મોદીનું હોમવર્ક બહુ કાચું છે, મહારાષ્ટ્ર ગુજરાતથી અગ્રેસર : આનંદ શર્મા

Published: 6th October, 2014 05:16 IST

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કૉન્ગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે વડા પ્રધાને કંઈ પણ કહેતાં પહેલાં પૂરતી તૈયારી કરવી જોઈએ
વિકાસ અને શિક્ષણની બાબતમાં મહારાષ્ટ્ર ગુજરાતથી આગળ હોવાનો દાવો કરતા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કૉન્ગ્રેસના નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કંઈ પણ કહેતાં પહેલાં પૂરતું હોમવર્ક કરવું જોઈએ. મોદીને અહીં ચૂંટણી જીતવાનો ડર હોવાથી તેઓ વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં વીસ જાહેર સભાઓ યોજી રહ્યા છે. મોદીએ શનિવારે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રને ગુજરાતથી અગ્રેસર જોવા માગે છે, પરંતુ હકીકતમાં વર્ષ ૨૦૦૦થી ૨૦૧૩ સુધીના આંકડા દ્વારા મહારાષ્ટ્ર ગુજરાત કરતાં ખૂબ આગળ હોવાનું સ્પષ્ટ થાય છે.’ 

તેમના નિવેદનના કેટલાક મુદ્દા પર નજર કરીએ.

કુપોષણથી મૃત્યુ ગુજરાતમાં વધારે

મહારાષ્ટ્રે મહત્તમ સીધું વિદેશી મૂડીરોકાણ મેળવ્યું છે એ બાબતમાં ગુજરાત પાંચમા ક્રમે હતું. કૉન્ગ્રેસપ્રણિત સરકારે કેન્દ્ર સરકારનો અખત્યાર છોડ્યો ત્યારે મહારાષ્ટ્ર ઔદ્યોગિકીકરણમાં પ્રથમ ક્રમે હતું. શિક્ષણ, પીવાના પાણીની સુવિધા વગેરે બાબતમાં પણ આ રાજ્ય ગુજરાત કરતાં આગળ છે. કુપોષણથી મૃત્યુના આંકડા પણ ગુજરાતમાં વધારે છે.

મોદી ડરી ગયા

મહારાષ્ટ્રમાં ૧૫ ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણી પૂર્વે મોદીની વીસ જાહેર સભાઓનું આયોજન મોદી ડરી ગયા હોય એવું દર્શાવે છે. આઝાદી પછી પહેલી જ વખત આપણી પાસે કોઈ અલગ સંરક્ષણપ્રધાન નથી. સંરક્ષણ મંત્રાલય પણ નાણાપ્રધાનને સોંપાયું છે અને તેમની તબિયત પણ હમણાં સારી નથી. વળી મોદીની મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ પણ આગલી સરકારની યોજનાઓ અને નીતિઓના અમલથી વિશેષ કંઈ નથી.

પ્રવચનનું પ્રસારણ વાંધાજનક

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતના પ્રવચનનું દૂરદર્શન પર પ્રસારણ વાંધાજનક અને ટીકાપાત્ર છે. એ બાબત ગંભીર છે.  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK