Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્યારે જગજિત કૌર અને પમેલા ચોપડાએ કોરસ ગાયું

જ્યારે જગજિત કૌર અને પમેલા ચોપડાએ કોરસ ગાયું

05 February, 2019 11:00 AM IST |
સંજય ગોરડિયા

જ્યારે જગજિત કૌર અને પમેલા ચોપડાએ કોરસ ગાયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અગાઉ મેં કહ્યું એમ ફિલ્મ ‘બાઝાર’ના રાઇટર-ડિરેક્ટર સાગર સરહદી પોતે પોએટ્રીના માણસ, સાહિત્ય તેમના લોહીમાં હતું અને એટલે જ એ સાહિત્ય માત્ર તેમના સંવાદોમાં જ નહીં, પણ ‘બાઝાર’ માટે તેમણે જે ગીતોની પસંદગી કરી હતી એમાં પણ દેખાતું હતું. એકેક ગીત જોઈ લો તમે. તમે પોતે પણ કહેશો કે શું અદ્ભુત ગીતો હતાં.

આપણે વાત કરતા હતા ગીત ‘કરોગે યાદ તો હર બાત યાદ આએગી...’ની. આ ગીત ભૂપિન્દર સિંહ પાસે ગવડાવવામાં આવ્યું અને નસીરુદ્દીન શાહ-સ્મિતા પાટીલ પર શૂટ કરવામાં આવ્યું. આ ગીતનું રેકૉર્ડિંગ પણ મેહબૂબ સ્ટુડિયોમાં થયું હતું. આ ગીત શૂટ કરવા અમે ખંડાલા ગયા હતા, જ્યાં અમે ધુમ્મસવાળા વાતાવરણ વચ્ચે વરસાદી મોસમમાં ગીતનું શૂટિંગ કર્યું હતું. આ ગીતનું શૂટ બે દિવસ ચાલ્યું હતું. ‘બાઝાર’નું જ્યારે શૂટિંગ ચાલતું હતું ત્યારે નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલનો સિતારો પણ ચમકવો શરૂ થઈ ગયો હતો. સ્મિતા પાટીલે અમિતાભ બચ્ચન સાથે ‘નમક હરામ’ સાઇન કરી લીધી હતી, જેને લીધે તે આર્ટ ફિલ્મની સાથે-સાથે કમર્શિયલ ફિલ્મની સ્ટાર પણ બની ગઈ હતી તો નસીરુદ્દીન શાહની પણ એક ઍક્ટર તરીકેની બોલબાલા શરૂ થઈ ગઈ હતી.



ફિલ્મના બે ગીતનાં શૂટિંગ બૅન્ગલોર અને ખંડાલામાં થયાં હતાં, પણ બાકીનાં બધાં ગીતોનું શૂટિંગ તો હૈદરાબાદમાં જ કરવામાં આવ્યું હતું. ફિલ્મનો પણ મોટા ભાગનો હિસ્સો હૈદરાબાદમાં જ શૂટ થયો હતો. પાછા આવીએ ગીતોના રેકૉર્ડિંગ પર. ત્રણ ગીતનું રેકૉર્ડિંગ પૂરું થઈ ગયા પછી પણ હજી બે ગીતનું રેકૉર્ડિંગ બાકી હતું. બાકી રહેલાં બે ગીતમાંથી એક ગીત, ‘દેખ લો આજ હમ કો જી ભરકે...’


આ ગીત મ્યુઝિક-ડિરેક્ટર ખય્યામસાહેબનાં વાઇફ જગજિત કૌરે ગાયું હતું. જગજિત કૌર બહુ સારાં સિંગર હતાં. જગજિત કૌરે જ બીજું ગીત પણ ગાયું હતું, જે ગીત સુપ્રિયા પાઠકના લગ્ન સમયે વાગવાનું હતું. આ ગીતના શબ્દો હતા, ‘સૈયાં મૈં તુમ પે વારી રે...’

આ ગીતમાં જગજિત કૌરની સાથે પમેલા ચોપડા પણ સિંગર તરીકે હતાં. પમેલા ચોપડા એટલે યશરાજ ફિલ્મ્સના યશ ચોપડાનાં વાઇફ અને ડિરેક્ટર આદિત્ય ચોપડાનાં મમ્મી. પમેલા ચોપડા ખૂબ જ સારાં સિંગર છે. મ્યુઝિકની તેમને ખૂબ જ ઊંડી સમજ અને એનાથી પણ આગળ કહું તો તેમને વાર્તાની પણ સમજણ ખૂબ જ સરસ. બહુ ઓછા લોકોને ખબર છે કે ‘કભી-કભી’ તેમની વાર્તા પરથી બની હતી અને ‘દિલ તો પાગલ હૈ’નાં સ્ક્રીનપ્લે-રાઇટર પમેલા ચોપડા હતાં. યશ ચોપડાની ફિલ્મોનું મ્યુઝિક ખૂબ પૉપ્યુલર બનતું, જેની પાછળ પમેલા ચોપડાની સૂઝ અને સમજણનું પણ એટલું જ મહત્વ રહ્યું છે. સાગર સરહદીને યશ ચોપડાફૅમિલી સાથે ખૂબ સારા સંબંધો હતા, આ ફિલ્મથી સાગરસાહેબ પહેલી વાર ડિરેક્ટર બનતા હતા એટલે યશ ચોપડા પણ તેમને જ્યાં પણ જરૂર પડે ત્યાં હેલ્પ કરતા. પમેલા ચોપડાએ બહાર ક્યારેય ગાયું નથી, તેમણે હંમેશાં યશ ચોપડાની ફિલ્મો માટે જ ગીતો ગાયાં છે. બહાર ગીત ગાયું હોય એવો આ પહેલો પ્રસંગ.


સાગરસાહેબ અને ખય્યામ એમ બબ્બે ઘરના સંબંધો હોવાથી પમેલા ચોપડા ‘બાઝાર’ માટે ગાવા રાજી થઈ ગયાં. જગજિત કૌર અને પમેલા ચોપડા સાથેના આવા અંગત સંબંધોને કારણે જ તેમને સિન્ગિંગ માટે કોઈ ફી ચૂકવવામાં નહોતી આવી.

આ બન્ને ગીતોનું શૂટિંગ હૈદરાબાદમાં જ કરવાનું હતું એટલે હૈદરાબાદ જતાં પહેલાં આ બન્ને રેકૉર્ડ કરવાં બહુ જરૂરી હતાં, પણ મેહબૂબ સ્ટુડિયોની તારીખ અવેલેબલ નહોતી, જેને લીધે અમે બીજા સ્ટુડિયો શોધવામાં લાગી ગયા. એ સમયે રેકૉર્ડિંગ સ્ટુડિયો ઓછા હતા પણ મને પાક્કું યાદ છે કે કફ પરેડમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એક સ્ટુડિયો હતો, જેનું નામ અત્યારે મને યાદ નથી. આ સ્ટુડિયો અવેલેબલ હતો એટલે અમે ગીતનું રેકૉર્ડિંગ અહીં કરી લેવાનું નક્કી કર્યું.

દિવસ નક્કી થયો અને બધા આવી ગયા. જગજિતજી અને પમેલાજી પણ આવ્યાં અને રેકૉર્ડિંગ શરૂ થયું. એ વખતે હું રેકૉર્ડિંગ રૂમમાં જ બેઠો હતો. ખય્યામસાહેબે થોડી વાર પછી બન્નેને એકસાથે અમુક લાઇનો ગાવાનું કહ્યું. લાઇનો ગાઈ લીધી એટલે ખય્યામસાહેબે બન્નેને એ જ લાઇનો ફરીથી ગાવાનું કહ્યું. પમેલાજીને નવાઈ લાગી એટલે તેમણે પૂછ્યું કે આ લાઇનો તો અમે હમણાં જ ગાઈ, હવે પાછી કેમ ગાવાનું કહો છો?

ખય્યામસાહેબે હસતાં-હસતાં કહ્યું કે આ ગીત તમે બન્ને જ ગાવાનાં છો અને આ ગીતમાં જે કોરસ છે એ પણ તમે બન્ને જ છો. અમારી પાસે કોરસનું બજેટ નથી એટલે કોરસ પણ હું તમારી બન્ને પાસે જ ગવડાવી રહ્યો છું.

હા, આ સાચું છે. આ ગીત તમને યુટ્યુબ પર જોવા પણ મળશે અને સાંભળવા પણ, તમે એ સાંભળજો. ગીતમાં જે કોરસનો અવાજ છે એ કોરસનો અવાજ બીજા કોઈનો નહીં પણ જગજિતજી અને પમેલાજીનો છે અને ગીતના મેઇન સિંગર પણ એ જ બન્ને છે. પમેલાજી કે જગજિતજીએ જીવનમાં ક્યારેય આ રીતે કોરસ સિન્ગિંગ નહીં કર્યું હોય, પણ એ દિવસે તેમણે લાઇફમાં પહેલી અને છેલ્લી વાર આ પ્રકારે કોરસ સિન્ગિંગ પણ કર્યું અને એ પણ માત્ર ખય્યામજી અને સાગરસાહેબ માટે.

આજે હવે યશજી નથી રહ્યા. ખય્યામસાહેબ પણ લગભગ નિવૃત્ત જ છે, પણ સાગરસાહેબ હજી પણ ઍક્ટિવ છે. કંઈક નવું કરવાના જોમ વચ્ચે એંસી વર્ષની ઉંમરે પણ સાગરસાહેબને ઝઝૂમતા જોઉં છું ત્યારે મારા બૅકગ્રાઉન્ડમાં પણ એ જ ગીત વાગવા માંડે છે જેના રેકૉર્ડિંગની નાનામાં નાની પ્રોસેસ મારી આંખો સામે થઈ હતી.

કરોગે યાદ તો, હર બાત યાદ આએગી...

preman pamelaji, પ્રેમાળ પમેલાજીપ્રેમાળ પમેલાજી : ખ્યાતનામ ડિરેક્ટર યશ ચોપડાનાં વાઇફ પમેલા ચોપડાએ જીવનમાં પહેલી વાર અને છેલ્લી વાર કોરસ સિન્ગિંગ કર્યું અને એ પણ અમારી ‘બાઝાર’ માટે. હૅટ્સ ઑફ પમેલાજી.

મિસળ મહાદેવ : કાંદિવલી (ઈસ્ટ)માં ઠાકુર વિલેજમાં જગતાપનું મિસળ ખાધા પછી એક જ વિચાર આવે કે સાલ્લો ઓડકાર કાં નથી આવતો, હજી ખાવાનું મન કેમ થયા કરે છે?

મિત્રો, અત્યારે મારાં નાટકોનું ડિજિટાઇઝેશન ચાલે છે, જેની પછી DVD બને અને યુટ્યુબ પર પણ મૂકવામાં આવે. નાટકનું આ શૂટિંગ ત્રણ કૅમેરાથી થાય. બહુ થકવી નાખે એવી આ પ્રોસેસ છે. ફિલ્મના મોટા ભાગના સીનનું શૂટિંગ પણ સિંગલ કૅમેરા સેટઅપ પર હોય, પણ નાટક તો આખું ત્રણ કૅમેરાથી શૂટ થાય એટલે ઘણી વાર તો એવું બને કે એકને એક નાટક ત્રણ વખત ભજવવાનું અને એ પછી એનું ફાઇનલ વર્ઝન તૈયાર થાય. એ માટે ઘણું ધ્યાન રાખવું પડે. આ વાત તમને એટલે કહી કે અત્યારે મારાં નાટકોનું શૂટિંગ ચાલે છે, જે તમને આવતા થોડા મહિનાઓમાં Dસ્D કે યુટ્યુબ પર જોવા મળશે. આ શૂટિંગ કાંદિવલીના બસરા સ્ટુડિયોમાં ચાલે છે. નાટકોના આ શૂટિંગને કારણે બહુ ઝડપથી નીકળવું પડે. ગઈ કાલે નાસ્તો કર્યા વિના જ હું ઘરેથી નીકળી ગયો. મનમાં હતું કે સ્ટુડિયો પર પહોંચીને ત્યાં જ નાસ્તો મગાવી લઈશ, પણ મારી ગાડી કાંદિવલી (ઈસ્ટ)માં ઠાકુર વિલેજમાં પહોંચી ત્યાં મેં એક લારી જોઈ, જ્યાં ખૂબબધા લોકો હતા. આજુબાજુમાં બીજી પણ ઘણી લારી હતી, પણ ફૂડની આ લારી પર પુષ્કળ માણસો એટલે કુતૂહલવશ હું ત્યાં ગયો તો ખબર પડી કે ઉસળ-મિસળ મળે છે.

આ પણ વાંચો : ગલી કે મોડ પે સુના સા કોઈ દરવાજા તરસતી આંખો સે રસ્તા કિસી કા દેખેગા

આપણે ત્યાં સવારના નાસ્તામાં ઉસળ અને મિસળ બહુ ખવાય છે. બહુ ગિર્દી હતી એટલે મને થયું કે સારું જ ફૂડ મળતું હશે. મેં એક મિસળ મગાવ્યું એટલે મને પૂછ્યું કે તીખું કે મીડિયમ. મેં મીડિયમ મગાવ્યું પણ એમાં પણ તીખાશ બહુ હતી, પણ સાચું કહું તો ચટાકા લેતાં-લેતાં ખાવાની બહુ મજા આવી. બહુ સરસ મિસળ હતું. મિસળમાં ચવાણું નાખ્યું હતું અને ઉપર સેવ, સાથે કાંદા અને લીંબુ પણ. એકદમ સ્વાદિષ્ટ મિસળ હતું એ. મુંબઈમાં રહેતા હોય તેમણે તો ખાસ એક વખત આ મિસળ ખાવું જોઈએ. કાંદિવલી ઠાકુર વિલેજ બાજુ જવાનું થાય ત્યાં મિસળ જરૂર ખાજો. જગતાપનું મિસળ કહેવાય છે આ. ઠાકુર વિલેજના વસંતસાગર અપાર્ટમેન્ટના સર્કલ પાસે જ જગતાપની લારી છે. કોઈને પણ પૂછશો તો ખબર પડી જશે. જો ખાવા જાઓ તો ધ્યાન રાખજો, બપોરે ચાર વાગ્યા સુધી જ ઉસળ-મિસળ મળે છે. બપોર પછી જગતાપને ત્યાં કાંદાનાં ભજિયાં અને વડાપાંઉ મળે. જગતાપ તેનું ઉસળ ફણગાવેલા મગનું બનાવે છે. એ પણ એક વાર ટેસ્ટ કરજો, તબિયત તરબતર થઈ જશે. પણ હા, મગાવજો મીડિયમ, કારણ કે એમાં પણ તીખાશ તો વધારે જ છે.

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2019 11:00 AM IST | | સંજય ગોરડિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK