Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > કાશ્મીર : અનફર્ગેટેબલ ડેસ્ટિનેશન ઑન ધ અર્થ

કાશ્મીર : અનફર્ગેટેબલ ડેસ્ટિનેશન ઑન ધ અર્થ

13 October, 2019 04:45 PM IST | મુંબઈ
દર્શિની વશી

કાશ્મીર : અનફર્ગેટેબલ ડેસ્ટિનેશન ઑન ધ અર્થ

કુદરતી સૌંદર્યની વ્યાખ્યામાં આવતી તમામ વસ્તુઓ અહીં છે છતાં ઘણા ટૂરિસ્ટ્સથી અજાણ છે. અદ્દલ ગામડાં જેવું આ સ્થળ એક અલગ વિશ્વમાં હોવાની અનુભૂતિ કરાવશે.

કુદરતી સૌંદર્યની વ્યાખ્યામાં આવતી તમામ વસ્તુઓ અહીં છે છતાં ઘણા ટૂરિસ્ટ્સથી અજાણ છે. અદ્દલ ગામડાં જેવું આ સ્થળ એક અલગ વિશ્વમાં હોવાની અનુભૂતિ કરાવશે.


આજે કોઈ પણ ભારતીયોને તેની પસંદગીના ટોપ ટેન ડેસ્ટિનેશન ચૂંટી કાઢવા માટે કહેવામાં આવે તો તેમાં કાશ્મીરનું નામ અચૂકપણે હોય, હોય અને હોય જ. એક વાર કાશ્મીર જઈ આવનારને અન્ય કોઈ સ્થળ ગમતાં નથી, એવી અહીંની ખૂબસૂરતી, સુંદર ઘાટી, બર્ફીલા પહાડો અને નયનરમ્ય નજારાઓ છે. સરકાર દ્વારા આર્ટિકલ ૩૭૦ની નાબૂદી બાદ અહીં આવનારો વર્ગ અચૂક વધવાનો જ છે, જેમાં કોઈ શંકા નથી અને અહીં આવેલા અનેક ઓછાં જાણીતાં સ્થળો પરથી પણ પડદો ઉંચકાવાનો છે ત્યારે આપણે કાશ્મીરમાં આવેલાં અને જાણીતાં સ્થળોની નહિ પરંતુ ઓછાં જાણીતાં છતાં એકથી એક ચઢિયાતાં એવાં સ્થળોની મુલાકાત લઈશું, જે મોટા ભાગના ટૂરિસ્ટ્સ માટે નવાં તો છે, સાથે ખૂબ જ આકર્ષક અને નવીન રસ પીરસનારાં પણ છે.

કાશ્મીર હંમેશા કોઈ ને કોઈ કારણસર લાઇમલાઇટમાં રહ્યું છે. તે પછી ભલે ટેરરીઝમ હોય કે પછી ટૂરીઝમ હોય. અહીંની સુંદરતા તેને દેશનાં અન્ય રાજ્યોથી અલગ કરીને મૂકે છે. એટલે જ કવિ અને લેખકોએ તેને ધરતી પરનું સ્વર્ગ કહ્યું છે. આ સ્વર્ગમાં ઘણી જગ્યાઓ છે, જે છુપાઈને બેસેલી છે અને લગભગ અનટચ છે. આમ તો રાજ્યનું નામ જમ્મુ અને કાશ્મીર છે, જેમાં કેટલોક વિસ્તાર જમ્મુ હેઠળ અને કેટલોક વિસ્તાર કાશ્મીર હેઠળ આવે છે. તેમ છતાં મોટા ભાગના લોકો આખા રાજ્યને કાશ્મીર તરીકે જ બોલાવે છે. અહીંની મુખ્ય ભાષા કાશ્મીરી છે તેમજ અહીં વસતા લોકો પણ કાશ્મીરી તરીકે જ ઓળખાય છે. હવે અહીંનાં ઓછાં જાણીતાં સ્થળોની વાત કરીએ.



ગુરેઝ વેલી


ઉત્તર કાશ્મીરમાં આવેલું અને સૌંદર્યથી છલોછલ એવું ગુરેઝ વેલી વિશે જૂજ ટૂરિસ્ટ્સને જ ખબર હશે! આ સ્થળને ઘણા સ્થાનિક લોકો ગુરાઈ તરીકે પણ ઓળખાવે છે. આ સ્થળ ક્યાં આવેલું છે, તેના વિશે ડિટેલમાં જણાવીએ તો ગુરેઝ વેલી શ્રીનગરથી ૧૨૫ કિલોમીટરના અંતરે સ્થિત છે, જે એક તરફ પાકિસ્તાનની સાથે સરહદ બનાવે છે. ગુરેઝ વેલી એક ખીણપ્રદેશ છે જેમાં લગબગ ૧૫ ગામ વસેલાં છે. બાજુમાંથી કિશનગંગા નદી વહે છે. એક તો કાશ્મીરનો ખીણપ્રદેશ અને તેમાં ગામોને અડીને ખળખળ વહેતી નદી, કેવા અદ્ભુત દૃશ્યનું નિર્માણ કરતી હશે, નહિ! વાઇલ્ડલાઇફ જીવન પણ અહીં ઘણું ફૂલ્યુંફાલ્યું છે. હિમાલયન બ્રાઉન રીંછ, સ્નો લેપર્ડ અહીં અવારનવાર જોવા મળતા હોય છે. અહીં આવવા માટે ઉનાળાનો સમયગાળો બેસ્ટ રહે છે. આ સિવાય સપ્ટેમ્બર મહિનામાં અહીંનું વાતાવરણ ખુશનુમા અને ચોખ્ખું મળે છે. બાકીના સમયગાળામાં મોસમના હિસાબે અહીં સુધી પહોંચવું મુશ્કેલ બની રહે છે. ટ્રેકિંગના શોખીનોને તો અહીં જલસા પડી જશે, તેમાં કોઈ બેમત નથી. પરંતુ ચાંદમાં પણ ડાઘ હોય છે, તેમ અહીં ડાઘ છે મોબાઇલ નેટવર્કનું. જે અહીં ખૂબ રૅર મળે છે. આમ તો આ બાબત ડાઘ ન કહેવાય પરંતુ મોબાઇલ આજે નેસેસિટી સમાન હોવાથી તેની નોંધ લેવી પડે. હવે આગળ વધીએ. આ વિસ્તાર લાઇન ઑફ કન્ટ્રૉલની નજીક હોવાથી સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનું કહેવાય છે.

kashmir-03


બર્ફીલા પહાડોથી વીંટળાયેલા સિંથલ ટૉપ પર હજી વધુ લોકો આવતા નથી, જેને લીધે આ સ્થળ હજી અનટચ છે જ્યાં કુદરતની નજીક હોવાનો અહેસાસ થાય છે. રાત્રિના સમયે અહીં ગજબનું આકર્ષણ વધે છે.

સિંથન ટૉપ

પીર પંજાલ માઉન્ટેન રેન્જમાં સિંથન ટોપ વિસ્તાર આવેલો છે. બરફથી આચ્છાદિત આ હિલ ટોપ સ્થળ થોડા સમય પહેલાં જ ટૂરિસ્ટ્સના ધ્યાનમાં આવ્યું છે તેમ છતાં આ સ્થળ વિશે હજી ઘણા લોકોને જાણકારી ન હોવાથી અહીં વધુ ટૂરિસ્ટ્સ દેખાતા નથી. આ સ્થળ પર્વતારોહણ, ટ્રેકિંગ અને સ્કીઇંગ માટે ઘણું જાણીતું છે. સિંથન ટોપ સમુદ્રની સપાટીથી ૧૨,૫૦૦ ફૂટની ઉંચાઈ પર અનંતનાગ વિસ્તારમાં આવેલું છે અને શ્રીનગરથી ૧૩૦ કિલોમીટરના અંતરે છે. હવે આ સ્થળની ખાસિયત વિશે વાત કરીએ તો બર્ફીલા પહાડોથી વીંટળાયેલા આ સ્થળે માનવવસાહત પણ ઘણી ઓછી છે, જેને લીધે અહીંનું સૌંદર્ય બેનમૂન છે. હિડન ડેસ્ટિનેશન હોવાને લીધે અહીંની ધરતીને માનવપટ હજી લાગ્યો નથી તે જોઈ શકાય છે. અહીં બારે મહિના સ્નો ફૉલ નોંધાય છે, જે અહીંની વિશેષતામાં ઉમેરો કરે છે. રાત્રીના સમયે આકાશમાં ચમકતા ઢગલાબંધ તારાના પ્રકાશમાં અહીંનું દૃશ્ય કોઈ પરિકથાના સ્થળ જેવું લાગે છે. એડ્વેન્ચરપ્રિય લોકો માટે પણ સિંથન ટોપ નવલું નજરાણું સમાન બની રહેશે. તેના લખલૂંટ સૌંદર્યને જોતાં ટૂંક સમયમાં આ સ્થળ ટૂરિસ્ટ્સનું હોટ ફૅવરિટ ડેસ્ટિનેશન બની ન જાય તો નવાઈ લાગશે!

ડકસુમ

અનંતનાગ વિસ્તારમાં આવેલું વધુ એક આકર્ષણ છે, ડકસુમ. આમ તો આ સ્થળ સાવ જાણીતું પણ નથી અને સાવ અજાણ્યું પણ નથી. અર્થાત્, ડકસુમ સ્થળ બૉલિવૂડ માટે જાણીતું અને પ્રિય સ્થળ છે, જ્યાં ઘણી ફિલ્મોનાં દૃશ્ય કંડારવામાં આવ્યાં હતાં પરંતુ ટૂરીઝમની બાબતે હજી આ સ્થળ એટલું વિકાસ પામ્યું નથી. શ્રીનગરથી ૮૫ કિલોમીટરના અંતરે આવેલું ડકસુમ પ્રાકૃતિક સુંદરતાથી તરબોતળ સ્થળ છે. કેટલાક તેને ‘ટ્રેકર્સ પેરેડાઇઝ’ પણ કહે છે. શંકુ આકારનાં વૃક્ષો, પાછળ વહેતી નદીનો ખળખળ અવાજ, દૂરદૂર સુધી પથરાયેલાં ઘાસનાં મેદાનો ટ્રેકર્સને અહીં સુધી ખેંચી લાવે છે. ડકસુમ એવું સ્થળ છે જે ગાઢ જંગલોની સાથે જળસૃષ્ટિથી પણ સંપન્ન છે. અહીં જોવા મળતી વિશેષ પ્રકારની માછલીના ફીશિંગ માટે પણ આ સ્થળે લોકો આવે છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો અહીં આવવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે.

વૉરવન વેલી

જો કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ છે તો વૉરવન વેલી સ્વર્ગનું સૌથી સુંદર સ્થાન છે. અહીંની સુંદરતા એવી છે કે તેની ગમે તેટલું ડિસ્ક્રાઇબ કરો તોપણ કંઈક તો બાકી જ રહી જાય છે! અહીં બધું જ છે, ધસમસતા વૉટર ફૉલ, ગ્રીનરી અને કુદરતની નજીક હોવાની અનુભૂતિ કરાવતાં ઠેકઠેકાણે જોવા મળતાં દૃશ્યો. બીજું શું જોઈએ! આગળ કહ્યું તેમ અહીં ઘણી જગ્યાએ ઇલેક્ટ્રિસિટી તો ઠીક પણ બેઝિક વસ્તુઓ પણ નથી. તેમ છતાં અહીં થોડો સમય ગાળવાનું ગમશે જ. આ સ્થળનો વધુ આનંદ લેવો હોય તો અહીં એક દિવસ રાતવાસો કરવો જોઈએ, જે એક અવિસ્મરણીય યાદી બની રહેશે. રાત્રીના સમયે ચંદ્રનો શીતળ પ્રકાશ બરફ પર પડે છે, જેને લીધે બરફ પર કોઈ જાદુ થઈ ગયો હોય તેમ તેની સુંદરતા અને રંગ અનેક ગણા ખીલી ઊઠે છે.

દૂધપત્રી

શ્રીનગરથી એક કલાકના અંતરે કાશ્મીરની વેલીમાં વધુ એક રત્ન મળી આવશે, જેનું નામ છે દૂધપત્રી. જેને ઈંગ્લીશમાં વેલી ઑફ મિલ્ક કહેવાય છે. સમુદ્રની સપાટીથી ૨૩૭૦ મીટરની ઉંચાઈ પર સ્થિત દૂધપત્રી ઘણી બધી રીતે સુંદર તો છે જ પરંતુ અહીંનું મુખ્ય આકર્ષણ અહીં પૂરપાટ વહેતી નદી છે, જેના વૅવ અહીં આવેલા પર્વતની સાથે જોરથી અથડાય છે અને જેથી અહીં શાવરની જેમ પાણી ફેંકાય છે અને તેનો સફેદ દૂધ જેવો રંગ કંઈક અલગ જ વાતાવરણનું નિર્માણ કરે છે. જેને લીધે આ સ્થળનું નામ દૂધપત્રી રાખવામાં આવ્યું છે. અહીં હવે ટૂરિસ્ટ્સ આવી રહ્યા છે પરંતુ કાશ્મીરના અન્ય કોમર્શિયલ બની ગયેલાં અને ટૂરિસ્ટ્સથી ખીચોખીચ ડેસ્ટિનેશનની જેમ દૂધપત્રી પણ બની જાય તે પૂર્વે અહીં ફરી આવવા જેવું છે.

બંગસ વેલી

બંગસ વેલી એ કાશ્મીરના કુપવાડા જેવા સંવેદનશીલ વિસ્તારમાં આવેલું હોવાથી ટૂરિસ્ટ્સ અહીં આવતાં ખચકાય છે. બંગસ વેલીનું નામ સંસ્કૃત ભાષા પરથી રાખવામાં આવ્યું છે. બનને સંસ્કૃતમાં વન કહેવામાં આવે છે અને ગસ એટલે ગ્રાસ. એટલે કે આ સ્થળ લીલાં ઘાસથી આચ્છાદિત છે. કોઈ સુંદર ફિલ્મનો સીન જોઈ રહ્યાં હોઈએ તેવો અહીંનો નજારો છે. ચારેતરફ સુંવાળાં લીલાં ઘાસ, તેની ફરતે શંકુ આકારનાં શ્રેણીબદ્ધ વૃક્ષોની કતાર અને વચ્ચેથી પસાર થતી નદી. એકદમ પર્ફેક્ટ પિક્ચર લોકેશન જેવું આ સ્થળ બ્રિટિશરોને પણ તે સમયે ખૂબ પ્રિય હતું, જેથી તેઓ ઉનાળામાં અહીં વૅકેશન ગાળવા આવતા હતા. પરંતુ સમય જતાં અને આતંકવાદી પ્રવૃત્તિ વધતાં આ સ્થળ લોકોની નજરમાંથી હટી ગયું હતું અને આજની તારીખમાં પણ આ જગ્યા ઘણા લોકો માટે અજાણી જ છે. ટ્રેકિંગ માટે પણ આ સ્થળ બેસ્ટ છે. નજીકમાં એક ગુફા છે. કહેવાય છે કે ત્યાં પથ્થર યુગનાં કેટલાંક પેઇન્ટિંગ જોવા મળે છે.

દાચિગામ નેશનલ પાર્ક

દાચિગામ નેશનલ પાર્ક વિશ્વના સૌથી શ્રેષ્ઠ નેશનલ પાર્કમાંનું એક ગણી શકાય છે. જે હજી દુનિયાથી છુપાયેલું છે. આ પાર્ક ૧૪૦ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે. જે અપર અને લોઅર એમ બે ભાગમાં વહેચાયેલું છે. અહીં હિમાલયન પ્રાણીઓ ભરપૂર સંખ્યામાં જોવા મળશે. જેમાંનાં ઘણાં ભારે ડેન્જરસ પણ ગણાય છે. અગાઉ અહીંથી શ્રીનગરમાં પાણી સપ્લાય કરવામાં આવતું હતું પરંતુ આ સ્થળે અનેક પ્રકારનાં જીવજંતુઓ, પ્રાણીઓ અને પશુઓ મળી આવતાં તેને બાદમાં નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો હતો. કાશ્મીરમાં પણ નેશનલ પાર્ક છે? એવો પ્રશ્ન ઘણાને થાય છે પરંતુ ખરેખર અહીંનો નેશનલ પાર્ક જોવા જેવો છે.

લોલબ વેલી

કુપવાડામાં વધુ એક સુંદર સ્થળ આવેલું છે, જે છે લોલબ વેલી. જોકે કુપવાડાના નામને લીધે અહીં કોઈ ફરવા આવવાનો વિચાર કરતું નથી, જેને લીધે આ જોવા જેવી જગ્યા પર એકલદોકલ ટૂરિસ્ટ જ જોવા મળે છે. શ્રીનગરથી ૧૭૦ કિલોમીટરના અંતરે લોલબ વેલી આવેલી છે. ઑવલ શેપની આ વેલી ૨૪ કિલોમીટરમાં ફેલાયેલી છે, જે એપલ, ચેરી, અખરોટ, એપ્રિકોટ, પિચનાં વૃક્ષોથી ઘેરાયેલી છે. આ સિવાય અહીં પણ વાઇલ્ડલાઇફ સૃષ્ટિ માણવા મળી શકે છે. અહીં જોવા જેવાં સ્થળોમાં સોગમ, ચંડીગામ એગ્રીકલ્ચર માટે જાણીતું છે. અહીં દાલકુલ અને લાલકુલ નદી આવેલી છે જે આ વેલીની મધ્યમાંથી વહે છે. નદી ઉપરાંત સુંદર તળાવો અને વૉટરફોલ પણ ધરાવે છે. અહીં એક સાતબરન નામક પથ્થરનું બનેલું એવું પુરાણું સાત દરવાજા ધરાવતું એક ઘર જેવું આવેલું છે. તેવી જ રીતે કાલરૂસ નામની એક ગુફા પણ છે, જે ઘણી જૂની હોવાનું કહેવાય છે. આ વેલીમાં રહેવું હોય તો ચંડીગામમાં પૂરતી સુવિધા મળી રહેશે. અહીં સુધી પહોંચવા માટે પબ્લિક ટ્રાન્સ્પોર્ટેશનનો વિકલ્પ નથી, જેથી પ્રાઇવેટ ટેક્સીની મદદથી અહીં સુધી આવી શકાય છે. જે તમારી પાસેથી દિવસદીઠ ૩૦૦૦-૪૦૦૦ રૂપિયા જેટલો ચાર્જ લે છે. અહીં કેમ્પિંગ કરવા માટે પણ જગ્યા આપવામાં આવે છે.

કોકનર્ગ

અનંતનાગ વિસ્તારમાં આવેલું કોકનર્ગ વધુ એક છૂપું સ્થળ છે, જે સમુદ્રની સપાટીથી ૨૦૦૦ મીટરની ઉંચાઈ પર સ્થિત છે. અન્ય સ્થળોની જેમ અહીં પણ કુદરત મન મૂકીને વરસી છે અને તમામ નૈસર્ગિક સંપત્તિથી સજ્જ છે. ખુલ્લી જગ્યા હોવાથી અહીં ટ્રેકિંગ માટે પણ મજા પડે એવી છે. આમ, આ ડેસ્ટિનેશન ફૅમિલી અને ફ્રેન્ડ્સ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન બની રહે તેમ છે. અહીં અનેક અને નવીન પ્રકારની ફિશ પણ જોવા મળે છે, જેથી અહીં લોકો ફીશિંગ કરવા માટે પણ આવતા હોય છે.

યૂસમર્ગ

શ્રીનગરની નજીક આવેલું યૂસમર્ગ પણ ટૂરિસ્ટ્સથી હજી અજાણ છે. કાશ્મીરમાં આવેલાં પ્રખ્યાત સ્થળો જેવાં કે ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામને પણ ઝાંખાં પડી દે એવી અહીંની સુંદરતા છે. શ્રીનગરથી બે કલાક દૂર આવેલું આ સ્થળ એવું એટ્રેક્શન ધરાવે છે કે ટૂરિસ્ટ્સ અહીં ઓછામાં ઓછા બે દિવસ તો રોકાઈ જવા માંગે જ! આ સ્થળ ધાર્મિક બાબતમાં પણ મહત્વનું ગણાય છે. એવું કહેવાય છે કે અહીંનું ખુશનુમા વાતાવરણ અને સુંદર દૃશ્યોથી મોહિત થઈને વિશ્વભ્રમણ કરતી વખતે જીસસ તેમના ફોલોઅર્સ સાથે અહીં રોકાયા હતા. મુખ્ય શહેરથી આટલું નજીક હોવા છતાં અહીં સુધીનું પબ્લિક ટ્રાન્સ્પોર્ટેશન લગભગ શૂન્ય છે, જેને લીધે અહીં આવવા માંગતા ટૂરિસ્ટ્સે ખાનગી વાહનનો આશરો લેવો જ પડે છે. નજીકનું રેલવે સ્ટેશન જમ્મુ તાવી છે.

kashmir-02

અગાઉ ટુરતુક સ્થળ પાકિસ્તાનમાં આવતું હતું પરંતુ ૧૯૭૧ની લડાઈ બાદ આ સ્થળ ભારતમાં આવે છે. જોકે અહીંની રીતભાત કાશ્મીરીઓ કરતાં ઘણી અલગ છે.

ટુરતુક

જો તમે ટુરતુકનું નામ ન સાંભળ્યું હોય તો તેમાં તમારી ભૂલ નથી. કેમ કે આ સ્થળ ૧૯૭૧ સુધી પાકિસ્તાનના કબ્જા હેઠળ હતું. ૧૯૭૧ની સાલમાં થયેલા યુદ્ધ બાદ આ જગ્યા ભારતના અંકુશ હેઠળ આવી હતી. જેને લીધે અહીંનું કલ્ચર અને અમુક વસ્તુઓ કાશ્મીરના અન્ય ભાગો અને લદાખ કરતાં અલગ તરી આવે છે. આ જગ્યા લેહથી ૧૨૧ કિલોમીટર દૂર છે પરંતુ અહીં સુધી પહોંચવાના રસ્તા ઘણા ખરાબ હોવાથી ટ્રાવેલિંગમાં સમય લાગે છે. લેહથી અહીં સુધી પહોંચવા માટે રોજ એક જ બસની અવરજવર થાય છે.

આ પણ વાંચો : દમણ-દીવ, સેલવાસ..ગુજરાત પાસે આવેલા આ કેન્દ્રશાસિત પ્રદેશો તમને કરી દેશે ખુશ

લામયૂરું

જેઓને એસ્ટ્રોનોટ બનવું હોય અથવા તો મુન પર ચાલવું હોય પણ ત્યાં જઈ શકે એમ નથી તો તેના માટે લામયુરું બેસ્ટ ડેસ્ટિનેશન બની રહે તેમ છે. કેમ કે અહીં આવીને ટૂરિસ્ટ્સને એવો જ અનુભવ થાય છે, જાણે તેઓ આકાશમાં ભ્રમણ કરતા હોય! અહીંની સુંદરતાને માણવી હોય તો બે દિવસ લઈને આવવા. અન્ય હિડન ડેસ્ટિનેશનની જેમ લામયૂરું સુધી આવવા માટે પ્રાઇવેટ વાહન કરવાં પડે છે. લામયૂરું લેહથી નજીક પડે છે.

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2019 04:45 PM IST | મુંબઈ | દર્શિની વશી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK