Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : યાદ રાખજો, ઉપરવાળો કૃપાળુ છે જ નહીં

કૉલમ : યાદ રાખજો, ઉપરવાળો કૃપાળુ છે જ નહીં

05 April, 2019 02:25 PM IST |
રશ્મિન શાહ

કૉલમ : યાદ રાખજો, ઉપરવાળો કૃપાળુ છે જ નહીં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ

હા, આ હકીકત છે અને જો આ હકીકત ન હોત તો એ હજાર હાથવાળાએ ગભરુ હરણના શિકારની ક્ષમતા સિંહને આપી જ ન હોત અને જો હજાર હાથવાળો કૃપાળુ હોત તો તેણે સાઇક્લોનને પણ જન્મ ન આપ્યો હોત. ખોટી વાત, સાવ ખોટી વાત. પરમાત્મા કૃપાળુ છે એ વાત જ સાવ ખોટી અને નરી ઊપજાવી કાઢેલી છે. કહો કે, આ દાવો પેલા સગવડિયા ધર્મના દાવા જેવો જ એક દાવો માત્ર છે. તમને ગમે છે એટલે તમે એ આશા સાથે જીવો છો કે એ પરમકૃપાળુ છે અને એની કૃપા એકધારી વરસતી રહેવાની છે, પણ હકીકત તો એ જ છે કે, એ કૃપાળુ છે જ નહીં. એને ગમે છે વિકૃત આંનદ લેવો અને એ લે પણ છે. વિકૃત આનંદ સાથે એ તમારી પરીક્ષા લે છે અને તમે પરીક્ષામાં નિષ્ફળ જાવ તો તમારા નામની ચિઠ્ઠી ફાડીને એ તમને આપેલી પરીક્ષાનું ડિસ્ટિંકશનનું રિઝલ્ટ બીજાના નામ પર ફાડી દે છે. કોઈ અફસોસ વિના, કોઈ જાતની કૃપા રાખ્યા વિના.



જે પરમાત્માને કૃપાળુ માનીને તમે હાથ ધરીને બેસી રહ્યા છો એ પરમાત્મા તો તમને દોડાવીને ખુશ થાય છે. તમારા મસ્તક પર બાઝી ગયેલાં પ્રસ્વેદબિંદુઓ એને ખુશી આપે છે, તમારા પગમાં પડી ગયેલા કાપાઓ એને આનંદ આપે છે અને કાપાઓમાંથી નીકળતું લોહી તેના રાજીપાને બમણો કરે છે અને આ જ હકીકત છે. નબળા મનના લોકોએ ઊભી કરેલી એક પરિકલ્પના માત્ર છે કે ઉપરવાળો પરમકૃપાળુ છે. જરા વિચાર તો કરો, જો એ કૃપાળુ હોય તો હજાર હાથવાળો શું કામ હોય? જેણે આશીર્વાદ આપવા છે, એ બે હાથ સાથે પણ આશીર્વાદ આપી જ શકે છે. જેણે અમીદૃષ્ટિ અકબંધ રાખવી છે એને તો બે હાથની પણ આવશ્યકતા નથી, જેણે મદદગાર બનવું છે એને તો આંખ કે હાથની પણ આવશ્યકતા નથી. એના કાન સાબૂત હશે તો પણ ચાલશે અને જેણે સારા શબ્દોનું પ્રોત્સાહન આપવું છે એની પાસે વાચા હશે તો બાકીના એક પણ અંગ નહીં હોય તો પણ એને કોઈ ફરક નથી પડવાનો પણ ના, એવું નથી. એ હજાર હાથવાળો છે અને આ હજાર હાથ તમને ફટકારવા માટે છે, તમને દોડતાં રાખવા માટે છે અને દોડતાં રહ્યા પછી તમે ભૂલ કરો તો એ હન્ટર મારવા માટે છે. અન્યથા પરમકૃપાળુ એવા પરમાત્માને તો હજાર હાથની જરૂર જ ન હોત, એના હજાર હાથની વ્યાખ્યા જ ક્યાંક અને ક્યાંક તમે બનાવેલી પેલી પરિકલ્પના સાથે બંધબેસતી નથી.


પરમાત્મા કૃપાળુ, સાવ ખોટી વાત છે. કોઈને હવે કહેતાં પણ નહીં અને કોઈની પાસે આ બકવાસ કરતાં પણ નહીં. એ નિષ્ઠુર છે અને એની નિષ્ઠુરતાનો મોટો પરચો ત્યારે જોવા મળે છે જ્યારે ચાંચમાં ચણનો દાણો ભરતાં કબૂતર પર બિલાડી તરાપ મારે છે. ક્યારેય વિચારવાની તસ્દી લીધી છે, આ તરાપનો વિચાર કોણે બિલાડીને આપ્યો? ક્યારેય એ પણ વિચાયુર્ં છે ખરાં કે ગરીબ કહેવાતી ગાય લંચ કે ડિનર કહેવાય એવું વાઘને કોણે શીખવ્યું હશે? ક્યારેય એ પણ મનમાં આવ્યું કે ઉંદરને જોઈને બિલાડીના મોઢામાં પાણી કેમ આવતું હશે? જીવ છે એ તો અને એ જીવ છે એટલે જ આજે સમજવાની જરૂર છે કે અહિંસાની કોઈ પરિભાષા ઉપરવાળાની ડિક્શનેરીમાં છે જ નહીં અને જો એવું હોતને તો કૃષ્ણના હાથમાં સુદર્શન કે કાલી અને મહાદેવના હાથમાં ત્રિશૂલ હોત જ નહીં. તમે જુઓ તો ખરા એક વખત, તમારા દેશે જન્માવેલાં તેત્રીસ કરોડ દેવીદેવતાઓમાંથી ૯૯ ટકા દેવી-દેવતાઓના હાથમાં શસ્ત્ર મૂકવામાં આવ્યાં છે અને એ પછી પણ તમે તમારી જાતને ભ્રમમાં રાખવા માગો છો કે ઉપરવાળો તો પરમકૃપાળુ છે. ના, નથી એ પરમકૃપાળુ અને એ હોઇ પણ ન શકે. આ વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતાને સ્વીકારવાની તૈયારી નથી એની જ બધી સમસ્યા છે.

જનક ક્યારેય પરમકૃપાળુ હોઈ ન શકે અને જનકથી ક્યારેય પરમકૃપાળુ રહી પણ ન શકાય. ક્યારેય પિતા સ્નેહાળ હોય એવું સાંભળ્યું છે? ક્યારેય બાપની મમતાના દાખલા પણ જોયા તમે? મમતા માને જ શોભે અને સ્નેહ માના વર્તનમાં જ દીપે. બાપ આકરો હોવો જોઈએ, પિતા નિષ્ઠુર હોવો જોઈએ અને જો એ નિષ્ઠુર હોય તો જ ખોટું કરીને ઘરમાં આવેલા દીકરાનો જીવ ફફડતો રહે. જો બાપ નિર્દયી હોય તો જ ભૂલ કરનારા દીકરા ઉપર એનો હાથ ઊપડી શકે અને હાથ ઊપડે તો જ ભૂલનું પુનરાવર્તન અટકે. ખોટી વાત, સાવ ખોટી વાત કે ઉપરવાળો પરમકૃપાળુ છે. ના, નથી જ નથી. ઉપરવાળો પરમકૃપાળુ નથી. એ નિષ્ઠુર છે અને એણે નિષ્ઠુર રહેવું પડે એવી જ જવાબદારી તેના હિસ્સામાં આવી છે. ઈશ્વરના પ્રેમની, લાગણીની, સ્નેહની કે પછી મમતાની અને એવી જે કોઈ વાતો છે એ બધી ઊપજાવી કાઢેલી છે, કપોળકલ્પિત છે અને આ કપોળકલ્પિત વાતો આશ્વાસન લેવા ખાતર છે, પણ યાદ રાખજો, ખોટી રજૂઆત અને ખોટું આશ્વાસન હંમેશાં દુખી કરે છે. જો દુખી ન થવું હોય તો એટલું ધ્યાન રાખજો, રજૂઆત ખોટી કરતાં નહીં અને ખોટું આશ્વાસન કોઈનું સ્વીકારતા નહીં.


આ પણ વાંચો : ક્યારેય વિચાર્યું છે ખરું, શું કામ દરેક માટે આપણને ફરિયાદ છે?

ઉપરવાળાના નામે પણ કોઈ આશ્વાસન આપે તો એ પણ નહીં સ્વીકારવાનું. કારણ, કારણ કે ઉપરવાળો કૃપાળુ છે જ નહીં. જો ઉપરવાળો કૃપાળુ હોત તો પુલવામામાં જવાનો મર્યા ન હોત અને ઉપરવાળો કૃપાળુ હોત તો માનનીય શ્રી મસૂદ અઝહરભાઈના મનમાં આતંકના વિચારો આવતા જ ન હોત. જો ઉપરવાળો કૃપાળુ હોત તો મસૂદમિંયાના મનમાં આવેલા એ આતંકી વિચારો હકીકતમાં પરિણામતા ન હોત અને જો, ઉપરવાળો કૃપાળુ હોત તો સાંજે બાર્બી લઈ આવવાનું પ્રૉમિસ કરીને ઑફિસે જવા નીકળતા પપ્પા રાતે બાર્બી લઈને ઘરે પહોંચતા હોત, પણ ના, ઉપરવાળો કૃપાળુ નથી. આ કપોળકલ્પિત વાર્તા છે અને આપણને એ વાર્તામાં પણ બિચારાપણું લેતાં રહેવાની આદત પડી ગઈ છે એટલે હજાર હાથવાળાની કૃપા માટે વલખાં મારતાં રહીએ છીએ.

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2019 02:25 PM IST | | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK