મતદાનની મગજમારીની સમસ્યાના ઉપાયમાં ઈ-વોટિંગ શા માટે નહીં?

Published: May 13, 2019, 14:39 IST | ફાલ્ગુની જડિયા-ભટ્ટ - સોશ્યલ સાયન્સ

મતદાન કરવામાં લોકો ભાગ લે એ માટે દેશભરમાં જોરદાર ઝુંબેશ ચલાવાઈ રહી છે તો એની સાથે ઈ-વોટિંગ શા માટે લાગુ કરતા નથી? એવો સવાલ આ ડિજિટલ યુગમાં થાય એ સ્વાભાવિક છે. ફિઝિકલ વોટિંગમાં કેટલાય લોકોના મત એક યા બીજા કારણસર રહી જાય છે,

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

આજકાલ જ્યાં જુઓ ત્યાં માત્ર ઇલેક્શનની જ ચર્ચા સંભળાય છે. જેમ દર વર્ષે આપણે ત્યાં અમુક મહિનાઓમાં લોકો પર ડેન્ગી, મલેરિયા તથા ચિકનગુનિયાના ફીવર ચઢે તેવી રીતે હાલ લોકો પર ઇલેક્શન ફીવર ચઢેલો છે. મોટા તો મોટા, નાનાં-નાનાં ટેણિયાં-મેણિયાં પણ મૈં કાલા ધન લે આઉંગા, અબ ના સૂનુંગા તેરી...થી લઈને અપના મોદી આયેગા... જેવાં ઇલેક્શન સંબંધી ગીતો ગાઈ ભારતના સજાગ નાગરિક હોવાનો દેખાડો કરવાનું ચૂકી રહ્યાં નથી. બલકે આ વખતે તો આ ફીવરના વાઇરસે તો એવી માઝા મૂકી છે કે સરહદપાર પાકિસ્તાનથી પણ વડા પ્રધાન ઇમરાન ખાન બે વખત બયાન આપી ચૂક્યા છે કે ચૂંટણી પછી જો મોદીજીની સરકાર આવે તો કાશ્મીરનું કાયમી સમાધાન નીકળી શકે એમ છે.

ભારતમાં આમ પણ ચૂંટણીનાં પડઘમ છ-આઠ મહિના પહેલાંથી જ સંભળાવા માંડે છે. એમાં વળી આ વખતે ચૂંટણી પહેલાં જ પુલવામાની ઘટના અને પાકિસ્તાન પર આપણે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકના કારણે મોટી સંખ્યામાં આપણી પૅરામિલિટરી ફોર્સ બોર્ડર પર તૈનાત છે. આ જ કારણ છે કે સુરક્ષાવ્યવસ્થા જાળવી રાખવા માટે આ વખતનો આપણો ચૂંટણીનો કાર્યક્રમ આટલો લંબાઈ ગયો છે અને આ ચૂંટણી ભારતના ઇતિહાસની આ સૌથી લાંબી ચાલનારી ચૂંટણી બની ગઈ છે,

પરંતુ જો તમે નોટિસ કર્યું હોય તો આ વખતે આપણી ચૂંટણીની પ્રક્રિયા જેટલી લાંબી ચાલી તેટલી જ લાંબી લાઇનો લોકોના ડાબા હાથની પહેલી આંગળી પર ચીતરી દેવામાં આવી છે. ગયા લોકસભા ઇલેક્શન વખતે રેડિયો મર્ચિીએ લોકોને મતદાન કરવાનું પ્રોત્સાહન આપવા એ ડૉટ ધૅટ મેક્સ યુ હૉટની ઝુંબેશ ચલાવી હતી, જે હેઠળ તેઓ લોકોના મનમાં એવું ઠસાવવાનો પ્રયત્મ કરી રહ્યા હતા કે મતદાન આપ્યા બાદ આપણી આંગળી પર લગાડવામાં આવતું સહીનું ચિહ્ન આપણને વધુ સેક્સી બનાવે છે, પરંતુ આ વખતે મતદાન બાદ ચૂંટણી અધિકારીએ મારી આંગળી પર આવડી લાંબી રેખા ખેંચી ત્યારે મારું મગજ ચોક્કસ હૉટ (ગુસ્સામાં) થઈ ગયું. સ્ત્રીઓએ પોતાના નખ સુંદર અને સ્વસ્થ રાખવા કેટલી કમર કસવી પડે છે એ કદાચ એ ભાઈને ખબર નહીં હોય, તેથી જ તેમણે આટલી બેફિકરાઈથી મારા સરસ મજાના ફ્રેન્ચ મૅનિક્યોર કરેલી આંગળી પર આવી કદરૂપી લાઇન ખેંચી દીધી. મતદાન કરીને જ્યારે હું ધમધમ કરતી ઘરે આવી ત્યારે મારો મિજાજ તથા એ નિશાન કાઢવા માટે નેઇલ પૉલિશ રિમૂવરથી માંડીને જાતભાતના સ્ક્રબર તથા ટર્પેન્ટાઇન સુધીનાં કેમિકલ્સ સાથેની મારી કવાયત જોઈને મારો દીકરો મને કહેવા લાગ્યો, મમ્મા આ વોટિંગ ઍપ વડે થઈ શકતું હોત તો કેટલું સારું થાત ને? તમે તમારી ફરજ પણ પૂરી કરી શકત અને તમારી આંગળી પર આવું ગંદું નિશાન લગાડવાની જરૂર પણ પડત નહીં.

આમ તો આ સાવ બાલિશ પ્રશ્ન હતો, પરંતુ દીકરાની આ વાતે મને ખરેખર વિચાર કરવા પર મજબૂર કરી મૂકી. આમ પણ કદની બાબતમાં ભારત દુનિયાનો બીજા નંબરે આવતો દેશ. એમાં વળી પાછી દુનિયાની મોટામાં મોટી લોકશાહી પણ ખરો. આવા દેશમાં જ્યારે લોકસભાનું મતદાન થતું હોય ત્યારે તેમાં થતા પ્રયાસ અને પરિશ્રમ કોઈ સાગરમંથનથી ઓછા હોતા નથી. તેમાં વળી જો તમે ચૂંટણીનો ખર્ચ ગણો તો ભારતનું આ વખતનું લોકસભા ઇલેક્શન વિશ્વનું સૌથી મોંઘું ઇલેક્શન સાબિત થશે તેવી આશા પણ સેવાઈ રહી છે. ૯૦ કરોડ વોટરો માટેની આખી વ્યવસ્થા તથા મશીનરી ઊભી કરવામાં ૫ હજાર કરોડથી વધુનો ખર્ચ થવાની ગણતરી છે. આ ઉપરાંત દરેક પાર્ટી તરફથી થતો ખર્ચ પણ ગણો તો આ લોકસભા ઇલેક્શન પર સરકાર, ઇલેક્શન કમિશન તથા બધી પાર્ટી મળીને લગભગ ૫૦ હજાર કરોડનો ખર્ચ કરશે. આ જંગી ખર્ચની જરૂર પડે છે, કારણ કે ભારતમાં ઇલેક્શન કમિશન દેશના ખૂણે ખૂણે જઈ વોટિંગ કરાવે છે, તેથી જ આ જંગી કવાયતને ફેસ્ટિવલ ઑફ ડેમોક્રસી જેવું નામ પણ આપવામાં આવ્યું છે.

પરંતુ તેની જ સામે દુનિયામાં એસ્ટોનિયા જેવો દેશ પણ છે. એસ્ટોનિયા, બાલ્ટિક સામુદ્રધુનીમાં આવેલો એક નાનકડો દેશ છે. ભારતના મુંબઈ, દિલ્હી જેવાં શહેરોમાંનાં બે-ત્રણ એમાં સમાઈ જાય એટલો નાનો. તેમ છતાં આ દેશ વિશે ગૂગલ કરો તો અનેક અનોખી માહિતી જાણવા મળે છે. આ દેશ દુનિયાના ડિજિટલી સૌથી ઍડવાન્સ્ડ દેશોમાંનો એક છે. ભારતમાં ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલુ હતો ત્યારે ફેબ્રુઆરીમાં એસ્ટોનિયાએ નવો વર્લ્ડ રેકૉર્ડ કર્યો. એસ્ટોનિયામાં જનરલ ઇલેક્શન થયાં અને એ ઇલેક્શનમાં ૪૧ ટકાથી વધુ લોકોએ ઈ-વોટિંગ કર્યું. અર્થાત્ ઑનલાઈન વોટિંગ કર્યું અને એ પણ પાછું દુનિયાના ૧૦૦થી વધુ અલગ-અલગ દેશોમાંથી. આ ઇલેક્શન માટે ખાસ શરૂ કરવામાં આવેલી વેબસાઇટ પર રજિસ્ટર કર્યા પછી લાખો એસ્ટોનિયાવાસીઓ દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને પણ પોતાના દેશ માટે મતદાન કરી શક્યા, પરિણામે ખરા અર્થમાં ડિજિટલ એન્વેલપમાં બંધ તેમનો મત વેરિફાઈ થયો અને કાઉન્ટ પણ થયો.

આ સમાચાર વાંચીને મને વિચાર આવ્યો કે ભારત, જે આઇટી સૉફ્ટવેરમાં નંબર વન ગણાય છે અને આટલી ઝડપથી ડિજિટલ થઈ રહ્યું છે ત્યાં શું આવું થવું સંભવ છે? આજે ભારતનું સ્થાન નેટ ડેટા કન્ઝ્યુમ કરવાવાળા દુનિયાના ટૉપ થ્રી દેશોમાં આવે છે. આવામાં જો ભારત ખરેખર આ દિશામાં પહેલ કરે તો દેશને ઘણો મોટો ફાયદો થઈ શકે છે. દર વખતે ચૂંટણી પાછળ થતો હજારો કરોડનો ખર્ચ બચી શકે છે. આ ઉપરાંત દેશમાં કરોડો વોટરો એવા છે, જેઓ નોકરીધંધાના કારણે ચૂંટણીના દિવસોમાં પોતાના મતદાનના સ્થળે ન હોવાથી વોટ આપી શકતા નથી. વિદેશ રહેતા લોકોના પણ લાખો વોટ આ રીતે નકામા જતા હોય છે. આમ પણ આધારકાર્ડના કારણે હવે ઈ-વેરિફિકેશન સંભવ થઈ ગયું છે. આવામાં ખરેખર જો સરકાર ઈ-વોટિંગની શરૂઆત કરે અને લોકોને ઘરે બેઠાં અથવા દુનિયાના કોઈ પણ ભાગમાંથી વોટિંગ કરવાની વ્યવસ્થા મળે તો સૌથી મોટો ફાયદો દેશનો જ થશે. અત્યારે સારા પ્રમાણમાં મતદાન થાય તો પણ તેનો આંકડો ૬૦-૭૦ ટકાની વચ્ચે આવે છે અર્થાત્ મત આપવા સક્ષમ હોવા છતાં લગભગ ૩૦ ટકા લોકો મત આપતાં નથી અથવા આપી શકતા નથી. રાષ્ટ્રીય સ્તરે આવા લોકોની સંખ્યા જુઓ તો કરોડોને મતદાનનો અધિકાર હોવા છતાં તેઓ વોટ આપતા જ નથી. પરિણામે જેમની પણ સરકાર બને તેમને ૬૦-૭૦ ટકા લોકોના મતમાંથી અડધાના મત પણ મળે તોય સરકાર રચવાનો મોકો મળી જતો હોય છે.

જ્યારે ભારતીય ગણતંત્રની સ્થાપના થઈ ત્યારે મોજૂદા વોટિંગ પદ્ધતિ ચાલી જતી હતી. પાર્ટીઓને પણ બોગસ વોટિંગ કરાવી સત્તા તફડાવવાનું ફાવતું હતું, પરંતુ આજના સજાગ ભારતમાં આવી વિચિત્ર રીતે થયેલી ગણતરીના આધારે મેળવાયેલી મેજોરિટીથી બનેલી સરકારો કરતાં વધુ ગંભીર પ્રયાસો વડે સરકાર બનાવવાની આવશ્યકતા છે.

આ વિચાર ભલે અત્યારે શેખચલ્લીના ખ્વાબ જેવો લાગે, પરંતુ ગઈ લોકસભા ચૂંટણી વખતે કોઈએ સપને પણ નહોતું વિચાર્યું કે ૨૦૧૯ના ઇલેક્શન સમયે દેશમાં પેટીએમ કે ફોનપે જેવી કંપનીઓ લિટરલી આંગળીના ટેરવા પર લોકોને પૈસાની લેવડ-દેવડ કરતા કરી મૂકશે, પરંતુ એવું થયું, કારણ કે એક ડીમૉનેટાઇઝેશનના સાહસે આખા દેશને ડિજિટલ પેમેન્ટનો રાહ અપનાવવવા મજબૂર કરી દીધો. એ જ રીતે જો ભારત ધારે તો ડિજિટલ વોટિંગનો રસ્તો અપનાવી ફરી એક વારે ભારે રિફૉર્મ કરી શકે છે.

આ પણ વાંચો : કૉલમ : જોખમ લેવું કે ન લેવું?

ચોક્કસ, આ કામ કંઈ રાતોરાત કે પછી એક જ ચૂંટણીમાં અમલમાં મૂકવા જતાં ક્યાંક મોટી મુશ્કેલી પણ થઈ શકે. તેથી બની શકે કે આપણે નાની-નાની સ્થાનિક ચૂંટણીઓ પર પ્રયોગ કરી આગળ જતાં લોકસભા ઇલેક્શન જેવા વ્યાપક સ્તરે તેનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ પ્રશ્ન એ છે કે શું રાજનેતાઓ આટલી ફુલપ્રૂફ ડિજિટલ સિસ્ટમ વિકસિત થવા દે ખરા? તેમણે પોતાની ખુરશી સાચવવાની હોય અને એ માટે એ આવશ્યક છે કે આ જ રીતે ૬૦-૭૦ ટકા મતદાન થતું રહે અને તેમાંથી અડધાથી ઓછા વોટ મેળવનારી પાર્ટીઓ સરકારો બનાવતી રહે, પરંતુ આ જ વર્ષે દેશમાં વોટરોની સંખ્યા ૯૦ કરોડ હતી, જરા વિચાર કરો આ ૯૦ કરોડમાંથી લગભગ ૬૦-૬૨ કરોડ લોકોએ ખરેખર મતદાન કર્યું હશે અને તેમાંથી એક પાર્ટીને ૩૦ કરોડ વોટ પણ મળે તો તેઓ સરકાર બનાવવાની સ્થિતિમાં આવી જતી હોય છે. ૧૩૦ કરોડની આબાદીવાળો દેશ આ રીતે માત્ર ૩૦ કરોડ વોટરોના દમ પર ચાલે એ કેટલી હદે યોગ્ય ગણાય? આ પ્રશ્ન વિચારવાલાયક છે, પણ તેનો જવાબ તો જ્યારે મળવાનો હશે ત્યારે જ મળશે. અલબત્ત, હવે જ્યારે નવી સરકાર આવવાની તૈયારીમાં છે ત્યારે આશા રાખીએ કે આ સરકાર ડિજિટલ વોટિંગ પર વિચારી જુએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK