Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મધર ઇન્ડિયા : કેવી રીતે રાધા ઔરત મટીને મધર બની ગઈ

મધર ઇન્ડિયા : કેવી રીતે રાધા ઔરત મટીને મધર બની ગઈ

19 October, 2019 02:57 PM IST |
રાજ ગોસ્વામી

મધર ઇન્ડિયા : કેવી રીતે રાધા ઔરત મટીને મધર બની ગઈ

મધર ઇન્ડિયા

મધર ઇન્ડિયા


મધર ઇન્ડિયાના ઇષ્ટ અને અનિષ્ટ વચ્ચેના સંઘર્ષને દિલીપકુમારની ગંગા-જમુના, અમિતાભ બચ્ચનની દીવાર અને સંજય દત્તની વાસ્તવમાં રિપીટ કરવામાં આવ્યો હતો.

ઝોયા અખ્તર નિર્દેશિત અને રણવીર સિંઘ-આલિયા ભટ્ટ અભિનીત ‘ગલી બૉય’ ફિલ્મને ૨૦૨૦ના ૯૨મા ઓસ્કાર અવૉર્ડ માટે ભારત તરફથી પસંદ કરવામાં આવી છે. ‘ગલી બૉય’ મુંબઈની ધરાવી ઝુંપડપટ્ટીમાંથી સંઘર્ષ કરીને સેલિબ્રિટી બનતા રૅપર બૉય મુરાદની કહાની છે. રણવીર સિંઘ ‘ગલી બૉય’ને એની પર્સનલ ફિલ્મ ગણે છે.  કારણ કે એમાં શેરીઓનો અવાજ છે. એકેડમી (ઓસ્કાર) અવૉર્ડમાં ૧૯૫૬થી વિદેશી ભાષાની ફિલ્મોને અવૉર્ડ અપાય છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા તેના માટે ભારતીય ફિલ્મ પસંદ કરે છે. આ ફિલ્મ ઓસ્કારની જ્યુરી જુએ છે અને અંતિમ નોમિનેશન માટે પસંદ કરે છે. ભારતે અત્યાર સુધી પચાસથી વધુ ફિલ્મો આ કૅટેગરીમાં મોકલી છે. આ રીતે પચાસમાંથી માત્ર ત્રણ ફિલ્મો જ અંતિમ નોમિનેશન માટે પસંદ થઈ હતી: મધર ઇન્ડિયા (૧૯૫૭), સલામ બોમ્બે (૧૯૮૮) અને લગાન (૨૦૦૧).



શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ માટે ઓસ્કારના અંતિમ નોમિનેશન માટે પસંદ થયેલી ‘મધર ઇન્ડિયા’ પહેલી ભારતીય ફિલ્મ છે. એ લગભગ જીતની નજીક હતી, પણ ઇટાલિયન નિર્દેશક ફેડરીકો ફેલિનીની ‘નાઇટ્સ ઓફ કેબિરીયા’ સામે એક મતથી ફેંકાઈ ગઈ હતી. તમને કદાચ ખબર નહીં હોય, પણ ‘મધર ઇન્ડિયા’ સ્પેનિશ, ફ્રેંચ અને રશિયન સહિતની અનેક યુરોપિયન ભાષાઓમાં ડબ થઈ હતી. એ ગ્રીસ, સ્પેન, રશિયા, પેરુ, બોલિવિયા અને એક્વાડોરમાં રિલીઝ થઈ હતી. ‘મધર ઇન્ડિયા’ બહુ મુશ્કેલીમાં બની હતી. કહે છે કે અડધી ફિલ્મે પૈસા ખૂટી પડ્યા, તો એક્ટ્રેસ નિમ્મી સાડીના પલ્લુમાં રૂપિયાની થોકડી લઈને પ્રોડક્શન ઑફિસમાં ગઈ હતી અને બોલી હતી, “લો આ પૈસા. ફિલ્મ અટકવી ના જોઈએ, પણ મહેબૂબ ખાનને આ કહેતા નહીં.”


‘મધર ઇન્ડિયા’ના નિર્દેશક મહેબૂબ ખાન મહેનતકશ પરિવારના ફરજંદ હતા. કરજણ પાસે કાશીપુરા-સરારમાં એક પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં જન્મેલો મહેબૂબ રમઝાન ખાન ભણવા-બણવાનું છોડીને એક્ટર બનવા ૧૬ વર્ષની ઉંમરે મુંબઈ ભાગી ગયો હતો. બાપા પકડીને પાછો ગામ લઈ આવ્યા. એ ૨૩ વર્ષનો થયો ત્યારે ફરીથી ખિસ્સામાં ખાલી ત્રણ રૂપિયા લઈને મુંબઈની ટ્રેનમાં બેસી ગયો. આ વખતે તે પાછો આવવાનો ન હતો અને એ ફિલ્મ સ્ટુડિઓના ચક્કર કાપીને ખુદના સ્ટુડિઓ સાથે ધુંઆધાર મહેબૂબ ખાન બની ગયો. ઓસ્કાર માટે પત્ની સરદાર અખ્તર સાથે તે અમેરિકા ગયા (એ એમની ત્રીજી યાત્રા હતી) ત્યારે તેમની ઓળખાણ ‘ભારતના ડીમીલે’ તરીકે થઈ હતી. હૉલિવૂડના ગ્રેટ નિર્માતા-નિર્દેશક સેસિલ બી. ડીમીલે સાથે તેમની મુલાકાત પણ થઈ હતી. મહેબૂબ ખાન ખુદની ઉપર એક ધુઆંધાર ફિલ્મ બની શકે તેમ છે.

મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ


વહી હોતા હૈ જો મંઝુર-એ-ખુદા હોતા હૈ

મહેબૂબ ખાન પ્રોડક્શનની ફિલ્મોના ટાઇટલ્સમાં બેકગ્રાઉન્ડમાં આ શેર સંભળાય ત્યારે બહુ બધા લોકોને થતું કે આ ઘેઘુર અવાજ મહેબૂબ ખાનનો જ છે. હકીકતમાં સંગીતકાર રફીક ગજનવી આ શેર લલકારતા હતા. એ શેરના રચઈતા હતા શાયર સઈદ ગુલામ મોહમ્મદ ઉર્ફે મસ્ત કલકત્તવી. મહેબૂબ ખાન પ્રોડક્શનની બીજી ઓળખ હતી, દાંતરડા અને હથોડાનું પ્રતીક. એ મહેનતકશ ભારતનું પ્રતીક હતું. નવા જમાનાના દર્શકોને અમિતાભ બચ્ચન અને મનમોહન દેસાઈની ‘ફૂલી’ ફિલ્મમાં છેલ્લે ફાઇટ સીન જો યાદ હોય, તો એમાં દાંતરડા અને હથોડાનો ઉપયોગ કરવામાં આવેલો. એમાં સામ્યવાદી વર્ગ-સંઘર્ષનો સંદેશો હતો.

મહેબૂબ ખાને ૧૯૪૨માં નિર્દેશિત કરેલી ‘રોટી’ ફિલ્મમાંથી દાંતરડા-હથોડાનો આ ટ્રેડ-માર્ક લીધો હતો. સાગર નેશનલ સ્ટુડિઓ લિમિટેડ માટે નિર્દેશિત કરેલી એ મહેબૂબ ખાનની અંતિમ ફિલ્મ. તે પછી તરત જ તેમણે મહેબૂબ પ્રોડક્શનની સ્થાપના કરી હતી. ‘રોટી’ મૂડીવાદીઓ વિરોધી ફિલ્મ હતી. એમાં એક ધનવાન માણસ કેવી રીતે શહેરમાં ધન-દૌલત હોવા છતાં બેચેન રહે છે અને પછી એક ગરીબ પરિવાર પાસે શાંતિ મેળવવા જાય છે, તેની કહાની હતી. વિશ્વમાં આજે મૂડીવાદી અર્થવ્યવસ્થાનું જે મૉડલ છે, તે સુખ અને શાંતિનો આવો જ સવાલ ઊભો કરે છે. યોગનુયોગ, મનમોહન દેસાઈએ ૧૯૭૪માં રાજેશ ખન્ના સાથે ‘રોટી’ નામથી જ ફિલ્મ બનાવી હતી.

મહેબૂબ ખાન પ્રગતિશીલ વ્યક્તિ હતા અને એટલે જ ‘મધર ઇન્ડિયા’ કેમ એક મહાન ફિલ્મ હતી, તે સમજવા જેવું છે.

‘મધર ઇન્ડિયા’ પહેલી ફિલ્મ છે, જે નૈતિક રીતે બે વિરોધી મૂલ્યો-ઇષ્ટ અને અનિષ્ટ-નું ચિત્રણ કરે છે. અને આ એવો સંઘર્ષ છે, જ્યાં દર્શકોમાં બંને માટે સહાનુભૂતિ ઉત્પન્ન થાય છે. ‘મધર ઇન્ડિયા’માં તમે માતા રાધા (નરગીસ) માટે તાળીઓ તો પાડો જ છો પણ તમારાં આંસુ તો બીરજુ (સુનીલ દત્ત) માટે વહે છે. ઇષ્ટ અને અનિષ્ટના આ સંઘર્ષને દિલીપકુમારની ‘ગંગા-જમુના’ (૧૯૬૧), અમિતાભ બચ્ચનની ‘દિવાર’ (૧૯૭૫) અને સંજય દત્તની ‘વાસ્તવ’ (૧૯૯૯)માં રિપીટ કરવામાં આવ્યો હતો.

મહેબૂબ ખાનના મનમાં ‘મધર ઇન્ડિયા’ની વાર્તા ઘણા સમયથી હતી. તે સમયે ભારતમાં અમેરિકન લેખિકા કેથેરીન માયોનું ‘મધર ઇન્ડિયા’ નામનું એક પુસ્તક બહુ વિવાદમાં હતું. ૧૯૨૭માં આ પુસ્તકમાં માયોએ ભારતીય ‘પછાત’ સંસ્કૃતિની એટલી આકરી ટીકા કરી હતી કે મહાત્મા ગાંધીએ તેને ‘ગટર ઇન્સ્પેક્ટરના રીપોર્ટ’ તરીકે ઓળખાવ્યું હતું. આ પુસ્તકની પૂરા ભારતમાં એટલી ટીકા થઈ કે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આજે તે પુસ્તક પ્રતિબંધિત યાદીમાં છે.

મહેબૂબ ખાનને અસલી ‘મધર ઇન્ડિયા’ કેવી હોય તે બતાવવું હતું, એટલે તેમણે એ જ ટાઇટલ રજિસ્ટર કરાવી દીધું. તે વખતે બહારથી કાચા માલની આયાત માટે સરકારની પરવાનગી લેવી પડતી હતી. મહેબૂબ ખાને ‘મધર ઇન્ડિયા’ ફિલ્મ માટે કાચો માલ આયાત કરવા અરજી કરી, તો સરકારી વિભાગના બાબુઓ ફિલ્મનું નામ સાંભળીને છળી ગયા અને પરવાનગી આપવાનો લગભગ ઇનકાર કરી દીધો.

એટલે મહેબૂબ ખાને સૂચના-પ્રસારણ મંત્રાલયને સ્પષ્ટતા કરતો પત્ર લખ્યો, તેમાં માયોની ‘મધર ઇન્ડિયા’ સામેની ખીજ દેખાતી હતી. એ લખે છે, “અમારી ફિલ્મ અને માયોની મધર ઇન્ડિયાને લઈને ઘણી આંટી ઊભી થઈ છે. બંને વિષય બહુ જ અલગ છે અને એકબીજાથી વિપરીત છે. અમે જાણીજોઈને ફિલ્મને મધર ઇન્ડિયા કહી છે, જેથી પુસ્તકને આહ્વાન આપી શકીએ અને લોકોના દિમાગમાંથી માયોના બકવાસને બહાર કાઢી શકીએ.”

‘મધર ઇન્ડિયા’ની કહાની બે જગ્યાએથી આવી હતી; એક, મહેબૂબ ખાનની જ ૧૯૪૦માં આવેલી ફિલ્મ ‘ઔરત’ અને બે, નોબૅલ પુરસ્કાર વિજેતા અમેરિકન લેખિકા પર્લ એસ. બકની નવલકથાઓ ‘ગુડ અર્થ’ અને ‘ધ મધર.’ હકીકતમાં, મહેબૂબ ખાન ‘ઔરત’નું જ રીમેક કરવાના હતા અને તેમણે ‘મધર ઇન્ડિયા’નું ટાઇટલ ‘ઔરત’ જ રાખ્યું હતું, પરંતુ નરગીસને માયોના પુસ્તકના વિવાદની ખબર હતી એટલે તેણે અંગ્રેજીમાં ‘મધર ઇન્ડિયા’ જ નામ સૂચવ્યું હતું. નરગીસને અંદાજ હતો કે ‘મધર ઇન્ડિયા’ એની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ બની જવાની છે અને આરકે ફિલ્મ્સ (રાજ કપૂર) સાથે બહારના બેનરમાં કામ નહીં કરવાનો કરાર હોવા છતાં, નરગીસને રાજથી છેડો ફાડવા માટે ‘મધર ઇન્ડિયા’ સૌથી ઉત્તમ અવસર લાગી હતી. (આ જ ફિલ્મમાં આગના સીનમાં સુનીલ દત્તે નરગીસને બચાવી અને બંને વચ્ચે પ્રેમના કૉલ લેવાયા, એ બીજી એક કહાની છે.)

પર્લ એસ. બક એટલે જેમણે આર. કે. નારાયણની નવલકથા પરથી દેવ આનંદની ‘ગાઇડ’ (૧૯૬૫) ફિલ્મની અંગ્રેજી પટકથા લખી હતી તે. બકની ‘ગૂડ અર્થ’ નવલકથામાં ચીનના એક પાયમાલ ખેડૂત અને એની દયાળુ પત્નીની કહાની હતી, જે એમની જમીન પ્રત્યેના ભક્તિભાવના પગલે આબાદ થાય છે. ૧૯૩૨માં આ નવલકથાને પુલિત્ઝર પારિતોષિક મળ્યું હતું. ‘ધ મધર’ નવલકથામાં દૂરના ગામડામાં રહેતી મુસીબતોની મારી એક સ્ત્રી કેવી રીતે એની પરંપરા અને સામ્યવાદના નવાસવા આદર્શો વચ્ચે સંતુલન કરે છે, તેની વાર્તા હતી. ૧૯૩૭ અને ૧૯૪૦માં આ બંને વાર્તા પરથી હૉલિવૂડના સર્જક સિડની ફ્રેન્કલીને ફિલ્મો બનાવી હતી.

મહેબૂબ ખાને ‘ઔરત’ બનાવી ત્યારે આ વાર્તાઓનો આધાર લીધો હતો. એક ગુજરાતી લેખક બાબુભાઈ મહેતાએ એની વાર્તા લખી હતી અને વજાહત મિરઝાએ સંવાદ લખ્યા હતા. ‘ઔરત’માં પણ નાયિકાનું નામ રાધા જ હતું અને તેનો કિરદાર નિભાવ્યો હતો, સરદાર અખ્તરે. પછીથી આ સરદાર સાથે જ મહેબૂબ ખાને લગ્ન કર્યાં હતાં. ‘મધર ઇન્ડિયા’ની જેમ જ ‘ઔરત’માં પણ રાધાનો વંઠેલ દીકરો બીરજુ (લાલા યાકુબ) શાહૂકારનું ખૂન કરીને તેની છોકરીને ભગાડી જાય છે.

‘ઔરત’માં રાધાને એનો પતિ શામુ (ગોવિંદાના પિતા અરુણ)ને છોડી દે છે, અને રાધા એના નાના દીકરા રામુ (સુરેન્દ્ર)ને દુકાળમાં ગુમાવે છે. રાધાને શાહૂકાર સુખીલાલા (અહીં પણ કનૈયાલાલ જ છે) તો નડે જ છે, પણ કુદરત એનો ન્યાય કરે છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે સુખીલાલાનું ઘર પડી જાય છે, જમીન ફરી ઊગે છે અને એ રીતે રાધા એના દેવામાંથી મુક્ત થાય છે. એ અર્થમાં ‘ઔરત’ રાધાની, એક સ્ત્રીની કહાની હતી.

‘મધર ઇન્ડિયા’માં ‘ઔરત’નો સ્કેલ મોટો થઈ ગયો. ફિલ્મમાં રાધાને જ્યારે ખબર પડે છે કે એની સાથે લગ્ન માટે પતિ શામુ (રાજ કુમાર)ની માએ સુખીલાલા પાસેથી કરજ લીધું છે, ત્યારે રાધા પૂરા ઘરનો પહાડ માથે ઊંચકી લે છે. એ ખુદ ખેતરમાં કમ્મર તોડે છે, હળ જોતરે છે અને એક બળદ મરી જાય છે ત્યારે પોતાની ખૂંધે ધોંસરી મૂકે છે. રાધા અહીં ઔરત મટીને ભારત માતા અને ધરતી માતા બની જાય છે.

મધર ઇન્ડિયા કેમ ભારતની લાખો માતાઓનું પ્રતિનિધિત્વ કરે છે તેનું કારણ રાધા (નર્ગિસ)ની અસાધારણ દ્વિધામાં છે: એની પહેલી કશ્મકશ આદર્શ પત્ની તરીકે શાહૂકાર સુખીલાલા (કનૈયાલાલ)ને વશ થયા વગર સુહાગની રક્ષા કરવી કે આદર્શ મા બનીને ભૂખ્યાં છોકરાંને કાજે બાંધછોડ કરવી, તેની છે. બીજી વારની એની દુવિધા આદર્શ માતા તરીકે દીકરા (બીરજુ)નું રક્ષણ કરવું કે આદર્શ સ્ત્રી બનીને ગામની ઇજ્જત બચાવવી, તે છે. બુનિયાદી રીતે આ ફિલ્મમાં રોમેન્ટિક પત્ની અને ઘરની મોભી માતા વચ્ચે ધર્મસંકટ છે. એમાં સ્ત્રી ક્યાંય નથી. એ અર્થમાં રાધાનું જીવન સ્ત્રીત્વની નહીં (જે નારીવાદી અંદોલનનો કેન્દ્રીય વિચાર છે), માતૃત્વની ગાથા છે. એટલે એનું નામ મધર ઇન્ડિયા છે, વુમન ઇન્ડિયા નહીં.

મધર ઇન્ડિયા આવી ત્યારે ભારત આઝાદ થઈ ચૂક્યું હતું. મહેબૂબે એને ૧૫મી ઑગસ્ટ, ૧૯૫૭ના રોજ રિલીસ કરવા નક્કી કર્યું હતું, પણ કારણવશ બે મહિના પછી ઠેલાઈ ગઈ. જો તમને જો યાદ હોય તો, પહેલા જ દૃશ્યમાં રાધા નહેરનું ઉદ્ઘાટન કરતી જોવા મળે છે. એ નહેરુશાઈ ભારત હતું. ઓપનિંગ દૃશ્યમાં જ ગામલોકો રાધાને ઉદ્ઘાટન માટે વિનતી કરે છે, “અરે, તુ તો હમારી માં હૈ, સારે ગાંવ કી માં.” મહેબૂબ ખાને શરૂઆતથી જ કહી દીધું હતું કે, આ એક માની ગાથા છે, સ્ત્રીની નહીં, અને મધર ઇન્ડિયા જ્યારે (દીકરા બીરજુને ગોળી મારવા જેવા) કઠિન નિર્ણય કરે ત્યારે એ એનાં બીજાં બાળકોના ભલા માટે જ હોય છે.

મહેબૂબ ખાને તેમની આ બંને ફિલ્મો વિશે એક વાર કહ્યું હતું-

“બરોડા સ્ટેટમાં મારી માના ગામ કાશીપુરામાં, મેં ગામડાનું જીવન જોયું છે, અને મને હંમેશા માટે સ્ત્રીઓ પ્રત્યે ભારોભાર આદર છે. ઔરતની વાર્તાની મેં કલ્પના કરી હતી અને બાબુભાઈ મહેતાએ લખી હતી. એમાં કેન્દ્રસ્થાને વાત એ હતી કે અસલી ભારતીય સ્ત્રી એના પતિના ઘરમાં પરણીને જ પ્રવેશ કરે છે અને ઘર ત્યારે જ છોડે છે, જ્યારે તે મરી જાય. એ જમીનના બદલામાં એનું શિયળ ક્યારેય ના વેચે. આજે સમય બદલાઈ ગયો છે એટલે મને થયું કે નવા જમાના પ્રમાણે ઔરત બનાવું, પણ એમાં મુખ્ય પાત્ર એનું એ જ છે; એમાં ભારતીય સ્ત્રી અને જે જમીન પર તે કામ કરે છે, તે બંને એક જ છે.”

Whatsapp-channel Whatsapp-channel

19 October, 2019 02:57 PM IST | | રાજ ગોસ્વામી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK