Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક રાતમાં ૧૩ ઇંચ વરસાદથી મુંબઈ પાણી-પાણી

એક રાતમાં ૧૩ ઇંચ વરસાદથી મુંબઈ પાણી-પાણી

24 September, 2020 12:38 PM IST | Mumbai
Prakash Bambhrolia

એક રાતમાં ૧૩ ઇંચ વરસાદથી મુંબઈ પાણી-પાણી

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


સડક, રેલ અને હવાઈ માર્ગ પ્રભાવિત : અનેક વિસ્તાર પાણીમાં ગરકાવથી ૨૬ જુલાઈની યાદ તાજી થઈ : આ ચોમાસામાં બાવન કરતાં વધારે ઇંચ વરસાદ નોંધાયો : સપ્ટેમ્બર મહિનાનો ઑલટાઇમ રેકૉર્ડ : લિફ્ટના ડક્ટમાં પાણી ભરાતાં બે વૉચમૅને જીવ ગુમાવ્યા : બૉમ્બે સેન્ટ્રલ બસ ડેપોમાં ૩૫ વર્ષે પાણી ભરાયું : આજે પણ બપોર સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાથી હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું : બીએમસીએ અત્યંત જરૂરી કામ સિવાય ઘરમાંથી ન નીકળવાની સૂચના આપી

મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મંગળવારની સાંજ અને બુધવારની બપોર સુધીમાં ૧૩ ઇંચ કરતાં વધારે વરસાદ પડવાને લીધે શહેરના અનેક વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ ગયાં હતાં. હાઇવેથી લઈને ફ્લાયઓવરોમાં પાણી ફરી વળતાં વરસાદે ફરી ૨૬ જુલાઈની યાદ તાજી કરાવી હતી. આગ્રીપાડામાં લિફ્ટના ડક્ટમાં પાણી ભરાતાં બે વૉચમૅનનાં ગૂંગળાઈને મૃત્યુ થયાં હતાં. ભારે વરસાદથી હ્યુજિસ રોડ પર જમીન ધસતાં ઘરોમાં કાદવ ધસી ગયો હતો. મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં પાણી ઘૂસી જવાથી કોરોના વાઇરસના સંક્રમણનું જોખમ ઊભું થયું હતું. હવામાન વિભાગે આજે બપોર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી ગઈ કાલે કરી હતી.
મંગળવારે સાંજે શરૂ થયેલા વરસાદે રાત્રે મુંબઈગરાઓ સૂતા હતા ત્યારે શહેરમાં ધબધબાટી બોલાવી હતી. સવારે લોકો જાગ્યા ત્યારે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હોવાનું જોવા મળ્યું હતું. રેલવેના પાટાઓ ઉપર અને સ્ટેશનોમાં પાણી ભરાવાથી ત્રણેય લાઇનોની લોકલ ટ્રેનો બંધ થઈ ગઈ હતી, જ્યારે હાઇવેથી માંડીને અંદરના રસ્તાઓમાં કમર સુધી વરસાદનું પાણી ભરાયેલું હોવાથી ચારેકોર ભારે ટ્રાફિક જૅમ સર્જાતાં હજારો લોકો ફસાઈ ગયા હતા.
વરસાદને લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલે અત્યાવશ્યક સેવાઓ સિવાયના તમામ લોકોને કામકાજ બંધ રાખવાની સૂચના જાહેર કરી હતી. જોકે લોકો સવારે ઘરેથી નીકળી ગયા હોવાથી તેઓ રસ્તામાં ફસાઈ ગયા હતા.
મંગળવાર સવારથી બુધવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીમાં કોલાબામાં ૧૪૭.૮ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૨૮૬.૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો. જોકે દક્ષિણ મુંબઈના કેટલાક વિસ્તારમાં ૩૧૪ મિ.મી. વરસાદ થયો હોવાનું પાલિકાના રેકૉર્ડમાં નોંધાયું હોવાથી અહીં સૌથી વધારે અસર થઈ હતી. આ ચોમાસાની સીઝનમાં મુંબઈમાં અત્યાર સુધી ૩૫૭૧ મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે, જે સામાન્ય કરતાં ઘણો વધારે છે.
નાયર હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં પાણી
મુંબઈ સેન્ટ્રલમાં આવેલા નાયર હૉસ્પિટલ પરિસર અને કોવિડ વૉર્ડમાં પાણી ધસી આવતાં પેશન્ટો મુશ્કેલીમાં મુકાયા હતા. હૉસ્પિટલના કાર્યકારી ડીન ડૉ. સતીશ ધરાપે કહ્યું હતું કે વરસાદનું પાણી હૉસ્પિટલમાં ભરાવાને લીધે અનેક પેશન્ટોને બીજા વૉર્ડમાં શિફ્ટ કરાયા હતા. પાણી ભરાવાની આ મુશ્કેલીથી કોરોનાનું સંક્રમણ ફેલાવાનું જોખમ ઊભું થયું હતું.
આગ્રીપાડામાં બે વૉચમૅનનાં મૃત્યુ
વરસાદને લીધે આગ્રીપાડામાં કાળા પાણી જંક્શન પાસેના નાથાની રેસિડન્સીના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું હતું. અહીં કામ કરતા બે વૉચમૅન જમીર સોહનન અને શહજાદ મેમણ પાણી ચાલુ કરવા માટે બેઝમેન્ટમાં ગયા હતા. અહીંથી તેઓ લિફ્ટમાં ઉપર આવતા હતા ત્યારે લિફ્ટ બંધ ગઈ હતી. દરવાજો લૉક થવાથી તેમણે બચવા માટે અલાર્મ વગાડ્યું હતું. રહેવાસીઓ અલાર્મ સાંભળીને દોડી આવ્યા હતા. તેમણે લિફ્ટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો એ દરમ્યાન વરસાદનું પાણી લિફ્ટમાં ભરાઈ ગયું હતું. બાદમાં ફાયરબ્રિગેડના જવાનોએ લિફ્ટ ખોલી હતી. જોકે એટલા સમયમાં બન્ને વૉચમૅનનાં મૃત્યુ થયાં હતાં.
સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો
ગોરેગામ, સાયન, ચેમ્બુર, કુર્લા, કિંગ્સ સર્કલ, અંધેરી (ઈસ્ટ) અને સાંતાક્રુઝ વગેરે વિસ્તાર વરસાદથી વધારે પ્રભાવિત થયા હતા. અહીં અનેક ઘરોમાં પાણી ભરાઈ જતાં પાલિકાની ટીમે લોકોને બહાર કાઢ્યા હતા.
મુંબઈ સેન્ટ્રલ બસ ડેપોમાં પાણી
મુંબઈ સેન્ટ્રલમાં આવેલા બસના ડેપોમાં બુધવારે સવારે પાણી ભરાઈ ગયું હતું. આ વિસ્તારમાં ૨૬ જુલાઈએ પણ પાણી નહોતું ભરાયું. ૩૫ વર્ષ બાદ સપ્ટેમ્બરના વરસાદમાં અહીં પાણી આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ડેપોની આસપાસનો વિસ્તાર નીચાણવાળો હોવાથી અહીં ચોમાસામાં વધારે વરસાદ થાય ત્યારે પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોવાનું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું.
સપ્ટેમ્બરમાં ૩૯ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો
મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં ૨૪ કલાકમાં સૌથી વધારે વરસાદ થવાનો ૨૬ વર્ષ જૂનો રેકૉર્ડ ગઈ કાલે તૂટ્યો હતો. ૨૩ સપ્ટેમ્બર, ૧૯૮૧ના દિવસે ૩૧૮.૦૨ મિ.મી. વરસાદ થયો હતો, જે ગઈ કાલે તૂટ્યો હતો. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦માં ૩૨૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો. આ પહેલાં ૨૦૧૬માં ૩૦૩ મિ.મી., ૧૯૯૩માં ૩૧૨ મિ.મી. વરસાદ પણ સપ્ટેમ્બર મહિનામાં થયો હતો. જોકે એક દિવસમાં મુંબઈમાં સૌથી વધુ ૩૩૧.૨ મિ.મી. વરસાદ પાંચ અને ૬ ઑગસ્ટ, ૧૯૮૦માં નોંધાયો હતો જે અત્યાર સુધીનો રેકૉર્ડ છે.
જે. જે. ફ્લાયઓવર પર પાણીનો ધોધ
દક્ષિણ મુંબઈના કેટલાક વિસ્તારમાં અતિશય ભારે વરસાદ પડ્યો હોવાથી જે. જે. ફ્લાયઓવર પર પણ વરસાદના પાણીનો ભરાવો થયો હતો. આ પાણી નીચે ધોધની જેમ પડતું હોવાના વિડિયો વાઇરલ થયા હતા. ફ્લાયઓવરના વચ્ચેના ભાગમાં પાણીના નિકાલ માટેની પાઇપ્સ મુકાઈ હોવા છતાં વરસાદ જ એટલો જોરદાર હતો આ પાઇપ્સ નકામી પુરવાર થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2020 12:38 PM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK