Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે અખબાર વાંચો છો?

તમે અખબાર વાંચો છો?

30 December, 2018 01:19 PM IST |
હિતેન આનંદપરા

તમે અખબાર વાંચો છો?

તમે અખબાર વાંચો છો?


અર્ઝ કિયા હૈ 

પુસ્તક વાંચતાં-વાંચતાં ઊંઘમાં સરી જવાય એવાં દૃશ્યો દુર્લભ થઈ રહ્યાં છે. એના બદલે મોબાઇલ પર મેસેજ જોતાં-જોતાં સૂઈ જવાની આદત ઘર કરી ગઈ છે. છતાં સવાર પડે ત્યારે આ જૂની આંખોને અખબાર વગર ચાલતું નથી. મહેશ દાવડકરના શેર સાથે એક બારીક સંવેદન વિશે વિચારીએ...



મેં જોયું આજનું અખબાર ટેબલ પર


સમય બોલ્યો : તને તું વાંચ ટેબલ પર

હું માથું મૂકું ને એમાં થતો કલરવ


કે ઊગે છે અચાનક ઝાડ ટેબલ પર

આજનું અખબાર કાલે પસ્તી થવાનું છે છતાં એનું મહત્વ આજે તો છે જ. ખબરો કદાચ વાસી થઈ જાય, પણ ખબર આધારિત વિવરણ કે પૃથક્કરણનું આયુષ્ય થોડુંક વધારે હોય છે. તંત્રીલેખોનું મંથન આપણને સમાચારની ગહેરાઈ સુધી અને એનાં સારાંનરસાં પાસાંથી સુપેરે પરિચિત કરાવે. વિવિધ વિષયોની કટારને કારણે અખબારના ચહેરામાં નિખાર આવે. લેખકો અને વાચકો એકબીજાની રૂબરૂ નથી થતા છતાં શબ્દના માધ્યમથી એક વિશેષ સંબંધ રચાય છે. વાચકને લેખક પાસેથી શું અપેક્ષા હોય એ વિશે ડૉ. મનોજ જોશી ‘મન’ પોતાનો મત વ્યક્ત કરે છે...

લખો તો તમે એમ લખજો હંમેશાં

પીતળને ત્યજી હેમ લખજો હંમેશાં

અમે વાદળોને સતત વાંચીશું બસ

તમે યક્ષની જેમ લખજો હંમેશાં

કેટલાંક લખાણ સોનાને પણ પિત્તળ બનાવીને રજૂ કરે. ભારોભાર દ્વેષ અને ઝેર છલકતાં દેખાય. તેમને કાયમ બધે પીળું અને કાળું જ દેખાય. સારા કામની કોઈ નોંધ તેમને નજરે ચડે નહીં અને ભૂલને બિલોરી કાચથી જોયા જ કરે. સમાજને આરસી દેખાડવી એ એક વાત છે અને સમાજને ભરમાવવો એ બીજી વાત છે. પોતાની જાતનું નિષ્પક્ષ પૃથક્કરણ કરીએ તો કદાચ ગુલામ અબ્બાસ ‘નાશાદ’ કહે છે એવું તારણ નજરો સમક્ષ તરી આવે...

પૂછું છું રોજ ખુદને કે પામી શક્યો છે શું?

અલ્લાહ આપી આપીને આપી શક્યો છે શું?

ખુદને અરીસે જોઉં તો ભીંતો પૂછuા કરે

ભાલે લખાયેલું કશું વાંચી શક્યો છે શું?

અખબારમાં છપાયેલો પ્રત્યેક શબ્દ વાંચવાનો કોઈની પાસે સમય નથી. કોઈને સનસનીખેજ ખબરોમાં રસ પડે તો કોઈકને સાંપ્રત વિષય પર વિવરણ કરતા લેખોમાં. કોઈને કૉમર્સને લગતા સમાચારોમાં રસ પડે તો કોઈને ફિલ્મી ગૉસિપમાં. આંખો બ્રાઉઝ બધું કરે, પણ જે રસ પડે એમાં જ ધ્યાન પરોવે. એક એવા જ રસપ્રદ અંદાજને નિનાદ અધ્યારુ નિરુપે છે...

છોકરો હરણું બની દોડ્યા કરે

છોકરી પણ ઝાંઝવા જેવી હતી

માત્ર કાજળને જ જોયું છે અમે

આંખ એની વાંચવા જેવી હતી

કેટલાંક અખબાર ભારોભાર ઠરેલ અને તટસ્થ લાગે તો કેટલાંક અખબાર સમાચારને વિકૃતરૂપે રજૂ કરી વાચકોની મતિ ફેરવવાની કોશિશ કરે. નીતિન ગડકરીએ ટીવી ચૅનલ પર મુલાકાતમાં એક કટુ સત્ય ઉચ્ચારતાં કહ્યું કે અમેરિકામાં 9/11નો હુમલો થયો ત્યારે ત્યાંની ટીવી ચૅનલે મરનારાની લાશ દર્શાવી નહીં અને એ રીતે મોતનો મલાજો જાળવ્યો. બીજી તરફ મુંબઈમાં 26/11નો આતંકવાદી હુમલો થઈ રહ્યો હતો ત્યારે ચૅનલોએ દેશહિતને અવગણી એનું લાઇવ કવરેજ દેખાડ્યું, જે સુરક્ષાદળોના કામમાં બાધારૂપ બન્યું. સેનાના એક ઉચ્ચ અફસરે કાશ્મીરની ઘાટીઓમાં થતાં તોફાનોમાં મીડિયાની બેદરકારી તરફ આંગળી ચીંધી. શૈલેન રાવલ સંબંધોની વાતને અખબાર સાથે જોડે છે...

પછી ઘટનાઓ અણધારી બને છે

અગર દીવાલમાં બારી બને છે

ઉપરછલ્લી નજરથી વાંચવાના

બધા સંબંધ અખબારી બને છે

ઉપરછલ્લી નજરે નહીં પણ ધ્યાન માગી લે એવી સ્ટોરી, સમાચાર, કૉલમ કે અહેવાલ અખબારી પાનાંને સાર્થક બનાવે. કાન્તિ ભટ્ટ કે ગુણવંત શાહ જેવા લેખકો અખબારમાં સંશોધનાત્મકતા અને દાર્શનિકતા ઉમેરે છે. ‘અર્ઝ કિયા હૈ’ કટાર ૨૦૦૯થી શરૂ થઈ ત્યારથી એનાં બધાં જ કટિંગ કવિ વિજય કોઠારીએ સાચવ્યાં છે. ખરેખર ગમતો લેખ કટિંગ કરી સાચવવાની મજા જ કંઈ ઓર છે. પસ્તીમાં જવાને બદલે ફાઇલમાં હયાતી સચવાઈ હોય એ કયા લેખકને ન ગમે? નટવર આહલપરા ગમતી વ્યક્તિને વાંચવાની મથામણ કરે છે...

વાત ઢળતી સાંજની ચર્ચાય છે

ગામ આખું રોજ ભેગું થાય છે!

તું લગોલગ બેસ તો વાંચું તને

ડુંગરા તો દૂરથી પરખાય છે

પુસ્તક વાંચીને મર્મ તારવીએ તો સમૃદ્ધ થવાય. કવિતા નાનકડી હોય, પણ ઘણી વાર એવી ચોટદાર હોય કે મનમાં અંકાઈ જાય. નિબંધ વાંચવામાં થોડી સજ્જતા જોઈએ, કારણ કે લલિત નિબંધનો પ્રકાર સામયિકો પૂરતો સીમિત થતો જાય છે. નવલિકાઓનું આકર્ષણ હજી પણ બરકરાર છે. આ કટાર જેને માણવાનો પ્રયાસ કરે છે એ ગઝલના સ્વરૂપ વિશે લક્ષ્મી ડોબરિયા ટૂંકમાં ઘણું કહી દે છે...

સરવાળા, બાદબાકીની જ્યાં શક્યતા નથી

એ વાતને વધારવામાં પણ મજા નથી

હું તો ગઝલ છું કોઈ ઝીણી ક્ષણમાં અવતરું

વાંચી, લખી શકો તમે એ વારતા નથી

ક્યા બાત હૈ

વાંચ્યું તમારું મન પછી મેં કંઈ નથી વાંચ્યું

અકબંધ છે પત્રો હજી મેં કંઈ નથી વાંચ્યું

ના પૂછ દસ્તાવેજમાં શું શું લખેલું તેં

તારા જ વિશ્વાસ રહી મેં કંઈ નથી વાંચ્યું

હસ્તાક્ષરોને ઓળખું છું એટલે કહું છું

ડાર્લિંગ કે ડિયર? કદી મેં કંઈ નથી વાંચ્યું

ઉલ્લેખ તારો ડાયરીમાં નામનો મળશે

એવા વિચારે ચડી મેં કંઈ નથી વાંચ્યું

તારી જ આંખોમાં હતાં રણ ને હરણ બન્ને

મારગ કરી મૃગજળ મહીં, મેં કંઈ નથી વાંચ્યું

- મનહર ગોહિલ ‘સુમન’

(ગઝલસંગ્રહ : છલકતાં ઝાંઝવાં)

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2018 01:19 PM IST | | હિતેન આનંદપરા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK