પાવર કટ : સોશ્યલ મીડિયામાં મીમ્સથી સરકારની ટીકા કરાઈ

Updated: Oct 13, 2020, 10:43 IST | Mumbai Correspondent | Mumbai

શોભા ડે, કંગના રનોટ, અનુપમ ખેર અને અરમાન મલિક સહિત ટ્‌વીટ કરીને મહારાષ્ટ્ર સરકારને નિશાન બનાવાઈ

મીમ્સ
મીમ્સ

મુંબઈ સહિત થાણે અને આસપાસના વિસ્તારમાં ગઈ કાલે અચાનક કલાકો સુધી પાવર કટ થવાથી સોશ્યલ મીડિયામાં મીમ્સના માધ્યમથી રાજ્ય સરકાર પર ટીકાસ્ત્ર છોડાયાં હતાં. ઇન્ટરનેટ પર મીમ્સનો મારો ચલાવાતો હતો ત્યારે બૉલીવૂડ અભિનેત્રી કંગના રનોટે પણ તક ઝડપી લઈને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાક્યું હતું.

વીજપુરવઠો ખંડિત થયા બાદ કંગના રનોટે એક ટ્‌વીટ કરી હતી જેમાં શિવસેનાના નેતા સંજય રાઉત અને સ્ટૅન્ડઅપ કૉમેડિયન કુણાલ કામરાનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટોને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘મુંબઈમાં પાવર કટ, આવા સમયે મહારાષ્ટ્રની સરકાર ક-ક-ક-. કંગના’ આવું લખીને કંગનાએ સરકારની આકરી ટીકા કરી હતી.

કંગના ઉપરાંત અભિનેતા અનુપમ ખેરે પણ ‘બત્તી ગુલ’ ટ્‌વીટ કરીને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાક્યું હતું. અભિનેતા અરમાન મલિકે પણ વીજળી ગઈ હોવાની ટ્‌વીટ કરી હતી.

જાણીતા લેખિકા શોભા ડેએ પણ ટ્‌વીટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે આખા મુંબઈમાં વીજળી ગાયબ થઈ ગઈ છે. આ અપેક્ષિત નથી. કોઈ ટનલમાં હોય એવી રીતે મુંબઈ અંધારામાં જતું રહ્યું છે એવી ટીકા કરી હતી. તેમણે ટ્‌વીટમાં મુંબઈ મહાનરપાલિકા અને તાતા પાવરને પણ ટૅગ કર્યાં હતાં.

ગઈ કાલે સવારે ૧૦.૦૫ વાગ્યાથી ૧.૨૦ વાગ્યા દરમ્યાન સંપૂર્ણ મુંબઈ સહિત થાણે અને આસપાસના કેટલાક વિસ્તારમાં અચાનક પાવર કટ થઈ જતાં બધું થંભી ગયું હતું. ટ્રેનોથી માંડીને લિફ્ટ અચાનક રોકાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

એ ચેનલ જોતા રોકવાનો એક જ માર્ગ પાવર કટ

મુંબઈમાં ગઈ કાલે કલાકો સુધી વ્યાપક સ્તરે વીજળી જતાં નેટિઝન્સે સોશ્યલ મીડિયા પર રમૂજી અને હળવી પોસ્ટનો મારો ચલાવ્યો હતો. ‘મુંબઈવાસીઓ, શું તમારા ફ્રીઝરમાં આઇસક્રીમ છે? જો હોય તો અત્યારે જ આરોગી લેજો’ એમ એક રહેવાસીએ લખ્યું હતું. તો મહિન્દ્રા ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રાએ ‘ઊછળકૂદ કરી રહેલા’ વીજળીના થાંભલાઓનો રમૂજસભર વિડિયો ટ્વીટ કર્યો હતો.

અન્ય એક ટ્વિટર યુઝરે ઇન્વર્ટરથી વીજ પુરવઠો મેળવી રહેલા એક રૂમમાં ચાર્જ થઈ રહેલા બે ડઝન મોબાઇલ ફોન દર્શાવતો ફોટો પોસ્ટ કર્યો હતો. એવી જ રીતે અભિનેતા-કૉમેડિયન વીર દાસે ટ્વીટ કર્યું હતું કે ‘મુંબઈમાં પાવર’ વિના કશું જ કરવું મુશ્કેલ છે. એમાં... વીજળી જતી રહી છે.’

બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે ક્રિકેટના સ્ટેડિયમમાં ખાલી ખુરશીઓની હરોળ દર્શાવતો ફોટો મૂક્યો હતો અને લખ્યું હતું, ‘અમે જાણીએ છીએ કે ‘ફૅન્સ’ (અહીં પંખાના અર્થમાં) વિના ચલાવવું મુશ્કેલ છે. મુંબઈવાસીઓ, જુસ્સો જાળવી રાખો.’

અભિનેતા અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું હતું, ‘સૌને આશ્ચર્ય શા માટે થઈ રહ્યું છે? આ 2020 છે. કોઈએ તો પાવર ઑફ કરવાનો જ હતો.’ તો અન્ય એક યુઝરે લખ્યું હતું ‘મુંબઈમાં પાવરકટ ટ્રેન્ડિંગ છે, લોકોને રિપબ્લિક ટીવી જોતાં અટકાવવાનો શિવસેના પાસે આ એકમાત્ર માર્ગ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK