Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 22

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 22

08 September, 2019 04:25 PM IST | મુંબઈ
નવલકથા - ડૉ. હા‌ર્દિક ‌નિકુંજ યા‌‌જ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 22

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


ગતાંક

સંજયનો ઈશ્વર સાથે થઈ રહેલો મીઠો ઝઘડો આગળ વધી રહ્યો છે. સંજયની ચૅલેન્જ સ્વીકારી પૃથ્વી ઉપર આવેલા ઈશ્વર કોઈ પણ પ્રકારના ચમત્કાર વગર એક સામાન્ય માણસ પોતાના બતાવેલા રસ્તા પર આજના જમાનામાં કેવી રીતે જીવી શકે એનું પ્રમાણ આપી રહ્યા હતા. સંજય પણ દોસ્ત બની ગયેલા ઈશ્વરને હકથી પ્રશ્નો પૂછી રહ્યો હતો. હજી હમણાં જ સાવ પથારીવશ થઈ ગયેલા એક માણસને બતાવી તેને કોઈ પણ ચમત્કાર વગર ઊભો કરી દેવાની ચૅલેન્જ તેણે ઈશ્વરને આપી...



હવે આગળ...


આત્મારામ બંસરી, જેની બંસરીના તાલે અડધું બૉલીવુડ ઝૂમ્યું હતું અને એક જમાનો હતો જ્યારે ભાગ્યે જ કોઈ ફિલ્મનો સંગીતકાર એવો હતો જેણે આત્મારામને પોતાના ગીતમાં બંસરી વગાડવા ન બોલાવ્યા હોય.

સ્વભાવના થોડા ગરમમિજાજી અને કળાને સમર્પિત આ કળાકાર નખશિખ કૃષ્ણભક્ત. રોજ સવારે સાડાચાર વાગ્યે જાગી, પ્રાતઃકર્મ પતાવી, પાંચ વાગ્યે ઘર પાસેના કૃષ્ણમંદિરમાં જઈ એક ખૂણામાં બેસી બંસરીનાદ કરવાનો તેમનો નિત્યક્રમ. તેમના મતે એ સમય પોતાના ઈશ્વરને પોતાની કળા અર્પવાનો હતો. ત્યાંથી આવ્યા બાદ રિયાઝ શરૂ થાય તો બપોર સુધી. જો રેકૉર્ડિંગ હોય તો જાય નહીં તો રિયાઝ આગળ ધપાવે. સાંજ પડે એટલે થોડા વિદ્યાર્થીઓ તેમની પાસે બંસરીનાદ શીખવા આવે. આત્મારામના શિષ્ય બનવું એ પણ ધીરજ માગી લે એવું કામ હતું. પહેલાં તો આવનારને દાદ જ ન આપે અને પછી ચાર મહિના સુધી ખાલી બંસરીમાં ફૂંક મારવાની પ્રૅક્ટિસ કરાવ્યા કરે. તેમનું માનવું હતું કે જે માણસ ખરેખર શીખવા નહીં આવ્યો હોય તે તો આ સમયમાં ખરી જ પડે અને પછી જે ટકી જાય તેની સામે પોતાની આવડતનો ખજાનો ખોલી દેતા.


પણ આત્મારામના શિષ્ય હોવાનો એક ગેરફાયદો પણ ખરો કે સહેજ ચૂક્યા તો બાજુમાં પડેલી લાકડી આંગળીઓ પર જ પડે.

આમ તો તેમની અટક વ્યાસ, પણ બંસરીના કળાકાર હોવાને કારણે તેમનું નામ જ પડી ગયેલું આત્મારામ બંસરી.

સંગીત ઇન્ડસ્ટ્રીમાં પણ ડિજિટાઇઝેશન અને નવા આવેલા દૃષ્ટિકોણને લીધે કામ ઓછું થયું. ધીરે- ધીરે સંગીતનો નશો નિરાશામાં ફેરવાતો ગયો. કામ ઓછાં થયાં. સહેજ પણ ચિડાયા વગર ચોપડિયું જ્ઞાન આપતા અને એક-બે ફિલ્મી ધૂન શીખવાડતા ક્લાસિસ ચોમેર ખૂલી ગયા. હતાશાએ આત્મારામને હલબલાવી નાખ્યા અને અસર પડી તેમના શરીર પર. પહેલાં તો બહાર નીકળવાનું છુટ્યું. પછી રિયાઝ. અને રિયાઝ  છૂટતાંની સાથે જ શરીરે પણ સંગાથ ઓછો કર્યો. આખો દિવસ પથારીમાં સૂઈ રહે. સૂનમૂન. કશું જ બોલે નહીં. દીકરાએ ડૉક્ટરોને બતાવ્યું, પણ કોઈ રોગ હોય તો દવા થાયને! અંદર ને અંદર ઘૂંટાતા રહેતા આત્મારામ હવે ઘરના એક ખૂણે પથારીમાં સૂઈ રહેલી વ્યક્તિ બની ગયા હતા.

સંજયએ આ આત્મારામને કોઈ જ ચમત્કાર વગર ઊભા કરવાની ચૅલેન્જ ઈશ્વરને આપી હતી.

જગતના કોઈ પણ કાર્યની સફળતા કે અસફળતા પાછળ એ કાર્ય કરવા કે પછી કરાવડાવવા માટેનો હેતુ કવો છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ચાલાક છતાંય સાચા હૃદયના સંજયની ઈશ્વરને ચૅલેન્જ આપવા પાછળની ભાવના ખરેખર તો ઈશ્વર વડે આત્મારામ બેઠા થાય એવી હતી. પણ જ્યાં આપણા જેવા માણસોની વિચારની હદ શરૂ થાય એ પહેલાં તો પરમેશ્વરનું પ્લાનિંગ પતી ગયું હોય છે. સંજયે એ ન વિચાર્યું કે મારા મનમાં આવો વિચાર નાખ્યો કોણે?

ખરેખર તો હજી હમણાં જ સવારે પથારીની ડાબી બાજુની ભીંત પર લગાવેલા કૃષ્ણ કનૈયાના ફોટોની સામે ત્રાંસી નજરે જોતાં-જોતાં આત્મારામને ડૂસકું આવ્યું હતું. એક પણ શબ્દ વગર એ ડૂસકામાં ઢગલાબંધ ફરિયાદો હતી અને સાથે-સાથે પોતાના વહાલાને વાંસળી ન સંભળાઈ શકવાનું દુઃખ પણ.

ઈશ્વરના ટેબલ પર પડેલી ફાઇલ તેમના હાથમાં ન આવે ત્યાં સુધી જ શ્રદ્ધાનું ખાતું સરકારી રહે છે. જેવી કોઈ અંતરથી ઊઠેલી સાચા મનની ફરિયાદ ફાઇલ બની ને ઈશ્વરના હાથમાં જાય ત્યારે તરત ફેંસલો ને ઝટ નિકાલ.

સંજયે ઈશ્વરને આપેલી ચૅલેન્જ પણ પેલી સવારના પહોરમાં આત્મારામના અંતરમાં ઊઠેલી ફરિયાદનો નિકાલ જ હતી. પણ એની આત્મારામ અને સંજય બન્નેને ખબર નહોતી.

‘શું થયું ભગવાન... સાચું કહેજો, ભરાયાને?’

આ શબ્દો બોલતાં-બોલતાં સંજયે પોતાનું હસવાનું માંડ-માંડ દબાવ્યું. ઈશ્વરને તેના ભોળપણ પર ગુસ્સો ન આવ્યો. તેમણે તરત જ જવાબ આપ્યો, ‘મારી આ જ તો તકલીફ છે. હું કોઈના લીધે ભરાઈ બહુ જલદી જાઉં છું.’ 

સંજય ઈશ્વરના શબ્દોની પાછળ રહેલો વ્યંગ ન સમજ્યો. તેના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો કે ભગવાન ચમત્કાર વગર આ પથારીવશ માણસને સાજો કઈ રીતે કરી શકશે?

આત્મારામ બંસરીના ઘરની બહાર સ્કૂટર અટક્યું. આત્મારામનો દીકરો સંજયને પાછો આવેલો જોઈને મૂંઝાયો.

સંજયે આવીને ઈશ્વરની ઓળખાણ તેના દૂરના સગા તરીકે આપી અને કહ્યું કે પોતે તેમના પપ્પાની ખબર જોવા આવ્યો છે. હજી હમણાં જ તેમના વિશે વાત કરી ત્યારે અંદર નહોતું અવાતું? એવો વિચાર દીકરાના મનમાં આવ્યો, પણ તેણે ખોટું સ્મિત આપી એ બન્નેને આવકાર્યા.

અંદર આવીને જોયું તો બે રૂમના ઘરના એક ખૂણામાં પથારીની ઉપર એક વીતી ગયેલો વૈભવ સૂતેલો હતો. કોઈ પ્રકારનું હલનચલન નહીં. આંખો માંડ-માંડ પલકારો મારી રહી હતી. છત તરફ એક જ ગતિએ ચાલતા પંખાને ટગર-ટગર જોતી આંખો શું વિચારતી હશે એ તો કાં તે જાણે અને કાં પેલી કૃષ્ણના ફોટોવાળી ભીંતની બરાબર આગળ ઊભેલા ઈશ્વર.

દીકરાએ બાપના કાનમાં મોટેથી સંજયના આવવાના સમાચાર આપ્યા. ઠાલા હોઠ થોડા મલકાયા બાકી બધું એનું એ જ. દીકરાએ ફરી પાછી એ જ ફરિયાદ કરી, ‘ખબર નહીં કોણ જાણે અમારા ઘર પર કોની નજર લાગી છે કે આમ અચાનક જ પપ્પાને..’ બોલતાં તે અચકાયો.

સંજયે તેના ખભે હાથ મૂક્યો અને પછી કહ્યું, ‘ચિંતા ન કરીશ. સાંભળ્યું છે ઈશ્વર મોટા ભાગે સામું જોતો નથી અને એક વાર એ સામું જોઈ લે પછી મૂકતો નથી. તે સૌ સારાં વાનાં કરશે. કેમ બરાબરને?’

છેલ્લા શબ્દો બોલતી વખતે તેણે ભગવાન સામે જોઈને આંખનો ઇશારો કર્યો.

ઈશ્વરે તક ઝડપી, ‘સંજય, તારી ભૂલ થાય છે. દરેકે પોતાનાં કર્મ તો ભોગવવાં જ પડે છે. ઈશ્વરની નજરથી નાનામાં નાની વાત છૂપી નથી. ફક્ત વખત આવે તેના ભાગ્યમાં લખેલું તે તેને આપે છે ત્યારે મનુષ્યને થાય છે કે છેક અત્યારે ઈશ્વરે તેની સામે જોયું. બાકી ઈશ્વર જે દિવસે સામે જોવાનું બંધ કરે એ દિવસે શું થાય એની કલ્પના કરવી પણ માણસ માત્ર માટે અસહ્ય છે.’

રિતેશને થયું કે આ બન્ને જણ મારા પપ્પાની ખબર કાઢવા આવ્યા છે કે પછી મને બીવડાવવા? જોકે તેને ઝાઝી સમજણ પણ ન પડી. તેની પત્ની બહાર ગઈ હોવાથી તે રસોડામાં ચા બનાવવા ગયો.

તેને અંદર ગયેલો જાણી સંજયે ઈશ્વરની પાસે જઈને કહ્યું, ‘લો બતાવો હવે. ચમત્કાર વગરનો ચમત્કાર.‍’

ઈશ્વરે તેની સામે જોવાની જગ્યાએ ઘરમાં આમતેમ જોવાનું શરૂ કર્યું. લગભગ કંઈ દેખાયું નહીં એટલે ટેબલની બાજુમાં, સોફાની પાછળ અને આખરે તો આત્મારામ બંસરીના ખાટલાની નીચે ડોકું નાખ્યું.

સંજય ગભરાયો કે રિતેશ બહાર આવશે તો તેમને ચોર સમજશે. એટલે ‌તેણે પૂછ્યું કે તમે શોધો છો શું એ તો કહો?

ભગવાને અંદર રસોડામાં ડોકિયું કરીને રિતેશને જ પૂછ્યું ભાઈ, આ આત્મારામ કાકા વગાડતા એ બંસરી ક્યાં?’

રિતેશ એક બગલથેલો લઈ બહાર આવ્યો જેમાં નાની-મોટી જુદા-જુદા પ્રકારની વાંસળીઓ અને પાવા ભર્યા હતા. તેને થયું કે આ કાકા શોખીન હશે તો કદાચ ખરીદીને લઈ જશે. પપ્પાની આ હાલત પછી એ વાંસળીઓ કોઈ કામની નહોતી.

ભગવાને ધારી-ધારીને એક પછી એક વાંસળીઓ કાઢીને ટેબલ પર મૂકવા માંડી. તેમની વાંસળીઓને પકડવાની અને જોવાની રીતથી રિતેશને પાકો વિશ્વાસ થયો કે નક્કી માણસ લાગે છે જાણકાર. જો આજે ખરીદવાનું કહે તો બધી જ આપી દઉં.  

એ જરા ઉત્સાહમાં બોલ્યો, ‘આપને રસ હોય તો આપણે વેચવાની જ છે.’

સંજયને આ ન ગમ્યું. તેણે એક નજર આત્મારામકાકાની ઉપર નાખી, પણ પંખાને એકનિષ્ઠાથી જોઈ રહેલા એ માણસના કાને જાણે કશું પડ્યું જ નહોતું.

રિતેશ પાછો ગૅસ પર રહેલી ચા ગાળવા અંદર ગયો. તેને ઉત્સાહ હતો કે આ સંજયભાઈ જોડે આવેલા ભાઈ જાણકાર છે, વાંસળીઓ લઈને પૈસા આપશે.

ત્યાં તો તેના કાને અવાજ સંભળાયો અને એ પણ તદ્દન બેસૂરો.

હાથમાં રહેલી તપેલી બાજુમાં મૂકીને તે બહાર આવ્યો અને તેણે જોયું તો જે માણસ તેને જાણકાર લાગતો હતો તેણે તો આત્મારામજીના ખાટલા પાસે બેસી તેમના કાન પાસે સાવ બેસૂરી વાંસળી વગાડવાની શરૂ કરી હતી. પોતાના પિતાજીને લીધે તેને સૂરની થોડીઘણી જાણકારી હતી. જન્મની સાથે-સાથે આટલી ઉંમર સુધી સરસ મઝાની મધૂર સુરીલી વાંસળીનો નાદ સાંભળ્યા પછી આ તીણો અવાજ સહન થાય એમ નહોતો, પણ મહેમાનને એવી રીતે કહેવાય?

સંજયને થયું કે આમને આત્મારામને સાજા કરવા લાવ્યો, પણ આમણે તો આ શું માંડ્યું? પણ આ સાથે જ તેની નજર ભગવનની પાછળની દીવાલ પર લગાવેલા બંસીધર કનૈયાના ફોટો ઉપર ગઈ. તેણે જોયું તો ફોટોમાં ભગવાન કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે અને આસપાસ ગોપીઓ નાચી રહી છે. તેનાથી હસવું રોકાયું નહી.

સાચેમાં ભગવાનને આટલું બેસૂરું વગાડતાં સાંભળીને તેને થયું કે આજ સુધી જગત આખાને કેવા ઉલ્લુ બનાવ્યા છે નહીં? કે ભગવાન વાંસળી વગાડે એટલે આખી સૃષ્ટિ ખુશીથી ઝૂમી ઊઠે અને એવું બધું. પણ ભગવાન ખરેખર આટલું ખરાબ વગાડે એ તો આજે જ ખબર પડી.

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 21

રિતેશે ઇશારો કરીને સંજયને પૂછ્યું કે આ બધું શું છે? સંજયને પણ થયું કે આ જરા વધારે પડતું જ થઈ રહ્યું છે, પણ ભગવાન તો આંખો બંધ કરીને મંડેલા. હવે તેમને રોકવા તો રોકવા કઈ રીતે?

પણ ત્યાં તો...

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 04:25 PM IST | મુંબઈ | નવલકથા - ડૉ. હા‌ર્દિક ‌નિકુંજ યા‌‌જ્ઞિક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK