એની સામે આસ્તેય નામનો એ જ યમદૂત ઊભો હોય છે, જેણે પહેલી વાર એનો જીવ કહાડ્યો હતો...
(વધુ આવતા અંકે...)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK