Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શ્રી હરીશભદ્રવિજયજી મહારાજસાહેબ લાંબી બિમારી બાદ કાળધર્મ પામ્યા

શ્રી હરીશભદ્રવિજયજી મહારાજસાહેબ લાંબી બિમારી બાદ કાળધર્મ પામ્યા

08 December, 2020 10:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રી હરીશભદ્રવિજયજી મહારાજસાહેબ લાંબી બિમારી બાદ કાળધર્મ પામ્યા

મુનીશ્રી હરીશભદ્રવિજયજી મહારાજસાહેબ

મુનીશ્રી હરીશભદ્રવિજયજી મહારાજસાહેબ


વન મૅન જૈન યુનિવર્સિટી તરીકે પ્રખ્યાત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ, પુણેના માર્ગદર્શક અને અનેક જૈન ધાર્મિક શિક્ષકોના પ્રેરણાસ્રોત, મહાન સાહિત્ય ઉપાસક એવા ૮૩ વર્ષના મુનિ પૂજ્ય પ્રવર્તક શ્રી હરીશભદ્રવિજયજી મહારાજસાહેબ ગઈ કાલે સવારે પાંચ વાગ્યે લાંબી બીમારી પછી અમદાવાદની હૉસ્પિટલમાં કાળધર્મ પામ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર નડિયાદ પાસે આવેલાં રાસ્ક ગામના જૈનમ જયતિ શાસનમ તીર્થ ખાતે કરવામાં આવ્યા હતા.

શ્રી હરીશભદ્રવિજયજી મહારાજસાહેબના કાળધર્મના સમાચાર આપતાં જૈનમ જયતિ શાસનમ તીર્થના સંચાલક દર્શન લઠ્ઠાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મુનિમહારાજની તબિયત બગડતાં રાસ્કથી અમદાવાદ લઈ ગયા હતા. ત્યાં ઉપચાર બાદ તેમની તબિયત સુધારા પર હતી, પરંતુ ગઈ કાલે સવારે તેમના સ્વાસ્થ્યમાં અચાનક ફેરફાર થયો હતો અને સવારે પાંચ વાગ્યે તેઓ કાળધર્મ પામ્યા હતા. તેઓશ્રીને અંતિમ નિર્યામણ આચાર્યશ્રી શ્રી વિતરાગયશસૂરીશ્વરજી મહારાજસાહેબે કરાવ્યા હતા. તેમની અંતિમ સંસ્કારની બોલી અને પાલખીયાત્રા રાસ્કમાં બિરાજમાન આચાર્ય રાજયશસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં યોજાઈ હતી. તેમના અંતિમ સંસ્કાર અમારા તીર્થમાં જ ગઈ કાલે સાંજે ૪.૩૦ વાગ્યે કરવામાં આવ્યા હતા.



પરમ પૂજય વિજય આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પૂજ્ય જિતેન્દ્ર વિજયજી મહારાજસાહેબના શિષ્ય હરીશભદ્ર મહારાજસાહેબનું સંસારી નામ કાંતિલાલ અમૃતલાલ શાહ હતું. તેઓ મૂળ મહારાષ્ટ્રના મુરબાડ ગામના હતા. તેમણે ૧૧ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તેમની દીક્ષા પુણેમાં થઈ હતી. તેમના ગુરુ મુનિરાજશ્રી જિતેન્દ્ર વિજયજીએ મે ૧૯૪૭માં પુણેમાં શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. મુનિ હરીશભદ્રવિજયજી મહારાજસાહેબ આ વિદ્યાપીઠના વ્યવસ્થાપક અને માર્ગદર્શક બન્યા હતા. તેમના ગુરુ કાળધર્મ પામ્યા પછી તેઓ એકલા હાથે આખી વિદ્યાપીઠનો વહીવટ સંભાળતા હતા.


આ વિદ્યાપીઠની માહિતી આપતાં નડિયાદના તેમના અનુયાયી હરેશ ઝોટાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હરીશભદ્ર મહારાજસાહેબ શતાધિક પુસ્તકના લેખક અને પ્રકાશક હતા. તેમની વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે ૩૦૦૦ વિદ્યાર્થીઓ પ્રબોધિની, પ્રાથમિક, પ્રારંભિક, આદિ પુસ્તકોની પરીક્ષા આપતા હતા. ઓપન બુક એક્ઝામ દ્વારા પણ લગભગ ૨૫૦૦થી ૩૦૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતો સહિત પાઠશાળાના શિક્ષકો, પુરુષો અને વયોવૃદ્ધો પરીક્ષા આપતાં હતાં.’

મુનિશ્રી હરીશભદ્રવિજયજી મહારાજસાહેબ વન મૅન જૈન યુનિવર્સિટી તરીકે પ્રખ્યાત હતા. આ બાબતની જાણકારી આપતાં અત્યારે ગોધરામાં ચાતુર્માસ માટે બિરાજમાન અને ત્રણ વર્ષ સુધી મુનિ હરીશભદ્રવિજયજી મહારાજસાહેબ સાથે રહેલા નેમિસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયના મુનિશ્રી ભુવનહર્ષ વિજયજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુનિશ્રી છેલ્લાં ૧૨-૧૫ વર્ષથી પાઠશાળાઓના ટીચરોના પણ જૈન અભ્યાસના કલાસિસ ચલાવતા હતા. તેમના કાળધર્મથી દેશભરની જૈન પાઠશાળાઓને અને એના શિક્ષકોને સૌથી મોટી ખોટ પડી છે. પુણે જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠના તેઓ પ્રાણ હતા. તેઓ બાળકો અને પાઠશાળાઓના શિક્ષકોને સતત જૈન ધર્મનું સાચું જ્ઞાન મળે એ માટે સક્રિય હતા. તેમના કાળધર્મથી જિનશાસને એક મૂલ્યવાન હીરો ગુમાવ્યો છે‍.’


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2020 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK