ડાયનોસૉરનો ભાસ અપાવે છે ઑસ્લોનો જગપ્રસિદ્ધ સ્કી ટાવર

Published: 19th October, 2014 04:41 IST

ડુંગરા દૂરથી જ રળિયામણા.


(નવ રાત્રિ નૉર્વેમાં- સંગીતા જોશી - ડૉ. સુધીર શાહ, ઍડ્વોકેટ)


છેક નાનપણથી જ આ કહેવત અમે સાંભળી હતી, પણ ફ્રૉગનેરસેટેરન હોટેલની પરસાળમાં બેસીને આજુબાજુનું દૃશ્ય જોતાં અમને તો ઑસ્લોના ડુંગરો નજીકથી પણ ખૂબ જ રિïળયામણા લાગ્યા હતા. અમે ૧૫૩૮ ફૂટની ઊંચાઈએ બેઠાં હતાં. કદાચ એ ઑસ્લો શહેરનું સૌથી ઊંચું સ્થાન હશે. ત્યાંથી બેઠાં-બેઠાં નીચે ઑસ્લો ફર્યોડ તરફ દૃષ્ટિ કરતાં અમને કદાચ પંદર હજાર ફૂટની ઊંચાઈ પરથી પણ જોવા ન મળે એટલું સુંદર દૃશ્ય દેખાયું હતું. અમારી પરસાળની આગળ ખૂબ જ મોટું ચોગાન હતું. પર્યટકો ત્યાં તેમની કાર પાર્ક કરતા હતા. એ ચોગાન વટાવો એટલે એક બાજુ નીચે જવાની પાકી સડક શરૂ થાય અને એને લાગીને લીલાંછમ વૃક્ષોનું જંગલ દેખાય. સડક તો થોડે દૂર જઈને વળી જાય એટલે દેખાતી બંધ થાય અને જંગલની હરિયાળી પણ થોડે સુધી દેખાય અને ત્યાર બાદ દૃશ્યમાન થાય ઑસ્લો ફર્યોડનું રંગબેરંગી જળ. શરૂઆતમાં એનો રંગ આકાશી વાગળા જેવો નીલો હોય. થોડે દૂર એ ઘેરો, થોડો જાંબુડી લાગે અને પછી એનો સફેદ રંગ ક્ષિતિજના શ્વેત રંગ જોડે ભળી જાય. અમે જો ચિત્રકાર હોત તો કૅમેરાને બદલે પીંછી લઈને કૅન્વસ પર એ દૃશ્ય ચીતરવા બેસી જાત.


બહુ લાંબા સમય સુધી મંત્રમુગ્ધ બનીને અમે નિસર્ગનું એ દૃશ્ય નિહાળ્યું, પણ પછી અચાનક અમને ખ્યાલ આવ્યો કે અમે નીકળ્યાં હતાં ડાયનોસૉર જેવા દેખાતા ઑસ્લોના સ્કી ટાવરને જોવા. અમારી હોટેલના રૂમમાંથી દૃશ્યમાન થતો એ જંગી સ્કી ટાવર અમને પર્વતની ટોચ પર કે એની નીચે કશે પણ ન દેખાયો. આથી અમે થોડાક અકળાયાં. મનમાં એવો પણ વિચાર આવ્યો કે અમે કોઈ ખોટી જગ્યાએ તો નથી આવી ચડ્યાંને! એકબીજાને આવી શંકા વ્યક્ત કરતાં અમે બેઉએ એકસરખું જ વિચાર્યું કે ખોટી તો ખોટી, પણ જગ્યા અદ્ભુત સુંદર છે. ત્યાર બાદ એ હોટેલના વેઇટરને પૂછતાં તેણે મલકાતાં-મલકાતાં અમને કહ્યું કે તમે બિલકુલ ખોટી જગ્યાએ નથી આવ્યા. સામે નીચે જતા રસ્તા પ્રત્યે હાથ દેખાડીને તે દેખાવડા નૉર્વેજિયન વેઇટરે અમને જણાવ્યું, જગપ્રસિદ્ધ ઑસ્લોનો સ્કી ટાવર જે હોલ્મેનકોલેનના નામથી ઓળખાય છે એ નીચે થોડા અંતરે જ આવેલો છે. તમે નીચે થોડું ચાલશો એટલે એક ચર્ચ આવશે એને જુઓ એટલે સમજી જજો કે તમે તમારા લક્ષ્યસ્થાન પર પહોંચી ગયા છો. બસ, ચર્ચથી થોડા જ અંતરે વિશ્વવિખ્યાત હોલ્મેનકોલેન ઊભું છે.વેઇટરની આ વાત સાંભળીને અમને હાશ થઈ, પણ એ ન સમજાયું કે વેઇટર અમારી સાથે વાત કરતાં-કરતાં મલકાતો શા માટે હતો? કદાચ ઑસ્લોના લોકોને હરહંમેશ હસતા રહેવાની આદત હશે.

૧૮૯૨માં બાંધવામાં આવેલું હોલ્મેનકોલેન નૉર્વેની સ્કીની રમત માટેનું, વિમ્બલ્ડન અને વેમ્બ્લી બાદ દુનિયાનું ત્રીજા નંબરનું નૅશનલ એરિના છે. પરંપરા અને નવી ટેકનિક આ બેઉનો સમન્વય સાધતું હોલ્મેનકોલેન અત્યંત અદ્યતન શિયાળુ રમતો માટેનું સ્થળ છે. નૉર્વેનું એ સૌથી વધુ આકર્ષણ જગાડતું ટૂરિસ્ટોને ખેંચતું સ્થળ છે. દર વર્ષે દસ લાખથી વધુ ટૂરિસ્ટો આ સ્થળની મુલાકાત લે છે. વિશ્વનું સૌથી જૂનું સ્કીનું મ્યુઝિયમ પણ અહીં આવેલું છે. અમે તો ફક્ત અમારી હોટેલના રૂમની બારીમાંથી દેખાતા ડુંગર પર ‘ડાયનોસૉર જેવું દેખાય છે એ શું છે? એ કુતૂહલથી પ્રેરાઈને હોલ્મેનકોલેનને જોવા નીકળ્યાં હતાં. એને લગતી બીજી બધી વાતોની જાણ તો અમને ત્યાં પહોંચ્યા બાદ જ થઈ.


વેઇટરે ચીંધેલા અને એ પર્વત પરના એકમાત્ર રસ્તે અમે હોલ્મેનકોલેન જવા નીચેની બાજુએ ચાલવા માંડ્યા. અમને કહેવામાં આવેલું કે દસ મિનિટના અંતરે જ એ વિશ્વવિખ્યાત સ્કી ટાવર છે, પણ અડધો કલાક સુધી ચાલવા છતાં અમને એ જંગી સ્કી ટાવરનાં દર્શન ન થયાં એટલે અમે અકળાયાં. રસ્તામાં અમને કંઈકેટલાય સાઇકલસવારો ભેટયા. એમાં આઠ-દસ વર્ષનાં બાળકોથી માંડીને એંસી વર્ષની ઉંમરના વૃદ્ધ પણ શારીરિક રીતે યુવાન અને જુસ્સાવાળાઓનો સમાવેશ થતો હતો. તેઓ અથાગ પરિશ્રમ કરીને તેમની સાઇકલોને કઠણ ચડાણો ચડાવતાં હતાં જેથી પાછા ફરતાં વિના પરિશ્રમે સડસડાટ પવનવેગે નીચે ઊતરવાનો આનંદ લઈ શકે. તેમને અને જે પ્રવૃત્તિઓમાં તેઓ રચ્યાપચ્યા હતા એ જોઈને અમને ફરી એક વાર એ પ્રતીતિ થઈ કે ઉપર ચડવું ખૂબ જ કઠિન છે, પણ નીચે સડસડાટ આવી જવાય છે. જો તમે પરિશ્રમ ન વેઠો તો ઊંચે ચડી નહીં શકો અને નીચે આવતાં જો સમતોલપણું ખોઈ બેસશો તો બારના ભાવમાં ફેંકાઈ જશો.

અમે ત્રીસેક મિનિટ જેટલું ચાલ્યા બાદ થાક્યા. સારું હતું કે અમારે ઢોળાવ ઊતરવાનો હતો, ચડવાનો નહોતો. નહીં તો સુધીર હાંફીને પાંચ મિનિટમાં જ હોલ્મેનકોલેન જોવાનો વિચાર ત્યજી દેત. હવે અમે સામે મળતા દરેકેદરેક સાઇકલસવારને પૂછવા લાગ્યા, હોલ્મેનકોલેન કેટલે દૂર છે? અને એ બધા જ મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે એમ બસ, હવે થોડે જ અંતરે તમને એક ચર્ચ દેખાશે અને પછી તરત જ હોલ્મેનકોલેન આવશે એવું જણાવતા હતા. થોડું ચાલ્યા અને હોલ્મેનકોલેન જેવો એક ટાવર દેખાયો. અમને થયું, હાશ... પણ અમારી એ આશા ઠગારી નીવડી. એ ટાવર મુખ્ય હોલ્મેનકોલેન નહોતું. હોલ્મેનકોલેનના સંકુલમાં ચાર નાના સ્કીઇંગના પટ છે એમાંનું એ એક હતું. નિરાશ થઈને ફરી પાછા આગળ ચાલવાનું શરૂ કર્યું. હવે તો એમ જ લાગ્યું કે અમે ચાલતાં-ચાલતાં જ્યાંથી ચડ્યાં હતાં એ ઑસ્લોના નૅશનલ થિયેટરના સ્ટેશને પહોંચી જઈશું. એટલામાં જ વારંવાર જેનો બધાએ ઉલ્લેખ કર્યો હતો એ ચર્ચ દેખાયું. બે, એક પછી એક, અણીદાર શંકુ આકારનાં ઊંચાં છાપરાંઓ ધરાવતું સ્વિટ્ઝરલૅન્ડમાં જોવા મળતા ચર્ચના જેવું એ ચર્ચ હતું. જાણે હજી હમણાં જ બંધાયું હોય એટલું એ ઊજળું હતું. દેખાવમાં એ અત્યંત સુંદર હતું અને જોતાં જ અંદર બિરાજમાન ઈશુ ખ્રિસ્તને જોવાની પ્રેરણા જગાડે એટલું એ મોહક હતું. જોકે અમારે તો જોવું હતું ડાયનોસૉરનો ભાસ અપાવતો ઑસ્લો શહેરનો સ્કી ટાવર હોલ્મેનકોલેન. એ અમને આજુબાજુ ક્યાંય ન દેખાયું. ચર્ચની ફરતે ઊભેલાં એના જેવા શંકુ આકારનાં ઊંચાં-ઊંચાં વૃક્ષોએ અમારા લક્ષ્યસ્થાનને સંતાડી દીધું હતું. આમતેમ ચક્કરો મારીને આખરે કંટાળીને અમે અમારું પ્રયાણ નીચેના ભાગ તરફ ફરી પાછું આદર્યું અને થોડું જ ચાલ્યા ને દૃષ્ટિગોચર થયું અત્યાર સુધી જે ગોપનીય હતું એ ઑસ્લોનું હોલ્મેનકોલેન સ્કી ટાવર.અમારી દૃષ્ટિ એના તરફ એકાએક ખેંચાવાનું કારણ હતું એ ટાવરની છેક ઉપરથી નીચેની તળેટીમાં વાયર પર સરકી આવતો એક રમતવીર. પવનથી પણ વધુ વેગે અને સુસવાટાના અવાજો કરતો એ રમતવીર અમારી આંખ આગળથી એવી રીતે પસાર થયો જાણે કે તોપના ગોળામાંથી તે ફેંકાઈને નીચે જતો હોય. આ કોણ ગયું?એવો પ્રશ્નાર્થ અમારા બેઉના મુખ પર તરી આવ્યો.


(ક્રમશ)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK