Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બડી સૂની સૂની હૈ નવરાત્રિ

બડી સૂની સૂની હૈ નવરાત્રિ

18 October, 2020 08:01 PM IST | Mumbai
Bhakti D Desai

બડી સૂની સૂની હૈ નવરાત્રિ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ વર્ષે કોરોના મહામારીનો કેર નવરાત્રિ ઉત્સવના આયોજન પર પણ હાવી થઈ ગયો. મુંબઈમાં લાઇટની ઝાકઝમાળ, ઠેર-ઠેર ઑર્કેસ્ટ્રાના અને ગરબાના સૂર તથા તાલનો મધુર અવાજ, રંગબેરંગી પારંપારિક વસ્ત્રો પહેરી ખેલૈયાઓનું ગરબાના તાલ પર ઝૂમવું આ બધું વર્ષ ૨૦૨૦માં જાણે લુપ્ત થઈ ગયું છે. મુંબઈની આટલી સૂની અને ફીકી આ નવરાત્રિમાં ગરબા રમવાનો અસીમ શોખ ધરાવનાર ખેલૈયાઓ શું ગુમાવી રહ્યા છે એ ભારી હૃદય સાથે જણાવતાં તેઓ અહીં પોતાની જૂની યાદોનું વર્ણન કરી રહ્યા છે

મુંબઈની શાન અને વર્ષના દરેક ઉત્સવો કરતાં લાંબા સમય સુધી ચાલનાર આ નવરાત્રિ મહોત્સવનો પરિસ્થિતિવશ અભાવ રાસગરબાના ચાહકોના હૃદયમાં અને શહેરમાં જાણે એક સૂનકાર વર્તાવી રહ્યો છે. 



નવરાત્રિના દિવસોનું અનેક રીતે ખૂબ મહત્ત્વ છે. આખા વર્ષ દરમ્યાન આ એક એવું પર્વ છે જેમાં દરેક માતાજી અને કુળદેવીની ભક્તિનો મહિમા છે. ખેલૈયાઓની નજરે જોઈએ તો આ ઉત્સવમાં માતાજી પ્રત્યેનો ભક્તિરસ તો છે જ, પણ ગાયન, વાદન, નૃત્ય આમ સંગીતનો પણ સંગમ છે, સજી-ધજીને રમવા આવતાં આ ખેલૈયા આ પર્વમાં શૃંગારરસની મજા લે છે, પ્રેમી અને પરિણીત યુગલો રાધા-કૃષ્ણની જેમ એક-બીજાના સાથને માણી પ્રણયરસમાં તરબોળ થાય છે. આમ નવરાત્રિ આ એક એવો મહોત્સવ  છે, જે કોઈ પણ વયજૂથ ધરાવનાર એક રસિક વ્યક્તિને પોતાના દરેક શોખ પૂરા કરવાનો અવસર આપે છે.


જ્યાં નૃત્ય કે લોકનૃત્યની વાત આવે ત્યાં નાત-જાત અને ઉંમરની મર્યાદા રહેતી નથી અને તેથી જ સોસાયટીમાં માતાજીનો ફોટો મૂકવા સાથે નાના પાયે શરૂ થયેલી નવરાત્રિ કમર્શિયલ નવરાત્રિ સુધી પહોંચી ગઈ અને છેલ્લાં અનેક વર્ષોથી મુંબઈના આ ભવ્ય નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમવાનો રંગ માત્ર ગુજરાતી ખેલૈયાઓ સુધી જ સીમિત ન રહેતાં મહારાષ્ટ્રીયન, દક્ષિણ ભારતીય, સિંધી, પંજાબી આમ દરેક નાતના લોકો પર ચડી ગયો છે. આ નવ રાતનું પર્વ ગરબા અને દાંડિયારાસપ્રેમીઓને એવો ઉત્સાહ અર્પે છે જેનાથી તેમને આખું વર્ષ ઊર્જારૂપી ઈંધણ મળી જાય છે. એક વર્ષ પૂરું થતાં જ ખેલૈયાઓ એ વર્ષનાં સંસ્મરણોને યાદ કરી એ પછીના વર્ષની નવરાત્રિની પ્રતીક્ષા કરવામાં લાગી જાય છે. મુંબઈની વ્યસ્ત જીવનશૈલીમાં પણ આકાશ-પાતાળ એક કરીને નવે નવ રાત ગરબા રમવા અને જોવા જનાર અસંખ્ય ખેલૈયાઓ અને ચાહકો છે. કોઈ પણ રીતે નવરાત્રિ માણવાની ફુરસદ તો મેળવી જ લે છે. જીવનની અમુક અવિસ્મરણીય ક્ષણો પર પોતાની આનંદરૂપી સહી કરવાનો અવસર ગુમાવી રહેલા ગરબાનાં શોખીન ખેલૈયાઓ અહીં માનસિક રીતે નવરાત્રિ ઉત્સવમાં જ પહોંચી ગયા હોય એમ ગયા અનેક વર્ષોનાં સંસ્મરણોને તાજાં કરી રહ્યા છે સાથે જ જણાવે છે કે આ નવરાત્રિમાં શું વધુ મિસ કરી રહ્યા છે.

આ વર્ષે તો હું તૈયાર થવાની તક સૌથી વધારે મિસ કરી રહી છું ઃ મોસમી શાહ 


કાંદિવલીમાં રહેતાં આર્ટિસ્ટ મોસમી શાહ નવરાત્રિને ખૂબ ચાહે છે. તેઓ કહે છે, ‘હું નવરાત્રિ માટે શું કહું અને અને શું નહીં કહું? મને તો તૈયાર થવાનો અને નવા ચણિયાચોળીનો એટલો શોખ છે કે આ વર્ષે હું આ બધું મિસ કરી રહી છું. દર વર્ષે નવા ગ્રાઉન્ડ પર જવું, ત્યાંના બીટ્સ પર ગરબા રમવા એની મજા જ અનેરી છે. હું આખું વર્ષ તૈયાર થવા પર ધ્યાન નથી આપતી, પણ નવરાત્રિની   ૯ રાતે દરેક શ્રુંગાર પહેરીને ગરબા રમવા એ મને અંતરથી પ્રિય છે. આ વર્ષે સૌથી વધારે હું તૈયાર થવાની તક મિસ કરી રહી છું અને બીજી એક વાત જેની મને ખૂબ મજા આવતી હોય છે એ છે મારાં પારંપરિક પરિધાનોના કલેક્શનમાં વર્ષાનુવર્ષ થતો વધારો. મારી પાસે આશરે ૧૫-૨૦ ચણિયાચોળી છે, જેમાં વિવિધ સ્ટાઇલ, રંગ અને ફૅશન સમાયેલી છે. લગભગ દર વખતે હું બે-ત્રણ જોડી તો ઑર્ડરથી નવાં કપડાં બનાવડાવું જ અને એમાં પણ લેટેસ્ટ ફૅશન અને સ્ટાઇલને અનુસરવાનું. ટ્રેડિશનલ સાથે પહેરી શકાય એવા ઑર્નામેન્ટ્સનો તો મારી પાસે ખજાનો છે. નવાં ગીતો અને ગરબા આવે એ પ્રમાણે ગરબાનાં પણ સ્ટેપ્સની પ્રૅક્ટિસ હું કરી લઉં અને એક વાતનું ધ્યાન રહે કે જ્યારે અમે ગ્રાઉન્ડ પર જઈએ ત્યારે પૂરા દિલથી પર્ફોર્મન્સમાં કોઈ કચાશ ન રહી જાય એ રીતે ગરબા રમતી હોઉં છું. સાચું કહું તો, મન મૂકીને ગરબા રમવામાં જે આનંદ મળે છે એને શબ્દોમાં વર્ણવવું અઘરું છે.’

નવરાત્રિના બે-ત્રણ કલાકમાં ગરબા રમતી વખતે હું મારામય હોઉં છું : દક્ષા ગાલા

જોગેશ્વરીમાં રહેતાં દક્ષા ગાલા નવરાત્રિને એટલી યાદ કરી રહ્યાં છે કે સોશ્યલ મીડિયા પર ગયાં વર્ષોના પોતાના ફોટો પોસ્ટ કરવાની શરૂઆત કરી દીધી છે. તેઓ કહે છે, ‘આ નવરાત્રિમાં હું શું ગુમાવી રહી છું એના જવાબમાં તો હું જેટલું કહું એટલું ઓછું છે. દરરોજ સોશ્યલ મીડિયા પર મારા મિત્ર વર્તુળમાં લોકોની સાથે રમવાનો આનંદ, હસવું, મજા કરવી આ બધું દિલથી યાદ કરી રહી છું. બધા ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી રહી છું. નવરાત્રિની શરૂઆત મારા જીવનમાં નાનપણથી જ થઈ. મારા ઘરમાં મારા પપ્પાનો સ્વભાવ ખૂબ કડક અને તેઓ રાત્રે મને ઘરેથી બહાર જવાની મંજૂરી આપતા નહીં, પણ મને નૃત્ય ખૂબ જ ગમતું તેથી તેઓ મને ગરબા રમવા જવાથી ન રોકે. આમ મને નવરાત્રિ એટલી ગમવા લાગી કે નવરાત્રિ આવે તો ઘરમાં બેસવું અઘરું થઈ જાય. આટલા વર્ષોમાં હું નવે રાત શરૂઆતથી અંત સુધી ગરબા રમતી આવી છું. મારાં લગ્ન થઈ ગયા પછી પણ નવરાત્રિ રમવા માટે મારા પતિ, સાસુ અને મારો દીકરો મને ખૂબ સહકાર્ય કરે છે. નવરાત્રિના ત્રણ મહિના પહેલાંથી જ હું નવાં સ્ટેપ્સની, કપડાંની અને મારાં આભૂષણોની તૈયારી પણ કરવા લાગું છું. સાચું કહું તો વહુ, પત્ની, માતા બન્યા પછી પણ જો મેં પોતાની જિંદગી જીવી હોય તો એ નવરાત્રિના નવ દિવસોમાં જ છે. મારે મન નવરાત્રિ એટલે હું અને ફક્ત હું જ. એ બે-ત્રણ કલાકમાં ગરબા રમતી વખતે હું મારામય થઈ જાઉં છું.  વાત કરતી વખતે પણ મારું મન મોર બનીને થનગાટ કરી રહ્યું છે. આ એક અવર્ણનીય અનુભવ છે.’

પ્રેગ્નન્સીનો સાતમો મહિનો ચાલતો હતો ત્યારેય મેં ગરબા કરેલા: પૂર્વી ગાંધી

બોરીવલીમાં રહેતાં પૂર્વી ગાંધી તો ગરબા રમવાનો મોકો જ શોધતાં હોય છે એથી તેમના પતિ તેમને ‘તારક મેહતા ક ઉલટા ચશ્મા’ના ગરબાપ્રેમી પાત્ર દયાના નામથી સંબોધે છે. તેઓ કહે છે, ‘હું આઠ વર્ષની હતી ત્યારથી ગરબા માટે ઘેલી હતી. છેલ્લાં આશરે આ ૨૪ વર્ષમાં માતાજીની અસીમ કૃપાથી હું નવરાત્રિની એક રાત પણ રમ્યા વગર નથી રહી. હું જ્યારથી ગરબા રમું છું ત્યારથી આ પહેલું વર્ષ છે કે મને રમવા નહીં મળે. મને બે દીકરીઓ છે, હિયા અને રૂહી. મારી આઠ વર્ષની હિયા પણ ગરબાની ખૂબ શોખીન છે અને અમે બન્ને સાથે જ રમવા જઈએ છીએ. લૉકડાઉનમાં હિયા અને હું ગરબાને એટલા મિસ કરી રહ્યાં હતાં એથી મેં એક વિડિયો બનાવ્યો, જેમાં સ્ટોરી એવી છે કે હિયા કિચન-સેટથી રમે છે અને મને યાદ કરાવે છે, ‘મમ્મા, ચલ ગરબા રમીએ આજે તો નવરાત્રિ છે.’ તેના એક હાથમાં કિચન-સેટનું વાસણ છે અને બીજામાં દાંડિયા, અને તે રમવા માંડે છે. પછી બીજા છોકરાને દાંડિયા આપે છે તો તે પણ તેનું કામ બાજુએ મૂકીને રમવા માંડે છે. બીજી બધી ફ્રેન્ડ્સના પણ એવા જ વિડિયો મગાવી બધાને પોતપોતાના હાથનું કામ મુકાવી મેં ગરબા રમતા કર્યા હોય એવો વિડિયો બનાવ્યો છે. માતાજીનું એટલું સત છે કે હિયાના જન્મ સમયે નવરાત્રિમાં મને સાતમો મહિનો ચાલી રહ્યો હતો. નવરાત્રિમાં મારા પતિએ મને ગરબા રમવાની પરવાનગી આપી એથી ત્યારે પણ હું એકેય રાત રમવાનું નથી ચૂકી. અમારા ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય મને ગરબા રમવાનું બહાનું જ જોઈએ. અમારી સોસાયટીમાં ગણપતિમાં બધાને ગરબા રમાડવા હું બધું વ્યવસ્થાપન સંભાળી લઉં અને રમતાં પણ શીખવું. ૨૪ વર્ષથી નવરાત્રિ રમવાનો મારો વિક્રમ આ નવરાત્રિમાં તૂટશે આનાથી વધુ બીજું શું કહું.’

પત્નીની પસંદગીમાં પણ આગ્રહ હતો કે તેને ગરબાનો ક્રેઝ તો હોવો જ જોઈએ: અંકિત દોશી

મલાડમાં રહેતા અંકિત દોશી નવરાત્રિ પ્રત્યેનો પોતાનો અમાપ પ્રેમ વર્ણવતાં કહે છે, ‘ગરબા રમવા નથી જવાનું એના વિચાર માત્રથી પણ મને સૂનું લાગે છે. માન્ય છે કે પરિસ્થિતિ ગંભીર છે અને એ માટે આ જ એક ઉત્તમ પર્યાય છે, પણ હું નવેનવ રાત ગરબા રમનાર એક શોખીન ખેલૈયો છું. નવરાત્રિની અસલી મજા એ છે કે અમે પચાસ જણ દર વર્ષે એક જ જગ્યાએ એકસાથે ભેગા થઈએ છીએ. મારે માટે આ એક મોટી વાત છે, કારણ કે આખા વર્ષ દરમ્યાન બધાને મળવાનું શક્ય નથી થતું. આ વર્ષે આ મોકો નહીં મળે એનું મને દુ:ખ છે. હું ફાલ્ગુની પાઠકનો ચાહક હોવાથી વર્ષોથી સંકલ્પમાં જ રમવા જાઉં છું, તે દર વર્ષે એક નવો ગુજરાતી ગરબો લઈને આવે છે, જેની પર રમવાની મારા આખા ગ્રુપને ખૂબ જ મજા આવે છે. સૌથી વધારે ફાલ્ગુનીનો ગુજરાતી ગરબો મિસ કરી રહ્યો છું. મને ગરબા રમવાનો નાનપણથી એટલો શોખ છે કે મારા લગ્ન સમયે પણ મારી જીવનસંગિનીને પસંદ કરવા મારી પહેલી ઇચ્છા કે માપદંડ એ જ હતું કે તેને ગરબાનો મારી જેટલો જ શોખ હોવો જોઈએ. હું નસીબદાર છું કે મને એવી પત્ની મળી છે, જે ગરબા રમવામાં પારંગત છે. અમારી નાની દીકરી પણ હવે આ શોખ કેળવી રહી છે. દર વર્ષે એક નવા રંગનાં કપડાની ખરીદી પણ અમે બધા મિત્રો કરીએ છીએ, જેથી નવરાત્રિનાં કપડાંના કલેક્શનમાં એક નવા રંગના પરિધાનનો ઉમેરો થાય. અમે દર દિવસનો એક રંગ નક્કી કરીએ અને બધા એ જ રંગના પારંપારિક પરિધાનમાં ગરબા રમવા આવે. આ વખતે ખરીદીની મજા પણ ગુમાવી રહ્યો છું. હું ઘણુંબધું મિસ કરી રહ્યો છું અને આવતા વર્ષની નવરાત્રિ સુધી કરીશ. આ ઉત્સવ એક નહીં, પણ આનંદની અનેક ક્ષણ આપે છે.’

આ વર્ષે આઠમે હવનનાં દર્શન પણ નહીં કરવા મળે: ધર્મેશ થડેશ્વર

કાંદિવલીમાં રહેતા ધર્મેશ થડેશ્વર નવરાત્રિની મજા વિશે કહે છે, ‘આ એક એવો સમય છે જેમાં આખા વર્ષ દરમ્યાન પરિવાર અને મિત્રો સાથે નિરાંતનો સમય મળે છે અને મુંબઈની ફાસ્ટ લાઇફમાં મિત્રોનો સહવાસ મળવો આ એક જ ઉત્સવમાં શક્ય છે. મારે માટે આ એક રી-યુનિયન છે. હું એક વેપારી છું અને ગમે તેમ કરીને ગરબા રમવાનો સમય તો ફાળવી જ લઉં છું. મેં ક્યારેય મારું ભણતર, કામ કંઈ મારા શોખને આડે નથી આવવા દીધું, પણ આ વર્ષે સંજોગોને કારણે નવરાત્રિની મજા નહીં લઈ શકાય. અમે અમુક મિત્રો નવરાત્રિના ઉપવાસ કરીએ છીએ, જ્યારે કોઈક એકટાણાં કરે છે. ગરબા રમ્યા પછી જેમનો ઉપવાસ હોય તેમની સાથે જ્યુસ પીવા જઈએ અને બાકી જેમનો ઉપવાસ ન હોય તેમની સાથે મળીને રેસ્ટોરાંમાં જમીએ. હું છેલ્લા આઠ વર્ષથી ફલાહાર જ કરું છું. અમે બધા માતાજીના ભક્તો છીએ તેથી આઠમને દિવસે ગરબા રમીને બધા મંદિરમાં જઈએ અને હવનનાં દર્શન કરીએ. આ વર્ષે તો હવનનાં દર્શન પણ નહીં કરવા મળે. નોમની રાત્રે ગરબા અને નવરાત્રિની પૂર્ણાહુતિ પછી આખી રાત બહાર ફરીને દશેરાએ સવારે ઉપવાસવાળા મિત્રો પણ ફાફડા અને જલેબી ખાઈને ઉપવાસ છોડીએ અને ઘરભેગા થઈએ છીએ. મને આજેય યાદ આવે છે કે ગયા વર્ષે અમે જે ગ્રાઉન્ડ પર રમ્યા હતા ત્યાંના કેટરર્સવાળાએ નાનપણમાં પ્લાસ્ટિકની થેલીમાં મળે એવી ફ્રૂટ પેપ્સી વેચી હતી અને અમે એનો મન ભરીને આનંદ લીધો હતો. નવરાત્રિમાં ગરબા રમવા, આખા વર્ષમાં ન પહેરવા મળે એવાં પારંપારિક કપડાં પહેરવાં, મિત્રો સાથે ફરવું, ગરબાના ગ્રાઉન્ડ પર વાગતા સંગીતનો આનંદ લૂંટવો, હસવું, ફરવું આ બધું એક પૅકેજની જેમ નવ રાતમાં મળે છે. નવરાત્રિની આ બધી મજા બસ ઘરબેઠાં યાદ કરી રહ્યો છું.’ 

ગરબા પછી ફ્રેન્ડ્સ સાથે ખાવા-પીવા જવાનું બહુ મિસ થશે: જિગીષા દોશી

વિલે પાર્લેમાં રહેતાં જિગીષા અને પ્રિયેન દોશી ગરબા રમવા માટે ગમે તેવી વ્યસ્ત જીવનશૈલીમાંથી પણ સમય ફાળવી લે છે. જિજ્ઞાબહેન કહે છે, ‘કોવિડની અસર અને નવરાત્રિને લઈને હું એક વાત કહીશ કે માર્ચ મહિનાથી હમણાં સુધીમાં જો કોઈ ઉત્સવની કમી વર્તાઈ રહી હોય તો એ નવરાત્રિ છે. હમણાં જ નહીં, આખા વર્ષ દરમ્યાન આ ઉત્સવ ન ઊજવવા મળ્યો હોવાની રિક્તતા અનુભવાશે. અમારાં લગ્નને આશરે ૧૪ વર્ષ થયાં ત્યારથી હમણાં સુધીમાં સાથે મળીને દર નવરાત્રિમાં રમવા જઈએ છીએ. અમને બન્નેને જ ખૂબ શોખ રહ્યો છે. અમે જુહુ ગ્રાઉન્ડ, પાર્લા ફર્સ્ટ રોડ, સહારા સ્ટાર, સંકલ્પ, કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ આમ વિવિધ સ્થળે ગરબાની મજા દર વર્ષે લઈએ છીએ. આનો લાભ એ થાય છે કે વિવિધ જગ્યાની નવીનતા, નવા ગરબા અને નવાં ગીતોને માણી શકાય છે. સહારા-સ્ટારમાં દાંડિયા પણ હોય છે તેથી એનો આનંદ મળે છે. ગરબા પતે પછી અમે બધાં મિત્રો મળીને બહાર ખાવા-પીવા જઈએ છીએ. નવરાત્રિમાં બધાં જ પોતાનું સ્ટ્રેસ ભૂલીને જીવી શકે છે. પ્રિયેન નવરાત્રિમાં પોતાનું કામ વહેલું પતાવીને ઘરે જલદી આવી જાય છે. મારાં બાળકોની પરીક્ષા હોય તો પણ નવરાત્રિ પહેલાંથી જ તેમની પરીક્ષાની તૈયારી હું કરાવી દઉં છું, જેથી નવરાત્રિમાં નિશ્ચિંત થઈને ગરબા રમી શકાય. અમને એક પરિવાર તરીકે નવરાત્રિમાં સાથે રહેવાનો અવસર મળી રહે છે.’

મીરા-ભાઈંદરમાં નવરાત્રિ મોટા પાયે ઊજવાય છે, પણ આ વર્ષે ખૂબ સૂનું લાગી રહ્યું છે: વૈશાલી મહેતા

ભાઈંદરમાં રહેતાં વૈશાલી મહેતા નવરાત્રિ ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. તેઓ કહે છે, ‘કોરોનાને કારણે એક ચિંતા હતી કે નવરાત્રિ ઊજવી શકશું કે નહીં અને આ મહામારીનો સમય વધતાં જ મન નિરાશ થવા લાગ્યું. પહેલાં હું કમર્શિયલ નવરાત્રિમાં રમવા જતી હતી, પણ છેલ્લાં ત્રણેક વર્ષોથી મીરા-ભાઈંદરમાં એટલા મોટા પાયે આ ઉત્સવ ઊજવાય છે કે બહાર જવાની જરૂર જ નથી પડતી. મને એટલે જ ખૂબ સૂનું લાગી રહ્યું છે. અમારા વિસ્તારમાં લાઇટિંગ, ઑર્કેસ્ટ્રાનો એ અવાજ, ગરબા સાંભળવાની અને એની પર રમવાની મજા આ બધું યાદ આવી રહ્યું છે. અમારા કૉમ્પ્લેક્સના ૨૫ જણનું ગ્રુપ છે અને અમે રંગ અને ક્યારે કેવો પહેરવેશ પહેરવાનો એ નક્કી કરીએ છીએ. આઠમને દિવસે ભારતીય પારંપારિક પહેરવેશ પહેરીએ જ છીએ, પણ અમુક દિવસે ઇન્ડો-વેસ્ટર્ન કપડાં પહેરીને ગરબા રમીએ. અમારે ત્યાં દર વર્ષે નવા-નવા સેલિબ્રિટીઝને પણ આમંત્રિત કરવામાં આવે છે અને એક જિજ્ઞાસા એ હોય છે  કે આ વર્ષે કોણ આવશે. હવે તો એનો વિચાર પણ નથી કરવાનો. હું આશરે ૨૨ વર્ષોથી નવરાત્રિનો આનંદ લઉં છું. પહેલાં આખી રાત અમે ગરબા રમતાં હવે તો સમયની પાબંદી છે એટલે ત્રણ જ કલાક મળે છે. મારી નજરે આ નવ રાતનો એવો સમૂહ છે જેમાં વિવિધ રંગો દેખાય છે, માતાજીનાં ગરબા દ્વારા ભક્તિ થાય છે અને આના તાલ પર ઝૂમવાની મજા પણ આ દિવસોમાં અનેરી જ હોય છે. આ બધું તો આ વર્ષે ગુમાવી જ રહ્યા છીએ, પણ સાથે ગરબા પતી ગયા પછી ત્યાંની ફૂડકોર્ટમાં ખાવાનો આનંદ પણ યાદ આવી રહ્યો છે.’

આ વર્ષે નવરાત્રિમાં જરાય ચેન નહીં  પડે: મહિમા કાનાબાર

શંકરબારી લેનમાં રહેતી મહિમા કાનાબાર તેમની લેનમાં થતી નવરાત્રિ ઉત્સવમાં છેલ્લાં અગિયાર વર્ષોથી ગરબા રમે છે. તેઓ કહે છે, ‘હું ગરબા રમું છું. મને એટલો શોખ છે કે હું નવાં સ્ટેપ્સ મારી જાતે દર વર્ષે શીખીને મારે ત્યાં રહેનાર અન્ય છોકરીઓને પણ શીખવું છું. આ વર્ષે આટલાં વર્ષોમાં પહેલી વાર હું નવરાત્રિમાં રમવા નહીં જઈ શકું અને મને એમ થાય છે કે ગરબાની મજા લેવા આ વર્ષે હું શું કરું. મને સૂનું પણ ખૂબ લાગશે. દર વર્ષે માતાજીની આરતી પછી અમે ગરબા રમવાનું શરૂ કરીએ છીએ. મારા બધાં ફ્રેન્ડ્સ, પરિવારના લોકો અમે બધા સાથે મળીને ખૂબ ઉત્સાહથી અહીં રમતાં હોઈએ છીએ. અમે નવ દિવસમાં જે રંગો હોય એ પ્રમાણેનાં કપડાં પહેરીએ છીએ. ઇન્ડો-વેસ્ટર્ન માટે અમુક દિવસ વેસ્ટર્ન કપડા પર ટ્રેડિશનલ જૅકેટ અને આભૂષણો પહેરીએ, ક્યારેક અનારકલી, ક્યારેક બધી છોકરીઓ કેડિયું પહેરીએ અને આઠમે એકદમ ભારતીય પહેરવેશ ધારણ કરીએ અને એવી જ રીતે તૈયાર થઈએ. આ વર્ષે મને સજવાનું, નવાં કપડાં પહેરવાનું ખૂબ મન થશે, પણ ગરબા નથી તો કોઈ જ મજા નહીં આવે. અમારે ત્યાં ક્યારેક મંડળવાળા અને ક્યારેક જેમની આરતી હોય તેઓ તરફથી ખાવા-પીવાના સ્ટૉલ્સ પણ રહેતા‍. અમને વધારે મજા આવતી કારણ કે અમે અમારી લેનમાં જ આ બધી મજા કરતા અને તેથી જ આ વર્ષે નવરાત્રિ વગર જરાય ચેન નહીં  પડે.

નવરાત્રિમાં રમવા નહીં મળે તેથી મનમાં એક કમી અનુભવાય છે: રશ્મિ કારિયા

સાંતાક્રુઝ કાલીનામાં રહેતાં રશ્મિ કારીયા કહે છે, ‘નવરાત્રિ મારો પ્રાણ છે, મારી જાન છે અને આ વર્ષે નવરાત્રિમાં રમવા નહીં મળે તેથી મનમાં એક કમી અનુભવાય છે. હું અમુક દિવસ મારી સોસાયટીમાં તો ક્યારેક પાર્લામાં ફર્સ્ટ રોડ પર રમવા જાઉ છું.  મારા બે-ત્રણ અલગ-અલગ ગ્રુપ છે અને નવરાત્રિમાં દરેક સખીઓ અને મિત્રો સાથે મને મળવાનો અવસર મળે છે, જે આ વર્ષે નહીં મળે. દર વર્ષે હું મારા બધાં કામ જલ્દી પતાવીને નીકળી જાઉં છું. મારી અઢી વર્ષની એક દીકરી છે, પણ હું ગરબા રમવા જાઉં ત્યારે મારા પરિવારના સભ્યો મારી દીકરીને સંભાળી લે છે. દર વર્ષે નવાં સ્ટેપ્સની પ્રૅક્ટિસ કરવા મારું આખું ગ્રુપ પંદર દિવસ ખૂબ મહેનત કરે છે. પ્રૅક્ટિસના સમયથી જ અમારા હૃદયમાં હરખની હેલીઓ દોડવા લાગે છે અને જાણે અમે બધાં અમારા જીવનની દરેક સમસ્યાને ભૂલી જઈએ છીએ. આજની તનાવની જિંદગીમાં નવરાત્રિ એક સ્ટ્રેસબસ્ટર છે. આ વર્ષે અમને એવું લાગે છે કે આખી નવરાત્રિમાં એક દિવસ તો મને ક્યાંક રમવા મળી જાય, પણ એ મુશ્કેલ થશે તેથી હું ઘરે જ તૈયાર થઈને બધાને ઑનલાઇન રમવાનું કહેવાની છું. હું ઇચ્છું છું કે એક વાર થોડા સમય માટે તો મને ગરબા રમવાનો આનંદ મળી જાય. આ એક જ એવો ઉત્સવ છે જેની મને આખું વર્ષ રાહ હોય છે અને એમાં સહભાગી થઈને મારું મન તૃપ્ત થઈ જાય છે.’

નવરાત્રિ મહોત્સવને ભલે કોવિડ-19એ આયોજિત થવાથી અટકાવી દીધો છે, પણ ખેલૈયાઓ તો મનથી નવરાત્રિના ગ્રાઉન્ડમાં ડોલી જ રહ્યા છે. આ વર્ષે નવરાત્રિના ગ્રાઉન્ડનું સરનામું દરેકનું હૃદય છે અને સંગાથમાં તમારા મનમાં યાદ આવે એ મિત્રો છે. બસ, તો આવો પોતાના અસ્તિત્વનો ઉત્સવ મનાવો, કારણ કે ‘સર સલામત તો પઘડિયાં હઝાર’. આ વર્ષે સલામત હોઈશું તો આવનાર દરેક વર્ષોની નવરાત્રિ રંગે ચંગે મનાવી શકાશે. 

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2020 08:01 PM IST | Mumbai | Bhakti D Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK