રાજ્યમાં છૂટક હિંસા, વરસાદના વિઘ્ન વચ્ચે મતદાનની ટકાવારી ઘટી

Published: Oct 22, 2019, 07:54 IST | મુંબઈ

૨૦૧૪માં ૬૪ ટકાની સામે આ વખતે પાંચ ટકાના ઘટાડા સાથે ૫૮.૯૪ ટકા જ મતદાન

વોટ
વોટ

ગયા એક મહિનાથી ચાલેલા પ્રચાર અને રાજકારણીઓએ એકમેક પર લગાવેલા આરોપ-પ્રત્યારોપ બાદ ગઈ કાલે મુંબઈ સહિત રાજ્યભરમાં વિધાનસભાની ૨૮૮ બેઠકો માટે છૂટીછવાઈ હિંસાની ઘટના સાથે મતદાન પાર પડ્યું હતું. જોકે ૨૦૧૪ની તુલનાએ આ વખતે મતદારોએ ચૂંટણીમાં ઓછો રસ દાખવવાની સાથે કેટલેક સ્થળે વરસાદને લીધે ટકાવારી ઘટી છે. ૨૦૧૪માં ૬૪ ટકા મતદાનની સામે આ વખતે સરેરાશ ૫૮.૯૪ ટકા જ મત પડ્યા હતા.

રાજ્યભરમાં ચૂંટણી માટે રિઝર્વ પોલીસ દળની ૩૫૦ ટુકડી સાથે ત્રણ લાખ પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી જ મતદાર નિરુત્સાહ જોવા મળ્યા હતા. મુંબઈ ‌સહિતનાં રાજ્યભરનાં મોટા ભાગનાં મતદાન કેન્દ્ર પર એકલદોકલ લોકો જ જોવા મળ્યા હતા. બપોર બાદ મોટી સંખ્યામાં મતદારો ઘરની બહાર નીકળવાની આશા હતી એ પણ ઠગારી નીવડી હતી. ઔરંગાબાદ, બીડ, બારામતી, કોલ્હાપુર, નાશિક, જળગાંવ, ગઢચિરોલી સહિત અનેક ઠેકાણે હળવાથી મધ્યમ વરસાદ પડવાથી મત આપવા આવેલા લોકો મત આપવાની લાઇન છોડીને ઘરભેગા થયા હતા. જોકે ઔરંગાબાદમાં પુલ વહી ગયા બાદ તહેસીલ પ્રશાસને મતદારો માટે બોટની વ્યવસ્થા કરતાં લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

કાર્યકરો ભીડ્યા

કર્જત-જામખેડ મતદારસંઘમાં બીજેપી-એનસીપીના કાર્યકરો વચ્ચે હાથાપાઈ થવાની સાથે બોગસ મતદાન બાબતે બીડમાં બે જૂથ વચ્ચે રાડો થયો હતો. ઔરંગાબાદમાં પણ બોગસ મતદાન બાબતે એમઆઇએમ અને એનસીપીના કાર્યકરો સામસામે આવી ગયા હતા. નાંદેડમાં દેવલુર ખાતે ચૈનપુરમાં વંચિત બહુજન આઘાડીના ઉમેદવાર પ્રા. રામચંદ્ર ભરાંડે પર હુમલાનો પ્રયાસ થયો હતો.

ઈવીએમ બગડ્યાં

રાજ્યમાં અનેક જગ્યાએ ઈવીએમ બંધ પડવાં કે બગડવાની સમસ્યા સામે આવી હતી. આથી મતદારોએ લાંબા સમય સુધી મત આપવા લાઇનમાં ઊભા રહેવું પડેલું. મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ સહિતના મતદારસંઘોમાં પણ ઈવીએમની સમસ્યા ઊભી થતાં અનેક મતદારો મતદાનથી વંચિત રહ્યા હતા.

રાજકારણી, સેલિબ્રિટીઝે મતદાન કર્યું

રાજકારણીઓ અને સેલિબ્રિટીઓએ મત આપીને લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

પુણેમાં પાષણ ખાતે એન.સી.એલ. મતદાન કેન્દ્ર પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે મતદાન કર્યું હતું. પુણેમાં જ ‘ચલા હવા યેઉ ધ્યા’ ફેમ ભારત ગણેશપુરેએ પત્ની સાથે મત આપ્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, એનસીપીના ચીફ શરદ પવાર, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, રશ્મી ઠાકરે, આદિત્ય ઠાકરે, રામદાસ આઠવલે, ભૂતપૂર્વ કેન્દ્ર‌ીય પ્રધાન રામ નાઈક, ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા એકનાથ ખડસે, પૃથ્વીરાજ ચવાણ, અશોક ચવાણ, નારાયણ રાણે, મનોહર જોશી, રાજ ઠાકરે, કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાત, એકનાથ શિંદે, અભિનેતા આમિર ખાન, શાહરુખ ખાન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન વગેરેએ મતદાન કર્યું હતું.

આ પણ વાંચો : બીજેપીના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાના ભાઈની દાદાગીરી

આ દિગ્ગજોનાં ભાવિ મતપેટીમાં બંધ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રકાન્ત પાટીલ, શિવસેનાના વરલીના ઉમેદવાર આદિત્ય ઠાકરે, રવીન્દ્ર વાયકર, આશિષ શેલાર, યોગેશ સાગર, મિહિર કોટેચા, પરાગ શાહ, ગિરીશ મહાજન, પંકજા મુંડે, ગણેશ નાઈક, સુધીર મુનગંટીવાર, રાધાકૃષ્ણ વિખે પાટીલ, અજિત પવાર, છગન ભુજબળ, ધનંજય મુંડે, રોહિત પવાર, જયંત પાટીલ,‌ જિતેન્દ્ર આવ્હાડ, પ્રદીપ શર્મા સહિતના પીઢ નેતાઓનાં ભાવિ મતપેટીમાં બંધ થઈ ગયાં છે. ૨૪ ઑક્ટોબર એટલે કે ગુરુવારે મતગણતરી હાથ ધરાશે ત્યારે આમાંથી કોણ વિજયી બનશે અને કોને પરાજયનો સામનો કરવો પડશે એ જાણી શકાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK