Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 17)

કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 17)

24 March, 2019 01:36 PM IST |
રામ મોરી

કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 17)

કંકુના સૂરજ આથમ્યા

કંકુના સૂરજ આથમ્યા


નવલકથા

મુંબઈ કાંદિવલીની પંચશીલ રેસિડેન્સીના ગાર્ડનમાં સાંજ ઢળી ચૂકી હતી. અંધારું ધીરે-ધીરે લપાતુંછુપાતું બારીઓ ને બારણામાં પ્રવેશી ચૂક્યું હતું, પણ મકાનોની અંદર પ્રકાશિત લાઇટનો પ્રકાશ જાણે એ અંધારા સામે લાલ પીળી આંખ કરીને કમરે હાથ ટેકવી ઉંબર પર ઊભું હતું. રેસિડેન્સિયલ એરિયાની દીવાલો પર અંધારું રેલાતું હતું ને એને ધકેલતી નાનકડી લાઇટોની આસપાસ ફૂદાંઓ ને જીવાતો ગોળ-ગોળ ફરી કાળચક્રની ઘટનાઓ ઓગાળવા મથી રહી હતી. ગાર્ડનના નાનાં વૃક્ષો પર રંગબેરંગી લાઇટો ડિઝાઇન કરીને ગોઠવી હતી, આખી લૉન શણગારાયેલી હતી, પણ વૃક્ષોની ડાળખીઓ ને પાંદડાંઓનાં ઝુંડ પાછળ અંધારું ઘૂંટણિયે બેસીને જાણે કે હસી રહ્યું હતું. ગાર્ડનની વચ્ચોવચ મોટા ટેબલ પર બર્થડે કેક હતી, જેના પર લખાયેલું હતું... હૅપી બર્થડે દિત્યા. દિત્યા નવમા વર્ષમાં પ્રવેશી ચૂકી હતી. એન્જલના સુંવાળા સફેદ ડ્રેસમાં દિત્યા એકદમ નાનકડી પરી જેવી દેખાતી હતી. ચિરાગનાં મમ્મી હસુમતીબહેન દિત્યાને પકડીને ઊભાં હતા. તેમની ભીની આંખોમાં દિત્યાના જન્મદિવસનો રાજીપો હતો. દિત્યાને પોતાના પગના જોરે એકલાં ઊભાં રહેવામાં તકલીફ પડતી એટલે એક જણે તેને કમરથી પકડીને તેની સાથે રહેવું પડતું. દિત્યાની આસપાસ એન્જલના થીમના ડ્રેસીસ પહેરી નાની-નાની છોકરીઓ દોડી રહી હતી ને તેમના હસવા, રમવાના કુંવારા કલશોરથી સાંજની કિનારીઓ પર અજવાસ ઘોળાતો હતો. સોસાયટીના બધા લોકો ગાર્ડનમાં આવી ચૂક્યા હતા. ઑફલાઇટ કુર્તામાં સોહામણો લાગતો ચિરાગ બધા લોકોને બર્થડે પાર્ટીમાં વેલકમ કરી રહ્યો હતો ને એકાએક તેનું ધ્યાન ગયું કે નમ્રતા ક્યાંય દેખાતી નથી. ચિરાગે જોયું કે ગાર્ડનમાં એક ખૂણે નમ્રતાની સોસાયટીની બધી ફ્રેન્ડ્સ સોનિયા, મોના, ફાલ્ગુની ટોળે વળીને ઊભાં હતાં, પણ નમ્રતા એ ટોળામાં પણ નહોતી. તેણે નમ્રતાને કૉલ કર્યો, પણ નમ્રતાએ ફોન રિસીવ ન કર્યો એટલે એ ગાર્ડનમાંથી નીકળીએ પોતાના બિલ્ડિંગની લિફ્ટમાં પ્રવેશી પાંચમા માળે પોતાના ઘેર પહોંચ્યો. ઘરનો દરવાજો અરધો ખુલ્લો હતો. ચિરાગે ધીરેથી દરવાજો ખોલ્યો તો આખા રૂમમાં અંધારું હતું. તે ધીરેથી બેડરૂમ તરફ ગયો ને તેણે જોયું કે નમ્રતા અંધારામાં ડ્રેસિંગ ગ્લાસની સામે બેઠેલી હતી. ચિરાગે અંધારામાં દીવાલ પર હાથ ઘસ્યો અને સ્વિચબોર્ડ પર આંગળીઓ દબાવીને આખા રૂમમાં અજવાળું પથરાઈ ગયું. છુટ્ટા વાળ, ડ્રેસિંગ ગ્લાસ પાસે વિખરાયેલા ઑર્નામેન્ટ્સ, મેક-અપ કિટ, ડાર્ક બ્લુ રંગનું ઝીણી ફ્લાવર પ્રિન્ટનું બ્લાઉઝ, ડાર્ક પિન્ક રંગની પ્લેન કૉટન સાડી પહેરીને એ અરીસામાં પોતાને જોઈ રહી હતી. નમ્રતાએ અરીસામાં ચિરાગનું પ્રતિબિંબ જોયું એટલે તે નીચું જોઈ ગઈ. તેની છલકાયેલી આંખોમાંથી આંસુ નીચે ગુલાબી ખોળામાં પડ્યાં. ચિરાગ તેની પાસે આવ્યો અને તેણે નમ્રતાના ખભે હાથ મૂક્યો. નમ્રતાએ તેના બંને હાથ પકડી લીધા અને ચિરાગની હથેળીમાં તેણે પોતાનું મોઢું સંતાડ્યું. તેના આંસુ ચિરાગની હથેળીમાં ઊભરાતાં રહ્યાં.



‘નમ્રતા, તું રડી લે... મનભરીને રડી લે, કેમ કે હવે પછી આપણે લોકો આપણી દીકરી સામે નહીં જ રડીએ એવું અહીં આ ક્ષણેથી નક્કી કરી લઈએ છીએ. આપણે લોકો આપણી દીકરીને હસતા મોંએ વિદાય આપીશું. તે જો આપણી સાથે થોડો સમય પણ છે તો એ સમયને જીવી લઈએ. ગણતરીના દિવસોમાં વર્ષોનામ વર્ષ ઊજવી લઈએ. પીડાને સંકોરીને હર્ષભેર મલકાવવું પડશે, કેમ કે આપણે માબાપ છીએ. માબાપ પોતાના અમુક ઘાવ સંતાનો સામે ખુલ્લાં નથી કરતાં. દિત્યાના ગણતરીના દિવસો એ આપણી છાતી પર ચિતરાયેલો એવો ઘસરકો છે, જેને ફૂંક મારીને આપણે જ રૂઝ લાવવાની છે. દિત્યા પાસે સમય નથી એ વાત પણ આપણે કોઈને કરવાની નથી એ પણ આ ક્ષણથી નક્કી કરી લઈએ છીએ. હવે બહાર તું રડ્યા કરીશ તો બધાને આ વાતની જાણ થઈ જશે. છેલ્લા દિવસોમાં આપણી દીકરીને દયાની જરૂર તો નથી જ, નમ્રતા. હું નથી ઇચ્છતો કે લોકો તેની સામે બાપડી બિચારી નજરથી જુએ, ઍન્ડ આઇ ઍમ શ્યૉર, તું પણ આ જ ઇચ્છતી હોઈશ. મજબૂત તો થવું પડશે, આપણા માટે નહીં, આપણી દીકરી માટે!’ નમ્રતાએ આંસુ લૂછ્યાં અને છાતીમાં સંઘરાયેલાં હીબકાં દબાવ્યાં.


‘ચિરાગ, તમે પુરુષ છો એટલે મનને મનાવી લેવાની દૃઢતા તમે સરળતાથી કેળવી શકો. હું એક સ્ત્રી છું ને એથીયે વિશેષ અત્યારે એક એવી મા છું, જેની દીકરીના શ્વાસ ખૂટી રહ્યા છે ને હું લાચાર છું. તેના માટે સેવિંગ્સ કર્યું, કરિયાવર એકઠો કર્યો, ભવિષ્યની મોટી-મોટી યોજનાઓ ભેગી કરી, પણ શ્વાસ જ એકઠા ન કરી શક્યા. મારી દીકરીને જિંદગી સિવાય હું બધું આપી શકું એમ છું, પણ ઉછીના શ્વાસ નથી આપી શકતી. મારે મારી દીકરીને જિવાડવી છે ચિરાગ. હજુ તો એ ઊગીને ઊભી થઈ છે ને તનો સમય પૂરો થઈ ગયો? મેં કોઈનું શું બગાડ્યું છે યાર! આપણી દિત્યા આઠ નવ વર્ષમાં એવાં તે કેવાં કર્મ કરીને બેસી ગઈ કે કુદરત આટલી હદે નિષ્ઠુર થઈ ગઈ.’ તેનો અવાજ તરડાઈ ગયો. તેણે મહામહેનતે રડવું રોક્યું અને આંસુ લૂંછીને માથું ધુણાવવા લાગી,

‘આઇ ઍમ સૉરી ચિરાગ, પણ મારાથી બધું ઑલરાઇટ છે એવું નાટક નહીં થઈ શકે. મારાથી આંખ આડા કાન નહીં થઈ શકે. રાજીપાનું મહોરું પહેરી હું દિત્યાની બર્થડે કેક નહીં કટ કરી શકું. આ કદાચ તેનો છેલ્લો બર્થડે...’ તે આગળ ન બોલી શકી. ચિરાગે ઝૂકીને નમ્રતાના કપાળને ચૂમી લીધું અને તેના માથા પર હાથ ફેરવવા લાગ્યો,


‘બસ, હું તને આ જ વાત સમજાવી રહ્યો છું. દિત્યાનો કદાચ આ છેલ્લો બર્થડે છે, જે આપણે સેલિબ્રેટ કરી રહ્યાં છીએ. કદાચ આવતા વર્ષે....’ ચિરાગથી વાક્ય પૂરું ન થયું. તે થૂંક ગળી ગયો, જાણે કોઈ કડવો ઘૂંટડો ગળે ઉતારી રહ્યો હોય. થોડી વાર સુધી રૂમમાં નીરવ શાંતિ રહી. પંખાનો અવાજ આવી રહ્યો હતો. નીચે ગાર્ડનમાંથી બાળકોના હસવાના અવાજ આવી રહ્યા હતા. ફુગ્ગા ફૂટી રહ્યા હોય અને સીટીઓ વાગતી હોય એના અવાજો ખુલ્લી બારીઓમાંથી જાણે કે સંકોચ સાથે બેડરૂમમાં પ્રવેશતા હતા.

‘નમ્રતા, ક્ષણોને જીવતાં ઊજવતાં તો હું તારી પાસેથી શીખ્યો છું. આવતી કાલ દિત્યા નહીં હોય ત્યારે આ બધી ક્ષણોની સ્મૃતિ જ હશે, જે આપણને ટકાવી રાખશે. દિત્યાનું બોલવાનું બંધ થયું છે ત્યારથી એ માત્ર એક જ શબ્દ બોલી શકે છે... હૅપી બર્થડે... હૅપી બર્થ ડે... કદાચ આપણી દીકરી આપણને એ જ કહેવા માગતી હશે કે તમારી સાથેનો આ મારો છેલ્લો બર્થડે છે તો મારા આ દિવસને અને મારા આ સમયને મારી પોતાની સ્મૃતિમાં મને અકબંધ કરી લેવો છે. કદાચ આ જ એનો કરિયાવર છે. અત્યારે જો આપણે આપણી દીકરીને કશું આપી શકીએ તો એ આ ક્ષણો જ છે.’ નમ્રતાએ હકારમાં માથું ધુણાવ્યું. ચિરાગે નમ્રતાના લાંબા ખુલ્લા વાળને પોતાની આંગળીઓમાં લીધા અને એ ખુલ્લા વાળને ઢળતા અંબોડામાં બાંધ્યા. મોતીનો એક નેકલેસ ઉઠાવ્યો અને નમ્રતાના ગળામાં પહેરાવ્યો. નમ્રતા અરીસામાં પોતાને એકીટશે જોઈ રહી. મોતીનાં ઝૂમખાં નમ્રતાના કાનમાં પહેરાવ્યાં અને મેક-અપ કિટમાંથી એક બ્લૅક રંગનો ગોળ નાનો ચાંદલો નમ્રતાના કપાળે લગાવ્યો. નમ્રતા ઊભી થઈ. ચિરાગે કાજળનું એક ટપકું નમ્રતાના જમણા કાન પાછળ કર્યું ને નમ્રતા આંસુભરી આંખે હસી પડી. ઑફ વાઇટ કુર્તો પહેરેલો ચિરાગ અને પ્લેન પિનકિ કૉટન સાડીમાં નમ્રતા અંધારાને અજવાળાની ધૂંધળાશ વચ્ચે જાણે જીવનના રંગો શોધી રહ્યા હતા. બન્ને જણ એકબીજાનો હાથ પકડીને નીચે ગાર્ડનમાં આવ્યાં ત્યારે દિત્યા પોતાનાં મમ્મી-પપ્પાને સાથે જોઈને ખુશ થઈ ગઈ ને તાળીઓ પાડવા લાગી. નમ્રતા અને ચિરાગના ચહેરા પર સ્મિત રેલાયું. દિત્યાના નવમા બર્થડેની કેક કટ થઈ. દિત્યાનું ફેવરિટ સૉન્ગ વાગ્યું અને ગાર્ડનમાં બાળકો એ સૉન્ગની રિધમ પર નાચવા લાગ્યાં. અભી મુજ મૈં કહી... બાકી થોડી સી હૈ જિંદગી! ગીતની દરેક બીટ પર દિત્યા રિધમ સાથે ઝૂમી રહી હતી. ગીતના શબ્દો નમ્રતાને રડાવતા હતા એ પોતાનું રડવું રોકીને દૂર ખુરસી પર બેસી ગઈ. હિંમત કરીને તે આંસુ રોકી રાખતી હતી, પણ જેમ-જેમ ગીત વાગતું જતું હતું એમ જાણે તે અંદરથી તૂટી રહી હતી. એક હાથ નમ્રતાના ખભા પર મુકાયો. નમ્રતાએ ફટાફટ આંસુ લૂછ્યાં ને પાછળ ફરીને જોયું તો તેની સોસાયટીની ફ્રેન્ડ ફાલ્ગુની કોઠારી ઊભી હતી.

‘લિસન નમ્રતા, ધેર ઇઝ સમથિંગ રોંગ... મને ખબર નથી કે તમે લોકો કશું સંતાડી રહ્યા છો કે અવૉઇડ કરી રહ્યાં છો. બધું બરાબર છે?’

‘હા ફાલ્ગુની, એ તો બસ... આ દિત્યાનો અવાજ જતો રહ્યો ને હવે એ ચાલી પણ નથી શકતી તો હું જરા... બાકી બધું એકદમ ઑલરાઇટ છે!’

‘નમ્રતા, તને કંઈ પણ મદદની જરૂર હોય તો તું મને અરધી રાત્રે પણ કહી જ શકે છે. તને ખબર તો છે કે હું હોમિયોપથી ડૉક્ટર છું. દિત્યાને હું ક્યાંય ખપની લાગું તો મને ગમશે જ!’ નમ્રતાએ ફાલ્ગુનીનો હાથ ઉષ્માથી દબાવ્યો,

‘યેસ ફાલ્ગુની, થૅન્ક્યુ સો મચ ફૉર એવરીથિંગ... તારી મદદની જરૂર પડે ત્યારે તને ડેફિનેટલી હેરાન કરતી રહીશ.’ બન્ને લોકો એકબીજાનો હાથ પકડીને હસી પડી ને પાછળ બાળકોની કિલકારી ને મ્યુઝિકનો અવાજ એકાએક વધી ગયો. નમ્રતાએ દિત્યા સામે જોયું તો તે લૉનમાં દોડી રહેલાં બાળકોને જોઈને ખુશ થતી હતી. એક સમય એવો પણ હતો કે આ જ લૉનમાં તે કલાકો સુધી દોડ્યા કરતી! એક લાંબો નિસાસો એની છાતીમાં અટવાતો રહ્યો!

***

જેમ જેમ વખત પોતાનું વળું બદલતો રહે એમ એમ સંબંધો ને જવાબદારીઓ પોતાનું વળું બદલે છે. દિત્યા માટે જ્યારે ઘરમાં વ્હીલચૅર લાવવી પડેલી ત્યારે નમ્રતા એવી તો ભાંગી પડેલી કે રડી જ નહોતી શકી. ચિરાગ સમજી ગયો હતો કે નમ્રતા અત્યારે આ વ્હીલચરર જોઈને અંદરથી કેટલી બધી કરચોમાં વીખરાઈ ગઈ છે, પણ થે ચૂપ રહ્યો હતો, કેમ કે કદાચ જાણતો હતો કે આવી તો અનેક કરચો ખબર નહીં કેટલાય સમય સુધી લોહીલુહાણ કરતી રહેવાની છે. કાંદિવલીમાં ડૉક્ટર સ્વપ્નીલ કદમની દેખરેખ નીચે દિત્યાની સારવાર ચાલી રહી હતી. જ્યારથી દિત્યાને ચાલવામાં તકલીફ પડવા લાગી ત્યારથી લઈને અત્યાર સુધી તે સ્કૂલે તો નિયમિત જતી. બોરીવલીની ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ તેની સ્કૂલ. સ્કૂલનું નામ સાંભળતાં તો તે હરખાઈ જતી. સ્કૂલે જવાનો તેને ક્યારેય કંટાળો નહોતો આવ્યો. રજાના દિવસે દિત્યા એટલે રડતી હોય, કેમ કે આજે સ્કૂલે નથી જવાનું. દિત્યાને જ્યારથી ચાલવામાં ને બોલવામાં તકલીફ થવા લાગી ત્યારથી લઈને અત્યારે વ્હીલચૅર સુધીમાં સ્કૂલે સતત હૂંફ આપી. કદાચ એ હૂંફ જ હતી જે દિત્યાને સતત પોતાની સ્કૂલ સાથે જોડી રાખતી હતી. સ્કૂલનાં પ્રિન્સિપાલ સુલેખા બંધુ દિત્યાને સ્કૂલમાં તકલીફ ન થાય એની પૂરી તકેદારી રાખતાં. સ્કૂલમાં એક મૌશી દિત્યાની દેખરેખ માટે સતત દિત્યાની સાથે રહેતી. દિત્યાને નાસ્તાથી લઈને બાથરૂમમાં ફ્રેશ થવા સુધીની દરેક બાબતમાં તે મૌશી સતત તેની સાથે રહેતાં. સ્કૂલમાં દિત્યાનાં ક્રિષ્નામૅમ ને સોનાલીમૅમ સતત દિત્યાની સારસંભાળ રાખતાં ને દિત્યાને પ્રેમ કરવાની એક તક જાણે એ લોકો જવા ન દેતા. ક્લાસરૂમમાં ને સ્કૂલમાં બાળકોને ટીચર્સ દ્વારા એવી વાત સમજાવવામાં આવેલી કે આ દિત્યા છે એ એન્જલ છે... ભગવાને આપણી પાસે મોકલી છે તો તેનું ધ્યાન રાખવાનું, દિત્યા સાથે સ્ટ્રૉન્ગ ફ્રેન્ડશિપ રાખવાની. ટીચર્સની વાતોનો બધા વિદ્યાર્થીઓ પર એવો તો જાદુ થયો કે દિત્યાની સ્કૂલબૅગ ઉઠાવવા બધાની લાંબી લાઇન થતી. દિત્યાની વ્હીલચૅરને ધક્કો મારવા બાળકો એકબીજા સાથે ધક્કામુક્કી કરતાં, બધા બાળકો પોતપોતાનાં લંચબૉક્સના ડબ્બાઓ લઈને દિત્યાને ખુશ કરવા તેની પાસે દોડી આવતાં. નમ્રતા અને ચિરાગ ભીની આંખે દિત્યા માટેનો સ્કૂલનો આ સ્નેહ જોતાં ત્યારે તેમના હાથ આપોઆપ નમસ્કારની મુદ્રામાં જોડાઈ જતા. બન્ને જણને થતું કે સ્કૂલનો આ પાડ ને બાળકોનો આ ઉપકાર કયા ભવે ચૂકવીશું ! દિવસે દિવસે દિત્યાની સ્થિતિ વધુ ને વધુ નાજુક થતી જતી હતી. દિત્યાના મૂડ સ્વિંગ વધતા જતા હતા. તેની કમર તો જાણે સંપૂર્ણ રીતે જાણે નિષ્ક્રિય બની ગઈ હતી. દિત્યાના હાથ પણ હવે ધીમે-ધીમે નિર્જીવ બની રહ્યા હતા. તેની આંગળીઓ સરળતાથી હલનચલન નહોતી કરતી. સમય આવ્યો હતો તેને સ્કૂલે જતી બંધ કરવાનો. નમ્રતા અને ચિરાગ માટે આ સૌથી કપરી સ્થિતિ હતી, જ્યાં પોતાની દીકરીની ખુશીઓ માટેનું એકમાત્ર સરનામું એવી એ સ્કૂલે જતાં તેને અટકાવવાની હતી. બન્ને જણ દિત્યાની સ્કૂલે ગયાં અને પ્રિન્સિપાલ સુલેખા બંધુને વિગતે આખી વાત કરી. સુલેખાજી એક પ્રેમાળ સ્ત્રી હતાં. તેમની આંખોમાં બાળકો માટેનો નિ:સ્વાર્થ સ્નેહ સતત છલકાતો રહેતો.

‘ચિરાગજી, નમ્રતાજી... દિત્યા આ સ્કૂલમાં બધાની ફેવરિટ છે. બધા લોકો તમારી દીકરીને ખૂબ પ્રેમ કરે છે. આઇ કૅન અન્ડરસ્ટેન્ડ કે એના શરીરની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. તમે લોકો તમારા પક્ષે થઈ શકે એનાથી પણ વધુ મહેનત કરી રહ્યાં છો, પણ સાચું કહું તો દિત્યાને સાવ રજા આપી દેવી એ વાતમાં અમારું તો મન જ નથી માનતું! અમારાં બાળકો ને અમારા ટીચર્સને દિત્યાની ટેવ પડી ગઈ છે! પણ હું તમારી પરિસ્થિતિય સમજી શકું છું. આગળની સારવાર માટે ને દિત્યાના ભલા માટે જ તમે લોકો આ નિર્ણય લઈ રહ્યાં છો!’

‘હું ને મારી વાઇફ એ જ વાતો કરતાં હતાં, સુલેખામૅમ કે દિત્યાને અમારી કરતાં સ્કૂલેથી વધુ પ્રેમ મળ્યો છે. અમારી પણ મજબૂરી છે કે તેને સ્કૂલેથી આ રીતે ઉઠાડી લેવી પડે છે, પણ દિવસે ને દિવસે તે બેહોશ થઈ જાય છે, ઓછું સાંભળવા લાગી છે, ઝાડા-પેશાબનું પણ હવે તેને ભાન નથી રહેતું તો ડૉક્ટરની સલાહથી જ... અમારા માટે આ બહુ કપરું છે, તમે અંદાજ પણ ન લગાવી શકો એટલું અઘરું છે. આ સ્કૂલ જ છે, જ્યાં અમારી દીકરીને ખુશીઓ મળે છે.’ ચિરાગ આગળ ન બોલી શક્યો. નમ્રતા બારી બહાર ગ્રાઉન્ડમાં દોડાદોડી કરતાં બાળકોને જોતી હતી, જાણે અહીં પ્રિન્સિપાલની કૅબિનમાં જે વાત થઈ રહી છે એ વાત સાથે તે ક્યાંય જોડાયેલી છે જ નહીં. ચિરાગે ખોંખારો ખાધો, પણ નમ્રતાનું ધ્યાન ન ગયું તે એકીટશે બાળકોના અવાજને આંખોથી પી રહી હતી, જાણે આ અવાજોના અજવાળે જ તેને આવનારો સમય વેંઢારવાનો છે.

‘મૅમ, મારી ને મારી પત્નીની એક વિનંતી છે... જો તમે અમારા માટે... અમારી દીકરી માટે એટલી ફેવર કરી શકો તો!’ તરત નમ્રતાનું ધ્યાન ચિરાગ તરફ ગયું.

‘જી બોલો!’

‘અમે લોકો ઇચ્છીએ છીએ કે આપણી સ્કૂલમાંથી દિત્યાનું નામ અકબંધ રહે. આઇ મીન તેનું નામ ન કાઢો. ફીસ હું નિયમિત ભરતો રહીશ, પણ જ્યાં સુધી દિત્યા છે ત્યાં સુધી તેનું નામ સ્કૂલ રજિસ્ટરમાં... માનસિક રીતે અમને આ વાત બહુ મોટું સુખ આપશે... અમારી દીકરી...’ તે આગળ ન બોલી શક્યો.

‘ચિરાગજી, દિત્યાનું નામ આ સ્કૂલના રજિસ્ટરમાંથી હટાવવામાં નહીં આવે એ મારું તમને વચન છે, બસ. દિત્યા માટે તમે આટઆટલું કરી રહ્યા છો તો સ્કૂલ આટલો સ્નેહ તો દર્શાવી જ શકે.’ ચિરાગ અને નમ્રતાની આંખો વરસી પડી. પ્રિન્સિપાલ સુલેખા બંધુ માટે પણ આ ક્ષણ તેના જીવનની સૌથી સુંદરતમ ક્ષણોમાંની એક હતી.

આ પણ વાંચો : કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 16)

ચિરાગ અને નમ્રતા દિત્યાની વ્હીલચૅરને ધક્કો મારતાં સ્કૂલના ગેટ સુધી પહોંચ્યાં ત્યાં સુધીમાં કંઈકેટલાય વિદ્યાર્થીઓ અને સોનાલીમૅમ, ક્રિષ્નામૅમ દિત્યાને વળાવવા આવ્યાં. સૌની આંખો ભીની હતી. દિત્યાની સ્કૂલબેગ વારાફરતી બધાં બાળકો ઉઠાવી રહ્યાં હતાં. ગેટ પાસે પહોંચ્યાં એટલે સોનિયામૅમ દિત્યાની સ્કૂલબૅગ નમ્રતાના હાથમાં આપી. નમ્રતા અને ચિરાગ બધાને થૅન્ક્યુ કહી રહ્યાં હતાં ત્યારે બધાં બાળકો દિત્યાને બાય બાય કરી રહ્યાં હતાં. દિત્યાના ચહેરા પર સ્મિત હતું, પણ ધીરે ધીરે એ સ્મિતમાં તિરાડ પડી રહી હતી. આજે પહેલી વખત તેનાં માબાપ સ્કૂલ પૂરી થાય એ પહેલાં તેને લેવા આવ્યાં હતાં. દિત્યાને કારમાં બેસાડી ને કાર વિન્ડો બંધ થઈ કે વિન્ડોનો બ્લૅક ગ્લાસ દિત્યાને કાળમીંઢ દીવાલ લાગી, જેને ઓળંગીને તે સ્કૂલ પાસે ફરી ક્યારેય નહીં જઈ શકે... તેને રડવું આવ્યું, પણ ખબર નહીં એ રડી નહોતી શકતી... આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં ને સ્કૂલ ધીરે-ધીરે છૂટી રહી હતી.

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2019 01:36 PM IST | | રામ મોરી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK