Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાશ્મીર ટૂરિઝમને અંદાજે 100 કરોડનો ફટકો

કાશ્મીર ટૂરિઝમને અંદાજે 100 કરોડનો ફટકો

05 March, 2019 07:56 AM IST |
જયેશ શાહ

કાશ્મીર ટૂરિઝમને અંદાજે 100 કરોડનો ફટકો

જમ્મુ-કાશ્મીર ટૂરિઝમને અંદાજે 100 કરોડ રૂપિયાનો ફટકો

જમ્મુ-કાશ્મીર ટૂરિઝમને અંદાજે 100 કરોડ રૂપિયાનો ફટકો


ધરતી પરનું સ્વર્ગ ગણાતું કાશ્મીર સહેલગાહે જવા માટે ભારતીય પ્રવાસીઓની સૌથી પહેલી પસંદ છે. એમાં ગુજરાતીઓ અગ્રેસર હોય છે. મુંબઈથી દર વર્ષે એક અંદાજ મુજબ ૨૫,૦૦૦થી વધુ પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીરની સહેલગાહે જાય છે. જોકે નેશન ફર્સ્ટની ઝુંબેશ સાથે શહેરના ટૂર-ઑપરેટરોની નો ટુ કાશ્મીરની નીતિ અપનાવવાની જાહેરાતને શહેરના ગુજરાતી પ્રવાસીઓએ બહોળો પ્રતિસાદ આપ્યો છે. જમ્મુ-કાશ્મીર ટૂરિઝમને એક અંદાજ મુજબ 100 કરોડ રૂપિયાનો ફટકો પડશે. ઉનાળાના આગામી વેકેશન દરમ્યાન નહીંવત્ પ્રમાણમાં પ્રવાસીઓએ કાશ્મીરની ટૂરમાં રસ દાખવ્યો છે. ટૂર-ઑપરેટરોનું કહેવું છે કે જમ્મુ જઈશું, લેહ-લદ્દાખ જઈશું; પણ કાશ્મીર નહીં જઈએ.

ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબ્રુઆરીએ બપોરે પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આંતકવાદીઓએ CRPFના કાફલા પર હુમલો કરીને ૪૦ જવાનોનાં મૃત્યુ નિપજાવવાની ઘટનાને પગલે ભારત સહિત દુનિયાભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.



શહેરના ટૂર-ઑપરટરોની નો ટુ કાશ્મીર ઝુંબેશ વિશે ‘મિડ-ડે’એ કાશ્મીરની ટૂરનું આયોજન કરતા કેટલાક ટૂર-ઑપરેટરો સાથે સીધી વાત કરી હતી અને એમાં ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી.


છેલ્લાં ૩૫ વર્ષથી જમ્મુ-કાશ્મીરની ટૂરનું આયોજન કરતા ટૂર-ઑપરેટર જેમ્સ ટૂર્સનાં ડિરેક્ટર આશિતા પારેખે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે નેશન ફર્સ્ટની ઝુંબેશ અંતર્ગત અમે આતંકવાદીઓને પ્રોત્સાહન આપતા લોકોને સબક શીખવવા અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને અમે આગામી એક પણ ટૂરનું આયોજન કાશ્મીરની કરવાના નથી. અમે ચલાવેલી નો ટૂ કાશ્મીરની ઝુંબેશને શહેરના મોટા ભાગના ટૂર-ઑપરેટરોએ એકઅવાજે સમર્થન આપ્યું છે. અમે કાશ્મીરીઓના વિરોધી નથી, પરંતુ ભારત માતાના લાલ સમાન જવાનો પર સતત હુમલાની પરાકાષ્ઠાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. જમ્મુ અને લેહ-લદ્દાખ જેવાં સ્થળોએ જવામાં અમને કોઈ વાંધો નથી. અમારા આ નિર્ણયથી અમારી કંપની અંદાજે ૧૨ કરોડ રૂપિયાનો બિઝનેસ જતો કરશે.’

નિસર્ગ અને ટ્રિયા શિકારાનાં ડિરેક્ટર પદ્મિની દેઢિયાએ એક વાતચીતમાં કહ્યું હતું કે ‘૨૦ વર્ષથી અમે કાશ્મીરની ટૂરનું આયોજન કરીએ છીએ, પરંતુ પુલવામાની ઘટના બાદ અમે કાશ્મીરની એક પણ ટૂર આગામી દિવસોમાં લઈ જવાના નથી. અમે ગયા ડિસેમ્બરમાં છેલ્લે કાશ્મીરની ટૂરનું આયોજન કર્યું હતું. ત્યાર બાદ ઉનાળાના વેકેશન માટે પણ અમે જાહેરાત આપી હતી, પરંતુ હાલની ઘટનાઓને ધ્યાનમાં રાખીને અમે કાશ્મીરની ટૂરનું બુકિંગ બંધ કરી દીધું છે.’


હિના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના પાર્ટનર પ્રભુલાલ જોષીએ કહ્યું હતું કે ‘અમે આગામી સમર વેકેશનમાં કાશ્મીરની ટૂર લઈ જવાના છીએ, પરંતુ દર વર્ષની સરખામણીએ આ વર્ષે‍ પ્રવાસીઓનો ઉત્સાહ ઘણો ઓછો છે. આમ તો છેલ્લાં ત્રણ વર્ષથી ક્રમશ: પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. પહેલાં અમે ૭૦૦૦ સહેલાણીઓને લઈ જતા હતા. હવે વર્ષે 100૦ સુધી થઈ ગયા છે. અમે છેલ્લે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરની ટૂર લઈ ગયા એ સમયે જ પુલવામાની ઘટના બની હતી અને ૨૦ મિનિટ પહેલાં જ અમારી મિની બસ ૧૦ પ્રવાસીઓ અને બે ગાઇડ સાથે પસાર થઈ ગઈ હતી.’

શહેરના અને ગુજરાતના અનેક ટૂર-ઑપરેટરોએ નો-કાશ્મીર ઝુંબેશને ટેકો આપ્યો છે. એને કારણે આગામી વર્ષમાં જમ્મુ-કાશ્મીર ટૂરિઝમને એક અંદાજ મુજબ 100 કરોડ રૂપિયાનો ફટકો પડશે.

આ પણ વાંચો : આકાશ-શ્લોકાના લગ્ન પહેલા દુલ્હનની જેમ શણગારાયું એન્ટિલિયા, જુઓ તસવીરો

૨૦ મિનિટ પહેલાં જ પસાર થઈ હતી મુંબઈના ટૂરિસ્ટોની બસ

મુલુંડમાં રહેતા ૩૧ વર્ષના નયન મંગેએ ‘મિડ-ડે’ને પુલવામામાં આંતકવાદીઓએ જવાનો પર કરેલા હુમલાની ઘટના બની એ દિવસની હકીકત જણાવતાં કહ્યું હતું કે ‘મુંબઈની હિના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સની નવ દિવસ અને દસ રાતની ટૂરમાં અમે શહેરનાં પાંચ ગુજરાતી કપલ અને બે ગાઇડ સાથે જમ્મુ-કાશ્મીરની ટૂરમાં ગયા હતા. ૧૪ ફેબ્રુઆરીએ અમારા પ્રવાસનો છઠ્ઠો દિવસ હતો. અમે પહેલગામથી ગુલમર્ગ મિની બસમાં જઈ રહ્યા હતા. મોસમ ખરાબ હતી અને બપોરના સમયે અમે પુલવામામાં હાઇવે પર ક્રિક્રેટના બૅટ બનાવતી અમુક ફૅક્ટરીમાં મારા દીકરા માટે બૅટ લેવા માટે ઊતર્યા હતા. અમને શ્રીનગરમાં રહેતા અમારી સાથેના સ્થાનિક ગાઇડે કહ્યું કે જલદી કરો, અહીંથી જવાનોનો કાફલો પસાર થવાનો છે. અમે બસમાં બેસીને પુલવામા હાઇવે પરથી ગયા એને ૨૦ મિનિટ થઈ હશે અને અમને સમાચાર મળ્યા કે કોઈ મોટો ધમાડો થયો છે. બાદમાં મારા મોબાઇલ પર સમાચાર ફ્લૅશ થતાં અમને વિગતે જાણવા મળ્યું. અમે પસાર થયા ત્યારે સ્વપ્નેય નહોતું વિચાર્યું કે થોડી મિનિટોમાં આવો આઘાતજનક બનાવ બનશે. અમે અમારા નિયત કાર્યક્રમ મુજબ ગુલમર્ગ પહોંચી ગયા હતા.’

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2019 07:56 AM IST | | જયેશ શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK