કથા-સપ્તાહ : આનંદ (ભાઈ-ભાઈ.... - 5)

સમિત પૂર્વેશ શ્રોફ | Mar 15, 2019, 12:28 IST

બે ભાઈઓનું મિલન જોઈ કાદંબરીના અંતરે ગવાહી પૂરી - આ જોડી હવે નહીં તૂટે, આ સાથ નહીં છૂટે!

કથા-સપ્તાહ : આનંદ (ભાઈ-ભાઈ.... - 5)
આનંદ

ભાઈ-ભાઈ.....

‘ચિંતાનું કારણ નથી.’ તાતા હૉસ્પિટલના કૅન્સર સ્પેશ્યલિસ્ટ ડૉ. ત્રિવેદીએ આનંદને ધરપત આપી, ‘આપણે ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે, અને બોન મૅરો ડોનર મળી જાય ધૅન યુ આર સર્વાઇવ એ મારી ગેરંટી છે!’

પેશન્ટની આશદીવડી ટમટમી રહે એ માટે ડૉક્ટર્સ ઉમ્મીદનું ઘી પૂરતા જ હોય છે, જોકે આનંદ પોતે બહુ પૉઝિટિવ હતો.

‘અમિતનો વિવાહ નક્કી કર્યો‍ છે, આનંદ, શ્રાવણી સાથે...’ ધુળેટીના બીજે દહાડે કાદંબરીમાએ ફોન રણકાવેલો, ‘આવતા રવિવારે ઘરે ગોળધાણાનો કાર્યક્રમ રાખ્યો છે, અમિતની જીદને કારણે એમાં તો હું તને નથી નિમંત્રતી, પણ તારા વિના અમિતને ઘોડે નહીં ચડાવું એ મારું વચન છે!’

સૌતનના સંતાન માટે કેટલી કટિબદ્ધતા! કહેવાનું મન થયેલું - અમિતનાં લગ્ન જલદી લેજો, મારો કંઈ ભરોસો નહીં! પછી નબળા પડતા મનને ઉમંગનો ડોઝ દેવો પડેલો - અરે, હું તો અમિતનાય દીકરાને પરણાવીને જઈશ!

આનંદ સારવારમાં જરાય ચૂકતો નહીં. ડૉ. ત્રિવેદી પર ભરોસો બંધાઈ ગયો હતો. આજની સિટિંગ પતવાની જ હતી કે ડૉક્ટરની કૅબિનનો ડોર પુશ કરી એક યુવતી હાંફળીફાંફળી દોડી આવી,

‘સૉરી, ડૉક્ટર, મારા મધર વેઇટિંગમાં હતાં, લોહીની ઊલટી થતાં અનકૉન્શિયસ બન્યાં છે...’

‘ઓહ’ ડૉક્ટર ત્વરાથી ઊભા થયા, ‘ચલો લિલિયન, પહેલાં તમારાં મધરને ચકાસી લઈએ.’

‘ડોન્ટ વરી સિસ્ટર,’ આનંદ પણ તેમની સાથે થયો, ‘તમારાં મમ્મી શ્રેષ્ઠ હાથમાં છે.’

કટોકટીમાં કોઈ ધરપત દેનારું હોય તો સારું જ લાગે. આનંદ તેની પડખે રહ્યો. પેશન્ટને ચકાસી ડૉક્ટરે લખેલી દવા પણ એ જ લઈ આવ્યો, રૂમ બહાર નર્વસપણે બેઠેલી લિલિયનને કૉફી પીવડાવી, એક બે જૉક ફટકારી હસાવી પણ દીધી..

‘જાણો છો, પાછલાં છ વરસથી મારી મા કેન્સરથી પીડાય છે.’ લિલિયિન અનાયાસે કહેતી ગઈ, ‘અમે સામાન્ય ઘરનાં. પપ્પાએ બનતું કર્યું. ઘર ગિરવી મૂક્યું. માના દાગીના વેચાતા ગયા... પછી મેંય કમર કસી. મૉડલિંગમાં જે-જેવું મળ્યું એવું કામ કરતી રહી. આજે ઍટ લીસ્ટ એટલું તો અચીવ કર્યું કે માની ટ્રીટમેન્ટમાં બાંધછોડ ન કરવી પડે.’

આમાં અભિમાન નહોતું, કેવળ પુત્રી તરીકેની ફરજ બજાવવાની સંતુષ્ટિ હતી માત્ર.

‘મા હવે કંટાળી છે. બીમારીથી વધુ એને મારી ચિંતા પજવે છે. હું ૨૬ની થઈ, મારા હાથ પીળા કરવાની તેને ઉતાવળ છે. આખરે મા.’

‘હું તમારાં માને સમજાવીશ કે એક દીકરીના રૂપે ઈશ્વરે તમને સો દીકરા દીધા છે. તેના ભવિષ્યનો હવાલો તમારા જીઝસને સોંપી દો.’

છેવટે ત્રણ કલાક પછી ડૉક્ટરને પેશન્ટને ડિસ્ચાર્જ આપ્યો ત્યારે લિલિયને ખરા હૃદયથી આભાર માન્યો - તમારી કંપનીએ મને પ્રેરણા પૂરી પાડી મિસ્ટર....’ તેણે આનંદના ચહેરા તરફ જોયું, નેત્રો ચકળવકળ થયાં. ત્રસ્ત હાલતમાં જે ન સૂઝ્યું એ હવે કળાયું - અરે! આ આ...નં...દ... તો નહીં?

‘આનંદ કાપડિયા.’

લિલિયને તેના મોહક સ્મિતનો ધક્કો અનુભવ્યો. આણે મને બહેન કહી. કપરી ક્ષણોમાં કેવળ માનવતાના નામે મારી હિંમત બની ઊભો રહ્યો. મારે આને ખોટા આરોપમાં બદનામ કરવાનો?

અમિતે આવું શું કામ કરવા કહ્યું એ જાણ્યું નહોતું, કેમ કે ત્યારે જાણવું જરૂરી પણ નહોતું, પોતે કેવળ પૈસાથી મતલબ રાખી હતી, પણ ઈશ્વરે પણ આવા નિર્મળ જુવાન સાથે ખોટું નહીં થવા દેવું હોય તો જ અમારો ભેટો કરાવી દીધો... ઑબ્સિયસલી આજના આ ત્રણ કલાક પછી હું આનંદની બદનામીનું પગલું ભરી નહીં શકું. અમિતને તેમનું ઍડવાન્સ પરત કરી આનંદને ચેતવી પણ દઈશ... ઊંડો શ્વાસ લેતી લિલિયનને બીજી પળે ઝબકારો થયો - અમે મળ્યાં એ કૅન્સર પેશન્ટ્સ માટેની ખાસ હૉસ્પિટલ છે. આનંદ અહીં શું કરે છે?

‘હું પોતે પેશન્ટ છું.’ આનંદે સ્મિત ફરકાવ્યું, ‘બ્લડ કેન્સર.’

હેં. લિલિયન હચમચી ઊઠી. આવો ભયાનક રોગ! એય પાછો હસતાં હસતાં કહે છે?

‘રડવાનું તો મોતને હોય, હાસ્ય તમે જીવંત હોવાની સાબિતી છે.’ તેણે સાધુની જેમ જમણો હાથ ઊંચો કર્યો, ‘આવું બાબા આનંદ કહે છે.’ તેના રમતિયાળ અંદાજમાં કેવી ગહેરી ફિલસૂફી હતી.

‘તમને મળતાં રહેવું પડશે... ’ લીલીએ હળવેથી કહી દીધેલું. એટલું જ નહીં, બીજી સાંજે તેના ઘરે પણ પહોંચી... આનંદ વિશે જાણવું હતું, અમિતને શાની દુશ્મનાવટ છે એ સમજવું હતું. જોકે અંગત ઉખેળવા માટે વિશ્વાસનો તાંતણો જોડવો પડે. એની પહેલ કરી લિલિયને પોતાના વરવા સંજોગ કહ્યા, દેહવિક્રયનું સત્ય પણ છુપાવ્યું નહીં. સૂગ દાખવવાને બદલે આનંદે સરાહના કરેલી - માબાપનું ઋણ ફેડી શકાય નહીં, પણ તમે કોશિશ કરો છો એ વંદનીય છે!

આવી બીજી બેત્રણ મુલાકાતમાં તે આનંદને અણસાર ન આવે એટલી સહજતાથી તેનું અંગત ઉખેળતી રહી...

- એ જાણ્યા ૫છી હું ચૂપ નહીં રહું. અમિતને તો કાલે તેના ગોળધાણામાં જ સીધોદોર કરવો જોઈએ. લીલીએ વિચારી લીધું.

- અને રવિની આજની બપોરે અમિતને ત્યાં શ્રાવણી, તેના ઘરવાળા સહિત મહેમાનોનો મેળાવડો જામ્યો હતો ત્યાં ધસી જઈ અમિતને રૂમમાં તાણી ગઈ... અમિત તેની ચેષ્ટાથી હેરાનપરેશાન, ‘આ બધું શું છે, આનંદનું કામ તેં કર્યું નહીં.’

‘એના ખુલાસા માટે જ આવી છું.’ લીલીની મુખરેખા તંગ થઈ, ‘આનંદ જેવા ફરિશ્તાને બદનામ કરવા માગતા શયતાનને ખુલ્લો પાડવા આવી છું.’ તેની વાણીનો અર્થ કળાય એ ૫હેલાં પર્સમાંથી બંડલ કાઢી લિલિયને અમિતના મોં પર ફંગોળ્યું, ‘રાખ તારા રૂપિયા તારી પાસે’ ૫છી વાળ વિખેર્યા, સાડીનો છેડો ફંગોળી બ્લાઉઝની બાંય ચીરી ચીસ નાખી - બચાવો.. અમિત મારી આબરૂ લૂંટવા માગે છે!

***

લીલીની ચીસોએ નીચે હૉલમાં શ્યામલભાઈ-કુંદનબહેન ચિંતાગ્રસ્ત બન્યાં, મહેમાનોમાં ગણગણાટ પ્રસરી ગયો. ‘પ્લીઝ, આપ સૌ અહીં વેઇટ કરજો’ કહી શ્રાવણી કાદંબરીનો હાથ પકડી ઉપર દોરી ગઈ, દરવાજો ઠોક્યો - અમિત, ઓપન ધ ડોર!

અંદર લીલીએ અમિતને જકડી થોડી પળ રોકી રાખ્યો. પછી ધ્રુસકું નાખતી ફસડાઈ પડી. અમિતે ચોળાયેલું શર્ટ સરખું કરતાં દરવાજો ખોલ્યો. એવી જ ફફડતી હરણીનો અભિનય કરતી લીલી કાદંબરીને દોડીને વળગી, ‘માજી! મને આ રાક્ષસથી બચાવો! મૉડલિંગના કામ માટે તેમણે મને ગયા વીકે રેસ્ટોરાંમાં મળવા બોલાવી, કૉન્ટ્રૅક્ટની સામે અઘટિત માગ મૂકી મને એવી તંગ કરી કે આજે હું તેમનું ઍડવાન્સ પાછું આપવા આવી તો ભાન ભૂલી તેમણે મારી આ...બ...રૂ...’ તેણે ધ્રુસકું નાખ્યુ.

રૂમમાં વેરાયેલી કેશ, અમિતનાં વસ્ત્રો પરના સળ, લિલિયનના ચીંથરેહાલ દીદાર... શ્રાવણીની બુદ્ધિ બહેર મારી ગઈ, કાદંબરીએ દીકરાને તમાચો વીંઝ્યો - આ તેં શું કર્યું કપાતર!

‘મા!’ અમિત જખમી થયો, ‘તને મારા પર આટલો જ વિશ્વાસ?’

‘સવાલ વિશ્વાસ-અવિશ્વાસનો નથી, અમિત-’ શ્રાવણીનો સ્વર તરડાયો, ‘જે બન્યું એ પાછળનું સત્ય જુદું હોય તો એનો ફોડ પાડો.’

સત્ય! કંઈક કહેવા જતો અમિત ખંચકાયો. પોતે લીલીને આનંદને ફસાવાનું કામ સોંપ્યાની કબૂલાત મા-શ્રાવણી જીરવી શકે ખરાં!

‘પોતાનું પાપ કયો માણસ કબૂલે?’ લિલિયને ઘી હોમ્યું, ‘જે પુરુષ પોતાના ગોળધાણાનો પ્રસંગ ભૂલી બળાત્કારના પ્રયાસ સુધી જાય-’

‘ઇનફ!’ લિલિયનના શબ્દોએ શ્રાવણીમાં આવતો ભાવપલટો અમિતથી દેખ્યો ન ગયો. તેની ત્રાડમાં આક્રોશ હતો, ‘સચ એ છે કે આ બે બદામની બાઈને મેં આનંદને બદનામ કરવાનું કામ સોંપેલું - તેણે ઊલટો દાવ મારા પર અજમાવ્યો!’

કાદંબરી-શ્રાવણી ધારણા બહારનું સાંભળી હેબતાયાં.

‘બસ, આ સાંભળવા જ મારે નાટક કરવું પડ્યું.’ લિલિયને સ્વસ્થપણે કહેતાં શ્રાવણીનાં નેત્રો પહોળાં થયાં, કાદંબરી નિશ્વાસ જ નાખી શક્યાં!

‘આઇ ઍમ શ્યૉર સમહાઉ આનંદ આ વિશે જાણી ગયો, અને તેણે વધુ પૈસા આપી આપણા રંગમાં ભંગ પડાવવા ચાહ્યો’ અમિતે લીલીને ઝંઝોડી, ‘સાચુંને?’

જોકે લિલિયન કંઈ બોલે એ પહેલાં કાદંબરી બોલી ઊઠયાં, ‘બસ કર અમિત. આનંદ પ્રત્યે તને આટલો દ્વેષ! તેને અમારી નજરોમાંથી ખેરવવાની લાયમાં તું અળખામણો કાં થઈ બેઠો? આનંદ કદાપિ આવી હલકી રમત ન રમે.’

‘સાચું કહ્યું તમે.’ લિલિયને ધાર્યું નહોતું કે અમિતના ઘરવાળા આનંદની ફેવરમાં ઊભા રહેશે, ‘આનંદ એટલો પ્યૉર છે કે અધરવાઇઝ પણ હું તેને સ્પોઇલ કરી ન શકત-’

કાદંબરી-શ્રાવણી હજી પૂરેપૂરાં સ્વસ્થ નહોતાં, પણ અમિતે વાક્યભેદ પકડ્યો - ‘અધરવાઇઝ પણ’નો મતલબ?

‘આનંદ પ્રેરણારૂપ ઇન્સાન છે, અમિત’ લિલિયન પોતાની ધૂનમાં બોલી ગઈ, ‘બ્લડ કૅન્સરના પેશન્ટ હોવા છતાં રોગને ફાઇટ આપવાનો તેમનો જુસ્સો કાબિલે-દાદ છે...’

બ્લ...ડ કૅ..ન્સર!

***

હે રામ. અમિત ધીરેધીરે ફર્શ પર બેસી પડ્યો. આનંદને ફર્સ્ટ સ્ટેજનું કૅન્સર છે, એ બોન મૅરો માગવા પેલે દહાડે શોરૂમ પર આવેલો, ને મેં તેને સાંભળ્યા વિના જ ગેટ આઉટ કહી દીધું? પછીથી તારે પસ્તાવું ન પડે એ વાક્યપ્રયોગ હવે સમજાય છે... લીલી તેને કૅન્સર હૉસ્પિટલમાં ભટકાઈ એ જોગાનુજોગ પણ કેવો!

‘ચાલ, શ્રાવણી’ કાદંબરીએ થનારી વહુનો હાથ થામ્યો, ‘મને વહેલામાં વહેલી આનંદ પાસે લઈ જા. આજથી હું ત્યાં જ રહેવાની.’ તેમણે અમિત તરફ દૃષ્ટિપાત કર્યો, ‘કોઈ પણ કિંમતે’

***

ઘરનો સૂનકારો અમિતને ડંખે છે.

આનંદને કૅન્સર હોવાના ઘટસ્ફોટ પછી મા આનંદ પાસે ગયા વિના રહી ન શકે. શ્રાવણી પણ ગઈ. નીતિમત્તાનાં એનાં ધોરણોમાં હું જ ઊણો ઊતર્યો. તેમની સાથે નીચે ઊતરેલી લિલિયને મુખ મલકાવી મહેમાનોને કહી દીધું - ‘યુ પીપલ એન્જૉય. અમે તો નાટકનું રિહર્સલ કરતાં હતાં.’ ચીસ નાખનારી બાઈ સાચે જ કંઈ બન્યું ન હોય એમ કહે, એની સાથે કાદંબરી-શ્રાવણી હાજર હોય ત્યારે બાકીનાએ માની લેવું પડ્યું. લીલીના નીકળ્યા બાદ માએ પણ પાર્ટી બરખાસ્ત કરી દીધી, ઘર ખાલી થઈ ગયું... હવે?

***

‘મા, ભાભી, મારા કારણે તમે અમિતને તરછોડો એ ઠીક નહીં.’

કાદંબરીમા-શ્રાવણીના આગમને આનંદ ચોંકયો, જે બન્યું એ જાણી હેબતાઈ જવાયું. લિલિયનના કૃત્યે ગદ્ગદ થવાયું. આનંદે શ્રાવણીને જોકે પાછી મોકલી-અમિતને સાવ એકલો ન છોડાય...

***

‘આનંદને હજુય તમારી ચિંતા છે, અમિત...’ શ્રાવણીએ અમિતનો હાથ હાથમાં લીધો, ‘મા ગયાં કે આનંદે તેમને છીનવી લીધો, એમ વિચારવાને બદલે એવું વિચારો કે તમે ક્યાં ચૂક્યા?’

અમિતે હોઠ કરડ્યો.

‘સૌતનના સંતાન માટે પંડના દીકરાને છોડનારાં માનો ન્યાય જુઓ, બોન મૅરો માટે હકથી તમારી પાસે આવતા આનંદની દિલેરી જુઓ, અને સામે ખુદને મૂકો. જવાબ મળી જશે. ’

અમિતની ગરદન ઝૂકી ગઈ.

‘તમે માનું વહાલ વહેંચાવાની બીકે અક્કડ રહ્યા, પણ સામે આનંદનું એટલું જ છાતીફાડ વ્હાલ સાંપડશે એનો હિસાબ ક્યારેક માંડ્યો હોત તો તમે કેટલા અમીર બની ગયા હોત! નહીં, હું કે મા તમને ઇમોશનલી બ્લૅકમેઇલ નહીં કરીએ, નિર્ણય તમારે લેવાનો છે, અમિત, પણ એટલું કે આ વખત અંતરનાં દ્વાર ખોલીને લેવાનો છે, પૂર્વગ્રહ પિગાળીને લેવાનો છે - અને હું જાણું છું, કાદંબરીનો દીકરો એમાં ઊણો નહીં ઊતરે!’

ક્યાંય સુધી શ્રાવણીના શબ્દો ગુંજતા રહ્યા. જોકે સવારે શ્રાવણી ઊઠી ત્યારે અમિત ઘરમાં નહોતો.

***

‘મારું તો હૈયું ફફડે છે મા-’ અમિતે ફોન પણ રિસીવ ન કરતાં શ્રાવણી હાંફળીફાંફળી આનંદને ત્યાં દોડી આવી. કાદંબરી-આનંદનેય ટેન્શન થઈ ગયું. ચિઠ્ઠીય છોડ્યા વિના અમિત જાય ક્યાં?

‘અમિતને સાચવી લો, મા, હું બનારસ જવાનું વિચારું છું.’ આનંદે ઘટસ્ફોટ જેવો કરતાં કાદંબરી-શ્રાવણી ડઘાયાં. બનારસ આનંદનું મોસાળ ખરું, પણ ત્યાંથી ભાગ્યા પછી દેવયાનીએ ક્યાં કદી પિયરનો સંબંધ રાખ્યો હતો? ‘સુખની શોધમાં જાઉં છું’ એટલું જ માને લખી એ નીકળી આવેલી, પછી ત્યાં શું થયું એ કોણે જાણ્યું. આટલાં વરસે મોસાળ જઈ આનંદે અધૂરી રહેલી કડી સાંધવી છે? કાદંબરી કંઈ કહે ન કહે ત્યાં પૉર્ચમાં ટ્રક આવી ઊભી. એના કારીગરો ઘરનો સામાન સમેટવા માંડતાં ત્રણે ચોંક્યાં - આ શું કરો છો!

‘શિફ્ટિંગ’ દરવાજે અમિતે દેખા દીધી. તેના દમામે સૌ થોડાં હેબતાયાં. અમિતે ગંભીર વદને ઉમેર્યું, ‘મારું બોન મૅરો આનંદ સાથે મૅચ થાય છે એનો રિપોર્ટ લઈને આવ્યો છું.’

હેં!

‘અમારું લોહી એ અર્થમાં પણ એક થવાનું - પછી અલગ થોડું રહેશે!’

‘ઓહ અ...મિત!’ આનંદને ઘરે લઈ જવાનો દીકરાનો ફેંસલો કાદંબરીને પ૨ખાયો, ‘મને હતું જ મારો અમિત એમ ચૂકે નહીં.’

આ પણ વાંચો : કથા-સપ્તાહ : આનંદ (ભાઈ-ભાઈ.... - 4)

અમિતે ઘા પર મલમપટ્ટી જેવું અનુભવ્યું. શ્રાવણીએ પાંપણે બાઝેલી ભીનાશ લૂછી. અમિતે આનંદ ત૨ફ હાથ લંબાવ્યો, ‘તું મને ૫ણ જીત્યો આનંદ! આવ, ભાઈ!’

ભાઈ. કાદંબરીને થયું અરવિંદનું તર્પણ આજે સાચા અર્થમાં થયું. આનંદ અમિતને વળગી પડ્યો. કેટલું ઝંખ્યો હતો એ આ દિવસને!

બે ભાઈઓનું મિલન જોઈ કાદંબરીના અંતરે ગવાહી પૂરી - આ જોડી હવે નહીં તૂટે, આ સાથ નહીં છૂટે!

તેમની ધારણા ફળી. આનંદ બહુ ઝડપથી સાજો થયો. અમિત-શ્રાવણીનાં લગ્ન ધામધૂમથી ઊજવાયાં.

હવે આનંદ માટે લાયક કન્યાની કાદંબરીને તલાશ છે, કોઈ હોય તો કહેજો. (સમાપ્ત)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK