અફવા પધરાવો સાવધાન : સાચી વાત પહોંચાડશો નહીં તો ચાલશે, ખોટી વાત આગળ વધારતા નહીં

Published: May 31, 2020, 21:30 IST | Manoj Joshi | Mumbai

મુંબઈ આખું હાઈ અલર્ટ પર છે અને મુંબઈ શહેરને આર્મીને સોંપવાનું છે એ સંદર્ભનો એ મેસેજ હતો. આ મેસેજ પછી મુંબઈ પોલીસે ઑલરેડી સત્તાવાર જાહેરાત કરી દીધી અને કહી પણ દીધું કે એવું કશું નથી એટલે ભાગમભાગ કરવાની જરૂર નથી, કોઈ સંઘરાખોરી કરવાની નથી અને ક્યાંય લાઇ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ટુ ધ પૉઇન્ટ વાત કરવાની હોય તો કહેવું પડે કે બે દિવસ પહેલાં વાઇરલ થયેલો એક મેસેજ ગઈ કાલે રાતે ફરી એક વાર મારા સુધી પહોંચ્યો. કાલે રાતે તો આવ્યો જ અને એ પણ બાવીસમી વાર. મુંબઈઆખું હાઈ અલર્ટ પર છે અને મુંબઈ શહેરને આર્મીને સોંપવાનું છે એ સંદર્ભનો એ મેસેજ હતો. આ મેસેજ પછી મુંબઈ પોલીસે ઑલરેડી સત્તાવાર જાહેરાત કરી દીધી અને કહી પણ દીધું કે એવું કશું નથી એટલે ભાગમભાગ કરવાની જરૂર નથી, કોઈ સંઘરાખોરી કરવાની નથી અને ક્યાંય લાઇનો લગાડવાની નથી. આ સ્પષ્ટતા ટ્વિટર પર પણ થઈ, ફેસબુક પર પણ કરવામાં આવી અને સાથોસાથ સ્પષ્ટતાને લગતો વિડિયો પણ વાઇરલ કરવામાં આવ્યો. કહેવામાં આવ્યું છે કે આ કે પછી આ પ્રકારની કોઈ અફવાને ધ્યાને ધરવી નહીં.
અફવા, અફવા, અફવા.
કોરોના વાઇરસ અને લૉકડાઉન સાથે જો આ દેશમાં કંઈ વધ્યું હોય તો એ છે અફવા. સૌકોઈ પોતપોતાની રીતે અફવાનો ઉપયોગ કરી રહ્યું છે. જન્મ પણ આપે છે અને બીજા દ્વારા પેદા થયેલી અફવાને ફૉર્વર્ડ કરીને એનો ઉછેર પણ કરે છે. આ સૌકોઈમાં આપણો નંબર ન હોય એ જોવાની જરૂર છે. પાડોશીને કોરોના આવ્યોથી માંડીને બાજુની સોસાયટીમાં કોરોના-સંક્રમણ લાગુ પડી ગયું. કોરોનાને કારણે થયેલા ડેથના આંકડા સરકાર નક્કી કરશે કે તમે નક્કી કરશો? આ આંકડાઓનો પણ અફવામાં ઉપયોગ થઈ રહ્યો છે અને સરકાર દ્વારા સંચાલિત થયેલી સેવાઓને પણ અફવાઓમાં જોડીને વાતને ખોટી રીતે આગળ વધારવામાં આવે છે. આપણા હોમ મિનિસ્ટર અમિત શાહની હેલ્થને લઈને પણ ખોટી અફવા ફેલાઈ ચૂકી છે અને પરપ્રાંતીયોને લઈને ફેલાવવામાં આવેલી અફવાને કારણે થયેલી હિંસા પણ આ સમયગાળામાં આપણે જોઈ લીધી. અફવાને કારણે સાધુઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો અને આપણે એ પણ જોઈ લીધું કે અફવાના કારણે અધ્ધર જીવે કેવી રીતે બેસી રહેવું. એક વાત યાદ રાખજો કે જ્યાં સુધી પહોંચી નથી શકાતું ત્યાં પહોંચવાનાં જે હવાતિયાં મારવામાં આવે છે એ હવાતિયાંમાંથી જે જન્મે એ અફવા હોય છે.
ક્ષમતા ન હોય એવી વાતોમાં ઊંડા ઊતરવાને બદલે કે પછી એવી વાતોની ચર્ચામાં ડહાપણ ડહોળવાને બદલે જો સહજ રીતે એ ચર્ચામાંથી બહાર નીકળી જવામાં આવે તો અફવા જન્મતી કે પછી આગળ વધતી અટકી જાય છે. આપણે કશું જ નથી કરવાનું. આપણે માત્ર એ જ કરવાનું છે કે જેવા છીએ એવા રહીએ. ખબર નથી પડતી તો બોલવું નથી. જાણ નથી તો કહેવું નથી અને માહિતી નથી તો એનો પ્રસાર નથી કરવો. વૉટસઍપથી માંડીને સોશ્યલ મીડિયા પર જે વાતો કહેવાઈ રહી છે એ વાતો ભલે તમને તમારા જ ઓળખીતા દ્વારા કહેવામાં આવી હોય, પણ તમારે એને તમારું મૂખ નથી આપવું એટલે કે તમારે એ વાતને તમારા નામ સાથે આગળ નથી ધપાવવી. બસ, એને તમારા સુધી અટકાવી દેવી છે. પૂછે તો કહેવું છે કે સાચી જગ્યાએ તપાસ કરી લે. માન્યું, કબૂલ કે તમને લાગણી છે અને એટલે જ તમે એ વાત કોઈને પહોંચાડી રહ્યા છો, પણ એ વાતની ખરાઈ તમને ખબર નથી એટલે એ એક પ્રકારની વેદના આપવા માટે નિમિત્ત બની જશે, જે કરવાની તમારી ભાવના જ નથી તો પછી શું કામ એવા સંજોગો પણ સર્જવા. એના કરતાં તો બહેતર છે કે તમે જોક અને શાયરીમાં ખુશ છો તો પછી એમાં જ આનંદ માણો અને એ જ વાતને આગળ વધાર્યા કરો, પણ અફવા કે પછી ખોટી માહિતી, ના બિલકુલ નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK