Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 21

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 21

01 September, 2019 03:12 PM IST | મુંબઈ
નવલકથા - ડૉ. હા‌ર્દિક ‌નિકુંજ યા‌‌જ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 21

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


ગતાંક... ભગવાન ખરેખર માણસોનું સાંભળે છે ખરો? આ પ્રશ્ન સંજયના મનમાં ઊઠતાં જ ઈશ્વર ઈશ્વરોલૉજીની સાચી સમજણ આપવા લાગ્યા. સદીઓ જૂની એક વાર્તા સંભળાવી એમાં માણસે કરેલા દાનના બદલામાં યોગ્ય વળતર આપવાની પોતાની ગણતરી દર્શાવી. જે સંજય જેવા સામાન્ય માણસના સમજણની બહાર હતી. ઈશ્વરનું ગણિત સમજવા માટેની સમજણ કેળવતાં માણસને ખૂબ વાર લાગશે એની સમજણ સંજયને પડી ત્યાં જ તેના મગજમાં એક વિચાર ઊઠ્યો...

હવે આગળ...



તમારી પાસે જેકાંઈ છે એમાંથી તમે કેટલું બીજાને અર્પણ કરો છો એ કદાચ ઈશ્વરના ગણિતનો સૌથી મોટો માપદંડ હોય છે, પણ આ દરમ્યાન પણ હૃદયમાં રહેલી કશું મેળવવાની અપેક્ષાઓ પણ ખૂબ મોટો ભાગ ભજવે છે. મજાની વાત એ છે કે મોટા ભાગે દાન કરતી વખતે એ દાનના બદલામાં ખૂબ બધા આશીર્વાદ અને ભાગ્ય બદલવાની તક મળવાની ઇચ્છા માણસના મનમાં હોય છે અને ત્યારે એ દાનનું ગણિત ઈશ્વરના ચોપડામાં બદલાઈ જતું હોય છે.


કોઈ દિવસ વિચારવા જેવું છે કે ઈશ્વરના ચોપડામાં આપણું પાનું આપણને જોવા મળી જાય તો? આ કલ્પના જ ગજબ છે નહીં? પણ ખરેખર આમ બે વિભાગ એમાં હોય. વિભાગ પહેલો, પોતાના ભલા માટે માગેલી દુવાઓ અને વિભાગ બીજો, પારકા માટે કરેલી નિઃસ્વાર્થ દુવાઓ. તો શું ખરેખર ઈશ્વરના ચોપડામાં રહેલા આપણા આ પાનામાં વિભાગ બેમાં વધારે લખાણ હશે કે નહીં?

ઈશ્વરની ઈશ્વરોલૉજી પણ એ નિઃસ્વાર્થ ભાવે કરેલી પ્રાર્થનાઓને સરળતાથી ઝીલી લઈ તરત જ પૂરી કરવાનો પરવાનો અપાવે છે. બાકી તો ગિરધરનું ગણિત ઘણું અઘરું હોય છે. તેમને આઠ ગરણીએ ગાળવાની ટેવ છે એટલે જ કોઈ જગ્યાએ કરોડોનું દાન કરનારને કદાચ એ સ્થળે સરસમજાની તક્તિ મળી જાય ખરી, પણ સરસમજાની તકદીર મેળવવામાં એ કરોડના દાન પાછળ રહેલી ભાવનાઓ ઈશ્વર પહેલાં ધ્યાનમાં લેતા હોય છે.


સંજય જ્યારે ઈશ્વરના આ ગણિતને સમજવાનો પ્રયત્ન કરતો હોય છે ત્યારે જ અચાનક તેના મગજમાં એક વિચાર ટહુકે છે કે વાત તો સાંભળવાની હતી અને ઈશ્વર મને જુદા જ રસ્તા પર ચડાવી રહ્યા છે, એટલે તેણે ઈશ્વરને અટકાવ્યા, પણ ત્યાં જ તેના મગજમાં આવ્યું કે એક વખત બોલતાં બોલાઈ ગયું છે, હવે ફરી એવી ભૂલ નથી કરવી. આ વખતે જરા તૈયારી સાથે ઈશ્વરને પ્રશ્નો પૂછવા જોઈએ.

તેના મનમાં ચાલતી આ વાત પણ ઈશ્વરે સાંભળી એટલે તેઓ વધારે મલકાયા અને આ સાથે જ સંજયે મોઢું બગાડ્યું કે ‘પ્રભુ આ અંચઈ છે. આમ મનની વાત તમે સાંભળતા રહો છો તો મજા નથી આવતી. મેં તમને નહોતું કહ્યું કે જાદુબાદુ મૂકીને આવજો. આ તો તમારી સામે વિચારવું પણ લોચો છે.’

ભગવાને કહ્યું કે ‘પણ એમાં હું શું કરું? આ આખું વિશ્વ મારા કાન છે. મારાથી છાનું કશું જ નથી. પણ મજાની વાત તો તમારા જેવા માણસોની છે, જેઓની મોટા ભાગે ફરિયાદ હોય કે ઈશ્વર મારું સાંભળતો નથી અને હું સાંભળું તો કહે છે કે બધું જ સાંભળવાની જરૂર શું છે?’

સંજયને થયું કે ખોટો બૉલ નખાયો આ વખતે, પછી થયું કે આમને તો કશું જ ન કહેવાય.

અને ઈશ્વરે આગળ ચલાવ્યું, ‘સાચી વાત છે, મને કશું જ ન કહેવાય.’

સંજયથી અનાયાસ જ પુછાયું, ‘પણ એવું કેમ પ્રભુ?’

ઈશ્વર બોલ્યા, ‘ખરેખર મને કશું કહેવાની જરૂર જ નથી હોતી, પણ મજાની વાત એ છે કે સતત રોજેરોજ લોકો મારા મંદિરમાં આવીને કે પછી મારા ફોટો સામે મને એ જ વસ્તુ કહ્યા કરતા હોય છે જેની મને પહેલેથી જ ખબર હોય છે. સંજય તેં પણ ઘણી વાર અનુભવ્યું હશે કે તું કશે ઊભો હોય અને કોઈ ભિખારી તારી પાસે આવીને કશું માગે અને તું તેની સામે પણ ન જુએ. તારી ઇચ્છા હોવા છતાં તું તેને મદદ ન કરે, કારણ કે કદાચ તને એમ લાગે કે આટલો હટ્ટોકટ્ટો માણસ પોતે ભીખ માગવાની જગ્યાએ મહેનત કરીને પૈસા કમાઈ શકે એમ છે. તું તેને અવગણે અને બીજી તરફ ધ્યાન આપે. તે સતત તારી જોડે કશુ ને કશું માગ્યા કરે. આખરે તું ચિડાઈને તારી જગ્યા બદલી દે. થોડી વારમાં જ તું જ્યાં ઊભો હોય એ નવી જગ્યાએ તે તારી પાસે આવતો દેખાય. તારા મનમાં પહેલો વિચાર શું આવે?’

સંજય બોલ્યો, ‘સ્વાભાવિક છે પ્રભુ, એમ જ થાય કે જો આ પાછો આવ્યો.’

ઈશ્વરે તેના શબ્દો ઝીલ્યા, ‘બસ મને પણ આ જ થાય છે. દુનિયાના ઘણા પ્રૉબ્લેમ્સ માણસનાં કર્મોને લીધે હોય છે જે તેણે ભોગવ્યા વગર છૂટકો જ નથી અને બાકીના પ્રૉબ્લેમ્સ માટે તે પોતે જ પેલા ભિખારીની જેમ હટ્ટોકટ્ટો હોય છે, જે જાતે જ સૉલ્વ કરી શકે છે. હવે એવી તકલીફો માટે તે મારી જોડે માગવા આવે એ હું સાંભળું ખરો? અને સતત માગ્યા કરે, રોજેરોજ, તો બોલ, પછી એ માણસને જોઈ મને શું વિચાર આવે?’

‘જો પાછો આવ્યો...’ સંજયથી બોલાઈ ગયું.

ભગવાને હસતાં-હસતાં કહ્યું, ‘એ જ... ઘણી વાર તો મને એમ થાય છે કે આજકાલ તમારા માણસોની ગાડીમાં જેમ તમે કાળા ભમ્મર કાચ કરાવો છો, બરોબર એવા કાચ મારા મંદિરમાં પણ મૂર્તિની આગળ હોવા જોઈએ અને એની સ્વિચ મૂર્તિના હાથમાં.  જેવા આ પ્રકારના લોકો મંદિરમાં આવે કે તરત જ કાચ ચડાવી દેવાના...’

સંજયને ખડખડાટ હસવું આવ્યું અને હસતાં-હસતાં તેણે પૂછ્યું, ‘તો પછી લગાડાવતા કેમ નથી?’

ઈશ્વરે કહ્યું, ‘શ્રદ્ધા અને વિશ્વાસને લીધે. ગાંડીઘેલી પણ આખર તો એક શ્રદ્ધાને લઈ કોઈ મારી પાસે આવતા હોય છે. મને એનો કોઈ વાંધો નથી, પણ તકલીફ એ છે કે હે અંતરયામી, તમે તો બધું જાણો જ છો, પણ મને આ તકલીફ છે એમ કહીને આખી કહાની સંભળાવે છે. એટલે ખરેખર તો એ લોકો મને અંતરયામી માનતા નથી અથવા તો ખાલી કહેવા ખાતર અંતરયામી કહે છે.’

સંજયે કહ્યું, ‘સાવ સાચી વાત પ્રભુ, પણ આટલાબધાનો હિસાબ રાખો છો કેમનો બૉસ?’

ભગવાને કહ્યું, ‘મારા બનાવેલા માણસના મગજે કમ્પ્યુટર બનાવ્યું હોય તો મારા મગજે શું નહીં બનાવ્યું હોય? આપણી સિસ્ટમ એકદમ પર્ફેક્ટ છે. કર્મોનું કૅલ્ક્યુલેશન ચાલ્યા જ કરે છે. ધીરે-ધીરે બધી જ સમજણ પડી જશે.’

સંજયને થયું કે આ કૅલ્ક્યુલેશન તો શીખવું જ છે. બન્ને જણ ઘર પાસે આવ્યા અને ત્યાં જ વચ્ચે આત્મારામ બંસરીનું ઘર આવ્યું. ઘરની બહાર તેના દીકરાને જોઈે સંજયે સ્કૂટર રોક્યું અને સંજયને જોતાં જ તેમના દીકરાએ નમસ્તે કહ્યું.

સંજયે પૂછ્યું, ‘રિતેશ કેવું છે બાપુને?’

દીકરાએ એક લાંબો નિસાસો નાખતાં કહ્યું, એવું ને એવું. હવે તો શરીર જાતે હલાવવાનું પણ બળ ખોઈ બેઠા છે. પથારીમાં પડ્યા-પડ્યા બસ ઉપરની ભીંતને ટગર-ટગર જોયા કરે છે. જીવવાનો ઉત્સાહ જ જતો રહ્યો છે. હવે તો ઘણી વાર થાય છે કે ભગવાન ઉઠાવી લે તો સારું.’

તેના શબ્દોની સાથે જ સંજયે પાછું વળીને જોયું. ભગવાને બન્ને ખભા ઊંચા કરતાં ઇશારો કર્યો જાણે કહેતા હોય કે આપણને કશી ખબર નથી હોં.

સંજયે દીકરાના ખભે હાથ મૂકીને કહ્યું, ‘સારું, કંઈ પણ કામ હોય તો કહેજે.’

સ્કૂટર લઈને આગળ ગયા અને ત્યાં તો અચાનક જોરથી તેણે બ્રેક મારી અને ભગવાન સામે જોઈને કહ્યું, ‘બૉસ, હવે સાબિતી આપો.’

ભગવાને ઝીણી આંખ કરીને પૂછ્યું, ‘શેની?’

એ જ કે તમે માણસની અંદર જ બેઠા છો અને માણસ ધારે તો કંઈ પણ કરી શકે અને તમારી કૃપા અંદરથી અનુભવવાની હોય અને એવું બધું જે તમે કહો છો એ સઘળું સાબિત કરી આપો.’

‘એટલે?’ ભગવાને પૂછ્યું.

‘એટલે એમ કે હમણાં આપણે મળ્યા એ આત્મારામનો દીકરો... આ આત્મારામને તો તમે ઓળખતા જ હશો. આખી જિંદગી તમારી દીવાબત્તી અને  તમારાં ભજન પાછળ ખર્ચી છે તેણે, અને તેને મળ્યું શું? આ ફિલ્મોમાં વાંસળી વગાડે અને બાકીના સમયમાં વિદ્યાર્થીઓને વાંસળી શીખવાડે. ઉંમર થઈ અને અચાનક એક સવારે પથારીવશ... કેટકેટલી દવાઓ કરી, પણ કેમેય કરીને પથારીમાંથી ઊભા થઈ શકતા જ નથી. પહેલાં તો જાતે જોર કરવાનો પ્રયત્ન કરતા હતા. આ હમણાં તમે સાંભળ્યુંને કે હવે તો એ પણ નથી કરી શકતા...’

‘હં’ ભગવાને મનોમન તાગ મેળવ્યો.

‘હં નહીં, હા... હા પાડો મને, અને કહો કે તમે સાબિતી આપશો અને જોજો કોઈ પ્રકારના તમારા જાદુ કે કૃપાબ્રૃપા નહીં ચાલે હોં. હવે એ સાબિત કરો કે તમે તેમની અંદર જ છો અને તેમને જાતે જ ઉઠાડી શકો છો...’

ભગવાન હસ્યા, ‘ફરી પાછી ચૅલેન્જ?’

‘સંજય નવી ક્યાં છે? આપણી ડીલ છે કે તમારે એ સઘળું તો સાબિત કરવું જ પડશે અને જે અમને ધર્મના કે તમારા નામે સમજાવવામાં આવ્યું છે.’

‘જેવી તારી મરજી... પણ એ માટે હું જે કહું એવી વ્યવસ્થા તારે કરવાની રહેશે.’

‘સંજય તમે જે કહેશો એ થઈ જશે, પણ તમારે કોઈ ચમત્કાર વગર આ કાકાને ઊભા કરવાના અને એ પણ તેમના મનોબળથી અને મને ખબર ન પડે એમ જાદુ નહીં કરવાનો હો... તમે પાછા એવું કરવામાં ઉસ્તાદ છો...’

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 20

ઈશ્વરે પ્રૉમિસ આપ્યું કે પોતે કોઈ પ્રકારનો ચમત્કાર નહીં કરે અને સંજયે સ્કૂટર પાછું વાળ્યું.

સ્કૂટરના કાચમાંથી ભગવાનને કશું વિચારતા જોઈને સંજયે પૂછ્યું, ‘શું થયું ભગવાન... સાચું કહેજો... ભરાયાને?’

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2019 03:12 PM IST | મુંબઈ | નવલકથા - ડૉ. હા‌ર્દિક ‌નિકુંજ યા‌‌જ્ઞિક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK