Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સાબરમતી આશ્રમમાં આવી અધધધ 14 હજારથી વધુ ટપાલ

સાબરમતી આશ્રમમાં આવી અધધધ 14 હજારથી વધુ ટપાલ

25 September, 2019 08:37 AM IST | અમદાવાદ
શૈલેષ નાયક

સાબરમતી આશ્રમમાં આવી અધધધ 14 હજારથી વધુ ટપાલ

ગાંધીબાપુને લખેલી ટપાલ બતાવી રહેલા વિદ્યાર્થીઓ

ગાંધીબાપુને લખેલી ટપાલ બતાવી રહેલા વિદ્યાર્થીઓ


જે આશ્રમ આઝાદીની અહિંસક લડતનું કેન્દ્ર બન્યો હતો એ અમદાવાદસ્થિત વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી આશ્રમ આજકાલ ટપાલોથી ઊભરાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રોજેરોજ અંદાજે બે હજારથી વધુ ટપાલો આવી રહી છે અને અત્યાર સુધીમાં અધધધ કહી શકાય એટલી ૧૪ હજારથી વધુ ટપાલો આશ્રમમાં આવતાં આશ્રમના સત્તાવાળાઓને આ ઢગલાબંધ ટપાલોના સૉર્ટિંગ માટે ચાર કર્મચારીઓની ટીમ બેસાડી છે.

ગુજરાતની ૩૦૦ સ્કૂલોમાં ૩૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ અહિંસાના પાઠ ભણી રહ્યા છે અને આ વિદ્યાર્થીઓ ગાંધીબાપુને ટપાલ લખી રહ્યા છે જેના કારણે સાબરમતી આશ્રમમાં ટપાલોનો ઢગલો થઈ રહ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અવસાન બાદ સંભવતઃ આવું પહેલી વાર બન્યું હશે કે હજારો વિદ્યાર્થીઓ તેમની મૌલિકતાથી ગાંધીબાપુને ટપાલ લખી રહ્યા છે.



અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટ તેમ જ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે અહિંસાની કેળવણીનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જેની માહિતી આપતાં સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ડિરેકટર અતુલ પંડ્યાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે વિદ્યાર્થીઓમાં અહિંસા વિષયક સમજ કેળવાય અને ક્રમશઃ સંસ્કાર તરીકે પ્રસ્થાપિત થાય એવા પ્રયાસ માટે અહિંસા કેળવણી પ્રોજેક્ટ ગુજરાતની ૩૦૦ સ્કૂલોમાં શરૂ કરાયો છે. અત્યારે ગુજરાતના ૧૪ જિલ્લાના ૧૬ તાલુકાઓની ૩૦૦ સ્કૂલોમાં ધોરણ ૬, ૭ અને ૮ના વિદ્યાર્થીઓને ગાંધીબાપુની વિવિધ ૨૫ જેટલી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરાવાઈ રહ્યો છે. આ અભ્યાસ દરમ્યાન મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વિદ્યાર્થીઓને ગાંધીજી માટે વિચારો વ્યક્ત કરવાની તક આપતાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ટપાલ લખી રહ્યા છે. વિદ્યાર્થીઓને ‘ગાંધીજીને મારો પત્ર’ લખવાનું કહેતાં વિદ્યાર્થીઓ મૌલિક રીતે ટપાલ લખીને સાબરમતી આશ્રમમાં મોકલી રહ્યા છે.ૉ


આ પણ વાંચો : PM મોદી ફરી આવશે ગુજરાત, રાજકોટને આપશે આ મહત્વની ભેટ

ટપાલો લખી રહેલા વિદ્યાર્થીઓમાંથી ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બીજી ઑક્ટોબરે સાબરમતી આશ્રમમાં ખાસ બોલાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને અભિનંદન પત્ર આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2019 08:37 AM IST | અમદાવાદ | શૈલેષ નાયક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK