Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા-સપ્તાહ: જુગાર- (માનવીના ગુણ-દોષ 3)

કથા-સપ્તાહ: જુગાર- (માનવીના ગુણ-દોષ 3)

30 January, 2019 01:54 PM IST |
સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ: જુગાર- (માનવીના ગુણ-દોષ 3)

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માનવીના ગુણ-દોષ

શું અનન્યા બદલાઈ રહી છે? વિચા૨તો અજય અનન્યાના સાદે ઝબક્યો.



‘કહો તો, આ વીક-એન્ડ તમારો શું


પ્રોગ્રામ છે?’

‘વીક-એન્ડમાં હું તો મુંબઈ જ છું...’ અજયે હંમેશ મુજબનું બિઝનેસ મીટિંગનું કારણ ઊપજાવ્યું. પછી ઉમેર્યું, ‘તું દેવલાલી જવાની હોઈશ. તારો પેલો વીમાદલાલ પણ આવવાનો હશે.’


‘માય-માય. ફીલિંગ જેલસ?’

કેટલી ખુશીથી પૂછે છે! બીજાને બાળવામાં જ તને મજા આવે છે અનન્યા? પણ હું ક્યાં સુધી બળતો રહીશ? અનન્યા સાચું કહેતી હતી, તેની સાથેનું લગ્નજીવન સરળ નથી!

તો પછી શા માટે એનો અંત ન આણી દેવો?

વાંસની જેમ ફૂટેલા વિચારે અજયને સહેમાવી દીધો. અંગડાઈ લેતી પત્ની પર અછડતી નજર ફેંકી : જો અનન્યા ખજાનામાં હિસ્સો માગવાનું કારણ મારી સાથે પણ શૅ૨ કરવા ન માગતી હોય, જો તેને ભાઈઓ સામે કોર્ટે ચડવાની શરમ ન હોય તો તેને મારી પણ શું વૅલ્યુ હોય! અમારાં લગ્નનું તાત્પર્ય મારા કઠપૂતળી બનવાનું જ હોય તો એ ડોર હવે તૂટવી જોઈએ... ઇનફ ઇઝ ઇનફ!

ત્યારે અનન્યા મનમાં મલકતી હતી : દેવલાલી જઈને હું શું પ્લાન કરું છું એ જાણીને તમે સૌ ચોંકી જવાના!

***

‘રાજમાતા, નવું ડેવલપમેન્ટ છે. મિલિટરી ઇન્ટેલિજન્સને પાકી માહિતી છે કે ડોકલામાં ચીન ફરી અંદરખાને કશુંક રાંધી રહ્યું છે... એનો પર્દાફાશ કરવાના ઇરાદે ઇન્ટેલિજન્સ ચીફે અમને દિલ્હી તેડાવ્યા છે. ત્યાંથી બીજિંગ કે શાંઘાઈ જવું પડે. તમે મુંબઈ આવશો ત્યારે અમે નહીં હોઈએ.’ તર્જની.

‘ઓહ એવું છે!’ કેતુ-તર્જનીનો પ્રોગ્રામ જાણીને રાજમાતા આનંદ પામ્યાં, ‘ફતેહ કરો, માભોમની રક્ષાથી વધુ બીજી કોઈ ફરજ નથી... હા, હું શનિવારે નીકળું છું... રવિનો દહાડો સામાજિક કાર્યો‍માં વિતાવી, સોમવારની મંત્રણા કરી સાંજે રિટર્ન.’

***

‘હાય અજય, ધીસ ઇઝ ધારિણી હિયર - નિનાદ શાહની વાઇફ.’ શુક્રની બપોરે લંચઅવરમાં ધારિણીએ અજયનો સેલફોન રણકાવ્યો.

કોણ નિનાદ એવું પૂછવાનું ન હોય. ભલે અમારે અંગત ઓળખ નથી, પણ બિઝનેસ સર્કલમાં જાણીતું નામ છે. પાછો દેખાવડો પણ કેવો!

‘ઓહ નિનાદ...’ અજયે હવે આત્મીયભાવ જતાવ્યો, ‘બોલ ધારિણી.’

‘સૉરી ટુ સે અજય, પણ તમારા પુરુષત્વમાં કોઈ ખામી છે?’

અજય ઘા ખાઈ ગયો.

‘યા તો તમારાં ધર્મપત્નીની મનસા અનંત હોય.’

ધર્મપત્ની. મતલબ જરૂર અનન્યાએ કશું કહ્યું-કર્યું! કંઈક એવું જે મારા પુરુષત્વને શકના દાયરામાં મૂકી દે, ખાસ જાણીતી નહીં એવી સ્ત્રીને ખુલ્લેઆમ પૂછવાની હિંમત દઈ દે!

‘અનન્યાની નજર મારા નિનાદ પર બગડી છે એટલે મારે આકરા થવું પડે છે અજય.’ હાંફતા શ્વાસે તે કહેતી ગઈ, ‘અમે લેડીઝ ક્લબમાં જોડે છીએ એમાં હમણાં-હમણાંની તે મને નિનાદ વિશે પૂછપરછ કરતી રહે છે. હાઉ હી ઇઝ ઇન બેડ ઍન્ડ લાઇક ધૅટ.’

અજયે હોઠ કરડ્યો. પોતાનો ધણી સાચવવા ધારિણી મોણ નાખી રહી છે એવું તેને સૂઝે પણ કેમ? અનન્યા છે, કંઈ પણ કરી-પૂછી શકે!

‘વેલ, નિનાદ મારું અભિમાન છે. હું બહુ પ્રાઉડ્લી તેના સ્ટેટિસ્ટિક્સ શૅર કરું તો તે બળબળતો નિ:શ્વાસ નાખે - ત્યારે તો સિંહ સામે મારો અજય મામૂલી હરણ પણ નથી!’

અજયને નપુંસકવાળી અનુભૂતિ થઈ. ના, પોતે અનન્યાને રીઝવવામાં કસર નથી છોડતો, તોય... બેશક, અનન્યા અણધાયાર઼્ વ્યંગ કરતી, પરંતુ તેના ચારિત્ર્યમાં ડાઘ નહોતો અનુભવ્યો. એ ભ્રમણા પણ ભાંગી રહી છે. પહેલાં વીમાદલાલ, હવે નિનાદ અને આ બધું પાછું મારી ઓછપ બતાવીને થાય છે.

‘એમાં ગયા વીક-એન્ડની જુગાર પાર્ટીમાં તો હદ થઈ ગઈ. હું દાવ હારી તો મને કહે કે રૂપિયા કરતાંય અદકેરા નિનાદને દાવ પર મૂકી દે તો હું તેને જીતી લઉં!’

અજયનાં જડબાં તંગ બન્યાં.

‘સ્ત્રી જ આમ ઘેલું કાઢે તો પુરુષને દોષ દેવો નકામો છે. તમને ચેતવું છું, તમારી પત્નીની પ્યાસને વશમાં રાખો. તમારાથી ન પહોંચાતું હોય તો એસ્કોર્ટ તેડાવી આપો. એથી કમસે કમ અમારા પતિદેવો તો વણબોટ્યા રહે!’

ધારિણીએ રિસીવર પછાડ્યું. ચિનગારી બરાબર ચંપાઈ હતી. આજે અજયની ભંભેરણી કરી છે, કાલે તેના ભાઈઓને ચડાવીશ... અનન્યા, તને તો હું ફાવવા નહીં જ દઉં!

જોકે બેમાંથી કોઈને અંદાજ નહોતો કે તેમની વાતો કોઈ ત્રીજી વ્યક્તિએ પણ સાંભળી છે!

***

તમારા પુરુષત્વમાં ખામી છે?

એ જ રાત્રે બેડરૂમના બેડ પર ગોઠવાયેલા અજયના ચિત્તમાં ધારિણીનું મહેણું રમે છે. એક ઔરત મને કેવું સંભળાવી ગઈ! પોતાના માટે અજાણ્યા પુરુષને મનભરીને માણતી અનન્યાના કલ્પનાચિત્રે રૂંવે-રૂંવે આગ લાગી ગઈ. એ ઓછું પડતું હાય એમ તો હજી નિનાદ સાથે તેણે રંગરેલી માણવી છે? ઇનફ ઇઝ ઇનફ! હવે આ લગ્નજીવનનો અંત આણી દેવો છે મારે...

મતલબ, ડિવૉર્સ?

અજય ખચકાયો. છૂટાછેડા માટે કારણ આપવું પડે. પત્નીની ઐયાશી જાહેર કરવામાં ભય એ રહે કે ઊલટી તે મને કાપુરુષ ઠેરવી દે! નહીં, નહીં, આજે એક ધારિણી બોલી ગઈ એ વસમું લાગ્યું. કાલે છડેચોક મારી મર્દાનગી પર અટ્ટહાસ્ય થાય એ કેમ સહન થાય, ઍન્ડ ફૉર નો રીઝન? અહં, અનન્યાથી છૂટા પડવાનો એક જ અર્થ થાય - તેની હંમેશ માટેની એક્ઝિટ!

અજયનું કાળજું થડકી ગયું. નજર પડખે પોઢતી પત્ની પર ગઈ. વળી તે પરપુરુષને માણતી હોવાની કલ્પના તાદૃશ થઈ ને અજયનો નિર્ણય છેવટના ફેંસલામાં ફેરવાઈ ગયો. અને તેને મા૨વી જ હોય તો કાલે દેવલાલીમાં વીમાદલાલ સાથે સૂતી હોય ત્યારે જ...

***

શનિની સવારે ધારિણીએ ફોન જોડ્યો : કોણ મહાવીરસિંહજી? હું તમારી શુભચિંતક બોલું છું. તમારી લાડલી બહેનનો તાયફો જરા રોકો. પરણેલી હોવા છતાં પરપુરુષને સાથે આંખમીંચૌલી ખેલે છે. તેમને પથારીમાં ભોગવે પણ છે!

સામી વ્યક્તિને મોકો આપ્યા વિના તેમણે ધડાધડ પતાવ્યું.

મહાવીરસિંહ ખળભળી ગયા. કોની મજાલ કે મારી બહેન વિરુદ્ધ આટલી હલકી વાત બોલે? આવું બોલનારનું હું માથું વાઢી નાખું.

‘તમે પુરુષો કળથી કામ લેતાં ક્યારે શીખશો?’ મોટાં નૈનાવહુએ પતિને શાણપણ આપ્યું, ‘આગ વગર ધુમાડો ન હોય. નણંદબાની વર્તણૂક બદલાણી નથી હમણાંની? એનું કારણ ખરે જ કોઈ બીજો પુરુષ કેમ ન હોય?’

માનવું ગમે નહીં એવા તર્કમાં વજૂદ તો હતું.

‘આ માટે અનન્યાની રૂબરૂ થવું પડે. આમાં તથ્ય હોય તો અનન્યાની ખે૨ નથી. ચલ જયસિંહ, ગાડી કાઢ.’

ઘરના બે પુરુષો નીકળ્યા ને સ્ત્રીઓની છાતી ધડકી ગઈ.

***

નિનાદે નંબર જોડ્યો, ‘ગુડ મૉર્નિંગ. નિનાદ હિયર. આ વીક-એન્ડ તમે ફ્રી હો તો ચૅરિટી ટ્રસ્ટના સિલસિલામાં મળવું છે... ’

***

- અને શનિની મોડી સવારે તૈયાર થઈને અનન્યા સેલ્ફ-ડ્રિવન કારમાં દેવલાલી જવા નીકળી ત્યારે જાણ નહોતી કે હવે ફરી આ ઘ૨માં જીવતી પાછી નહીં ફરે!

***

કલાક પછી...

ધારિણીનો સેલફોન રણક્યો. સામો લૅન્ડલાઇન નંબર પણ અજાણ્યો હતો ને સ્ત્રીસ્વર પણ... ‘અનન્યા જબરી નિનાદ પાછળ પડી છે! આ વીક-એન્ડ તેણે નિનાદને દેવલાલી તેડાવ્યો છે... શાસ્ત્રીનગર લેનમાં છેલ્લું મકાન તેનું છે.’ સામેથી સૂચવાયું, ‘ના, નિનાદની ગાડી તને તેના આંગણે જોવા નહીં મળે. તારો વર વૉચમૅનથી છાનો વંડી કુદાવી પ્રિયતમાને મળવા જાય છે. તેમની રાસલીલા જોવી હોય તો પહોંચી જા.’

કૉલ કટ થયો. ધારિણી સમસમી ગઈ.

ગઈ કાલે પતિને ચેતવ્યો, આજે ભાઈને કહ્યું

તોય અનન્યા...

થોડી વાર પહેલાં નિનાદે કહ્યું કે વીક-એન્ડ બિઝનેસ-ડીલ માટે બહાર છું... હવે એનો અર્થ એમ થાય કે એ બૉડી ડીલ માટે દેવલાલી છે!

મને ચેતવનારીની ભાળ પછી કાઢીશ, પહેલાં અનન્યા-નિનાદનો વારો. જોકે ત્યાં જઈને હું કરીશ શું?

ધારિણીના ધૂંધવાતા દિમાગને દિશા મળી - કૅમેરા! ના, નિનાદને હું ડિવૉર્સ દેવાની નથી એટલે પુરાવારૂપે નહીં પણ અનન્યાની બદનામી માટે તેની ફિલ્મ ઉતારી, નિનાદનો ચહેરો બ્લર કરી ફરતી કરી દઉં તો ધણી-ભાઈઓ તેને નાથ્યા વિના ન રહે, મારા નિનાદ તેની સોડમાંથી છૂટે એ ઘણું! મોબાઇલ કરતાં કૅમેરામાં ક્લૅરિટી સારી આવશે..

- અને ધારિણી પોતાની કારમાં નીકળી.

***

‘તને શું લાગે છે, મારા નનામા ફોનથી ધારિણી દેવલાલી જવા નીકળશે?’ યુવતીએ પૂછ્યું.

‘સી વિલ...’ તેણે કહ્યું. એ જ વખતે સામા બંગલાના ઝાંપામાંથી ધારિણીની કાર નીકળી ને પુરુષની કીકીમાં ચમક આવી ગઈ. તેણે ધારિણીની પાછળ કાર સરકાવી.

***

‘વૉટ!’ દેવલાલી જતો અજય સાળાસાહેબના ફોને ચોંક્યો. ‘તમે મુંબઈ આવવા નીકળ્યા છો, આજે જ? હા, તમારે અનન્યાને મળવું છે; પણ તે મુંબઈમાં નથી, દેવલાલી ગઈ છે!’

‘ઓહ, તો-તો અમે ત્યાં પહોંચીએ; તમે પણ આવો જમાઈબાબુ. વાત ગંભીર છે.’

મહાવીરસિંહે કહ્યું ને હળવો નિ:શ્વાસ જ નાખી શક્યો અજય!

***

ત્યારે...

‘રણમલ, ગાડી ઊભી રાખો તો...’

બપોરની વેળા હતી. વહેલી સવારે હિંમતગઢથી મુંબઈ આવવા નીકળેલાં રાજમાતાએ આજ્ઞા કરતાં રણમલે હિંમતગઢનું રાજચિહ્ન ધરાવતી ગાડી સાઇડ પર લીધી, એવો જ હાથ લંબાવીને લિફ્ટ માગતો યુવક દોડી આવ્યો.

‘નમસ્કાર રાજમાતા, હિંમતગઢનું રાજચિહ્ન જોઈને જ હું જાણી ગયો કે આ આપની જ સવારી.’ પચીસેક વરસના સોહામણા જુવાને અદબથી કહ્યું, ‘આપને તકલીફ ન હોય રાજમાતા તો મને લિફ્ટ જોઈતી’તી. મારી ગાડી વળી બગડી ગઈ. સર્વિસ-સેન્ટરવાળા હમણાં એને ટો કરીને ગયા...’

અજાણ્યાને લિફ્ટ આપવાનું સાહસ આજના જમાનામાં કરવા જેવું નથી, પણ એમ તો રાજમાતા જમાનાનાં ખાધેલ.

‘તમે મને ઓળખી ગયા, પણ મને ઓળખાણ ન પડી.’ સિફતથી તેમણે પરિચય માગ્યો.

‘મારું નામ અંબરીષ. જયરાજ વીમાદલાલ મારા પપ્પા.’

‘વી...મા...દલાલ. ડ્રાફ્ટમૅન? અમારા હિંમતગઢના સરકારી ખાતામાં વરસો સેવા આપી એ... ’

‘જી. પછી તેમની બદલી વલસાડ થઈ. ત્યારથી વલસાડ જ છીએ. હું આર્કિટેક્ટ છું. મારા ક્લાયન્ટને મળવા દેવલાલી જાઉં છું. તમે કદાચ ઓળખતાં હો - વીરનગરનાં કુંવરી અને દેવગઢનાં રાણી અનન્યા...’

આ પણ વાંચો : કથા-સપ્તાહ: જુગાર- (માનવીના ગુણ-દોષ 2)

રાજમાતા ચમક્યાં. હું તો મુંબઈમાં અનન્યાને મળવાનું વિચારતી હતી. તે દેવલાલી હોય તો અંબરીષને મૂકવાના બહાનેય તેને મળી શકાય, ભલે થોડું ફરવું પડે. શક્ય હોય તો રાત રોકાઈને પણ ખજાનામાં ભાગ માગવાની તેની જીદનો તાગ મેળવી શકાય...

‘આવ ભાઈ...’

***

રાતના સવા આઠના સુમારે રાજમાતાની ગાડી દેવલાલીની હદમાં પ્રવેશી ત્યાં સુધીમાં રાજમાતા માટે અનન્યાને મળવાનું કારણ બદલાઈ ચૂક્યું હતું, પણ...

તેમણે અંબરીષ સાથે બંગલાના હૉલમાં કદમ માંડ્યાં કે હળવી ચીસ સરી ગઈ. સામે જ બે લાશ પડી હતી!

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2019 01:54 PM IST | | સમિત પૂર્વેશ શ્રોફ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK