કૉલમ : જોખમ લેવું કે ન લેવું?

Published: May 06, 2019, 11:04 IST | ફાલ્ગુની જડિયા ભટ્ટ - સોશ્યલ સાયન્સ

જોખમ એ જીવનનું બીજું નામ છે. અહીં નાના-મોટા ચાન્સ તો ડગલે ને પગલે સૌ કોઈએ લેવા જ પડે છે, પરંતુ આવા ચાન્સ લેતી વખતે જ્યાં વધુપડતો વિચાર કરવો જરૂરી નથી ત્યાં જ બિલકુલ વિચાર ન કરવો પણ બેવકૂફી છે. સમજદારીની ચાવી બુદ્ધિપૂર્વકના તાર્કિક વિચારમાં રહેલી છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

મારા એક સંબંધી છે. બીજી બધી રીતે ખૂબ સારા, પણ તેમની એક જ સમસ્યા. તેમને બધી વાતે બહુ ડર લાગે. રસ્તો ઓળંગવાનો ડર લાગે એટલે જલદી ઘરેથી એકલા બહાર નીકળે નહીં. નીકળવું જ પડે એમ હોય તો એવો માર્ગ પસંદ કરે કે જ્યાં ક્યાંય રસ્તો ઓળંગવો પડે નહીં. લિફ્ટમાં પુરાઈ જવાનો ભય લાગે એટલે કાયમ દાદરા જ વાપરે. ઘરમાં આગ લાગી જવાનો ડર લાગે તેથી ભગવાન સામે દીવો પણ ન કરે. માત્ર અગરબત્તીથી જ કામ પતાવી દે. ઘરમાં ચોર ઘૂસી આવવાનો ભય લાગે તેથી ઘરના ફક્ત દરવાજા જ નહીં, બારીઓ પણ કાયમ બંધ રાખે. વળી તેમના ભયની વાતોમાં કોઈ નાની-મોટી દુર્ઘટના તો ક્યારેય હોય જ નહીં. સીધી મરવા-મારવાની વાતો જ આવે! તેથી પગમાં સોય, ટાંચણી, સ્ટેપ્લર પિન કે કાચ વાગી જવાની ચર્ચા કરે તો એ ચર્ચા સીધી ગૅન્ગ્રીન થવાથી પગ કપાવવા સુધી જ પહોંચી જાય! લપસી જતાં પડી જવાની ચર્ચા કરે તો તેનો અંત માથું ફૂટીને બે ફાડચાં બની જવા પર જ પૂરી થાય! આમ પોતે તો ડરે, સાથે બીજાને પણ ડરાવે. વળી તેમણે પોતાની આ માન્યતાઓના સમર્થનમાં અડોશપડોશથી માંડી ઓળખીતા-પાળખીતા તથા દેશ-દુનિયાનાં એટએટલાં ઉદાહરણો શોધી રાખ્યાં છે કે તેમનો ગભરાટ દૂર કરવાનો પ્રયત્ન કરવા જઈએ તો ક્યારેક આપણી જ રાતની ઊંઘ હરામ થઈ જાય. તેથી લોકો તેમને બહુ વતાવે નહીં. એ જેમ કરે છે તેમ કરવા દે. જેમ જીવે છે તેમ જીવવા દે. પરિણામે તેઓ બિચારા કોણ જાણે કંઈકેટલાંય વર્ષોથી આવું કૂપમંડૂપ જેવું જીવન જીવી રહ્યા છે!

મનોવિજ્ઞાન કહે છે કે આવી માનસિકતા પાછળ મહદ્ અંશે બાળપણમાં આપણી સાથે બનેલી એક નહીં તો બીજી દુર્ઘટના જવાબદાર હોય છે. હશે ભાઈ. એ વાત સાચી હોય તો પણ ક્યારેક ને ક્યારેક તેમાંથી બહાર નીકળવાની જવાબદારી પણ માણસે પોતે જ ઉપાડવી પડે છે. બાળપણમાં ક્યાંક કશુંક જોઈ લીધું, ક્યાંક કશુંક સાંભળી લીધું કે ખુદ તમારી સાથે કશુંક અજુગતું બની ગયું તેને જીવનભર ખભે બેસાડીને ફરી તો ન શકાય ને? ક્યારેક તો તમારે તેને પડતું મૂકી આગળ વધતાં શીખવું જ પડે.

કારણ જોખમ લેવું એ મનુષ્યસહજ સ્વભાવ છે. બલકે એમ કહો કે જોખમ લીધા વિના મનુષ્યનું આ ધરતી પર જીવન શક્ય જ નથી. બધા જ જાણે છે કે હવામાં કેટલાક જાનલેવા વાયરસ હંમેશાં રહેતા જ હોય છે, પરંતુ તેમના ડરથી કંઈ આપણે શ્વાસ લેવાનું બંધ કરી દેતા નથી. તેવી જ રીતે બધાને જ ખબર છે કે કેટલીક વાર પાણીમાં પણ ખતરનાક બૅક્ટેરિયા પ્રવેશી જતા હોય છે, પરંતુ તેમના ભયથી કંઈ આપણે નહાવા, ધોવાનું કે પાણી પીવાનું બંધ કરી દેતા નથી. બલકે કેટલીક વાર તો એવું લાગે કે નુકસાન થવાનું હોય ત્યારે કંઈ જ કર્યા વગર પણ થઈને જ રહે છે. આપણી જ આસપાસ અનેક એવાં ઉદાહરણો મળી આવે છે કે જેમાં કોઈ વ્યક્તિ કંઈ કર્યા વિના બેઠાં બેઠાં જ ગુજરી ગઈ કે પછી કોઈ ઊભાં ઊભાં કૉલેપ્સ થઈ ગયું અને તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. એ તો ભગવાનની દયા છે કે આવી બધી ઘટનાઓથી આપણે જીવન જીવવાનું છોડી નથી દેતા અને હશે, આવું પણ ક્યારેક થઈ જાય એમ વિચારીને આગળ વધી જઈએ છીએ.

વધુપડતો વિચાર તથા પરિસ્થિતિનું વધુપડતું પૃથક્કરણ આપણી જોખમ લેવાની ક્ષમતા પર અવળી અસર કરે છે. સતત શું ગુમાવી બેસીશું તેનો જ વિચાર કર્યા કરીએ તો થોડું જોખમ લેવાથી આપણે શું પામી શકીએ છીએ તેના પરથી આપણું ધ્યાન વિચલિત થઈ જાય છે. અલબત્ત, એનો અર્થ એ પણ નથી કે હૃદય માત્ર ઇચ્છા અને હોઠો પર પ્રાર્થના સાથે કોઈ પણ જોખમ લઈ લેવું. તમારા સ્વાસ્થ્યથી લઈ તમારા અંગત, સામાજિક કે આર્થિક જીવનને અસર કરે તેવું કોઈ પણ જોખમ લેતાં પહેલાં થોડો વિચાર કરી લેવો આવશ્યક છે.

આ સંદર્ભમાં તાજેતરમાં ક્યાંક સાંભળેલો એક કિસ્સો પણ યાદ આવે છે. ૪૫ વર્ષના એક ભાઈ હતા. છએક મહિના પહેલાં જ તેમને હૃદયરોગનો હુમલો થતાં હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. થોડા સમય પહેલાં તેમને પોતાની કંપની તરફથી અન્ય અધિકારીઓ સાથે જર્મની ફરવા જવાની તક મળી. ફરતાં ફરતાં બધાને ત્યાં એક સ્થળે ઍડવેન્ચર સ્પોર્ટ્સ થતું જોવા મળ્યું. સૌ કોઈ તેના પર પોતાનો હાથ અજમાવવા તૈયાર થઈ ગયા. બીજા બધાને જોઈ આ ભાઈ પણ ઉત્સાહમાં આવી ગયા અને તેમાં ભાગ લેવા તૈયાર થઈ ગયા. બધાએ તેમને ખૂબ વાર્યા. હમણાં જ તો પોતે હૃદયરોગના હુમલામાંથી બેઠા થયા હોવાનું સમજાવ્યું, પણ પેલા ભાઈ એટલા જોશમાં આવી ગયા હતા કે કોઈની વાત કાને ધરી નહીં અને ઍડવેન્ચર સ્પોર્ટ્સમાં ઝંપલાવી દીધું. સ્પોર્ટ્સના પાંચમા ચરણ સુધી પહોંચતાં સુધીમાં તેમના પર હૃદયરોગનો બીજો હુમલો થયો અને ત્યાં ને ત્યાં તેમના રામ રમી ગયા.

કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ જોખમ લેતાં પહેલાં જ્યાં વધુપડતો વિચાર કરવો નકામો છે ત્યાં જ બિલકુલ વિચાર ન કરવો પણ બેવકૂફી છે. આપણા માટે શું કામ કરશે અને તેના દ્વારા આપણને શું અને કેટલો લાભ થશે તથા શું અને કેટલું નુકસાન થઈ શકે છે તેનો બુદ્ધિપૂર્વકનો તાર્કિક વિચાર કરી લેવો આવશ્યક છે. નાનું જોખમ લેવાથી મોટો લાભ થઈ રહ્યો છે કે મોટું જોખમ લેવાથી નાનો લાભ થઈ રહ્યો છે એટલું સમજવાની સમજદારી તો ઈશ્વરે આપણને બધાને જ આપી છે. તો આ બુદ્ધિનો બેસિક ઉપયોગ કરવામાં શું કામ પાછળ પડવું જોઈએ?

આ પણ વાંચો : કૉલમઃ જીદ ગાંધીની, જીદ ઝીણાની, જીદ અહમની, જીદ સ્વાભિમાનની

આ સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે જીવન કંઈ ગણિત નથી કે જેમાં ચોક્કસ ફૉર્મ્યુલા અપનાવો એટલે જવાબ સાચો જ પડે. ગમે તેટલો વિચાર કરો કે ગમે તેટલું પૃથક્કરણ કરો, ડગલે ને પગલે નિર્ણયો તો લેવા જ પડે છે. એ નિર્ણયો સાચા પડ્યા કે ખોટા એ તો સમય જતાં જ ખબર પડે છે. કેટલાક નિર્ણયો આપણને સફળ બનાવે છે તો કેટલાક આપણને નિષ્ફળતાનો સ્વાદ પણ ચખાડે છે, પણ શું નિષ્ફળતા શીખવા તથા ઘડાવવાની પ્રક્રિયાનો એક ભાગ જ નથી? તો પછી ફક્ત નિષ્ફળતા કે પીડાનો જ વિચાર કર્યા કરીશું તો પછી આપણી અંદર રહેલા સાહસના અખૂટ ખજાનાની પરીક્ષા ક્યારે કરીશું?

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK