Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચિત્કારના એ શોએ મુકેશ રાવલને મુખ્ય અભિનેતા તરીકે પ્રસ્થાપિત કરી દીધા

ચિત્કારના એ શોએ મુકેશ રાવલને મુખ્ય અભિનેતા તરીકે પ્રસ્થાપિત કરી દીધા

13 August, 2019 02:03 PM IST | મુંબઈ ડેસ્ક
સંજય ગોરડિયા - જે જીવ્યું એ લખ્યું

ચિત્કારના એ શોએ મુકેશ રાવલને મુખ્ય અભિનેતા તરીકે પ્રસ્થાપિત કરી દીધા

માય ફ્રેન્ડ ગણેશા: 'ચિત્કાર'થી મારી અને વિનય પરબની ઓળખાણ દોસ્તીમાં પરિણમી, જે આજ સુધી અકબંધ રહી છે. મેં ક્યારેય કહ્યું નથી, પણ વિનયે મારા કિસ્સામાં હંમેશાં વિઘ્નહર્તાની ભૂમિકા ભજવી છે.

માય ફ્રેન્ડ ગણેશા: 'ચિત્કાર'થી મારી અને વિનય પરબની ઓળખાણ દોસ્તીમાં પરિણમી, જે આજ સુધી અકબંધ રહી છે. મેં ક્યારેય કહ્યું નથી, પણ વિનયે મારા કિસ્સામાં હંમેશાં વિઘ્નહર્તાની ભૂમિકા ભજવી છે.


જે જીવ્યું એ લખ્યું

આઇએનટીએ ભાઈદાસની ઑફર નકારી કાઢી, પણ પારસ પબ્લિસિટીવાળા વસાણીકાકાએ પોતાનું દિમાગ વાપરીને ૨૦૦ રૂપિયાના ટોકન-ભાડાની ઑફરને બીડું સમજીને ઝડપી લીધું. કાકાએ શોદીઠ ૨૦૦ રૂપિયાના ટોકન-ભાડામાં ભાઈદાસ ઑડિટોરિયમમાં ૭ દિવસનો નાટકનો ફેસ્ટિવલ ગોઠવ્યો અને એ ફેસ્ટિવલ જબરદસ્ત હિટ થયો, બધા જ શો હાઉસફુલ થઈ ગયા.



એ ઘડી અને આજનો દિવસ. મિત્રો, ભાઈદાસે ક્યારેય પાછું વાળીને જોવું નથી પડ્યું. ૩૬પ દિવસ અને દિવસનાં ત્રણ સેશન લેખે વર્ષની ૧૧૦૦ શિફ્ટ. ભાઈદાસ બુક જ હોય. અરે, હું તો કહીશ કે ઘણી વખત તો દિવસની ત્રણને બદલે ચાર શિફ્ટમાં કાર્યક્રમ થતા અને એ પછી પણ થિયેટરની ડિમાન્ડ અકબંધ હોય. ભાઈદાસ ઑડિટોરિયમને પ્રચલિત કરવામાં મૅનેજર સુરેશ વ્યાસનો જબરદસ્ત ફાળો, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું કે પૉપ્યુલર થયેલા આ ઑડિટોરિયમને ડેવલપ કરવામાં વિનય પરબનો પણ સિંહફાળો છે. સુરેશભાઈએ કોઈ કસર નહોતી છોડી તો વિનયે એ કસરમાં પોતાની કુનેહ ઉમેરી. સુરેશભાઈના અવસાન પછી વિનય પરબે એ જ પરંપરાને આગળ વધારી. ભાઈદાસમાં સોશ્યલ ગ્રુપો આવતાં, મહિલામંડળો આવતાં. આ બધાની ડેટ્સ સચવાય, કોઈ નારાજ થઈને પાછાં ન જાય, તમામ સુવિધા ઉપલબ્ધ રહે અને ઑડિટોરિયમ પહેલા દિવસે હતું એવું ને એવું અકબંધ રહે જેવી પાયાની વાત પર વિનય પરબે ધ્યાન આપ્યું. આજે જ્યારે ભાઈદાસ રિનોવેશનમાં છે ત્યારે સંસ્થાઓએ નાછૂટકે બીજી જગ્યાએ જવું પડે છે અને બીજી જગ્યાએ જવું પડે છે એટલે સૌકોઈ વિનય પરબને યાદ કરીને કહે છે કે ભાઈદાસ અમારા માટે ઘર જેવું હતું.


ભાઈદાસ આ રીતે લોકોના હૈયામાં પહોંચ્યું છે. એક સમય હતો કે એ ઑડિટોરિયમ પાસે કોઈ ફરકશે પણ નહીં એવી વાતો થતી હતી અને આજે ઘરનું ઑડિટોરિયમ થોડો સમય મળવાનું નથી એવી વાત માત્ર પ્રોડ્યુસર અને સંસ્થાઓને નબળાં પાડી દે છે. હું કહીશ કે આનો બધો જશ, માત્ર અને માત્ર સુરેશ વ્યાસ અને વિનય પરબને જાય છે.

ભાઈદાસનો ફેલાવો વધે, એની લોકચાહના વધે એ માટે ભાઈદાસમાં નક્કી થયું હતું કે ઑડિટોરિયમના બધા જ રવિવારની બપોર અને સાંજની શિફ્ટ ગુજરાતી નાટકો માટે જ રહેશે. આ નિર્ણયને કારણે ગુજરાતી ઑડિયન્સમાં ભાઈદાસ લાડકું બની ગયું. મારે કહેવું જોઈએ કે વિનયે ગુજરાતી નાટકના બધા પ્રોડ્યુસરોને પ્રેમથી સાચવ્યા છે. વિનય પરબ મારો મિત્ર છે, એકબીજાના અમે સ્નેહી છીએ. સાચું-ખોટું કે સારું-ખરાબ કહેવામાં અમે જરા પણ સંકોચ નથી રાખતા. મિત્રો, મને એક વાત કહેવી છે. સારું બોલનારા મિત્રોને સાચવવા કરતાં સાચું બોલનારા ભાઈબંધોને સાચવજો. સારું બોલનારા મિત્રો કરતાં સાચું બોલનારા મિત્રો થકી પ્રગતિ મોટી મળશે.


વિનય પરબે માત્ર ભાઈદાસ ઑડિટોરિયમને જ જાળવ્યું છે એવું કહેવાને બદલે મારે કહેવું જોઈએ કે વિનયે ગુજરાતી થિયેટર ઇન્ડસ્ટ્રીને પણ ખૂબ સાચવી છે, જાળવી છે. નાટક લાઇનમાં તેણે ઘણા લોકોને ખૂબ મદદ કરી છે. ઘણી વખતે કોઈને ખબર ન પડે એ રીતે વિનયે છાનીમાની મદદ પણ કરી છે. મારી કરીઅરમાં પણ વિનયનો ખૂબ મોટો ફાળો છે અને તેણે મને પણ ખૂબ મદદ કરી છે. એ બધી વાતો ભવિષ્યમાં કરીશું પણ અત્યારે વાત કરવાની છે મારી અને વિનયની મિત્રતાની. મિત્રતાના આ પાયા છેક સંઘર્ષ સમયથી નખાયા છે. કહોને, ‘ચિત્કાર’એ જ એ પાયા ઊભા કર્યા.

મેં તમને કહ્યું એમ, સુજાતા મહેતાએ નક્કી કર્યું કે તે દિવસમાં એક જ શો કરશે એટલે દીપક ઘીવાલાએ નવું નાટક લેવાનું નક્કી કર્યું. નાટક અમૃત પટેલનું હતું, નામ હતું ‘કાનખજૂરો’. અમૃત પટેલ સાથે અમારે ડેટ ઍડ્જસ્ટ કરવાની હતી, પણ એક ડેટની બાબતમાં અમૃત પટેલ સાથે થોડી મચમચ થઈ. હું તો ઍડ્જસ્ટમેન્ટ કરવા રાજી હતો, પણ લતેશ શાહે ના પાડી દીધી. હવે નક્કી દીપક ઘીવાલાએ કરવાનું હતું કે એ કોના પડખે ઊભા રહેશે, ‘ચિત્કાર’ની કે પછી ‘કાનખજૂરો’ની?

દીપક ઘીવાલા ‘ચિત્કાર’ને બદલે ‘કાનખજૂરો’ની બાજુમાં રહ્યા અને લતેશભાઈએ નક્કી કર્યું કે એ દીપકભાઈને રિપ્લેસ કરશે. દીપકભાઈની જગ્યાએ મુકેશ રાવલ નક્કી થયો. એ સમયે મુકેશ રાવલ હીરો નહીં, નાટકોમાં મેઇન લીડ તેણે ક્યારેય કર્યો નહોતો. રિહર્સલ્સ થયાં અને ફાઇનલી મુકેશનો પહેલો શો આવી ગયો અને એ શો ભાઈદાસમાં. મિત્રો, એ સમયે કમ્યુનિકેશન આજ જેટલું ફાસ્ટ નહોતું. આજે તો કોઈનું રિપ્લેસમેન્ટ થાય તો પાંચમી મિનિટે ખબર પડી જાય પણ ત્યારે એટલી ખબર પડતી નહીં. આજ જેટલાં ન્યુઝપેપરો પણ એ સમયે નહોતાં એટલે એમ પણ બહુ ઓછા લોકોને રિપ્લેસમેન્ટની ખબર પડતી. પડદો ખૂલે ત્યારે જ ખબર પડે કે ફલાણા કલાકારને બદલે ઢીંકણો કલાકાર આવી ગયો.

ભાઈદાસનો શો હાઉસફુલ થઈ ગયો અને મૅનેજર સુરેશ વ્યાસ ભારોભાર ટેન્શનમાં આવી ગયા. તેમને હતું કે ઑડિયન્સ દીપક ઘીવાલાને જોવા આવશે, પણ નીકળશે મુકેશ રાવલ તો બબાલ થશે, હુરિયો બોલાવાશે. સુરેશભાઈનું ટેન્શન વધતું જતું હતું અને આ ટેન્શન વચ્ચે તેમણે નક્કી કર્યું કે તેઓ હાજર નહીં રહે. તેઓ નીકળી ગયા અને ઑડિટોરિયમ પર હું અને વિનય બે જણ. વિનય એ વખતે ભાઈદાસમાં બુકિંગ-ક્લાર્ક હતા. નૅચરલી, એકલો પડી ગયો એટલે મને પણ આછુંસરખું ટેન્શન થવાનું શરૂ થયું, જે મારા ચહેરા પર વર્તાતું હતું, પણ એ સમયે વિનય મારી પાસે આવ્યો અને મને કહ્યું, ‘સંજય, તુમ ચિંતા મત કરો, મૈં સબકુછ દેખ લૂંગા.’

કર્ટન ઊપડ્યો, નાટક શરૂ થયું, ઇન્ટરવલ પડ્યો અને શો પૂરો થયો.

વિનય મારી સાથે ને સાથે ત્યાં જ ઊભો રહ્યો. તે ક્યાંય ગયો નહીં. શો સુપરડુપર હિટ રહ્યો અને ‘ચિત્કાર’ નાટકે મુકેશ રાવલને મેઇન લીડ ઍક્ટર તરીકે પ્રસ્થાપિત કરી દીધો. 

ફૂડ ટિપ્સ

મિત્રો, મારુ નવું નાટક ‘બૈરાંઓનો બાહુબલી’ હજી તો હમણાં ઓપન થયું ત્યાં દેશભરમાંથી એની ડિમાન્ડ આવવાનું શરૂ થઈ ગયું છે. બધાને રિક્વેસ્ટ કરવી પડે તો કેટલીક રિક્વેસ્ટ માનવી પણ પડે. આવી જ એક રિક્વેસ્ટને માન આપીને હમણાં અમે માત્ર એક શો કરવા માટે સુરત ગયા. મુંબઈથી જેવો સુરત પહોંચ્યો અને કર્ણાવતી એક્સપ્રેસમાંથી સ્ટેશન પર ઊતરીને બહાર આવ્યો ત્યાં મિત્ર જયેશ સુરતી તેમની ગાડીમાં મને લેવા માટે આવી ગયા હતા. જયેશભાઈને મળતાં જ તેમણે કહ્યું કે ચાલો, પહેલાં આપણે મસ્ત આઇટમ ટેસ્ટ કરીએ, પછી હું તમને ઑડિટોરિયમ પર ડ્રૉપ કરી દઈશ.

Sanjay Goradiya Food Tips

અમે તો પહોંચ્યા સુરતના સગરામપુરા પુતલી પાસે આવેલી નવસારી બજારના જલારામ નાસ્તા સેન્ટર પર. આમ તો આ એક દુકાન જ છે, પણ એમ છતાં બહાર લારી રાખી છે અને એ લારી પર બધા ઊભા રહીને ખાય. મિત્રો, લારી પર ઊભા રહીને ખાવાનું આ કલ્ચર આજકાલ ખૂબ વધ્યું છે. આપણી ભાષામાં કહીએ તો સ્ટ્રીટ-ફૂડ ખાવાનું હવે લોકો ખૂબ પસંદ કરે છે. એનાં અમુક કારણ પણ છે, પરંતુ એ કારણોની વાતો આપણે ભવિષ્યમાં કરીશું, અત્યારે આપણે વાત કરીએ જલારામ નાસ્તા સેન્ટરમાં મળતા નાસ્તાની. અહીં દાળનાં સમોસાં, મેથીના ગોટા, બટાટાપૂરી જેવી ઘણી વરાઇટી મળે છે, પણ અમે અહીં આવ્યા હતા ટમેટાંની પૅટીસ ખાવા માટે. ટમેટાંની પૅટીસ? સાંભળીને જ મને નવાઈ લાગી. ટમેટાંપૂરી મેં સાંભળ્યું હતું અને ડુમ્મસમાં મળતી સુરતની ધી બેસ્ટ લશ્કરિયાની ટમેટાંપૂરી ખાધી પણ છે, પરંતુ ટમેટાં પૅટીસ મારા માટે નવી હતી. ઑર્ડર અપાયો એટલે હું તો નજર માંડીને એ બનાવવાની રીત જોવા માંડ્યો.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

મસ્તમજાનાં મોટાં ટમેટાંને ઉપરથી કાપીને એની અંદરનું બધું મટીરિયલ કાઢી લેવાનું અને પછી એમાં પૅટીસનું પૂરણ ભરવાનું. એ પછી પૂરણ ભરેલાં આ ટમેટાંને ચણાના લોટમાં ઝબોળીને તળી નાખવાનું. મિત્રો, આલાગ્રૅન્ડ. ખરેખર ટેસડો પડી ગયો. તળાયેલાં ટમેટાંની ક્રિસ્પીનેસ, બટાટાના પૂરણની સૉફ્ટનેસ અને ગરમાગરમ પૅટીસને ઠંડું પાડવાનું કામ કરતી કઢી ચટણી. સાતે કોઠે દીવા થઈ ગયા અને સ્વાદ એવો તે દાઢે વળગ્યો કે અઠવાડિયા પછી પણ હજી મોઢામાં ચટાકો બોલે છે.

Whatsapp-channel Whatsapp-channel

13 August, 2019 02:03 PM IST | મુંબઈ ડેસ્ક | સંજય ગોરડિયા - જે જીવ્યું એ લખ્યું

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK