બાળ ઠાકરેને જન્મજયંતીએ નરેન્દ્ર મોદી સહિત સેંકડો નેતાઓની શ્રદ્ધાંજલિ

Published: Jan 24, 2020, 07:49 IST | Mumbai

શિવસેનાના સ્થાપકે આદર્શો અને સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન નહોતું કર્યું

શિવાજી પાર્કમાં બાળાસાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપતા શિવસૈનિકો. તસવીરઃ બિપિન કોકાટે
શિવાજી પાર્કમાં બાળાસાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપતા શિવસૈનિકો. તસવીરઃ બિપિન કોકાટે

ગઈ કાલે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની ૯૪મી જન્મજયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિત વિવિધ રાજકીય પક્ષોના અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. મોટા ભાગના નેતાઓએ બાળાસાહેબ માટે માનની લાગણી વ્યક્ત કરતાં તેમના સિદ્ધાંતો અને આદર્શો સાથે ચેડાં કરવા બદલ તેમના પુત્ર અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ટોણો માર્યો હતો.

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘બાળાસાહેબ જનસામાન્યના મુદ્દે અવાજ બુલંદ કરવામાં ખચકાતા નહોતા. તેઓ ભારતીય મૂલ્યો માટે ગર્વ અનુભવતા હતા અને આજે પણ લાખો લોકોના પ્રેરણામૂર્તિ છે.’

ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘બાળાસાહેબ સિદ્ધાંતો અને વિચારધારા સાથે ક્યારેય બાંધછોડ નહીં કરનારા પ્રખર બૌદ્ધિક હતા. પ્રખર વક્તારૂપે તેઓ લાખોની મેદનીને સંમોહિત કરતા હતા. તેઓ આદર્શો પ્રત્યે નક્કર નિષ્ઠા ધરાવતા હતા. જે કહે અને જે માનતા હોય એમાં મક્કમ રહેતા હતા. તેમનું જીવન અને તેમનાં મૂલ્યો આપણે માટે પ્રેરણારૂપ છે.’

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટર પર જણાવ્યું હતું કે ‘બાળાસાહેબ ખૂબ કડક સ્વભાવના હતા, પરંતુ એટલા જ પ્રેમાળ, ઊર્જાવાન અને પ્રોત્સાહક હતા. તેમના વિચારો આપણે માટે માર્ગદર્શક બની રહેશે.’

શિવસેનાના ટોચના નેતાઓ અને કાર્યકરો ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિત મહારાષ્ટ્રના રાજકારણના ધૂરંધરોએ દાદરના શિવાજી પાર્ક ખાતેના બાળાસાહેબના સ્મારકે જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વિખ્યાત પાર્શ્વ ગાયિકા લતા મંગેશકરે બાળાસાહેબને છત્રપતિ શિવાજી મહારાજના ભક્તરૂપે બિરદાવ્યા હતા. રેતશિલ્પોના મહારથી સુદર્શન પટનાયકે ઓડિશાના જગન્નાથપુરીના દરિયાકિનારે બાળાસાહેબની પ્રતિમાનું શિલ્પ કંડાર્યું હતું. રાજ્યના પર્યટન ખાતાના પ્રધાન અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યે ટ્વિટર પર દાદા બાળાસાહેબ જોડેનો ફોટોગ્રાફ શૅર કર્યો હતો.

ઉદ્ધવ જોડે અયોધ્યા જવા માટે કૉન્ગ્રેસ અને એનસીપીને આમંત્રણ આપીશું: રાઉત

શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં સત્તા પર ૧૦૦ દિવસની પૂર્ણાહુતિ નિમિત્તે આગામી માર્ચ મહિનામાં અયોધ્યા જાય ત્યારે એમની સાથે જવા માટે કૉન્ગ્રેસ અને એનસીપીના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે. શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘માર્ચ મહિનામાં અયોધ્યાની મુલાકાત વેળા સરકારમાં સહયોગી પક્ષોને પણ જોડાવાનો અનુરોધ કરવામાં આવશે. ભગવાન રામનાં દર્શન કરવાને ત્રણ પક્ષો વચ્ચેના કૉમન મિનિમમ પ્રોગ્રામને કોઈ સંબંધ નથી.’ ઉદ્ધવ ઠાકરે ૨૦૧૯ના એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી બાદ પક્ષના ૧૮ સાંસદો જોડે અયોધ્યા ગયા હતા.

આ પણ વાંચો : બંગલાદેશી અને પાકિસ્તાની મુસ્લિમોને ભગાડો : રાજ ઠાકરે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી શિવસેનાએ બીજેપી સાથે સંબંધો તોડી નાખ્યા પછી પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની અયોધ્યાની પ્રથમ મુલાકાત થશે. અગાઉ ૨૪ નવેમ્બરની મુલાકાત ઉદ્ધવ ઠાકરેએ મોકૂફ રાખી હતી. સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘ઉદ્ધવજીએ ૨૦૧૯ ૨૮ નવેમ્બરે મુખ્ય પ્રધાનપદના શપથ લીધા પછી તાજેતરમાં રાજ્યમાં શિવસેનાની સત્તાને પચાસ દિવસ પૂરા થયા. સરકાર પાંચ વર્ષ સારી રીતે પસાર કરશે. સરકારના ૧૦૦ દિવસ પૂરા થાય ત્યારે અયોધ્યા જવાનો કાર્યક્રમ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK