Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અમેરિકા-ઈરાન વચ્ચેનો તનાવ વિશ્વને દઝાડશે?

અમેરિકા-ઈરાન વચ્ચેનો તનાવ વિશ્વને દઝાડશે?

14 July, 2019 02:45 PM IST | મુંબઈ
સંજય પંડ્યા

અમેરિકા-ઈરાન વચ્ચેનો તનાવ વિશ્વને દઝાડશે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના પ્રાઇમ લોકેશન્સ પરની ઈરાની રેસ્ટોરાં હવે ધીરે-ધીરે ઓછી થઈ રહી છે. લોખંડનું ચાર કે પાંચ જણ બેસી શકે એવું ટેબલ અને એની આસપાસ એટલી જ ખુરસીઓ. ખુરસીઓ પણ લોખંડની અને કલાત્મક. આવાં ટેબલ-ખુરસીનાં આઠ-દસ ઝૂમખાં હૉલમાં હોય. ઈરાની રેસ્ટોરાંની ચા અને સાથે બનપાંઉની લહેજત ઘણાએ લીધી હશે. ભારત અને ઈરાનના સંબંધો દાયકાઓ જૂના છે. ઈરાનના ઘણા વિદ્યાર્થીઓ પુણે અને બૅન્ગલોરમાં જોવા મળે છે. ભારત માટે સારું બોલાતું હોય અને ભારત માટે એક વિશેષ ભાવ હોય એવા દેશોમાં ઈરાનને પણ ગણી શકાય. ૨૦૦૫માં બીબીસીના સર્વે અનુસાર ૭૧ ટકા ઈરાનીઓ ભારત-ઈરાનના સંબંધોને હકારાત્મક ગણતા હતા, જે બે દેશો વચ્ચેના સંબંધો માટે એક સારું પ્રમાણ ગણી શકાય. ઈરાન ભારતનું બીજા નંબરનું ક્રૂડ ઑઇલનું સપ્લાયર છે અને સામે ભારતે પણ ઈરાનના ઑઇલ અને ગૅસના ક્ષેત્રમાં મોટું રોકાણ કર્યું છે. અનેક ભારતીય એન્જિનિયર તથા મહેનતકશ લોકો ઈરાની કંપનીઓ માટે કામ કરે છે. ૧૯૭૯ અગાઉ ઈરાનમાં શાહના શાસન વખતે ઈરાન અમેરિકા તરફ વધારે ઝૂકેલું હતું અને ૧૯૭૧ના યુદ્ધમાં એણે ભારતને નહીં, પાકિસ્તાનને મદદ કરી હતી. એ સમયે ભારત પણ યુએસએસઆરની સોડમાં હતું. ૧૯૭૯માં ઈરાનમાં ક્રાન્તિ થઈ ત્યારે થોડા સમય પૂરતા ભારત અને ઈરાનના સંબંધ સુધર્યા હતા. આંતરરાષ્ટ્રીય સંબંધો બહુ અજીબોગરીબ હોય છે અને એમાં થોડાં-થોડાં વર્ષે બદલાવ આવતા રહે છે. ઈરાન-ઇરાક યુદ્ધ વખતે આપણા સંબંધો ફરી પલટાયા, કારણ, ભારતે ઇરાકનો પક્ષ લીધો હતો. તો ૧૯૯૦માં ભારત અને ઈરાન અફઘાનિસ્તાનના તાલિબાન સામે ફરી એક થયાં.
     ભારત માટે ઈરાન નિરુપદ્રવી છે, પણ એ ઇઝરાયલ, અમેરિકા અને યુકેના બ્લૅક-લિસ્ટમાં છે! ઇઝરાયલ અને ઈરાનને બારમો ચંદ્રમા છે! જેમ પાકિસ્તાન આતંકવાદથી આપણને હેરાન કરે છે એવો રોલ ઈરાન ઇઝરાયલ સાથે નિભાવે છે. ઈરાન‌િયન રિવૉલ્યુશનરી ગાર્ડ્સ  જેને શસ્ત્રો, પૈસા અને ટ્રેઇનિંગ દ્વારા પાળે-પોષે છે એવાં ત્રણ મુખ્ય આતંકવાદી સંગઠન એટલે હમસ, હિઝબુલ્લા અને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જિહાદ. ઈરાનના ગુપ્ત પીઠબળથી આ સંગઠનોએ ઇઝરાયલના રાજદ્વારીઓ પર વિવિધ દેશોમાં હુમલા કરાવ્યા છે. ઇઝરાયલ ઉપરાંત આલ્બેનિયા અને બહેરિને પણ ઈરાન આતંકવાદને પોષે છે અને છાવરે છે એવું વિશ્વને જણાવ્યું છે. તાજેતરમાં અમેરિકાએ પણ ઈરાનિયન રિવૉલ્યુશનરી ગાર્ડને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી યુએસએ અને ઈરાન એકબીજાની સામે બાંયો ચડાવી રહ્યાં છે. યુએસએને આમ પણ વિશ્વના જમાદાર થવાનો રોલ બહુ ફાવે છે. એમાં વળી હાલમાં પ્રમુખપદે ટ્રમ્પ છે અને સવાલ તેમના ચૂંટણીવચનનો છે!
વાતમાં જરા ઊંડા ઊતરીએ? 
ઈરાનમાં શાહને ઉથલાવીને જ્યારે ખોમૈનીનું શાસન આવ્યું ત્યારે એ રાષ્ટ્રની વિચારધારામાં પણ બદલાવ આવ્યો. શાહ પશ્ચિમના દેશોનું વધુ અવલંબન લેતા હતા એવું ખોમૈની ઍન્ડ ટીમને લાગતું હતું. ખોમૈનીના જ શબ્દો હતા, ‘આપણે ઇસ્લામિક રિવૉલ્યુશનને સમગ્ર વિશ્વમાં પહોંચાડવાનું છે. જ્યાં સુધી સમગ્ર વિશ્વમાં ‘કોઈ ગૉડ નથી, ફક્ત અલ્લાહ છે’ એ ગુંજી ન વળે ત્યાં સુધી આપણી લડત ચાલુ રહેશે!’ માર્ચ ૧૯૮૨માં ૨૫ આરબ અને ઇસ્લામિક રાષ્ટ્રના ૩૮૦ જેટલા લોકો ઈરાનના પાટનગર તહેરાનમાં ભેગા થયા હતા. પશ્ચિમના દેશોના સૈતાનિક પ્રભાવમાંથી ઇસ્લામિક રાષ્ટ્રોને કેમ અળગાં રાખવાં એની સ્ટ્રૅટેજી નક્કી કરવાનો એજન્ડા હતો. એમાં કેટલાંક આતંકવાદી જૂથો પણ સામેલ હતાં. એમણે ‘ઇસ્લામિક કાઉન્સિલ ફૉર રિવૉલ્યુશન’ની રચના કરી જેને ઈરાનની સરકાર અને બીજા ઇસ્લામિક દેશોની સરકાર અબજો રૂપિયા ફાળવતી.
હવે ઈરાન અને ઇરાકની વાત! બન્ને પાડોશી દેશો છે. ઈરાન-ઇરાકનાં છમકલાં સદીઓથી ચાલ્યાં આવે છે. ૧૯૮૦માં શત-અલ-આરબ જળમાર્ગના વિવાદ પર બન્ને વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું અને ઈરાન એકલું પડી ગયું. આ યુદ્ધમાં બન્ને પક્ષે ભારે ખુવારી થઈ હતી. યુદ્ધથી થાકીને ઈરાને ૧૯૮૮માં યુનાઇટેડ નેશન્સના સિક્યૉરિટી કાઉન્સિલના રિઝૉલ્યુશન પર સહી કરી. આ યુદ્ધ બાદ ઈરાનને અહેસાસ થયો કે વિદેશનીતિમાં હવે બદલાવ જરૂરી છે અને પશ્ચિમના દેશોને ગાળો આપ્યા કરવાથી ભલીવાર નહીં આવે! ધીરે-ધીરે યુરોપ સાથે એના સંબંધો સુધરતા ગયા. ચીન અને ભારત સાથે વ્યાપારી સંબંધો વિકસતા ગયા. બ્રાઝિલ તથા આફ્રિકાના દેશો સાથે એનો બિઝનેસ અનેકગણો વધ્યો.
હવે ગમ્મતની વાત એ છે કે જે મુદ્દે ટ્રમ્પને ઈરાન સાથે વાંકું પડ્યું છે એના મૂળમાં પણ અમેરિકા જ છે. આપણે જાણીએ છીએ કે અણુશક્તિનો જેમ સંહાર માટે ઉપયોગ થઈ શકે એમ એનો વિકાસ માટે પણ ઉપયોગ થાય છે. અગાઉ શાહ મોહમ્મદ રઝા પહેલવીના અમેરિકા સાથે સંબંધો સારા હતા એટલે ૧૯૬૭માં અમેરિકાએ ઈરાનને અણુશક્તિ પેદા કરવા એક ટેસ્ટ રીઍક્ટર આપ્યું હતું. ૧૯૭૯માં ઇસ્લામિક રિવૉલ્યુશનને કારણે શાહ ગાદી પરથી ફેંકાઈ ગયા એટલે અમેરિકાએ પોતાની મદદ આપવાનું બંધ કરી દીધું. હવે શું કરવું? પાકિસ્તાનના અણુવિજ્ઞાની એ. ક્યુ. ખાન યાદ છે? અમેરિકાની મદદ બંધ થઈ એટલે ઈરાને એ. ક્યુ. ખાન પાસેથી અણુબૉમ્બ, ડિટોનેટર્સ તથા અન્ય ટેક્નિકલ માહિતી ખરીદી. રશિયાએ પણ કેટલીક ટેક્નિકલ  માહિતી ઈરાનને વેચી. પશ્ચિમના દેશોની ડિટેક્ટિવ એજન્સીઓએ ૨૦૦૨માં શોધી કાઢ્યું કે ઈરાન નટાન્ઝ નામના સ્થળે પરમાણુ કાર્યક્રમ આગળ વધારી રહ્યું છે.
૨૦૦૩માં પણ ઈરાનની કેટલીક એવી ગતિવિધિઓ જાણવામાં આવી કે જેમાં એ અણુબૉમ્બ ડેવલપ કરવાની તૈયારી કરી રહ્યું હતું. નવેમ્બર ૨૦૧૧માં IAEA (ઇન્ટરનૅશનલ ઍટમિક એનર્જી એજન્સી)એ જાહેર કર્યું હતું કે ૨૦૦૩ પછી પણ ઈરાનના અણુબૉમ્બ બનાવવાના પ્રયત્નો ચાલુ રહ્યા છે. IAEA વિશ્વના દેશોના એનરિચ્ડ યુરેનિયમ પર નજર રાખે છે.
હવે આ enriched યુરેનિયમ શું છે?
રૉ યુરેનિયમને કેટલીક પ્રોસેસ દ્વારા ઉપયોગ લાયક બનાવવામાં આવે છે. યુરેનિયમ ૨૩૫ના ટકા 3.૫૦ જેટલા હોય ત્યાં સુધી શાંતિમય હેતુ માટે એનો ઉપયોગ થાય છે. યુરેનિયમને centrifugal ક્રિયા દ્વારા uranium ૨૩૫ ટકા વધારીને ૨૦ સુધી અને ત્યાંથી ૮૦ ટકા સુધી લઈ જવામાં આવે છે. આ એનરિચ કરવાની પ્રોસેસ છે. આપણા ઘરના વૉશિંગ મશીનમાં કપડાં ધોવાઈ ગયા બાદ જે સ્પિનિંગ પ્રક્રિયાથી કપડાં સુકાય છે એ પણ એક પ્રકારની સેન્ટ્રિફ્યુગલ પ્રોસેસ છે. અણુબૉમ્બમાં ૮૦ ટકા એનરિચ્ડ યુરેનિયમ વપરાય છે. અમેરિકા અને યુરોપિયન યુનિયનનાં રાષ્ટ્રો ઈરાન પર સતત દબાણ બનાવી રહ્યાં છે જેથી એનું એનરિચ્ડ યુરેનિયમ સાડાત્રણ ટકા કે ૩.૮૫ ટકાથી વધે નહીં અને વિશ્વ અણુબૉમ્બની દોડમાં પાછું ન જોતરાય! ૨૦૦૬માં ઈરાને ઑફિશ્યલી જાહેરાત કરી કે ૧૦૦ જેટલા સેન્ટ્રિફ્યુગલ દ્વારા યુરેનિયમને સાડાત્રણ ટકા એનરિચ કરવાની સફળતા એમણે મેળવી લીધી છે અને વિશ્વે ઈરાનને ન્યુક્લિયર પાવર ધરાવતા રાષ્ટ્રનો દરજ્જો આપવો જોઈએ, પણ વિશ્વના મોટા ભાગના દેશો અને યુનાઇટેડ નેશન્સ, બીજાં રાષ્ટ્રો આ ક્ષમતા મેળવે એવું ઇચ્છતાં નથી. વિશ્વના ભલા માટે આ વિચારધારા જરૂરી પણ છે. યુએન સિક્યૉરિટી કાઉન્સિલે ૨૦૦૬માં ઈરાનને ચેતવણી આપી કે યુરેનિયમ એનરિચ કરવાનો કાર્યક્રમ બંધ કરે, નહીં તો ઘણાબધા પ્રતિબંધનો સામનો કરવા એણે તૈયાર રહેવું પડશે. IAEAએ પણ કહ્યું કે ઈરાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ શાંતિમય હેતુ માટે છે એવું અમે માનતા નથી! 2010માં પણ કેટલીક માહિતીના આધારે IAEAએ ઈરાનને ચેતવણી આપી કે અણુ મિસાઇલ તૈયાર કરવાના પુરાવા તેમને સાંપડ્યા છે. આ ગંભીર બાબત હતી. ૨૦૧૨ની શરૂઆતમાં ઈરાને IAEAના ઇન્સ્પેક્ટરને પર્ચિનના પ્લાન્ટ સુધી ન જવા દીધા. એ ઉપરાંત છેલ્લા એક દાયકામાં ઈરાને યુરેનિયમને એનરિચ કરવા હજારો સેન્ટ્રિફ્યુગલ સ્થાપી દીધા હતા. વિશ્વના અન્ય દેશો માટે આ ભયજનક ચેતવણીનું સિગ્નલ હતું. યુએસએ અને યુરોપિયન યુનિયનનાં ભવાં સ્વાભાવિક રીતે અધ્ધર ચડે એવો ઘાટ હતો.
અગાઉના બે દાયકામાં ઈરાને IAEAને પોતાના પ્લાન્ટ્સમાં ઇન્સ્પેક્શનની છૂટ એટલા માટે આપી હતી કે એને આર્થિક વિકાસની જરૂર હતી. ઇન્સ્પેક્શનની છૂટ ન આપે તો સમગ્ર વિશ્વ ઈરાનને આર્થિક બહિષ્કાર દ્વારા ઘૂંટણિયે પાડી શકે, પણ IAEAની આંખમાં ધૂળ નાખી ઈરાને યુરેનિયમને એનરિચ કરવાની ઘણી ક્ષમતા મેળવી લીધી હતી. ઈરાન હવે પોતાની મનમાની કરી રહ્યું છે એવું લાગતાં નવેમ્બર ૨૦૧૧માં યુએસ, યુકે અને કૅનેડાએ નિયંત્રણો લાદ્યાં અને ૨૦૧૨માં સમગ્ર યુરોપે ઈરાનના ક્રૂડ ઑઇલની આયાત બંધ કરી દીધી. છ મહિનામાં જ ઈરાનની કરન્સી યુએસ ડૉલર સામે ઊંધે માથે પટકાઈ અને ૨૦૧૧ની સામે ૮૦ ટકા તૂટી ગઈ. ઈરાનની બૅન્કના વ્યવહાર, વ્યાપાર, નૅચરલ ગૅસ તથા વીજળી ક્ષેત્ર જેવાં બધાં જ ક્ષેત્રો યુરોપના એમ્બાર્ગો હેઠળ આવ્યાં. અમેરિકાએ વિશ્વની બૅન્કો પાસે પણ ઈરાનના વ્યવહાર બંધ કરાવ્યા. ફક્ત ભારત, સાઉથ કોરિયા, મલેશિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, તાઇવાન અને ટર્કીના ક્રૂડ ઑઇલ ઇમ્પોર્ટ ઈરાન પાસેથી ચાલુ રહ્યા જે ધીરે-ધીરે ઘટાડવાનું નક્કી થયું.
ઈરાન આ કારણે આર્થિક રીતે નબળું પડ્યું. ૨૦૧૫માં ઈરાને જગતનાં પાંચ પાવરફૂલ રાષ્ટ્ર વત્તા એક એવાં છ રાષ્ટ્ર સાથે સમજૂતી કરી. આ પાંચ રાષ્ટ્રો હતાં યુએસ, યુકે, ફ્રાન્સ, ચીન, રશિયા અને જર્મની. ઈરાનના ડીલને ‘જૉઇન્ટ કૉમ્પ્રિહેન્સિવ પ્લાન ઑફ ઍક્શન’ JCPOA નામ આપવામાં આવ્યું. આ ડીલ હેઠળ ઈરાન પોતાના યુરેનિયમના જથ્થાને ૯૮ ટકા જેટલું ઘટાડવા કબૂલ થયું. સેન્ટ્રિફ્યુગલની સંખ્યા ૨૦,૦૦૦ સુધી પહોંચી હતી એ પણ એને ઘટાડવાની હતી. હેવી વૉટર બનાવવાની સુવિધા જે અરક નામના શહેર પાસે હતી એ પણ બંધ કરવાની હતી. IAEA ઈરાનની બધી ઍટમિક સાઇટ પર જઈ ઇન્સ્પેક્શન કરી શકશે એવી બાંયધરી પણ ઈરાને આપી. આ JCPOA થઈ ત્યારે યુએસના પ્રેસિડન્ટ બરાક ઓબામા હતા. એ સમયે વિરોધ પક્ષમાં રહેલા ટ્રમ્પે પોતાના ચૂંટણીપ્રચારમાં આ ડીલનો વિરોધ કર્યો હતો. આ ડીલમાં સહી કર્યા પછી ઈરાનને આર્થિક ક્ષેત્રે રાહત થઈ હતી. ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી ૨૦૧૮ના મે મહિનામાં તેમણે જાહેર કરી દીધું કે ૨૦૧૫ની ઈરાન ડીલ તેમને મંજૂર નથી. તેમણે આ ડીલને સાવ વાહિયાત ગણાવી હતી. તેમના કહેવા મુજબ ઈરાને આ ડીલમાં પોતાની રીતે છૂટછાટ મેળવી શસ્ત્રો બનાવવાના પોતાના પ્રયાસ ચાલુ રાખ્યા છે. ટ્રમ્પના આ નિર્ણયનો અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ વિરોધ કર્યો. ઈરાન ડીલમાં જેણે સહી કરી હતી એવા દેશોએ પણ ટ્રમ્પનો આ નિર્ણય કમનસીબ છે એવું કબૂલ્યું. આ સૌના મતે ઈરાન પાસે જે અપેક્ષા હતી એણે પૂર્ણ કરી હતી. યુરોપિયન યુનિયનના ફૉરેન પૉલિસી વિભાગના વડા ફેડરિકા મોઘેરિનીએ પણ કહ્યું કે JCBOA એક સંયુક્ત અને શ્રેષ્ઠ પ્રયાસ છે. કોઈ એક દેશ આમાંથી અળગો ન થઈ શકે. ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને પણ ટ્રમ્પને પોતાના આ નિર્ણય બદલ ચેતવ્યા, પણ ટ્રમ્પનો નિર્ણય ન બદલાયો. ઈરાન હજી પણ અણુશસ્ત્રો બનાવવાની દિશામાં જઈ રહ્યું  છે એવો ઇઝરાયલનો મત આમાં કારણભૂત છે એવું કહેવાય છે. ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’ના રિપોર્ટ અનુસાર યુએઈ અને સાઉદી અરેબિયા સાથે જેમના સંબંધ છે એવા જ્યૉર્જ નાડર અને એલિયટ બ્રોઇડીએ ટ્રમ્પના કાન ભંભેરી, સેક્રેટરી ઑફ સ્ટેટ અને ઈરાન ડીલના હિમાયતી રેક્સ ટિલરસનને હટાવ્યા. અત્યારે ટ્રમ્પ શાસન ઈરાનને પાઠ ભણાવવાના મૂડમાં છે. જોકે મોટા ભાગના અમેરિકન ઇચ્છે છે કે અમેરિકા આ ડીલ જાળવી રાખે. યુએસની અગાઉની સરકારના સેક્રેટરી ઑફ સ્ટેટ્સ જૉન કૅરીએ કહ્યું કે આ પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવી સ્થિતિ છે.
 ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં ઈરાનના પ્રેસિડેન્ટ હસન રુહાનીએ કહ્યું કે ટ્રમ્પ ન્યુક્લિયર ડીલમાંથી બહાર નીકળી જાય અને અમને અયોગ્ય પ્રતિબંધ દ્વારા ભયગ્રસ્ત સ્થિતિમાં મૂકે તો વાત કઈ રીતે થઈ શકે? 
 આ મામલો ગરમ છે એવામાં યુકેએ ઈરાનના ઑઇલ લઈ જતા જહાજને જિબ્રાલ્ટર પાસે જપ્ત કર્યું છે. યુકેના કહેવા મુજબ આ ક્રૂડ ઑઇલ ભરેલું જહાજ સિરિયા જઈ રહ્યું હતું. યુરોપિયન યુનિયને સિરિયા પર પણ ઑઇલ આયાત ન કરી શકે એવો પ્રતિબંધ મૂક્યો  છે. હવે છેલ્લાં બે અઠવાડિયાંથી યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધનાં ડાકલાં વાગે છે. યુએસનું ડ્રોન ઈરાનનાં દળોએ તોડી પાડ્યું છે. રશિયાએ ઈરાનને વિનંતી કરી છે કે તે ન્યુક્લિયર ડીલને વળગી રહે. આ તરફ ઈરાને કહ્યું છે કે યુએસ ડીલમાંથી અલગ થઈને અમારા પર પ્રતિબંધ લાદે એ અમને મંજૂર નથી. અમે પણ યુરેનિયમ એનરિચ કરવાની અમારી પ્રોસેસ આગળ વધારીશું. સાત જુલાઈએ ઈરાને સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે એણે યુરેનિયમના એનરિચ્ડ જથ્થાને વધારવાની શરૂઆત કરી દીધી છે. તરત જ ટ્રમ્પનો પ્રતિભાવ આવ્યો છે કે Iran, you are playing with fire! ઈરાન તું આગ સાથે ખેલ માંડે છે! જો આ આખી બાબતનો સંવાદથી નિવેડો નહીં આવે તો વિશ્વને વધુ એક યુદ્ધની ઝાળ દઝાડશે એ નિશ્ચિત છે.

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 02:45 PM IST | મુંબઈ | સંજય પંડ્યા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK