Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઇંદર બીજેપીમાં આંતરિક વિખવાદનો લાભ શિવસેનાને મળશે?

મીરા-ભાઇંદર બીજેપીમાં આંતરિક વિખવાદનો લાભ શિવસેનાને મળશે?

15 September, 2020 09:43 AM IST | Mumbai
Prakash Bambhrolia

મીરા-ભાઇંદર બીજેપીમાં આંતરિક વિખવાદનો લાભ શિવસેનાને મળશે?

શિવસેના

શિવસેના


મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં બીજેપીની એકહથ્થુ સત્તા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પક્ષની અંદર પક્ષના કોઈ હોદ્દા પર ન હોવા છતાં પોતાને સર્વેસર્વા માનતા સ્થાનિક નેતા દ્વારા અવારનવાર કામકાજમાં ચંચુપાતથી પક્ષના અડધોઅડધ નગરસેવકો નારાજ હોવાનું કહેવાય છે. બીજેપીના આંતરિક ઝઘડાનો લાભ શિવસેના લઈને સત્તાપરિવર્તન કરે તો નવાઈ નહીં, એવી ચર્ચા ચાલી રહી છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ શનિવારે બીજેપીનાં તમામ પદ પરથી રાજીનામું આપીને રાજકારણને રામ રામ કરનારા એક નેતાએ બીજેપીના જિલ્લાધ્યક્ષ હેમંત મ્હાત્રેને અંધારામાં રાખીને બીજેપીના નગરસેવકોની એક બેઠક બોલાવી હતી. જોકે અનેક નગરસેવકોએ આ બેઠકનો વિરોધ કરતાં એ મુલતવી રખાઈ હતી.



બીજેપીના એક નગરસેવકે નામ ન જાહેર કરવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પક્ષના ભૂતપૂર્વ નેતા કોઈ પદ પર ન હોવા છતાં તેઓ પાલિકામાં આવીને નગરસેવકોની સાથે કામકાજ કરવાની બેઠકો લે છે. પક્ષમાં આવું જ કરવાનું હોય તો અમને હોદ્દા આપવાનો શું મતલબ? બધો નિર્ણય તેમણે જ લેવાનો હોય તો નગરસેવકો શું કરશે? તેમણે જિલ્લાધ્યક્ષને જાણ કર્યા વિના શનિવારે અંગત બેઠક બોલાવી હતી, જે ગેરકાયદે હોવાથી અમે વિરોધ કરતાં એ રદ કરાઈ હતી.’


મીરા-ભાઈંદરમાં ચર્ચા ચાલી રહી છે કે બીજેપીના અડધા કરતાં વધારે નગરસેવકો પક્ષની અંદર ચાલી રહેલા કામકાજથી નારાજ છે. જિલ્લા અધ્યક્ષ હેમંત મ્હાત્રેની જાણ વિના નિર્ણયો લેવાઈ રહ્યા હોવાથી આવી સ્થિતિ ઊભી થઈ છે. નેતાની મનમાનીથી અનેક નગરસેવકો શિવસેનાના સંપર્કમાં હોવાનું કહેવાય છે. આથી ૯૫ નગરસેવકોના મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ગૃહમાં સત્તા મેળવવા માટેનો ૪૮નો આંકડો ૨૨ નગરસેવકો ધરાવતી શિવસેના બીજેપીના આ નગરસેવકોના ટેકાથી પ્રયાસ કરી રહી હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.

સત્તાધારી બીજેપીના નગરસેવકોની ગઈ કાલે પાલિકામાં મેયરની અધ્યક્ષતામાં બેઠક બોલાવાઈ હતી ત્યારે ૬૦માંથી ૩૫ નગરસેવકો જ હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બીજેપીના જિલ્લા અધ્યક્ષ હેમંત મ્હાત્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૫ નગરસેવકો કેટલાક કારણસર બેઠકમાં હાજર નહોતા રહી શક્યા. તેમણે મેયર કે પક્ષ દ્વારા જે નિર્ણય લેવાય એની સાથે સહમત હોવાના મેસેજ મને મોકલ્યા હતા. બાકીના નગરસેવકો બહારગામ કે બીમાર છે. હું બહારગામ હતો એટલે શનિવારે બોલાવાયેલી બેઠક બાદમાં રદ કરાઈ હતી. આથી પક્ષમાં ભંગાણ પડ્યું છે કે ભારે નારાજગી છે એમ કહેવું યોગ્ય નથી.’


ઉલ્લેખનીય છે કે ગઈ કાલની બેઠક સ્ટ્રીટ-લાઇટ બંધ હોવાની મળેલી ફરિયાદો બાબતે મળી હતી. એ પહેલાં બીજેપીના પદાધિકારીઓ અને નગરસેવકોની અલગથી બેઠક મળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2020 09:43 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK