ફૂલનદેવી: ઉત્તર પ્રદેશનો વિકાસ

Published: Jul 18, 2020, 21:03 IST | Raj Goswami | Mumbai

ફૂલનદેવીએ એક મુસ્લિમ છોકરીને દત્તક લેતી વખતે કહ્યું હતું કે ‘આ દેશમાંથી જાતિ-વ્યવસ્થા નાબૂદ થઈ જવી જોઈતી હતી. ગરીબ અને તવંગર વચ્ચેનો ભેદ પણ દૂર થઈ જવો જોઈતો હતો. તો સમાજમાં કોઈની સામે હિંસા ન થાત અને એમાં કોઈ રાજકારણ ન ઘૂસ્યું હોત...’

ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં ચૌબેપુર પોલીસ-સ્ટેશન હેઠળ આવતા બિકરું ગામથી બેહમાઈ ગામ ૮૫ કિલોમીટર દૂર છે. ૧૯૯૧માં આ બિકરું ગામના ઊભરતા ૨૦ વર્ષના ગુંડા વિકાસ દુબેએ ગામના બે દલિત છોકરાઓની હત્યા કરી નાખી હતી. જુલાઈ ૨૦૨૦માં ૮ પોલીસવાળાઓને ગોળીએ દઈને ખુદ પોલીસ-એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વિકાસ દુબે સામે હત્યાનો એ પહેલો કેસ હતો. તેના એક વર્ષ અગાઉ તેને પોલીસ-સ્ટેશનમાં ઢસડી લઈ જઈને માર મારવામાં આવ્યો હતો, કારણ કે તેણે તેના પિતાનું અપમાન કરનાર અમુક દલિત લોકોને જાહેરમાં માર માર્યો હતો. ઉત્તર પ્રદેશમાં અપરાધની જાતિવાદી દુનિયામાં વિકાસ દુબેનો એ રીતે પગપેસારો થયો હતો.

જે વર્ષોમાં ઉત્તર પ્રદેશના જાતિવાદી અપરાધી રાજકારણમાં વિકાસ દુબેનાં પગરણ થઈ રહ્યાં હતાં એ જ વર્ષોમાં ફૂલનદેવી નામની ડાકુ કાનપુરની જેલમાં સમર્પણ પછીની જિંદગી કાપી રહી હતી. ૧૦ વર્ષ પહેલાં ૧૯૮૧માં ફૂલનદેવીએ બેહમાઈ ગામમાં ઉચ્ચવર્ગના ૨૨ ઠાકુર લોકોને ગોળીએ દીધા હતા. વિકાસ અને ફૂલન વચ્ચે એક જ સમાનતા છે કે બન્ને ઉત્તર પ્રદેશની કટ્ટર જાતિ-વ્યવસ્થાની પૈદાઈશ હતાં. વિકાસ બ્રાહ્મણ હતો અને ૩૦ વર્ષના તેના અપરાધ-સામ્રાજ્યમાં પોલીસ અને નેતાઓ તેને ‘પંડિત’ કહીને બોલાવતા હતા (વિકાસ પોતે સની દેઓલની ફિલ્મ ‘અર્જુન પંડિત’થી પ્રભાવિત હતો). ફૂલનદેવી નાવડી ચલાવનાર લોકોની મલ્લાહ જાતિમાં પેદા થઈ હતી અને ઠાકુરોના હાથે અત્યાચાર ભોગવીને ચંબલની ડાકુ બની હતી. બેહમાઈના હત્યાકાંડ પછી તે ‘દેવી’ તરીકે જાણીતી થઈ હતી.

ફૂલનદેવીએ જ્યારે જેલમાંથી બહાર આવીને સભ્ય જીવન જીવવાનું શરૂ કર્યું ત્યારે એક મુસ્લિમ છોકરીને દત્તક લેતી વખતે કહ્યું હતું, ‘આ દેશમાંથી જાતિ-વ્યવસ્થા નાબૂદ થઈ જવી જોઈતી હતી. ગરીબ અને તવંગર વચ્ચેનો ભેદ પણ દૂર થઈ જવો જોઈતો હતો અને તો સમાજમાં કોઈની સામે હિંસા ન થાત અને એમાં કોઈ રાજકારણ ન ઘૂસ્યું હોત.’

વિકાસ દુબેના એન્કાઉન્ટર પછી ઉત્તર પ્રદેશમાં તેના નાટ્યાત્મક ઉદયને લઈને ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ છે, પરંતુ બૉલીવુડ જાતિવાદ, રાજકારણ અને અપરાધના ઝેરી મિક્સરને કેટલો ન્યાય આપશે એ જોવાનું રહે છે. બૉલીવુડની ફિલ્મો જટિલ સામાજિક વિષયોને મોટા ભાગે રોમૅન્ટિક અથવા આદર્શ સ્વરૂપમાં પેશ કરે છે અને એમાં અસલિયત દૂર રહી જાય છે. ડાકુઓ પર પણ જેટલી ફિલ્મો બની છે એ માત્ર અપરાધી વિરુદ્ધ કાનૂનની સીમામાં જ રહી છે અને ઉત્તર પ્રદેશની વિશિષ્ટ સામાજિક વ્યવસ્થાનો દૃષ્ટિકોણ આપવામાં નિષ્ફળ રહી છે.

ફૂલનદેવીના જીવન પરની શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’ (૧૯૯૪) ફિલ્મ એ બાબતમાં ‘હટકે’ હતી. ભારતના સૌથી મોટા રાજ્યમાં શાસન જેવું કંઈ ન હોય એની વાસ્તવિકતા કેટલી ભયાનક હોય છે એ ‘બેન્ડિટ ક્વીન’માં જોઈને દર્શકો સડક થઈ ગયા હતા. વિકાસ દુબેનો ૩૦ વર્ષ સુધી ‘કારોબાર’ ચાલ્યો એની પાછળનું કારણ એ જ હતું કે તે પોલીસ અને શાસન જ્યાં પહોંચી શકતાં નહોતાં એ ઉત્તર પ્રદેશના અન્ડરવર્લ્ડમાં તેમના વતી તેમનું જ કામ કરતો હતો.

ફૂલનદેવી પણ આવી જ અરાજકતામાંથી આવી હતી. લંડનની માનવાધિકાર લેખક માલા સેને ભારતીય સમાજમાં જાતિ-વ્યવસ્થા અને એના રાજકારણના અભ્યાસના ભાગરૂપે ફૂલનદેવી અને તેના જીવનના અનેક લોકોને મળીને ‘ઇન્ડિયા’ઝ બેન્ડિટ ક્વીન ઃ ધ ટ્રુ સ્ટોરી ઑફ ફૂલનદેવી’ નામનું જીવનચરિત્ર (૧૯૯૧)માં લખ્યું હતું. લંડનની ચૅનલ ફોરના એડિટર અને માલા સેનના ભૂતપૂર્વ પતિ ફારુક ધોન્ડીએ આ પુસ્તક પરથી ડિરેક્ટર શેખર કપૂર સાથે મળીને ‘બેન્ડિટ ક્વીન’ ફિલ્મ બનાવી હતી. માલા સેને જ ફૂલનને જેલમાંથી બહાર કાઢવાનું બીડું ઉઠાવ્યું હતું અને તેને માટે વકીલની વ્યવસ્થા પણ કરી હતી.

ફિલ્મ સફળ, પણ બહુ વિવાદાસ્પદ સાબિત થઈ. ફૂલનદેવી નાનપણથી જ ઉચ્ચ વર્ણના ઠાકુર લોકોના હાથે બળાત્કાર અને હિંસાનો ભોગ બનેલી સ્ત્રી હતી. સાદી ભાષામાં એવું કહેવાય છે કે ગામમાં આવતો-જતો કોઈ પણ પુરુષ તેની છાતી પર હાથ નાખી દેતો અને એ કાંઈ બોલી શકતી નહોતી, કારણ કે તે ‘નીચલી’ જાતિની હતી. ૧૧ વર્ષની ઉંમરે તેને લગ્નમાં વેચી દેવામાં આવી હતી અને એમાં પહેલી રાતથી જ માર અને બળાત્કાર આવી ગયો હતો. એ સાસરિયામાંથી ભાગી ગઈ તો તેના પતિએ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી અને અને ત્રણ દિવસ સુધી ફૂલનને કસ્ટડીમાં રાખવામાં આવી, જ્યાં પોલીસે તેનો ‘લાભ’ લીધો હતો.

તે ૧૬ વર્ષની થઈ એટલે તેને પાછી પતિના ઘરે મોકલી દેવાઈ અને ત્યારે પણ અત્યાચારનું એ જ પરિવર્તન થયું. ફરી પાછી તે ઘરે આવી અને એવામાં બાબુ ગુર્જર નામના ડાકુના હાથમાં પડી. ત્યાં પણ તેના પર બળાત્કાર કરવામાં આવ્યો. ફૂલને પહેલી વાર ચંબલની ખીણો જોઈ. એમાં બહેમાઈ ગામના ઠાકુરો સાથે દુશ્મની થઈ અને એક દિવસ ફૂલન પર ગામમાં એક ઓરડીમાં ત્રણ અઠવાડિયાં સુધી ગામના ઠાકુરોએ વારાફરતી રોજ રાતે બળાત્કાર કર્યો. એક દિવસ તેને ગામ વચ્ચે નગ્ન કરીને કૂવા પરથી પાણી ભરીને ચલાવી હતી.

એનો બદલો લેવા ફૂલને બંદૂક ઉઠાવી અને ડાકુ સરદાર બની ગઈ. ૧૯૮૧ની ૧૪ ફેબ્રુઆરીએ ફૂલન તેની ગૅન્ગ સાથે પોલીસ-પાર્ટી બનીને બેહમાઈ ગામ પર ત્રાટકી. ગામમાં ત્યારે કોઈકનાં લગ્ન ચાલતાં હતાં. ફૂલને તેના પર અત્યાચારની આગેવાની લેનારા બે ઠાકુર શ્રી રામ અને લાલા રામને હાજર કરવાનો આદેશ કર્યો, બે જણ નાસી છૂટ્યા હતા, એટલે ફૂલને ગામના તમામ મર્દોને રાઉન્ડઅપ કર્યા અને એ જ કૂવા પાસે લાઇનમાં ઊભા કર્યા, જ્યાં તેને નગ્ન કરવામાં આવી હતી. એ પછી તેમને બંદૂકના ગોદા મારી-મારીને નદીકિનારે લઈ જવામાં આવ્યા. ત્યાં સૌને ઘૂંટણિયે પડવાનું કહેવામાં આવ્યું અને પછી ફૂલને તેમના પર મશીનગન ચલાવી અને ત્યાં બેહમાઈના ૨૨ ઠાકુર યુવાનોની લાશ પડી ગઈ.

આ હત્યાકાંડથી દેશમાં (અને વિદેશમાં પણ) તહેલકો મચી ગયો અને કાનૂન-વ્યવસ્થાની અરાજકતાથી બદનામ થયેલી યુપીની વી. પી. સિંહની સરકારે રાજીનામું આપવું પડ્યું. બે વર્ષ પછી પોલીસની ધોંસથી થાકી ગયેલી ફૂલન અને તેના સાથીઓએ મધ્ય પ્રદેશમાં અર્જુન સિંહની સરકાર સામે અમુક શરતોને આધીન સમર્પણ કર્યું. એમાં એક શરત એ હતી કે તે ઉત્તર પ્રદેશમાં સમર્પણ નહીં કરે. ફૂલનને ખબર હતી કે તેને ત્યાં જીવતી નહીં રહેવા દેવામાં આવે.

ફિલ્મમાં ફૂલન પરની  હિંસા અને બળાત્કારની તમામ ઘટનાઓને તાદૃશ કરવામાં આવી હતી. ફૂલન (સીમા વિશ્વાસ)ને નગ્ન કરીને કૂવા પર મોકલવામાં આવે છે એમાં બૉડી ડબલ ઍક્ટ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ સિવાય એમાં મા-બહેનની ગાળો છૂટથી મૂકવામાં આવી હતી. શેખર કપૂરે અસલી ચંબલના લોકેશન પર એ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. ફિલ્મમાં ફૂલનની અને ઉત્તર પ્રદેશના ગ્રામીણ ક્ષેત્રોના જીવનની અસલિયતને કોઈ ઘાલમેલ વગર રજૂ કરી હતી.

 ‘બેન્ડિટ ક્વીન’માં સેક્સ ફક્ત સેક્સ નહોતું. એ ઉચ્ચ જાતિના પુરુષોનું નીચલી જાતિની સ્ત્રીને તેનું સ્થાન બતાવવાનું હથિયાર હતું. ચાહે નાનકડી ફૂલનના શરીર સાથે ‘રમત’ હોય કે મોટી થયા પછી અલગ-અલગ હાથમાં તેના પર રેપ હોય કે તેને માટેની ગાળો હોય ‘બેન્ડિટ ક્વીન’ની અસલિયત બહુ આકરી હતી. દિલ્હીમાં ફિલ્મનું પ્રીમિયર યોજાયું ત્યારે ડિરેક્ટર શેખર કપૂરે કહ્યું હતું, ‘મારી સામે સચ્ચાઈ અને સુરુચિનો વિકલ્પ હતો, મેં સચ્ચાઈ પસંદ કરી.’

ફિલ્મની સચ્ચાઈ જોઈને દર્શકો ‘ઘા’ ખાઈ ગયા. પુસ્તકની લેખક માલા સેન, અન્ય એક લેખક અરુંધતી રૉય અને ખુદ ફૂલનદેવી પણ ‘ઘા’ ખાઈ ગઈ. ૧૯૯૪માં જયારે ફૂલન જેલમાંથી છૂટી ત્યારે જ આ ફિલ્મ રિલીઝ થઈ હતી. લેખક માલા સેનને ફિલ્મ જોઈને બહુ ગુસ્સો આવ્યો હતો, કારણ કે ફિલ્મમાં ફૂલનને ‘પીડિત’ બતાવવામાં આવી હતી અને પટકથામાં સુધારા-વધારા કરીને સેક્સ્યુઅલ હિંસાનાં દૃશ્યો ઉમેરવામાં આવ્યાં હતાં. માલા સેન કહે છે, ‘મેં જ્યારે તેની સાથે વાત કરી ત્યારે ઠાકુરોના હાથે તેની ‘બેઈજ્જતી’ (ફૂલનનો શબ્દ) વિશે બોલવા તે તૈયાર નહોતી. તેને વિગતોમાં પડવું નહોતું અને એટલું જ બોલી કે ‘ઉન લોગોંને મુઝસે બહુત મજાક કી.’

લેખક અરુંધતી રૉયે સવાલ ઉઠાવ્યો હતો કે એક સ્ત્રીના બળાત્કારને તેની પરવાનગી વિના ફરીથી બતાવવાનો શેખર કપૂરને અધિકાર છે? રૉયની મદદથી ફૂલને ‘બેન્ડિટ ક્વીન’ પર પ્રતિબંધ મૂકવા કોર્ટમાં કેસ કર્યો અને ધમકી આપી હતી કે જો ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો હું જાહેરમાં અગ્નિસ્નાન કરીશ. ફૂલને કહ્યું હતું કે ફિલ્મમાં ઘણી છૂટછાટ લેવામાં આવી છે અને બેહમાઈ હત્યાકાંડમાં હું હતી જ નહીં. ફિલ્મ માલા સેનના પુસ્તક પર બનાવવામાં આવી હતી એટલે કેસમાં માલાને પણ સામેલ કરવામાં આવી હતી. આખરે પ્રોડ્યુસર

ચૅનલ ફોરે ફૂલન સાથે આર્થિક સમાધાન કર્યું અને કેસ પાછો ખેંચાવડાવ્યો.

દરમ્યાનમાં ફૂલન વિશ્વભરમાં જાણીતી થઈ ગઈ હતી અને મીડિયા તેના વિશે નિયમિત લખતું હતું. ‘ધ ઍટલાન્ટિક’ નામની એક પત્રિકામાં એક ઇન્ટરવ્યુમાં ફૂલને કહ્યું હતું, ‘તમે તમારી માયાવી ભાષામાં એને રેપ કહો છો, પણ તમને એનો ખ્યાલ પણ છે કે ભારતના ગામડામાં રહેવું કોને કહેવાય? તમે જેને  રેપ કહો છો એ તો દરેક ગામની ગરીબ છોકરી સાથે બનતું હોય છે. એવું માનીને જ ચાલવાનું કે ગરીબની દીકરીઓ અમીર લોકોને વાપરવા માટે જ હોય છે. તેઓ તેમને તેમની મિલકત ગણે છે. ગામમાં ગરીબો પાસે ટૉઇલેટ ન હોય એટલે ખેતરમાં જવું પડે અને ત્યાં અમીર લોકો રાહ જ જોતા હોય. ઘાસ કાપવા જાઓ કે ખેતી કરવા જાઓ, તેઓ ત્યાં જ હોય.’

ફૂલનને એક વાર દિલ્હીમાં પૂછવામાં આવ્યું  હતું કે ‘તમને આ નવા જીવનમાં ડાકુ-જીવનની કઈ ચીજ ખૂટતી લાગે છે’ ત્યારે તેણે કહ્યું હતું, ‘તાકાત અને સત્તા. ચંબલમાં લોકો જે બોલે એ ગળું ફાડીને બોલે અને પછી પાળી બતાવે. અહીં લોકો બોલે કંઈક અને પીઠ પાછળ કરે કંઈક. હું જો ડાકુ હોત તો આ લોકોને ખબર પાડી દેત.’

૨૦૦૧ની ૨૬ જુલાઈએ જ્યારે ફૂલન સમાજવાદી પાર્ટીની સંસદસભ્ય હતી ત્યારે દિલ્હીમાં તેના સરકારી નિવાસ્થાને શેર સિંહ રાણા નામના એક યુવાને તેને ૯ ગોળી ધરબી દીધી હતી. પછીથી પોલીસમાં સમર્પણ કરતાં રાણાએ કબૂલ કર્યું હતું કે મેં ૨૨ ઠાકુરોની હત્યાનો બદલો લીધો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK