Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા-સપ્તાહ : રંગ દે ચુનરિયા (હોલી કે દિન... - 1)

કથા-સપ્તાહ : રંગ દે ચુનરિયા (હોલી કે દિન... - 1)

18 March, 2019 02:22 PM IST |
સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : રંગ દે ચુનરિયા (હોલી કે દિન... - 1)

રંગ દે ચુનરિયા

રંગ દે ચુનરિયા


હોલી કે દિન...

દૂર ક્યાંક લતા-કિશોરના કંઠમાં ગુંજતા હોળીગીતે તેના વદન પર સુરખી પ્રસરાવી દીધી. પોતાના મનગમતા હોળીના તહેવારને હજુ વાર છે, પણ સાસરામાં પતિ સાથે પહેલી હોળી-ધુળેટીનો રોમાંચ જ નિરાળો હોવાનો!



‘તારે રંગાવામાં શું હજુ બાકી રહ્યું છે! સાવ વરઘેલી તો છે-’


માના શબ્દો પડઘાયા. શિવાજી પાર્કના ઉદ્યાનમાં છાંયડો જોઈ બેઠેલી તારિકાને થયું, મારી વિદ્યામાની વાત તો સાચી. અહર્નિશ છે જ એવા કે તેમનું પડખું સેવનારી પોતાને બડભાગી માન્યા વિના ન રહે! દેખાવમાં રૂડારૂપાળા તો ખરા જ, લાગણીથી છલોછલ.

‘આપણે સામાન્ય સ્થિતિનાં છીએ, તારિકા. સ્નેહની દોલત સિવાય આપણાં ખિસ્સાં ખાલી હોય છે. હું તને હેતવર્ષામાં તરબોળ રાખીશ, પણ જીવનધોરણ સુધારવા માટે તારે નોકરી ચાલુ રાખવાની. ફાવશેને?’


છ મહિના અગાઉની એ પહેલી મુલાકાતમાં અહર્નિશે પૂછેલા પ્રશ્ને અત્યારે પણ હળવો નિ:શ્વાસ સરી ગયો.

નોકરી. લગ્નજીવનના પાયામાં એક જૂઠ રહ્યું હોવાના વિચારે તારિકા સહેજ કાંપી ગઈ.

‘તારે સફાઈ ડહોળવાની જરૂર નથી.’

સમયની પા૨થી માની ટકોર કાનોમાં ગુંજી ઊઠી. તણખલું તોડતી તારિકા વાગોળી રહી.

દાદરની મિલમાં કારકુની કરતાં ધીરજભાઈની સ્થિતિ સાધારણ. વિદ્યાબહેન ઘરમેળે પાપડ-અથાણાનું થોડું ઘણું કામ કરી પલડું સરભર કરતાં ને ઘણી બધી ઉમ્મીદોવાળી જિંદગી માટુંગાની સ્ટેશન નજીકની ચાલીના બીજા રહેવાસીઓની જેમ ધીરજભાઈ-વિદ્યાબહેનની એકની એક દીકરી તારિકાને પણ સદી ગયેલી.

અમદાવાદની પોળની જેમ કદી મુંબઈની ચાલી સિસ્ટમ શહેરની ઓળખસમી હતી. વિવિધતામાં એકતા જેવો પચરંગી જનસમૂહ અહીં રહેતો હોય. વાટકીવહેવારમાં તેમનો જોટો નહીં ને ઘણી વાર એવુંય બને કે ઉંમરલાયક વર-કન્યાના રિશ્તા અંદર-અંદર જ નક્કી થઈ જાય.

આ દુનિયામાં તારિકા ખુશ હતી. ગાડી-બંગલાની ચાહત હૈયે જન્મી જ નહીં. પોતે પણ બે છેડા ભેગા કરવાની જિંદગી હોંશે-હોંશે વિતાવી શકશે, કેમ કે એમાં પતિનો પ્યાર હશે, સ્વજનોની હૂંફ હશે.

‘આપણે આપણી હેસિયત બહારનાં સમણાં જોવા પણ ન જોઈએ, સાચું, પણ જમાઈ તો હું સરકારી નોકરીવાળો જ શોધવાની છું, ભલે મામૂલી ક્લર્ક કે ચપરાસી પણ કેમ ન હોય.’ વિદ્યાબહેન કહેતાં, ‘કમસે કમ નોકરીમાંથી ખારીજ થવાનો તો ભય નહીં.’

ભવિષ્ય માટે થોડા ઘણા સિક્યૉર રહેવું જરૂરી છે. એમ તો માની જેમ અથાણાં-પાપડ કરવાને બદલે હુંય ક્યાંક નોકરી જ લઈ લઉં તો? બાંધી આવક તો રહે ને મા જેવી મજૂરીયે નહીં!

‘તો પછી પીટીસી કરી આંગણવાડી કે પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા બની જા. સવારની નોકરી, પછી આખો દિવસ ફ્રી અને રજાઓ-વેકેશન્સની છૂટ પણ ખરી!’

પિતાની સલાહ સોનેરી લાગી. તારિકા અભ્યાસમાં કંઈ એક્સ્ટ્રા-ઑર્ડિનરી નહોતી, પણ ટ્વેલ્થ પછી પીટીસીમાં પ્રવેશ મેળવી લીધો.

‘તમે તારિકાનાં લગ્નનું કંઈ વિચાર્યું?’ ચાલીમાંથી પૂછપરછ થવા માંડી.

માબાપ એથી પોરસાતાં. બેશક, તારિકા રૂપાળી હતી. તેનામાં સૌંદર્યને નિખારવની સૂઝ પણ ખરી. એકની એક સાડીને અલગ-અલગ રીતે પહેરી જાણે, ડ્રેસના દુપટ્ટાની સ્ટાઇલ બદલી નવી જ ભાત જન્માવે. સ્ટ્રીટ શૉપિંગની ઍક્સેસરીઝ એની સજાવટને ચાર ચાંદ લગાવી દેતી. એના સંસ્કાર-ઉછેરમાં કહેવાપણું હતું જ નહીં અને પીટીસી કરે છે એટલે વહેલીમોડી સરકારી નોકરીય મળી રહેવાની... ચાલીમાંથી જ આવી વહુ મળી જાય એ માટે ઘણાએ સીધી-આડકતરી રીતે પૂછવા માંડ્યું. જોકે એમાં સરકારી નોકરીવાળું કોઈ નહોતું એટલે વિદ્યાબહેનનું મન જરા પાછું પડતું. તેમની વિચારસરણી પતિ-પુત્રીએ પણ અપનાવી લીધેલી- પ્રાઇવેટમાં નોકરીનું ઠેકાણું નહીં. સરકારી દફતરમાં કમસે કમ, તાળાં લાગવાનો તો ભય નહીં! આપણે આવો જ મુરતિયો ખોળવો જોઈએ.

જોકે ખાનગી કે સરકારી નોકરી મળવી કેટલી મુશ્કેલ છે એ તો પીટીસી થઈ તારિકા ખુદ જૉબ શોધવા માંડી ત્યારે સમજાયું. માંડ-માંડ ઘાટકોપરની પબ્લિક સ્કૂલમાં વિદ્યાસહાયક તરીકે જોડાવાનો મેળ પડ્યો. એક તો આટલે દૂરનું અપડાઉન ને મહિનાના અંતે મળે માંડ સાડાછ હજાર રૂપરડી!

‘અમે જાણે વેઠિયા મજૂર હોઈએ એમ શાળાનો કાયમી સ્ટાફ અમારા માથે જ કામનો ટોપલો ઢોળી દે. વીસ હજારના વાઉચર પર સહી કરાવી સાડાછ ચૂકવે એટલો તો ભ્રષ્ટાચાર!’ તારિકા ઘરે બળાપો કાઢતી. પૈસા માટે કેવો પરસેવો પાડવો પડે એ હવે તેને સમજાતું હતું.

‘ધીરજ ધર. તું પણ ટેવાતી જઈશ. કામમાં હાથ બેઠા પછી બધું રમતવાત લાગશે’ મા સમજાવતી.

સમાંતરે તેમણે મુરતિયા ખોળવામાં ઝપાટો માર્યો‍. કહેવાનું ચૂકતા નહીં - મારી તારિકા સ્કૂલમાં લાગી છે, બહુ જલદી સરકારી નોકરીમાં કાયમી થઈ જશે!

એ વાત જુદી કે શાળામાં ભરતીપ્રક્રિયા શરૂ થતી જ નહીં, કામચલાઉ વિદ્યાસહાયકોના નામે કારભાર અને ભ્રષ્ટાચાર બેઉ પોષાતા હોય ત્યાં તેમને પરમેનન્ટ કરવામાં રસ પણ કોને હોય? સામે ત્રસ્ત સહાયકો ભણાવામાં ગાળિયા કાઢે એમાં શિક્ષણનું સ્તર પાતાળે ગયું છે એની જોકે પરવા કોને છે! આઠ-દસ મહિનાની નોકરી પછી તારિકાને સિસ્ટમનો ત્રાસ છૂટતો, બાકી કમાણીની અગત્ય સ્વીકારતી.

બીજી બાજુ સરકારી નોકરીવાળા મુરતિયાનેય કાયમી નોકરી કરતી કન્યામાં જ રસ હોવાના બે-ચાર અનુભવ પછી અહર્નિશનું કહેણ આવતાં વિદ્યાબહેને કહી દીધું - અમારી તારિકા પણ હજુ ગયા અઠવાડિયે જ ઘાટકોપરની બી. જે. મહેતા સાર્વજનિક વિદ્યાલયમાં કાયમી થઈ!

આના પર મા-પિતા-પુત્રી વચ્ચે નાનકડી બહેસ પણ થયેલી.

‘તારે જૂઠ બોલવાની જરૂર કેમ પડી, વિદ્યા?’ ધીરજભાઈ અકળાયેલા, ‘આ તો છેતરવાનું થયું; એ પણ દીકરીનાં સાસરિયાંને?’

‘સાસરિયાં હજુ થયાં ક્યાં છે?’ વિદ્યાબહેને બચાવ કરતાં તારિકા બોલી ઊઠેલી.

‘ધારો કે થયાં તો તારું આ જૂઠ કેટલા દિવસ ટકવાનું? અરે, સાસરામાં પહેલો પગાર આવતાં ભાંડો ફૂટી જવાનો - ત્યારે હું મારા પતિને હૈયેથી ઊતરી જ જાઉંને! આ શૉર્ટકટ જોખમી છે, મમ્મી.’

‘બરાબર છે મારી બચ્ચી, પણ સારું પાત્ર મળતું હોય તો થોડું રિસ્ક લેવું પડે.’ સ્ત્રીસહજ કોઠાસૂઝથી તેમણે સમજાવ્યું, ‘તારે સફાઈ ડહોળવાની જરૂર નથી. દરેક સંબંધમાં બધાં જ બધું ખૂલીને, સાચું જ કહેતા હોય એ માનવું ભૂલભરેલું છે. ખાસ કરીને પાત્રપસંદગીમાં છોકરાવાળા છોકરાની આવક થોડી વધારીને કહે, કોઈ લફરું છુપાવે, કોઈ બીમારી; રસોઈનો ર ન જાણનારી છોકરીને મા રાંધણકળામાં નિષ્ણાત બતાવે; - તોય લગ્ન નભી જતાં હોય છેને! અને આ ક્યાં સફેદ જૂઠ છે? તું નોકરી કરે છે એ તો હકીકત છે, ભરતી નીકળતાં કાયમી થવાની એય સાચું, ખાલી સમયને હું થોડો આગળ કરી લઉં છું એમાં કયું આભ તૂટી પડ્યું?’

પોતાની દલીલથી પતિ-પુત્રીને પ્રભાવિત કરી વિદ્યાબહેને મુરતિયાનો ફોડ પાડ્યો, ‘અહર્નિશનો ફોટો તો જુઓ. કેવો રૂડો રાજકુમાર જેવો છે.’

તસવીર નિહાળી તારિકાના હૈયે શરમના શેરડા પડ્યા. ઉઈ મા, પોસ્ટકાર્ડ સાઇઝના ફોટોમાં કેવો પાણીદાર જણાય છે જુવાન!

‘મહાલક્ષ્મી ખાતે તેમનો વન બેડરૂમનો ફલૅટ છે, બોલો. ઘર નજીકની બૅન્કમાં જ જુનિયર ક્લર્કની સરકારી નોકરી છે. પરિવારમાં માબાપ અને કૉલેજ ભણતી નાની બહેન માત્ર.’

મતલબ નણંદ બહુ-બહુ તો વરસ-બે વરસની મહેમાન. તેની વિદાય બાદ એક બેડરૂમનો ફલૅટ ચાલીના અમારા ઘરની સરખામણીમાં તો કેટલો મોકળાશવાળો ગણાય!

‘ન્યાતીલુ ઘર છે, અહર્નિશનાં મા-બાપ દમયંતીબહેન-સુધીરભાઈ નિરુપદ્રવી છે. હું તો કહીશ, તું એક વાર છોકરાને મળી તો જો. વાત ન જામે તો પ્રશ્ન જ નથી, ને પસંદ પડે તો જૉબવાળું શું કરવું-કહેવું એ પછી વિચારીશું.’

આ સમાધાન પિતા-પુત્રીને જચ્યું. શક્ય છે, છોકરાવાળાને તારિકા ગમી જાય તો કાયમી નોકરીનો આગ્રહ જતો કરવા તૈયાર પણ થઈ જાય! તેમના ઉમળકા પરથી જ આનો ખ્યાલ આવી જશે, એ વખતે એવું કંઈક કહી દેવું કે નોકરીનો ઑર્ડર હજુ હાથમાં આવ્યો નથી એટલે હજુ બધું અધ્ધરતાલ જ ગણાય... આમાં અગાઉ અમે જૂઠ બોલ્યા જેવું નહીં લાગે ને નોકરી કાયમી નથીનો ખુલાસો પણ થઈ જાય!

અને મુલાકાત ગોઠવાઈ. અહર્નિશ, તેના પેરેન્ટ્્સ અને બી.એ.ના ત્રીજા વરસમાં ભણતી અહર્નિશની નાની બહેન ઋત્વી ઘરે આવ્યાં. અહર્નિશ બાબત તારિકા ખુદ પૉઝિટિવ હતી એટલે ચાલીની રૂમ સુઘડ કરી દીધેલી, મીઠાઈ-ફરસાણ તેણે જાતે બનાવેલાં. ત્રીજા ઘરે રહેતાં વંદનાભાભી પાસેથી તેમની નવી સાડી માગી ગજરાની સજાવટ પણ કરી હતી. કિચનના પાર્ટિશન આડેથી મહેમાનોને જોઈ લીધા. જીન્સ-ટીશર્ટમાં અહર્નિશ અત્યંત સોહામણો લાગ્યો. આવતાં જ મમ્મી-પપ્પાને પગે લાગ્યો એમાં તેના સંસ્કાર છતાં થતાં તારિકાએ અનુભવ્યા.

ચા-નાસ્તો તૈયાર કરતાં તેના કાન તો વડીલોની વાતો પર જ મંડાઈ રહેલા. દરમ્યાન એક-બે વાર તારિકાએ ડોકિયું કરતાં અહર્નિશ પણ તેને જ શોધતો હોય એમ નજર દોડાવતો લાગ્યો, એમાં દૃષ્ટિ ટકરાઈ ને ગભરાઈ, શરમાઈ તારિકાએ મોં અંદર તરફ ફેરવી લીધેલું. અહર્નિશના હોઠ મલકી પડેલા, એવી જ મુસ્કાનભેર એણે પૂછ્યું હતું - ‘તમે બહુ શરમાળ છો?’

એકાંત મુલાકાતની એ શરૂઆત હતી... થોડી વાર અગાઉ માના સાદે ચા-નાસ્તાની ટ્રે લઈ હૉલમાં પ્રવેશતી તારિકાએ છોકરાવાળાને પ્રભાવિત કરી દીધેલા. સુધીરભાઈ-દમયંતીબહેનને પગે લાગી, ઋત્વીને ‘હાય’ કહી અહર્નિશને ‘હલો’ પણ કર્યું હતું. થોડી ઘણી ચર્ચા થઈ, રાબેતા મુજબના સવાલ-જવાબ થયા. પછી અહર્નિશે એકલામાં મળવાની ઇચ્છા જતાવતાં બેઉ પાર્ટિશન પછવાડે ગોઠવાયાં એમાં અહર્નિશના પહેલા સવાલે તારિકા બોલી ઊઠી, ‘હું માનું છું લજ્જા સ્ત્રીનું ઘરેણું છે.’

આમાં દંભ નહોતો... અહર્નિશ પણ એટલો જ નિખાલસ રહ્યો. લતાનાં ગીતોથી હરકિશન મહેતાની નવલકથાઓ સુધીની એમની પસંદ પણ મળતી આવી. બન્નેને અહેસાસ હતો કે અમે એકબીજાને ગમી રહ્યાં છીએ. એક તબક્કે અહર્નિશે નોકરીની અગત્ય સમજાવી પૂછી લીધું - તમને નોકરી કરવી ફાવશેને?

ના, આમાં પત્નીના પગારની લાલચ નહોતી, સાથે મળી સુખપથ રચવાની કામના માત્ર હતી.

‘જી’ તારિકાએ ઠાવકાઈથી ઉમેરેલું, ‘આજના જમાનામાં બે જણે કમાવું જ પડે.’

વિચારોનો મેળ ખાતો જોઈ અહર્નિશ હરખાયો. ‘તમારી પણ સરકારી નોકરી છે ને પાછી કાયમી, એટલે ભવિષ્યની નિશ્ચિતતા તો ખરી.’

અહીં તારિકાથી સચ ન બોલાયું. અહર્નિશ ગમ્યો હતો એટલે જ ડર લાગ્યો - ક્યાંક નોકરી બાબતનું સત્ય જાણી તે મને રિજેક્ટ ન કરી દે! આમાં કેવળ શારીરિક આકર્ષણ નહોતું, અહર્નિશના ગુણોથી પ્રભાવિત હૈયું મૂંગું રહેવા મજબૂર કરતું હતું.

સાંભરીને અત્યારે પણ તારિકાએ જાતને કોસી:

એ જ વેળા મેં સત્ય કહેવાની હામ દાખવી હોત તો પછી જૂઠ પર જૂઠનું આવરણ ન ચડાવવું પડત!

એવું જોકે બન્યું નહીં... અહર્નિશની હા થઈ, ત્યારે જ પપ્પાએ કહેલું કે આ૫ણે હવે તેમને અંધારામાં રાખવા ન જોઈએ, પણ હવે તારિકાનું મન પાછું પડ્યું - મૂલ્યોમાં માનનારો અહર્નિશ આને ધોકા તરીકે નિહાળી આગળ વધવાનો ઇનકાર ફરમાવે તો! સમણાના સાક્ષાત્કાર જેવા જુવાનને ગુમાવી ન શકું... છેવટે તો અહર્નિશને ભવિષ્યના ચણતર માટે મારા યોગદાનનો જ ખપને, એનો મને ક્યાં ઇનકાર છે? કામચલાઉ તો કામચલાઉ, મારે નોકરી તો છે જ. એ કાયમી ન હોવાનો ખુલાસો લગ્ન પછી, અહર્નિશ સાથે અંતરંગ બન્યા પછી હું સહજપણે કહી શકીશ ને ત્યારે અહર્નિશને મારો દૃષ્ટિકોણ સમજાશે પણ ખરો. મારે તેમને અંધારામાં નથી રાખવા એમ કહેવાની ઉતાવળ પણ નથી કરવી!

વેવિશાળ લેવાયું. મહિનામાં જ લગ્નનું મુરત હતું.. હોંશથી, છતાં પોતાની આર્થિક મર્યાદામાં રહી પ્રસંગ ઊજવવાની અહર્નિશની તકેદારી તારિકાને પણ જચી.

‘મૅમ, દિવાળી પછીના પહેલા મુરતમાં મારાં લગ્ન લીધાં છે, ફંકશન સાદાઈથી ઊજવવાના છીએ.’ દિવાળી વેકેશનના આગલે દહાડે તારિકા છુટ્ટીના એક્સટેન્શન માટે શાળાનાં પ્રિન્સિપાલ મૅડમ કાવ્યાણીદેવીને મળી ત્યારે તેને અભિનંદન દઈ પ્રૌઢવયના મૅડમે દિલગીરી પણ દર્શાવી, ‘આઇ ઍમ સૉરી, મારી પાસે તારા માટે સારા સમાચાર નથી. દિવાળી પર તારો કૉન્ટ્રૅક્ટ પૂરો થાય છે, એને હાલ એક્સટેન્ડ કરી શકાય એમ નથી.’ કહી તેમણે ટર્મિનેટ લેટર થમાવતાં તારિકાના પગતળે જમીન સરકી ગઈ હતી!

આ પણ વાંચો : કથા-સપ્તાહ : આનંદ (ભાઈ-ભાઈ.... - 5)

કામચલાઉ શું, મારી પાસે નોકરી જ નથી રહી એની અહર્નિશ કે મારાં સાસરિયાંને તો આજે લગ્નના ચોથા મહિને પણ જાણ નથી! તેમને જાણ ન થાય એ માટે પોતે નોકરી ચાલુ હોવાનો ડોળ રાખ્યો છે. સ્કૂલના ટાઇમે ઘરેથી નીકળી જાઉં છું. અહીં-ત્યાં રખડી છૂટવાના સમયને અનુરૂપ ટાઇમે ઘરે પાછી વળું છું એની જો મારા સાસરે જાણ થઈ તો?

તો શું થાય એનો જવાબ આજે પણ તારિકા પાસે નહોતો! (ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2019 02:22 PM IST | | સમિત પૂર્વેશ શ્રોફ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK