આદતોની સાંકળથી મુક્ત થાઓ

Published: 30th December, 2018 13:12 IST | મુકેશ દેઢિયા

હજી એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. આપણે આ વર્ષની શરૂઆતમાં અનેક સંકલ્પો કર્યા હશે. એમાંથી કેટલા પૂરા કર્યા એ તપાસી જુઓ.

મની-પ્લાન્ટ 

ઘણા ઓછા સંકલ્પ પૂરા કરી શકાયા હશે અથવા તો કોઈ નહીં કરાયો હોય. આપણે જે ઇચ્છીએ છીએ એ કેમ પ્રાપ્ત કરી શકતા નથી?

શું આપણી એષણાઓ એટલી ઊંચી હોય છે કે એમના સુધી પહોંચવાનું શક્ય હોતું નથી કે પછી એ એટલી અસ્પક્ટ હોય છે કે આપણને ખરેખર શું જોઈએ છે એની જ ખબર હોતી નથી? શું એવું હોય છે કે આપણે જૂની ઘરેડમાંથી બહાર નીકળવા માટે પૂરતી શક્તિ એકઠી કરી શકતા નથી? આદતોની સાંકળમાં જકડાયેલા હોઈએ ત્યારે એનો બોજ વર્તાતો નથી, પરંતુ એ તોડવાની વાત આવે ત્યારે જ એના વજનનો અંદાજ આવે છે એ વાત સો ટકા સાચી છે.

હવે આપણે ૨૦૧૯ માટેના એ સંકલ્પોની વાત કરીએ, જે તમે પૂરા નહીં કરો. રાત્રે વહેલા સૂઈને સવારે વહેલા ઊઠી જવું, વ્યાયામ કરવો, યોગાભ્યાસ કરવો, મેડિટેશન કરવું, દોડવા જવું, દારૂ કે સિગારેટની આદત છોડી દેવી વગેરે. મોટા ભાગે લોકો આવા સંકલ્પો કરતા હોય છે.

આ ઉપરાંત મૂડ અને વર્તનને કાબૂમાં રાખવા એ પણ એક સંકલ્પ હોઈ શકે. આ સંકલ્પ ઘણો નાનો લાગે એવું બની શકે, પરંતુ વાસ્તવમાં આપણા ખરાબ વર્તનને લીધે સામેવાળાને ઘણું જ માઠું લાગી જતું હોય છે.

નકારાત્મકતા છોડીને સકારાત્મક બની જવું એવો સંકલ્પ પણ હોઈ શકે છે. મારું માનવું છે કે આ સંકલ્પ તમારા જીવનમાં ચમત્કાર સર્જી‍ શકે છે. નોંધનીય વાત એ છે કે લોકો તૂટી ગયેલા સંબંધોને ફરી જોડવાનો સંકલ્પ કરતા નથી. આપણાથી કોઈની લાગણી દુભાઈ ગઈ હોય તો તેમની પાસે જઈને માફી માગવાની હિંમત કેળવીએ તો કેવું? ઘમંડી અને સ્વકેન્દ્રી માણસો આવું કરી નહીં શકે. શું તમે પણ આવા જ માણસ છો? શું કોઈ માણસ પોતાની જાતને ઓળખવાનો સંકલ્પ કરે છે ખરો? શું કોઈ માણસ પોતાના જીવનનો ઉદ્દેશ શું છે એનો અને પોતે કયું કામ કરે છે એના વિશે ગંભીરતાપૂવર્ક વિચાર કરે છે ખરો? આપણે હંમેશાં નક્કર લાભની વાત કરતા હોઈએ છીએ. અમૂર્ત કે સામે દેખાતા ન હોય એવા લાભ વિશે કોઈ વિચાર કરતું નથી. નજરે ન ચડનારી પ્રાપ્તિઓ કરવા વિશે કોઈ માણસ સંકલ્પ કરતો નથી. જ્યાં સુધી આંતરિક ઉત્થાન નહીં થાય ત્યાં સુધી આદતોની બેડીઓને તોડવાનું શક્ય નહીં બને.

રોકાણમાં પણ કેટલીક આદતો ટાળી શકાય એવી હોય છે. સટ્ટો નહીં કરવો, ટિપના આધારે ટ્રેડિંગ નહીં કરવું એ આદતો ટાળી શકાય છે.

વાર્ષિક બજેટ બનાવીને, રોકડ પ્રવાહનું સ્ટેટમેન્ટ બનાવીને તથા ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનાં લક્ષ્યો નિãત કરીને એને અનુરૂપ શિસ્તબદ્ધ રોકાણ કરવાનો સંકલ્પ પણ કરી શકાય છે.

વિવિધ પ્રકારની ઍસેટ્સમાં રોકાણ કરવું, નાણાકીય સલાહકારની મદદ લેવી, ઘરના કમાતા માણસ માટે પૂરતું વીમાકવચ ધરાવતો ટર્મ પ્લાન લેવો, પરિવારના તમામ સભ્યો માટે પૂરતો મેડિક્લેમ લેવો, સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મારફત નિયમિતપણે રોકાણ કરવું, અકસ્માત અને ગંભીર બીમારીઓની સામે વીમો લેવો, વસિયતનામું બનાવવું, બધાં બૅન્ક-અકાઉન્ટ, રોકાણો, વીમાપૉલિસીઓ વગેરેમાં નૉમિનેશન કરાવવું, ફિઝિકલ શૅરોનું ડીમટીરિયલાઇઝેશન કરાવવું, વીમાપૉલિસીઓનું સમયસર નવીનીકરણ કરાવવું અને એ બધાથી પણ વધારે નિયમિતપણે પોતાનું મેડિકલ ચેક-અપ કરાવવું એ બધા સંકલ્પો કરવા જોઈએ.

કેટલાક લોકો અવયવદાન, રક્તદાન, સખાવત, સ્વયંસેવા વગેરેના પણ સંકલ્પ કરતા હોય છે. તમે વિપશ્યનામાં કે બીજી કોઈ એવી જ જગ્યાએ મેડિટેશન માટે જવાનો અને અંતરાત્મામાં ડોકિયું કરવાનો પણ સંકલ્પ કરી શકો છો.

જીવનમાં આગળ વધવા માટે તથા પોતાની જાતને વ્યક્ત કરવા માટે આવા સંકલ્પો એક સારી તક પૂરી પાડતા હોય છે. આ તકને વેડફી દેતા નહીં. આ તમારો અને તમારા જીવનનો સવાલ છે. તમને ભવિષ્યમાં શરમાવે એવી વર્તમાન આદતોનો ત્યાગ કરો અને સ્વને ઓળખો. આ રીતે તમારા જીવનમાં ઘણું મોટું પરિવર્તન આવશે.

આ પણ વાંચો : તમે અખબાર વાંચો છો?

ગૌરવ અનુભવો અને માતા-પિતાને ગૌરવ થાય એવું કંઈક કરો. એમ કરવાથી આસપાસના લોકો તમારા પર અને તમારા અસ્તિત્વ પર ગૌરવ કરશે. તમને નવા વર્ષે આયુષ્ય, આરોગ્ય અને ધનસંપદાની પ્રાપ્તિ થાય એવી શુભેચ્છા.

(લેખક CA, CPA અને FRM છે)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK