Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અને પાલઘર બન્યું વિક્ટોરિયા ટર્મિનસ

અને પાલઘર બન્યું વિક્ટોરિયા ટર્મિનસ

12 February, 2019 10:47 AM IST |
સંજય ગોરડિયા

અને પાલઘર બન્યું વિક્ટોરિયા ટર્મિનસ

વો બીતે દિન યાદ હેૈ

વો બીતે દિન યાદ હેૈ


જે જીવ્યું એ લખ્યું

ફિલ્મના ક્લાઇમૅક્સના શૂટિંગ માટે માંડ-માંડ મળેલી નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલની કૉમ્બિનેશનવાળી ડેટ મારા આદર્શવાદને લીધે વેડફાઈ ગઈ



આપણે ‘બાઝાર’ના મ્યુઝિકની વાતો કરી. આ બધી વાતો ૧૯૮૧ના સમયગાળાની છે. ફિલ્મ ૧૯૮૨માં રિલીઝ થઈ અને એના આગલા વર્ષો અમે એના પ્રોડક્શનમાં ગળાડૂબ રહ્યા. મ્યુઝિક જેવા જ રસપ્રદ કિસ્સાઓ ફિલ્મ દરમ્યાન પણ બન્યા હતા, પણ એ બધા કિસ્સાઓમાં એક કિસ્સો મને અત્યારે પણ યાદ છે. ફિલ્મના ક્લાઇમૅક્સનો એ કિસ્સો છે. ફિલ્મના ક્લાઇમૅક્સમાં નસીરુદ્દીન શાહ મુંબઈ છોડી ટ્રેનમાં બેસીને નીકળી જાય છે. નસીરુદ્દીનનું નામ ફિલ્મમાં સલીમ હતું તો સ્મિતા પાટીલના કૅરૅક્ટરનું નામ નજમા હતું. સલીમ નજમાને અનહદ પ્રેમ કરે છે અને નજમાને પણ એની ખબર છે, પણ એમ છતાં તે સલીમની સાથે રહેવાને બદલે ભરત કપૂર સાથે મૅરેજ કર્યા વિના રહે છે. નજમાને એમ છે કે એક દિવસ તો પેલો મૅરેજ કરશે, પણ એવું નથી બનતું અને તે બિચારી આમ જ આશા સાથે જીવ્યા કરે છે. સલીમ સતત પ્રયાસ કરતો રહે છે કે નજમાને સાચી હકીકત ખબર પડે, પણ એવું નથી બનતું એટલે છેવટે થાકીને સલીમમિયાં શહેર છોડીને નીકળી જાય છે. સલીમ જાય છે એ જોઈને નજમાને પણ પોતાની ભૂલ સમજાય છે કે અત્યાર સુધી તે કારણ વિના મટીરિયલિસ્ટિક દુનિયામાં રાચતી હતી, પણ જિંદગી જીવવા માટે પ્રેમથી વધારે કશું નથી જોઈતું હોતું. તેને સમજાય છે કે સાથે રહેવામાં જ શાણપણ છે. સલીમને શોધવા નજમા રેલવે-સ્ટેશન પર આવે છે અને ટ્રેનના ડબ્બાઓમાં સલીમને શોધે છે. સલીમ ક્યાંય નથી મળતો અને ફાઇનલી એક ડબ્બામાં સ્મિતા પાટીલને નસીરુદ્દીન શાહ દેખાય છે. બન્ને એકબીજાને જોઈ રહ્યાં છે. ટ્રેન શરૂ થાય છે. ટ્રેન આગળ વધે છે અને નસીરુદ્દીન શાહ દરવાજા પાસે આવીને સ્મિતા પાટીલને અંદર ખેંચી લે છે. અહીં ફિલ્મ પૂરી થાય છે.


આખી ફિલ્મ શૂટ થઈ ગઈ અને હવે ક્લાઇમૅક્સ શૂટ કરવાનો હતો. ફિલ્મમાં અમે વિક્ટોરિયા ટર્મિનસ એટલે કે વીટી સ્ટેશન દેખાડ્યું હતું, પણ ત્યાં તો શૂટ થઈ શકે નહીં. ભીડ અને ગિરદી વચ્ચે કામ શક્ય જ ન બને એટલે અમારે શાંત સ્ટેશનમાં શૂટિંગ કરવાનું હતું અને એમાં કૃત્રિમ ભીડ અને ગિરદી ઊભી કરવાની હતી. મુંબઈમાં તો એવી એક જ જગ્યા હતી.

પાલઘર.


પાલઘરમાં રેલવેવાળાઓએ આ જ પ્રકારની એક સુવિધા ઊભી કરી છે, જેનો લાભ લઈને શૂટિંગ કરવું હોય તો કરી શકાય. હૈદરાબાદથી પાછા આવી ગયા પછી અમારે આ ક્લાઇમૅક્સ શૂટ કરવાનો હતો અને એક દિવસ મને ઑર્ડર આવ્યો કે ફલાણી તારીખે આપણે શૂટ કરવાનું છે. હતું એવું કે સ્મિતા પાટીલ અને નસીરુદ્દીન શાહની એમાં જરૂર હતી અને પાછા આવ્યા પછી એ બેની સાથે ડેટ જ નહોતી મળતી. બન્ને પોતપોતાનામાં બિઝી હતાં અને બન્ને ઝડપથી સ્ટાર બનવા માંડ્યાં હતાં.

અમારા પ્રોડ્યુસર વિજય તલવારનો હુકમ આવ્યો એટલે હું તો પહોંચ્યો વીટી સ્ટેશન. ત્યાં જઈને ફૉર્મ ભરીને આપી દીધાં. વાત પૂરી. બીજા દિવસે હું ફરી ગયો. ત્રીજા દિવસે પણ ગયો અને ચોથા દિવસે પણ ગયો. વાત આગળ વધે નહીં એટલે હું એ મૅડમને મળ્યો જેને મેં બધાં ફૉર્મ ભરીને આપ્યાં હતાં. મૅડમ મને કહે કે તમે અંદર સાહેબને મળી લો. હું તો મુસ્તાક હતો. મનમાં એમ કે આપણે બધું પેપરવર્ક પૂરું કર્યું છે ને જરૂરી બધી ફૉર્મલિટી પણ કરી છે તો પછી સાહેબને શું કામ મળવાનું? મિત્રો, એ સમયે હું ખાસ્સો આદર્શવાદી પણ ખરો. કોઈને ખોટી રીતે પૈસા ખવડાવવાના નહીં, કોઈની સામે ખોટું કરગરવાનું નહીં કે ખોટી લાચારી સહન કરવાની નહીં. હકથી મળતું હોય એ મળવું જ જોઈએ એવું પણ હું માનું.

દિવસ નજીક આવતો ગયો અને ફાઇનલી એવું બન્યું કે અમને પાલઘર સ્ટેશનમાં શૂટિંગ કરવાની પરમિશન મળી નહીં. નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલની ડેટ વેડફાઈ ગઈ અને શૂટિંગ કૅન્સલ કરવું પડ્યું. એ દિવસે સાગરસાહેબ મારા પર ખૂબ ગુસ્સે થયા. વિજયસાહેબે પણ ઠ૫કો આપ્યો પણ ઠપકાની સાથે સમજાવ્યો પણ ખરો કે અમુક વાર પૈસા ખવડાવવા પડે તો ખવડાવી દેવાના અને કામ આસાન કરી લેવાનું. એ પછી સિપ્પી ફિલ્મ્સ સાથે જોડાયેલા સુરેશ દેસાઈને બોલાવવામાં આવ્યા. આ સુરેશ દેસાઈ રમેશ સિપ્પીના ખાસ માણસ અને તેમની ફિલ્મના પ્રોડક્શન કન્ટ્રોલર. આપણા ગુજરાતી અને સાંતાક્રુઝમાં જ રહે. અત્યારે તો સુરેશભાઈ હયાત નથી પણ એ સમયે તેમને રિક્વેસ્ટ કરીને કહેવામાં આવ્યું કે માંડ-માંડ આર્ટિસ્ટ બીજી ડેટ આપવા તૈયાર થયા છે એટલે આ વખતે તો ગમેએમ કરીને રેલવેવાળાની પરમિશન મળી જાય એવું કરવાનું છે. સુરેશ દેસાઈને બોલાવવા પાછળનું કારણ હતું, રમેશ સિપ્પીની ‘શોલે’. ‘શોલે’ની ટ્રેનવાળી જે સીક્વન્સ હતી એના શૂટિંગની બધી વ્યવસ્થા સુરેશ દેસાઈએ કરી હતી એટલે તેમને આ કામનો મહાવરો હતો.

હું અને સુરેશ દેસાઈ તેમની જીપમાં વીટી સ્ટેશને પહોંચ્યા. ત્યાં બધા તેમને ઓળખે. મેં ફરીથી ઍપ્લિકેશન આપી એટલે મને બીજા દિવસે ફૉલો-અપ માટે આવવાનું કહ્યું. રામ જાણે તેમણે શું ચક્કર ચલાવ્યું કે બીજી વખત હું ગયો અને પરમિશન રેડી. પાલઘરમાં અમે ક્લાઇમૅક્સ શૂટ કર્યો. એ શૂટમાં સુરેશભાઈ હાજર રહ્યા હતા. તેમના થેલામાં દારૂની નાની-નાની બાટલીઓ અને પૈસાની થપ્પી. જ્યાં પૈસાની જરૂર પડે ત્યાં એ પૈસા આપતા જાય અને જ્યાં બાટલીની જરૂર હોય ત્યાં બાટલી આપતા જાય.

ટ્રેનના શૂટિંગમાં ઘણાબધા તાલમેલ બેસાડવાના હોય. કોઈ વખત ટ્રેન આગળ નીકળી જાય તો કોઈ વખત આર્ટિસ્ટ ધીમા પડી જાય. ત્રણ-ચાર ટેક થયા અને પછી સીન આખો ફાઇનલ થયો. મિત્રો, તમારે જોવો હોય તો તમને ‘બાઝાર’નો ક્લાઇમૅક્સ યુટ્યુબ પર પણ જોવા મળશે. એ જે સ્ટેશન છે એ દેખાડવામાં આવ્યું છે વીટી, પણ હકીકતમાં એ પાલઘર છે.

ફૂડ-ટિપ્સ

સંજય ગોરડિયા ફુડ ટિપ્સ

ઑસ્ટ્રેલિયામાં ઇસ્તનબુલ 

ખાવાની મજા તો ત્યારે જ આવે જ્યારે એ એની ઓરિજિનલ રીતરસમ સાથે બનાવવામાં આવ્યું હોય. પિટા બ્રેડ અહીં એટલી સરસ હતી કે એવું જ લાગ્યું કે જાણે સાચે જ ઇસ્તનબુલમાં છીએ.

આ પણ વાંચો : જ્યારે જગજિત કૌર અને પમેલા ચોપડાએ કોરસ ગાયું

મિત્રો, અત્યારે હું ઑસ્ટ્રેલિયા છું. શુક્રવારે પહોંચ્યો અને પર્થથી અમારા નાટકની વર્લ્ડ-ટૂરની શરૂઆત થઈ. જેટ લૅગ હવે ખાસ લાગતો નથી પણ ઊંઘ અધૂરી રહી ગઈ હોય એટલે તકલીફ તો પડે. શનિવારે બરાબરની ઊંઘ કરી અને પછી જાગીને હું બધાની સાથે ફ્રી મેન્ટલ માર્કેટ ફરવા નીકળ્યો. આપણે ગુજરાતીઓ વિશ્વભોમિયા જેવા છીએ. ફરવું એ તો આપણો ફેવરિટ વિષય છે. હું તમને કહીશ કે ઑસ્ટ્રેલિયા આવો અને એમાં પર્થ આવવાનું બને તો આ માર્કેટ જોવા માટે અચૂક આવજો. તમને આપણી ક્રૉફર્ડ માર્કેટ યાદ આવી જશે. ક્રૉફર્ડ માર્કેટની જેમ જ અહીં જાતજાતની ગ્રીન ટી, બબલ ટી, ભાતભાતનાં ફ્રૂટ્સ અને બીજી ઘણીબધી આઇટમો મળે છે. માર્કેટમાં ફર્યા અને ફર્યા પછી ભૂખ પણ કકડીને લાગી અને વેજિટેરિયન જ ખાવું હતું. મેં આજુબાજુમાં નજર કરી તો ઇસ્તનબુલ નામની એક ટર્કિશ રેસ્ટોરાં દેખાઈ. આ રેસ્ટોરાં ફ્રી મેન્ટલ માર્કેટની સામેના રસ્તા પર ડાબી બાજુએ આવેલી છે. આ ઇસ્તનબુલમાં અમે પિટા બ્રેડ અને ત્રણ અલગ-અલગ પ્રકારનાં ડિપ્સ મગાવ્યાં. એક સ્પાઇસી તાહિની, જેમાં તલમાં હમુસ હોય. હમુસ એટલે સફેદ ચણાનો ક્રશ. બીજું ડિપ હતું કુકમ્બર ડિપ જે કોથમરી અને કાકડી નાખીને બનાવવામાં આવ્યું હતું તો ત્રીજું ડિપ હતું બીટરૂટ ડિપ. પિટા બ્રેડ ખાવાની સાચી મજા આવી જગ્યાએ આવે, કારણ કે એ વુડ-ફાયર પર બનાવવામાં આવી હોય. આપણે ત્યાં બેક થયેલી પિટા બ્રેડ મળે. મિત્રો, આટલી સારી પિટા બ્રેડ આ અગાઉ મેં ક્યારેય નથી ખાધી. આગળ કહ્યું જ છે તમને, ક્યારેય પર્થ જવાનું થાય ત્યારે ફ્રી મેન્ટલ માર્કેટની સામે આવેલી ઇસ્તનબુલ રેસ્ટોરાંની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2019 10:47 AM IST | | સંજય ગોરડિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK