ફેસબુક પરની કમેન્ટ પ્રકરણે પોલીસ ઝૂકી

Published: 30th November, 2012 05:53 IST

પાલઘરની બે યુવતીઓ સામે પોલીસે કેસ પડતો મૂક્યોશિવસેના પ્રમુખ બાળ ઠાકરેના અવસાનને પગલે બંધ જેવું વાતાવરણ ઊભું થતાં એ વિશે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર કમેન્ટ કરનારી પાલઘરની યુવતી શાહીન ધાડા અને આ કમેન્ટને લાઇક કરનારી રેણુ શ્રીનિવાસન સામે કેસ લેનારી મહારાષ્ટ્ર પોલીસે હવે તેમની સામેનો કેસ પડતો મૂકવાનો નિર્ણય લીધો છે જેને પગલે આ બન્ને  યુવતીઓને ભારે રાહત મળી છે. ડીજીપી સંજય દયાળે ગઈ કાલે કહ્યું હતું કે ‘પાલઘરમાંથી પકડવામાં આવેલી બે યુવતીઓ સામે કોઈ ચાર્જશીટ મૂકવામાં નહીં આવે. આ કેસ બંધ કરવામાં આવે છે એવી નોંધ મૂકવામાં આવશે.’

શાહીન ધાડાએ ૧૮ નવેમ્બરે ફેસબુક પર કમેન્ટ કરી હતી અને એથી તેની અને રેણુ શ્રીનિવાસનની ૧૯ નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ પહેલાં શાહીને તેની કમેન્ટ કાઢી નાખી હતી અને માફી પણ માગી લીધી હતી. ૧૮ નવેમ્બરે શાહીનના કાકાની હૉસ્પિટલમાં તોડફોડ કરનારા કેટલાક લોકોની પોલીસે ૨૦ નવેમ્બરે ધરપકડ કરી હતી. પાલઘર પોલીસે તેમની સામે કેસ નોંધીને આ યુવતીઓની ધરપકડ કરી હતી જે મામલે થાણે ગ્રામીણ વિસ્તારના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ રવીન્દ્ર સેનગાવકર અને પોલીસ-ઇન્સ્પેક્ટર શ્રીકાંત પિંગળેને મંગળવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

શાહીન ગઈ ગુજરાત, રેણુ ભણવા જશે ચેન્નઈ

ફેસબુક પર કમેન્ટ બાદ ઊભા થયેલા વિવાદને પગલે માનસિક શાંતિ માટે શાહીન ધાડા પાલઘરથી ગુજરાત જતી રહી છે. ગયા રવિવારે આ પરિવાર ગુજરાત શિફ્ટ થઈ ગયો હતો અને જ્યાં સુધી પાલઘરમાં પરિસ્થિતિ શાંત નહીં થાય ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે. શાહીનના કાકા ડૉ. અબ્દુલ ધાડાની હૉસ્પિટલને પણ પોલીસ-પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. બુધવારે જ્યારે પાલઘર બંધ હતું ત્યારે પાલઘરમાં જ રહેલી રેણુ શ્રીનિવાસનના પરિવારને પણ પોલીસ-પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું. ગ્રૅજ્યુએટ થયેલી રેણુ હવે જાન્યુઆરીથી સાઉન્ડ એન્જિનિયરિંગના ર્કોસ માટે ચેન્નઈ જશે.

ફેસબુક પર રાજ ઠાકરેની ટીકા : પાલઘરના યુવકને છોડી મુકાયો


સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેની ટીકા કરતું લખાણ મૂકવાના કેસમાં પાલઘર પોલીસે બુધવારે બપોરે તાબામાં લીધેલા પાલઘરના ૨૦ વર્ષના યુવક સુનીલ વિશ્વકર્માને એ જ રાત્રે છોડી મૂક્યો હતો. કોઈએ તેનું નામ વાપરીને બનાવટી અકાઉન્ટ ખોલ્યું હોવાની જાણ થતાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો. સુનીલ પર કોઈ હુમલો ન કરે એ માટે પોલીસે તેને તાબામાં લીધો હતો. આ કેસમાં તપાસ માટે સુનીલે પોલીસને પૂરેપૂરો સહકાર આપ્યો હતો.

જોકે હવે પોલીસે સુનીલના નામે બનાવટી ફેસબુક અકાઉન્ટ ખોલનાર વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK