કથા સપ્તાહ : બાઝી (જાને ક્યા બાત હૈ – 3)

Apr 17, 2019, 15:54 IST

અત્યારે સ્વીટની બાલ્કનીમાં ઊભા અર્ણવ સમક્ષ સ્મરણપટ તરવરી ઊઠ્યો.

કથા સપ્તાહ : બાઝી (જાને ક્યા બાત હૈ – 3)
બાઝી

માને લક્વો લાગી ગયો.

અત્યારે સ્વીટની બાલ્કનીમાં ઊભા અર્ણવ સમક્ષ સ્મરણપટ તરવરી ઊઠ્યો.

છેવટે માની દુનિયા વિલાના નીચેના ખંડના પલંગ પર સમેટાઈ ગઈ. માની નિ:સહાય અવસ્થા જોઈ અર્ણવથી રડી પડાતું. પિતા રૂટીનમાં પરોવાઈ જાણે દીકરાને ધબકારવા મથતા,

‘તારાં આંસુ તારી માની આંખો ભીંજવી જાય છે અર્ણવ... તેને તકલીફ ન પડે એનો તમામ ઇન્તેજામ આપણે કર્યો છે બેટા. ચોવીસ કલાકની મેતરાણી છે, ડૉ. ચોપડાના ક્લિનિકમાંથી દિવસમાં બે વાર નર્સ આવી જાય છે.’ અમૃતભાઈ સાદ ખંખેરતા, ‘તેને જોઈ આપણે રડતાં રહીશું તો તેનો જીવ વધુ દુ:ખશે. લેટ હર લીવ પીસફુલી એટ લીસ્ટ.’

તોય દીકરાનું મન ન માનતું. તે માને કંપની આપતો. વર્તમાનપત્ર વાંચી સંભળાવતો, ગ્રામોફોન પર તેનાં ગમતાં ગીતો મૂકતો, સિરિયલ દેખાડતો... સુભદ્રાબહેન કેવળ દીકરાને ભીની આંખે તાકી રહેતાં. અશ્રુબિંદુ પાંપણની અટારીએથી છલકાઈ જતું ને અર્ણવ પોતાનાં આંસુ છુપાવવા બહાર દોડી જતો.

‘તમારી લાગણી હું સમજું  છું અર્ણવ...’

માના લકવાને ત્યારે ચારેક મહિના થયા હશે. નિહા‌રિકાબહેન - લજ્જા માના ખબર પૂછવા આવ્યાં હતાં. નિહારિકાબહેન હૉસ્પિટલમાં તો જોકે બેચાર વાર આવી ગયેલાં, પણ ઘરે માની માંદગી પછી પહેલી વાર આવ્યાં. સાથે આવેલી લજ્જાના મુખ પર મા માટેની વેદના સાચૂકલી જણાઈ.

આમ તો મા હવે આંખોથી પણ વિશેષ પ્રતિભાવ નથી આપતી, પણ લજ્જાને ભાળી એમાં ખુશીની ચમક ઊભરી આવેલી, કમસે કમ અર્ણવને તો એવું જ લાગ્યું હતું.

બાદમાં હૉલની બેઠકમાં નિહારિકાબહેને હમદર્દી પાઠવી પ્રસ્તાવ મૂક્યો હતો.

‘તમને કદાચ માની સંભાળમાં ઘરનું કોઈ સ્ત્રી મેમ્બર નથી એની ખોટ પણ સાલતી હશે... પણ તમારી એક્સ્ટેન્ડેડ ફૅમિલીમાં અમારો આશ્રમ પણ આવે અને તમે મંજૂરી આપો તો લજ્જાને હું શેઠાણીની સંભાળ માટે મોકલી દઉં.’

લજ્જાને! અણવે લજ્જાને નિહાળી.

‘સુભદ્રામાની સેવાને હું સદ્ભાગ્ય સમજીશ.’ તેના રણકામાં વિશ્વાસનો ભાવ હતો.

‘તમારા પિતાને મેં પૂછી લીધું છે અર્ણવ. લજ્જાની સંમતિ તો તમે તેના મોંઢે સાંભળી.’

ત્યારે અર્ણવથી ઇનકાર ન થયો - ઠીક છે.

‘પણ મારી એક શરત હશે. અર્ણવ, તમારે તમારા રૂટીનમાં પરોવાયેલા રહેવાનું.’

નિહારિકાબહેન જે ઢબે બોલી ગયાં એમાં અર્ણવને એટલું તો પરખાયું કે મને ધબકતો કરવા પપ્પાએ તેમની સાથે વિચારવિમર્શ કરી લજ્જાને પ્લેસ કરવાનો સુઝાવ ઘડ્યો હોવો જોઈએ.

એવું હોય તો પણ લજ્જાના આગમન બાદ વાંધો લેવા જેવું કંઈ ન રહ્યું. પતરાની નાનકડી પેટી લઈને આવેલી લજ્જાને સર્વન્ટ રૂમને બદલે માના રૂમની બાજુનો રૂમ ફાળવ્યો હતો - તું માની સેવિકા નહીં, સ્વજન જેવી બની સંભાળ લેજે...

‘માની ચિંતા તમે મારા પર છોડી દો.’

લજ્જાએ કહેલું અને ખરેખર અઠવાડિયામાં અર્ણવ નિ‌શ્ચિત બનતો ગયો.

લજ્જા માને એકલી પડવા ન દેતી. કોલોનવોટર છાંટી તેમને મઘમઘતાં રાખે. આયા સ્પંજ કરતી હોય ત્યારે પીઠ પર ચકામાં નથી પડ્યાં ને એનું ધ્યાન રાખે. નર્સને પૂછી તેમના ફિ‌‌ડિંગના સ્વાદ સોડમની કાળજી લે. દર ત્રીજે દહાડે દેવાનાં થતાં ઇન્જેક્શન મૂકવાનું પણ શીખી લીધું. વચમાં ડૉક્ટર વિઝિટ કરી ગયા તો તેમને પૂછી માને ઑઇલ મસાજ પણ કરતી થઈ. એવું લાગતું જાણે માની લાઇફ પાછી ફરી રહી છે. લજ્જાની ચાકરીથી મા સંતૃપ્ત છે એટલું તો ચોક્કસ.

આ સંતોષે અર્ણવને વેપારમાં ફરી વ્યસ્ત કરી દીધો. બેચાર વાર લજ્જાને ફોન કરી લે ખરો. મા જાગતાં હોય તો લજ્જા ફોન સ્પીકર પર મૂકે. છોકરીમાં કેટલી સૂઝ છે! અર્ણવને લાગતું પોતે લજ્જા પ્રત્યેની લાગણીમાં સ્પષ્ટ બનતો જાય છે...

રવિની રજાના દિવસે ખ્યાલ આવતો કે લજ્જાને તો છુટ્ટી જેવું રહ્યું જ નથી. તે માને છોડીને જવા ન માગે એ કેવળ આશ્રમના સંબંધે નહીં, તેનો અણસાર પણ આવતો રહ્યો હતો. ક્યારેક મા સૂતી હોય ત્યારે મોડી રાત્રે બેઉ વિલાની ટેરેસમાં કોફી લઈ ગોઠવાતાં.

‘જાણો છો, અર્ણવ ક્યારેક મને એવું લાગે કે મા જાણે કશું કહેવા મથતાં હોય, પણ હું સમજી નથી શકતી.’

કમાલ છે. આવું તો મને લાગતું. માએ તેની કોઈ ઇચ્છા કહેવી હશે?

અર્ણવને પરેશાન જોઈ લજ્જા વાત વાળી લેતી, ‘હશે. મા ઠીક થશે એટલે આપોઆપ જાણવા મળશે.‘

‘મા ઠીક નહીં થાય લજ્જા...‘ અર્ણવે મેડિકલ તપાસનો વિસ્તૃત હેવાલ આપતાં લજ્જાથી હાયકારો નખાઈ ગયેલો - તો શું મા બાકીની જિંદગી આમ જ કાઢશે? ટ્રીટમેન્ટ ચાલે છે એ કેવળ બચેલી ચેતનાને ધબકતી રાખવા? ઓહ નો અર્ણવ, માને આપણે આટલી પીડામાં લાઇફટાઇમ માટે શી રીતે જોઈ શકીએ?’

ત્યારે બત્તી નહોતી થઈ કે લજ્જા આનો કેવો ઉકેલ આણવાની ફિતરતમાં હશે!

સંજોગે પણ કેવા વેરી બન્યા. એક તરફ લંડનની હીરાની પેઢી સાથે કૉલેબોરેશનની ચર્ચાવિચારણા માટે અર્ણવે મહિના માટે વિદેશ જવાનો યોગ ઘડાયો. ને બીજી બાજુ તેના ગયાના છ જ દિવસમાં તો લજ્જાએ માને ઝેરનું ઇન્જેક્શન દઈ મુક્તિ આપી દીધી!

અત્યારે પણ અર્ણવે મુઠ્ઠી ભીડી  - વાય, લજ્જા, વાય! તું જાણતી હતી, તને કહીને, તારા ભરોસે હું લંડન ગયો હતો. રોજ થતી વિડિયોચૅટમાં માને દેખાડતી વેળાય તેં તારા ઘાતકી ઇરાદાનો અણસાર આવવા નહોતો દીધો...

ફરી એક વાર પપ્પાનો ફોન આવ્યો હતો-

‘અર્ણવ, સમથિંગ ટ્રેજિક હૅઝ હેપન્ડ. કમ ઇ‌‌મિ‌જિયેટલી.’

તેમના સ્વરની ગંભીરતાએ માના અમંગળનો અણસાર આવી ગયો.

પપ્પા વધુ વાત કરી ન શક્યા, લજ્જાનો ફોન ‌સ્વિચ્ડ ઑફ આવતો હતો. મુંબઈ પહોંચતાં સુધીમાં અર્ણવે જાતને માના મૃત્યુના ખબર માટે તૈયાર કરી લીધેલી, પણ ઘરે પહોંચ્યા પછી જાણ્યું કે મા કેવળ મરી નથી, તેને મારી નાખવામાં આવી!

‘ગઈ રાત્રે દસ વાગ્યે હું તેને છેલ્લે મળ્યો.’ હેબતાયેલા દીકરાને પાસે બેસાડી પિતાએ હેવાલ આપવાની ઢબે કહ્યું હતું, ‘ઇન ફૅક્ટ આપણા રસોઈવાળા મહારાજને ત્યાં લગ્ન હતાં એટલે કૅરટેકર સહિતનો આખો સ્ટાફ છુટ્ટી લઈ સાંજનો નીકળી ગયેલો. ઘરમાં અમે ત્રણ જ હતાં - હું, તારી મમ્મી અને લજ્જા.’

લજ્જા! ઓહ, તે કેમ દેખાતી નથી?

‘સવારે હું સુભદ્રાના રૂમમાં ગયો, અને મેં જોયું તો...’ અમૃતભાઈ થથરેલા, ‘સુભદ્રાના મોઢામાં ફીણ હતું. શરીર

લીલું પડી ગયેલું ને ખુલ્લી આંખોમાં ચેતના રહી નહોતી.’

અમૃતભાઈએ ઠૂંઠવો નાખતાં હાજર સ્નેહીસંબંધીઓની પણ પાંપણ ભીની થઈ ગયેલી.

‘પછી તમે લજ્જાને બોલાવી?’ અણવે અનુમાન ઉચ્ચાર્યું.

‘લજ્જા’ અમૃતભાઈનાં અશ્રુ થંભી ગયાં, વદન પર રોષ તરવરી ઊઠ્યો,

‘મારે તેને બોલાવવાની જરૂર ન પડી. સ્પંજ માટે ગરમ પાણીની ટ્રૉલી દોરવતી તે જ ગુડ મૉર્નિંગ કરતી રૂમમાં પ્રવેશી. પછી સુભદ્રાને જોઈ એવી હેબતાઈ કે જાણે પોતે જ તેને ઝેર આપ્યાનું તે જાણતી જ ન હોય!’

હેં. અર્ણવને થયું પોતે સાંભળવામાં ભૂલ કરી, પોતે ઝેર આપ્યાનું જાણતી ન હોવાનો મતલબ?

‘લજ્જાએ તારી માનું મર્સીકિલિંગ કર્યું - રાત્રે મારા સૂતાં પછી તેણે સુભદ્રાને ઝેરનું ઇન્જેક્શન આપી દીધું!’

ન હોય! અર્ણવ ફાટી આંખે પિતાને તાકી રહેલો.

‘આમાં ન માનવા જેવું કશું નથી, અર્ણવ, દરેક પુરાવો લજ્જા વિરુદ્ધ છે. ઇન્જેક્શનની ખાલી સિરિંજ અને ઝેરી દવાની વપરાયેલી શીશી લજ્જાની પેટીમાંથી મળી આવી છે,’ અમૃતભાઈનો શબ્દેશબ્દ હથોડાની જેમ અસ્તિત્વ પર ઝીંકાતો હતો,  ‘બીમારને મારી નાખવાની એની માનસિકતા કયાં આપણાથી છૂપી છે! અરેરે, તેને સુભદ્રાની સેવામાં આણી આપણે જિંદગીની સૌથી મોટી ભૂલ કરી.‘

-એનો ધક્કો અર્ણવે અત્યારે પણ અનુભવ્યો.

 ‘નહીં... નહીં... મેં સુભદ્રામાને

નથી માર્યા.... આ બધું કેવી રીતે થયું હું નથી જાણતી.’

પુણેની જેલમાં ગતખંડ વાગોળતી લજ્જાએ હોઠ પીસ્યા. પોલીસમાં, કોર્ટમાં હું ગળું ફાડી ફાડીને કહેતી રહી, પણ ધરાર જો કોઈ માનવા તૈયાર હોય! બીજા તો ઠીક ખુદ નિહારિકાબહેને કોર્ટમાં આકરાં થઈ મારાં નાનીની આત્મહત્યાને ઉલ્લેખી મર્સીકિલિંગના મારા નજરિયાનું એટલું સચોટ વિશ્લેષણ આપ્યું કે બાજી મારા પક્ષમાં ન રહી.

‘મેં તને કયા કામે મોકલી હતી, લજ્જા, ને તેં આ કેવું કલંક અમારા માથે ચોંટાડ્યું!’ નિહારિકાબહેનનો રોષ, ગુસ્સો ત્યારે કદાચ વાજબી પણ લાગેલાં. બસ, એક અર્ણવની નજર ખમાઈ નહોતી. ફાંસીની સજાથી આકરું એ નજરોમાંથી ખરવાનું હતું.

તમે આજેય મને માફ નહીં કરી હોય ને અર્ણવ?

‘માફી?’ અર્ણવ કડવું હસ્યો, ‘તને સજા આપીશ, લજજા, એવી કે તું જીવતી રહેવા નહીં માગે, અને તોય મરી નહીં શકે!’

લજ્જા ફિક્કું હસી.

જેલમાંથી છૂટતાં બપોર થઈ. હજુ તો ગલી વટાવે છે કે પડખે એક વૅન ઊભી રહી. કંઈ સમજાય એ પહેલા અંદરથી ઊતરેલા બે આદમીઓએ તેને ખેંચી વાનમાં નાખી, બેહોશ કરી... સૂમસામ સડક પરની ઘટના કોઈની આંખેય ન ચડી. થોડી વાર પહેલાં હૉલની ખુરશી પર બંધનગ્રસ્ત હાલતમાં પોતાને હોશ આવ્યા ત્યારે ખુદને ભવ્ય પેન્ટહાઉસમાં ભાળી.

અર્ણવ પ્રગટ્યો ને સમજાઈ ગયું - એનું મારા પ્રત્યેનું વેર હજુ શમ્યું નથી!

અર્ણવ હવે મુસ્તાક હતો. લજ્જાને ઉઠાવવાનો તબક્કો હેમખેમ પાર પડ્યો. આખા ઑપરેશન માટે ભાડૂતી માણસો રાખેલા, પણ નજર રાખવા બીજી કારમાં પોતેય મોજૂદ રહેલો... પુણેથી નીકળતાં અગાઉ તેણે ઘરે ફોન કરી નથુકાકા સહિત તમામને અઠવાડિયાની છુટ્ટી ફરમાવી દીધેલી.

‘હવે રહ્યા કેવળ તું ને હું. ના, મને તારા આ જિસ્મનું કોઈ આકર્ષણ નથી. મારે તો તને બસ પીડા દેવી છે.’ અર્ણવ નાનકડી પકડ લઈને તેના ઘૂંટણિયે ગોઠવાયો, ‘બોલ, પહેલાં તારા હાથના નખ ખેંચું કે પગના?’

ના, લજ્જાએ કંપારી ન અનુભવી. અર્ણવનું વર્ણન અપેક્ષિત હતું. સારું છે એણે હજુ મોં પર પટ્ટી નથી મારી.

‘તમારે જે કરવું હોય એની છૂટ છે, અર્ણવ, મને એક અઠવાડિયાની મહોલત આપી દો. સુભદ્રામાના સાચી ખૂનીને હું સજા દઈ દઉં પછી તમારી કોર્ટમાં હસતા મુખે હાજર થઈ જઈશ.’

ફરી તેનું એ જ ગાણું!

‘કમ ઑન લજ્જા, કોર્ટમાં ગુનો પુરવાર થયો, સજાય ભોગવાઈ ગઈ, પછીયે ખૂન મેં નથી કર્યાનું નાટક શું કામ!’

‘કેમ કે મેં ખૂન નથી કર્યું.’

લજ્જાની મક્કમતાએ અર્ણવ છટપટાયો.

‘તારી આ ચાલ છે, લજ્જા, મારી સજામાંથી છટકવાની, પણ એમ હું તને બાજી નહીં જીતવા દઉં.’

‘મારી કોઈ રમત નથી, અર્ણવ, બલકે હું તો ખુદ બીજાની બાજી ઉઘાડી પાડવા માગું છું.’

‘કોની?’

ગોફણની જેમ સવાલ વાગ્યો. લજ્જાએ હોઠ કરડ્યો.

‘સાચા ખૂનીની.’

‘વાહ. અને કોણ છે સાચો ખૂની?’

‘અર્ણવ, એ રાત્રે ઘરમાં કેવળ ત્રણ માણસ હતા.’ લજ્જાએ વરસોથી સંઘરેલો ભેદ ખોલતાં તકલીફ અનુભવી - અર્ણવ પર શું વીતશે એની તકલીફ, પણ તેણે પોતાને બાનમાં લીધા પછી આ તબક્કો વટાવ્યા વિના છૂટકો ન રહ્યો.

‘ત્રણમાંથી એકનું ખૂન થયું અણર્વ, બીજી હું નિર્દોષ હોઉં તો રહી જે વ્યક્તિ, એ જ ખૂની હોય!’

આનું અર્થઘટન અર્ણવને ખળભળાવી ગયું - તે ત્રીજી વ્યક્તિ એટલે તો પપ્પા!

‘અસંભવ!’ દાઝ્યા હોય એમ તે લજ્જાથી દૂર થયો, તેની ત્રાડે ઘરની દીવાલો ધ્રુજાવી દીધી.

‘યુ...’ અર્ણવને શબ્દો ન જડ્યા, ‘તારું પાપ છુપાવવા મારા દેવ જેવા પપ્પાને ખૂની ચીતરે છે!’

તેણે લજ્જાની ગળચી દબાવી. લજ્જાનો શ્વાસ રૂંધાતો હતો, પણ તે કહેવાનું ન ચૂકી,

‘મારાથીયે મનાતું નહોતું અર્ણવ... જેલમાં વરસ સુધી હું ખૂન કોણે કર્યુંના વમળમાં અટવાતી રહી પણ પછી એક ખબર એવા મળ્યા કે મારી નજર આગળથી પડદો હટી ગયો.’

એના વાક્યે અર્ણવનું જોશ નિચોવાયું.

‘ખબર? કેવા ખબર?’

શ્વાસોશ્વાસ નિયંત્રિત કરી લજ્જાએ સામી દીવાલે લટકતી તસવીર પર નજર કરી - આમનાં લગ્નનાં ખબર!

અર્ણવ પપ્પા અને નવી મમ્મીની સજોડે તસવીર નિહાળી રહ્યો. અમૃતભાઈના સ્મિતમાં સંતોષ હતો, તેમની બાજુમાં ઊભાં હતાં આશ્રમનાં સંચાલિકા નિહારિકાબહેન - અર્ણવનાં નવાં મમ્મી!

‘નિહારિકાબહેન તમારા પપ્પાને પરણ્યાના ખબર મળ્યા, અર્ણવ ને બેઉની બાજી મારી સમક્ષ સ્પષ્ટ થઈ ગઈ.’

અર્ણવનું દિમાગ ધમધમ થયું. આ શું બકવાસ માંડ્યો છે લજ્જાએ? કે પછી આ પણ તેની કોઈ રમત છે?

‘મેં તને આવી નહોતી ધારી, લજ્જા...’

અર્ણવ હજીયે આવેશમાં ધ્રૂજતો હતો, પણ સ્વરમાં લાચારી વર્તાઈ.

આ પણ વાંચો : કથા સપ્તાહ : બાઝી (જાને ક્યા બાત હૈ – 2)

‘મારી માને મારી તને સંતોષ ન મળ્યો કે મારા પિતાને હત્યારા ઠેરવવા માંડી? આટલી ક્રૂરતા, આટલી ગિરાવટ!’

થાક્યો હોય એમ અર્ણવ ફર્શ પર બેસી પડ્યો.

લજ્જાની પાંપણે બે બુંદ બાઝી ખરી.

પણ આ લાગણીશીલ થવાનો અવસર નથી. ને બીજી પળે એ કોરીધાકોર થઈ ગઈ.

(ક્રમશ:)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK