Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : દેશદ્રોહ કે રાજદ્રોહ... નક્કી કેવી રીતે થાય?

કૉલમ : દેશદ્રોહ કે રાજદ્રોહ... નક્કી કેવી રીતે થાય?

05 April, 2019 03:03 PM IST |
મિતેષ સોલંકી

કૉલમ : દેશદ્રોહ કે રાજદ્રોહ... નક્કી કેવી રીતે થાય?

બંધારણના નિષ્ણાત

બંધારણના નિષ્ણાત


બંધારણના બારણેથી

ચૂંટણીનો માહોલ છે અને વિવિધ રાજકીય પક્ષો વચનોની લહાણી કરતા જોવા મળે છે. તાજેતરમાં રાજકીય પક્ષના ઢંઢેરામાં દર્શાવેલી એક બાબત ચર્ચાના ચકડોળે ચડી ગઈ છે. મૅનિફેસ્ટો મુજબ જો કૉંગ્રેસની સરકાર બનશે તો ભારતીય દંડ સંહિતા (IPC)-૧૨૪-Aમાં સંશોધન કરીને નાબૂદ કરવામાં આવશે.



થોડાં વર્ષોથી દેશમાં બે શબ્દો પ્રચલિત બન્યા છે, દેશદ્રોહ અને રાજદ્રોહ. આજના લેખમાં આગળ વધતાં પહેલાં આપણે આ બન્ને શબ્દોને થોડો સમજવાનો પ્રયત્ન કરી લઈએ...


દેશદ્રોહ : એટલે ભારતદેશનો નાગરિક જો દેશ સાથે વિશ્વાસઘાત કરે, દેશને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરે, તો દેશદ્રોહ કહેવાય જે ખૂબ ગંભીર બાબત કહેવાય.

રાજદ્રોહ : એટલે સ્થાપિત સરકાર સામે ધિક્કાર/તિરસ્કાર/અનાદર કરવો.


કલમ-૧૨૪-A રાજ્દ્રોહને વ્યાખ્યાયિત કરે છે. જો કોઈ વ્યક્તિ બોલેલા, લખેલા શબ્દો કે ચિહ્નો વડે અથવા જોઈ શકે તેવી નિશાનીઓ દ્વારા ભારતમાં કાયદાથી સ્થપાયેલી સરકાર પ્રત્યે ધિક્કાર અથવા તિરસ્કાર કે અનાદર પેદા કરે અથવા તેમ કરવાનો પ્રયત્ન કરે તો એ રાજદ્રોહ કહેવાય છે.

કલમ-૧૨૪-A, લોકશાહીના પાયારૂપ સિદ્ધાંત અભિવ્યક્તિની સ્વતંત્રતા આર્ટીકલ-૧૯(૧) પર નિયંત્રણ મૂકતી હોય તેવો ભાવ ઉત્પન્ન થાય છે. લોકશાહીમાં વ્યક્તિને પોતાની અસહમતી પ્રદર્શિત કરવાનો મૂળભૂત અધિકાર છે. આ કલમની અસ્પષ્ટ જોગવાઈના કારણે જ ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતે ઇન્ફર્મેશન ઍક્ટની કલમ ૬૬-Aને પણ રદ કરવાનો આદેશ આપ્યો. તે સમયે ઘણા લોકોએ કલમ-૧૨૪- Aને પણ રદ કરવાની માગ કરી હતી.

આ કલમના આધારે વ્યક્તિને જન્મટીપ અને દંડ અથવા ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે. ૧૨૪-A પોલીસ અધિકારનો ગુનો બને છે, જે બિનજામીનપાત્ર ગુનો છે.

આ કલમ અંતર્ગત પોલીસને કેટલાક અબાધિત અધિકાર મળી જાય છે તેમ જ સરકાર સાથે અસહમતી ધરાવતા/દર્શાવતા લોકોને કાયદાકીય રીતે હેરાન કરવાનાં દૃષ્ટાંત પણ જોવા મળે છે. આ કલમ અંગે કેટલાંક સ્પષ્ટીકરણ અહીં જાણી લેવાં જરૂરી છે. નીચે દર્શાવેલાં સ્પષ્ટીકરણ સામાન્ય લોકો નથી જાણતા અને તેથી કલમનો દુરુપયોગ થાય તો પણ સમજી શકતા નથી.

(૧) સ્થાપિત સરકાર સામેની બિનવફાદારી અને દુશ્મનાવટની દરેક લાગણીનો આ કલમમાં સમાવેશ થાય છે.

(૨) સરકારનાં પગલાંમાં ધિક્કાર, તિરસ્કાર અને બિનવફાદારી ફેલાવ્યા વગર નાપસંદવાળી ટીકા કલમમાં ગુનો બનતી નથી.

(૩) સરકારના વહીવટી અથવા બીજાં કાર્યો પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર કે બિનવફાદારી ફેલાવ્યા વગર નાપસંદ કરતી ટીકા ગુનો બનતો નથી.

વાસ્તવમાં આ કલમની જોગવાઈઓ સ્પષ્ટ ન હોવાથી શબ્દોનો અર્થ ઘણી રીતે કરી શકાય છે અને તેની આડમાં કલમનો ઉપયોગ/દુરુપયોગ કરવો સરળ છે.

સ્વતંત્રતા મળી એ પહેલાંથી લઈને આજ સુધીમાં ઘણા લોકોની આ કલમની આડમાં ધરપકડ કરવામાં આવી છે, જેમાં સામાજિક સેવક, નેતા, આંદોલનકર્તા, પત્રકાર, શિક્ષક તેમ જ વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. હાલમાં ઉપરોક્ત આરોપ (દેશદ્રોહ) અંતર્ગત જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના કૅમ્પસમાં કનૈયાકુમાર અને ઉમરખાલિદ દ્વારા દેશવિરોધી સૂત્રો ઉચ્ચારવા બદલ દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે.

એવો એક તર્ક પણ પ્રચલિત છે કે કલમ-૧૨૪-A એટલા માટે રાખવામાં સરકારને રસ છે, કારણ કે આ કલમની આડમાં એવા લોકોને નિયંત્રણમાં રાખી શકાય છે, જે સરકાર વિરુદ્ધ પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા હોય. ઉદાહરણ તરીકે જાણીતા કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ સંસદભવનનું એક કાર્ટૂન બનાવતાં વર્ષ ૨૦૧૨માં મહારાષ્ટ્રની સરકારે દેશદ્રોહ(?)નો આરોપ લગાવી તેમની ધરપકડ કરી હતી. તે સમયે સર્વોચ્ચ અદાલત તેમ જ પ્રેસ કાઉન્સિલના તત્કાલીન અધ્યક્ષ માર્કંડેય કાત્જુએ આ ધરપકડને ગેરકાયદે ઠેરવી હતી. તેમણે જણાવ્યું હતું કે જો અસીમ ત્રિવેદી સામે ગુનો જ દાખલ કરવો હતો તો રાષ્ટ્રીય સન્માનના અપમાન બાબતના કાયદા (Insulting of National Honor Act) અંતર્ગત કાર્યવાહી કરવી જોઈતી હતી. ચારે બાજુથી જ્યારે સરકાર પર દબાણ વધ્યું ત્યારે મહારાષ્ટ્ર સરકારે તેમ કરવું પણ પડ્યું હતું.

આ કલમનો વિરોધ કરનાર વર્ગ એક એવો તર્ક પણ આપે છે કે કોઈ પણ લોકશાહીમાં નાગરિકોને મળતા બધા અધિકારોમાં સૌથી મોટો અધિકાર અસહમતી પ્રદર્શિત કરવાનો છે. જો દેશના કોઈ નાગરિકને લાગે કે દેશની વ્યવસ્થામાં કોઈ ખામી છે તો તેનો વિરોધ કરી શકે છે, પરંતુ આ વિરોધને દેશપ્રેમની એરણ પર ચડાવીને રાજદ્રોહના ગુનાને દેશદ્રોહનો ગુનો સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

જાણીતા સમાજશાસ્ત્રી આશિષ નંદીનું ઉદાહરણ જોઈએ. ગુજરાતનાં હુલ્લડો ઉપર ગુજરાત સરકારની ટીકા કરતો એક લેખ તેમણે લખ્યો હતો ત્યારે તત્કાલીન સરકારે વર્ષ ૨૦૦૮માં આશિષ નંદી ઉપર દેશદ્રોહનો ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ સર્વોચ્ચ અદાલતે આ બાબતે સરકારને કડક ઠપકો આપ્યો હતો અને ચુકાદાને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. આ પ્રકારનાં તો ઘણાં ઉદાહરણ મળી રહે, જેમ કે છત્તીસગઢના સામાજિક કાર્યકર વિનાયક સેન, ઉત્તર પ્રદેશમાં પત્રકાર સીમા આઝાદ, હરિયાણાના હિસ્સાર વિસ્તારમાં કેટલાક દલિતો પર દેશદ્રોહના ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો દાવો કરતા ભારતદેશમાં દેશદ્રોહ જેવા શબ્દને શા માટે સ્થાન મળવું જોઈએ? આ પ્રશ્ન પૂછવાનું કારણ એ છે કે કલમ-૧૨૪-A ભારતને ભેટ આપનાર ઇંગ્લૅન્ડ દેશમાં પણ આ કલમ રદ કરી દેવામાં આવી છે.

અત્યાર સુધીમાં કલમ-૧૨૪-Aને લઈને કયાં પગલાં લેવામાં આવ્યાં છે?

કલમ-૧૨૪-Aની અસ્પષ્ટ જોગવાઈઓને દૂર કરવા માટેની માગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે.

૧૯૬૦ના દશકમાં સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો વર્ષ ૧૯૬૨માં કેદારનાથ સિંહ વિરુદ્ધ બિહાર સરકાર કેસમાં આપવામાં આવ્યો હતો. આ કેસ અંતર્ગત સર્વોચ્ચ અદાલતે સુનાવણી દરમ્યાન કલમ-૧૨૪-Aની તપાસ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે કલમ-૧૨૪-A બંધારણ સાથે સુસંગત તો છે, પરંતુ તેની મર્યાદા નક્કી કરી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે કોઈ વ્યક્તિને દેશદ્રોહી ત્યારે જ માની શકાય જયારે તેના કૃત્યના કારણે ખૂબ મોટા પ્રમાણમાં હિંસા ભડકી હોય. તેનો અર્થ કે જ્યાં સુધી સુરક્ષાનું સંકટ સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ કૃત્યને દેશદ્રોહની શ્રેણીમાં મૂકી શકાય નહીં.

વર્ષ ૨૦૧૧માં પણ સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં કહ્યું કે અન્ય કલમની જેમ જ કલમ-૧૨૪-ખ્ને પણ નાગરિકોના મૂળભૂત અધિકારોની સાથે અનુકૂળ થાય તે રીતે જોવી જોઈએ. એક રીતે ઉપરોક્ત વિધાનો ૧૨૪-Aમાં સંશોધન કહી શકાય. તેમ છતાં દેશદ્રોહના આરોપ અંતર્ગત ધરપકડ કરેલી વ્યક્તિની બાબતમાં ઉપરોક્ત ચુકાદાઓની ટીકાનું પાલન કરવામાં આવતું નથી.

વર્ષ ૨૦૧૨માં કુડનકુલમ પરમાણુ પ્લાન્ટનો વિરોધ કરનાર સાત હજાર પ્રદર્શનકારીઓ પર તામિલનાડુ સરકારે દેશદ્રોહનો આરોપ લગાવ્યો હતો.

રાષ્ટ્રીય ગુના નોંધણી વિભાગ (National Crime Record Bureau) મુજબ વર્ષ ૨૦૧૪ દરમિયાન જ કુલ ૪૭ દેશદ્રોહની ફરિયાદ થઈ અને ૫૮ ધરપકડ કરવામાં આવી, જેમાંથી માત્ર ૧ વ્યક્તિ ઉપર જ ગુનો સાબિત થઈ શક્યો.

શું આ સંજોગોમાં એક વાર ફરીથી કલમ-૧૨૪-Aની સીમાઓ સ્પષ્ટ રીતે નક્કી કરવાનું જરૂરી નથી લાગતું?

મિનીકટ : આ લેખને દેશદ્રોહ ગણવામાં ન આવે તો સારું.

કલમ-૧૨૪-Aનો ઇતિહાસ અને ઉદ્ભવ

ઉપરોક્ત કલમ વર્ષ ૧૮૭૦માં બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં લાગુ કરવામાં આવી, પરંતુ તે ચર્ચાનો મુદ્દો ત્યારે બની જયારે વર્ષ ૧૯૦૮માં બાળગંગાધર તિલકને પોતાના સમાચારપત્ર ‘કેસરી’માં એક લેખ લખવાના કારણે છ વર્ષની સજા આપવામાં આવી. આ લેખનું શીર્ષક હતું ‘દેશનું દુર્ભાગ્ય.’ આ ઉપરાંત વર્ષ ૧૯૨૨માં મહાત્મા ગાંધીને પણ કલમ-૧૨૪-A અંતર્ગત આરોપી બનાવવામાં આવ્યા હતા, કારણ કે તેમણે અંગ્રેજ સરકારના વિરોધમાં ત્રણ લેખ લખ્યા હતાં. ત્યારે ગાંધીજીએ પણ આ કલમની આલોચના કરી હતી અને કહ્યું હતું કે કલમ-૧૨૪-A ભારતીય લોકો માટે દમનકારી છે. સ્વતંત્રતા પછી વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ પણ કહેલું કે જો તેમનું ચાલે તો તેઓ કલમ-૧૨૪-Aને રદ કરી દે.

આ પણ વાંચો : કૉલમ : યાદ રાખજો, ઉપરવાળો કૃપાળુ છે જ નહીં

શા માટે આ કલમ રદ કરવી જરૂરી છે?

(૧) આગળ જણાવ્યું તેમ બંધારણ દ્વારા મળેલી અભિવ્યક્તિની સ્વતંત્રતાનું દમન કરે છે. તજ્જ્ઞોની દલીલ એવી છે કે બંધારણના આર્ટિકલ-૧૯(૧)- Aમાં પહેલાથી જ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વાજબી નિયંત્રણ મૂકવામાં આવ્યાં છે તો પછી કલમ-૧૨૪-Aની જરૂર દેખાતી નથી.

(૨) ધાર્મિક ઉન્માદ ફેલાવવા માટે, સામાજિક દ્વેષ ફેલાવવા માટે, શાંતિ અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાની બાબત માટે તેમ જ કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા જેવા ગુના માટે ભારતીય દંડ સંહિતા (IPC)માં અલગ અલગ કલમની જોગવાઈઓ આપેલી જ છે, તેથી કલમ-૧૨૪-Aની જરૂર જણાતી નથી.

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2019 03:03 PM IST | | મિતેષ સોલંકી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK