બ્રેક-અપનું સેલિબ્રેશન લગ્નની વિધિથી કર્યું

Published: 7th December, 2014 07:00 IST

ચીનમાં એક યુગલે છૂટાં પડવા માટે મૅરેજની વિધિ કરી અને વચન આપ્યું કે આજ પછી આપણે ફરી ક્યારેય નહીં મળીએવાહ રે વાહ!- સેજલ પટેલ

જુવાનીમાં સૌકોઈ પ્રેમમાં પડ્યું હશે. પ્રેમના અસ્વીકારની પીડા પણ કદાચ મોટા ભાગના લોકોએ ફીલ કરી હશે. કેટલોક સમય અફેર રહ્યા પછી છૂટાં પડવાનું થયું હશે. છૂટાં પડવાની એ ક્ષણ બન્ને પક્ષે કેટલી પીડા અને વ્યથા આપનારી હોય છે એ કોઈ શબ્દોમાં વર્ણવી શકાય નહીં. જોકે આજકાલ એ છૂટાં પડવાની પીડાને પણ સેલિબ્રેટ કરવાનો શિરસ્તો શરૂ થયો છે. આવા સેલિબ્રેશનથી છૂટાં પડ્યા પછીનાં ડિપ્રેશનનાં લક્ષણો ઓછાં હેરાન કરે છે. દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાનની ‘લવ આજકલ’ ફિલ્મમાં યુગલ બ્રેક-અપને સેલિબ્રેટ કરે છે અને બન્ને જણ એકમેકને આગળની જિંદગી માટે શુભેચ્છાઓ પાઠવીને પોતપોતાના રસ્તે જતાં રહે છે. જોકે ચીનમાં એક યુગલ છે જેમણે બ્રેક-અપ પાર્ટીનું આયોજન કર્યું, પણ એમાં તેમણે બીજા કોઈનેય આમંત્રિત કર્યા નહીં એટલું જ નહીં; આ પાર્ટીમાં તેમણે લગ્નની વિધિ કરી. બ્રેક-અપ કરવા માટે લગ્ન? વાંચતાં-વાંચતાં ભવાં ચડી જાય એ સ્વાભાવિક છે, પણ તેમણે એવું કેમ કર્યું એ જાણવું ઘણું રસપ્રદ છે. યુવક-યુવતીએ પોતાનાં ફેક લગ્નના દિવસે સ્થાનિક મીડિયા સાથે પોતાની વાત શૅર કરી હતી, પણ તેમનાં સાચાં નામ છતાં નહોતાં કર્યા.

ચીનના ઝેઝિઆન્ગ પ્રાંતના વેન્ઝોઉ શહેરની ઘટના છે. છોકરીએ વાત કરતી વખતે પોતાને ડોડોઉ નામે ઓળખાવવાનું કહ્યું હતું. માંડ કૉલેજમાંથી ભણીને નવી-નવી નોકરી કરવા નીકળેલી આ યુવતી ઑફિસના કામે એક ક્લાયન્ટને મળવા ગયેલી અને તે ક્લાયન્ટને જોતાં જ તેના પ્રેમમાં પડી ગઈ. વીસીની શરૂઆતની કુમળી વયની યુવતી એકદમ એસ્ટાબ્લિશ્ડ અને અનુભવી બિઝનેસમૅનના એવા આંધળા પ્રેમમાં પડી કે તેણે ન આર જોયું ન પાર. આ બિઝનેસમૅન યુવતી કરતાં ૧૧ વર્ષ મોટો અને પરણેલો હતો. ઍઝ યુઝ્વલ પુરુષોને લગ્ન થયા પછી પણ પ્રેમમાં પડવામાં ઝાઝો છોછ નથી હોતો. એટલે શરૂઆતમાં ખોટું બોલીને ભાઈએ પ્રેમપ્રકરણ ચલાવ્યે રાખ્યું. અનહદ પ્રેમ કરવાનાં વચનો આપતો, પણ સંબંધને નામ આપવાની વાત આવે ત્યારે યુવક ગલ્લાંતલ્લાં કરવા લાગતો. થોડા જ સમયમાં હકીકતમાં યુવક પણ તેના પ્રેમમાં પડી ગયો. ઘરે પત્નીને પતિના આડા સંબધોની ખબર પડતાં બરાબર ઊધડો લેવાયો. યુવકે પ્રેમિકાને મળીને બધી જ સાચી વાત કહી દીધી.

છોકરીઓની લાગણીનો દુરુપયોગ કરવાની પરિણીત પુરુષોની આવી અનેક ઘટનાઓ આપણે સાંભળી છે, પણ આ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે પેલી યુવતીએ પરિપક્વતા દાખવી. કોઈ બીજી સ્ત્રીનું ઘર ભાંગીને તેણે પોતાનું સુખ મેળવવાની ના પાડી દીધી. એ છતાં આ યુવતી એટલી પ્રેમમાં ગળાડૂબ હતી કે તેને એક વાર પોતાનું સપનું પૂરૂ થાય એવી ઇચ્છા હતી. ખોટાં-ખોટાં લગ્ન કરીનેય એની યાદો પોતાની સાથે સંઘરી રાખવી હતી. બન્નેએ મ્યુચ્યુઅલી નક્કી કરેલા બ્રેક-અપનું સેલિબ્રેશન મૅરેજથી કરવાનું નક્કી કર્યું. બન્નેએ વેડિંગ કૉસ્ચ્યુમ બનાવડાવ્યા. હોટેલનો નાનકડો હૉલ બુક કયોર્. એકબીજાને પહેરાવવાની રિંગ બનાવી. વેડિંગ કેક ઑર્ડર કરી. આ લગ્ન જાહેર કરવાનાં ન હોવાથી કોઈ મહેમાનોને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું, પણ ફોટોગ્રાફર હતો.


કેટલાંક લોકલ મીડિયાને આ વાતની ખબર પડી જતાં એ મૅરેજ વેન્યુ પર પહોંચી ગયાં. મીડિયાને તેમના ફોટોગ્રાફ્સ ઝાંખા કરીને ઓળખ છતી ન થાય એ રીતે છાપવાની તેમણે છૂટ આપેલી. વેડિંગ સેરેમનીની શરૂઆત એકદમ રોમૅન્ટિકલી થઈ. બન્નેએ કેક કાપી વેડિંગ રિંગ એક્સચેન્જ કરી. કપલ તરીકે સાથે ડાન્સ પણ કયોર્. છેક જ્યારે એકમેક સાથે રહેવાનું વચન લેવાનું આવ્યું ત્યારે તેમણે વચન લીધું કે અમે ઇચ્છીએ છીએ કે અમે બન્ને એકમેકને ખુશ રાખીએ. અને એમ કરવા માટે આજ પછી હવે અમે જિંદગીમાં ફરીથી ક્યારેય નહીં મળીએ.હૈ ના ફિલ્મી કહાની?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK