કથા સપ્તાહ : ત્રિકમલાલ (2)

Updated: Jul 03, 2019, 11:55 IST | ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક - કથા સપ્તાહ | મુંબઈ ડેસ્ક

ખંજનને થયું કે આ શું? કોઈ ઇમર્જન્સી આવી કે આમ કાકાને અડધી રાત્રે દોડવું પડ્યું!

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કથા સપ્તાહ 

ત્રિકમકાકાને ફિલોસૉફર કહી શકાય કે બટકબોલા એ તો રામ જાણે, પણ ખંજન પર તેમની વાતો ખૂબ અસર કરતી અને કરે જને, કારણ કે ત્રિકમલાલ વાત-વાતમાં એવી વાત કરી નાખે જે સામેવાળાને સોંસરવી વીંધી નાખે.

ખંજનને યાદ આવ્યું કે જ્યારે તે ત્રિકમલાલને લઈને તેમના ડિરેક્ટરના ઘરે જમવા ગયેલો. તેમના ઘરે જઈને ખબર પડી કે ડિરેક્ટરસાહેબ અને તેમનાં પત્ની બન્ને જણ તેમના છોકરાઓના ભણવાને લઈને ખૂબ જ ચિંતિત છે એટલે લગભગ ૧૫ મિનિટ સુધી તેમણે આજના શિક્ષણની વાત કરી અને તેમની દરેક ફરિયાદ ભણવા પર હતી. જ્યારે તેમણે જણાવ્યું કે અમારે ત્યાં તો શિડ્યુલ બહુ જ ટાઇટ રાખીએ, વહેલી સવારે ટ્યુશન પછી સ્કૂલેથી પાછા આવીને ઘરે ટીચર આવીને ભણાવે અને રાત્રે મારાં વાઇફ હોમવર્ક કરાવે. આટલું ન ભણાવીએ તો છોકરાઓ આજના કૉમ્પિટિટિવ યુગમાં પાછળ રહી જાય.

એ દિવસે કોણ જાણે કેમ ત્રિકમકાકાની ડાગળી ચસકી હતી. હસતાં-હસતાં તેમણે સાહેબને રોકડું પકડાવેલું કે પંખીને એટલુંબધું પાંજરામાં ન રાખો કે તેને

છોડ્યા પછી તે ઊડવાનું જ ભૂલી જાય. સાહેબને એ વાત કેટલી પહોંચી હશે એ તો રામ જાણે, પણ હા, ખંજનને તેમની વાત ગમી ગઈ.

ત્રિકમકાકાની અમુક વાતો સમજવા માટે મગજની જગ્યાએ હૃદય હોવું જોઈએ એ વાત સ્પષ્ટ હતી. એ માણસ સમજાય એવો હતો જ નહીં. જગતમાં અમુક માણસો એવા હોય જ છે જેને સમજવાની કોશિશ પણ ન કરવી, નહીં તો ચકરાવે ચડી જઈએ. આ ત્રિકમલાલ એમાંના એક ૧૦૦ ટકા.

ખંજન આજે દુખી થવાની જગ્યાએ ત્રિકમલાલની યાદોને વાગોળતો હતો અને એ વાતો તેને ખૂબ આનંદ આપી રહી હતી.

ત્રિકમલાલ આવી તો અનેકવિધ ઘટનાઓના જન્મદાતા હતા. જગતનો કદાચ સૌથી જીવંત પણ એમ છતાં સૌથી અનપ્રિડિક્ટેબલ માણસ એટલે ત્રિકમલાલ. તેઓ ક્યારે શું કરશે અને શું કહેશે એ કહેવાય નહીં.

એક દિવસ અચાનક રાત્રે બે વાગે થર્મોસ લઈને ખંજનના ઘરની બહાર આવ્યા અને ગાડીનું હૉર્ન માર્યા કરે. ખંજન હાંફળોફાંફળો થઈને બહાર દોડી આવ્યો. તેને જોતાં જ કહ્યું ‘ચાલ અંદર બેસી જા.’

ખંજનને થયું કે આ શું? કોઈ ઇમર્જન્સી આવી કે આમ કાકાને અડધી રાત્રે દોડવું પડ્યું!

ત્યાંથી નીકળીને કાકાએ રાત્રે પૅટ્રોલિંગ કરતા પોલીસવાળા અને સોસાયટીઓના દરવાજે સ્ટૂલ પર બેસી રહેતા ચોકીદારોને પકડવાનું શરૂ કર્યું. દરેક જણ પાસે જઈને થર્મોસમાંથી ચા કાઢી સાથે બિસ્કિટનું પૅકેટ આપી સાથે ‘જલસા કરો’નો મેસેજ આપી આગળ વધ્યા. તેમનું માનવું હતું કે લોકો માટે આખી રાત જાગતા આ લોકોને થોડી મદદ કરીએ તો...

ઊંઘ બગાડવા બદલ ગુસ્સો કરું કે પછી આવા સારા કામ માટે કાકાને સલામ એની અવઢવ ખંજનને હતી.

ત્રિકમલાલ નોખી માટીનો માણસ હશે કે નહીં એની ખબર નહોતી, પણ નોખા દિમાગનો માણસ ચોક્કસ હતો. તેમની વાતો અને વર્તન બન્ને આની ચાડી ખાતાં હતાં. સીધી કોઈ વાત તેમના મગજમાં ઊતરતી નહોતી કે પછી તેમને ઉતારવી નહોતી એની ખંજનને આજ સુધી ખબર પડી નહોતી.

ખંજનને યાદ આવ્યા થિયેટરના રિનોવેશનના દિવસો. એ લોકો જ્યાં નાટકની પ્રૅક્ટિસ કરતા એ થિયેટરનું રિનોવેશન ચાલતું હતું એટલે પ્રૅક્ટિસ દરમ્યાન ત્યાં રહેલા મજુરો પણ કાકાને ઓળખતા થઈ ગયેલા. રોજ કાકા તરફથી તેમને પણ નાસ્તો-ચા મફત મળતાં. એક દિવસ સમગ્ર પ્રૅક્ટિસ દરમ્યાન કાકાનું ધ્યાન દૂર કામ કરતા એ મજૂરોમાં જ હતું. ડિરેક્ટરે એ દિવસે તેમને બેથી ત્રણ વખત ટોક્યા. ખંજનને પણ થયું હતું કે નક્કી આજે કાકાના દિમાગમાં કશું જુદું જ ચાલી રહ્યું છે.

પ્રૅક્ટિસ પતાવીને સૌ ઘર તરફ રવાના થતા હતા ત્યારે કાકા એ મજૂર યુવાનો તરફ ગયા. કામથી થાકીને મજૂરો પોતાની સાથે લાવ્યા હતા એ ટિફિન જમી રહ્યા હતા. તેમની સાથે જ કાકા તો બેસી ગયા. ખંજનને સાવ આમ મજૂરો સાથે બેસવાનું અજુગતું લાગ્યું. કાકાએ સૌનાં નામ, વતન વગેરે વિશે વાત કરી.

પછી અચાનક જ એક વેધક પ્રશ્ન પૂછ્યો. છેલ્લી વાર તમારે વતન ક્યારે ગયા હતા? બેઠેલા ત્રણે જણે જવાબ આપ્યો કે આશરે અઢી વર્ષ પહેલાં... કાકાએ છણકો કરીને કહ્યું કે ઘરમાં મા-બાપ છે... ‘અલ્યા તેં કહ્યું કે બૈરી અને હાવ નાનાં છોકરાંવ છે તે ઘેર જવામાં શું પેટમાં દુખે છે?’

હાથમાં રહેલો જાડા રોટલાનો ટુકડો ઘા કરતો હોય એમ પાછો ડબ્બામાં નાખતો રઘલોમજૂર બોલ્યો, ‘આ પેટ તો જવા નથ દેતું... આંઇ મજૂરી કરીએ તંઈ તેમને કશું મોકલી શકીએ એથી તેમનાં પેટ ભરાય.’

કાકાએ પરિસ્થિતિ‍નો તાગ મેળવ્યો. ઝીણી આંખ કરીને પૂછ્યું, ‘ઘેર જવું છે? બધાને મળવું છે?’

ત્રણેય મજૂરોની આંખો ચમકી, પણ સામે પડેલાં પાવડા-કોદાળીને જોઈને પાછી નીરસ થઈ ગઈ. કાકાએ પૂછ્યું, ‘આ અહીં કામ ક્યારે પતવાનું?’

મજૂરોએ જણાવ્યું, ‘લગભગ બે દા’ડામાં.’

કાકાએ આગળના કામ માટે પૂછ્યું તો કહે, ‘એ તો રોજ પર હોઈએ એટલે કશું નવું તો મળી જ રહે. હજી નક્કી નથી...’

એ દિવસે ‘સારું’ કહીને કાકા નીકળ્યા. રસ્તામાં ખંજને છણકો કર્યો, ‘સાચું કહું કાકા, આ તમને પંચાતની આદત પડી ગઈ હોય એમ લાગે છે. હવે મજૂરો ક્યારે ઘરે ગયેલા ને શું કમાય છે એની પંચાત કરવાની તમારે શું જરૂર?’

કાકાએ ખંજન સામે જોયા વગર એકીટશે તાકી-તાકીને સામે જોતાં કહ્યું કે ખંજનિયા પંચાત તો ત્યારે કહેવાય જ્યારે તેમને આ બધું પૂછીને હું ભૂલી જઉં... કંઈક તો કરવું પડશે... પોતાનાં છોકરાંઓને બાપ અઢી-અઢી વર્ષ સુધી ન મળી શકે એનાથી મોટું દુઃખ બીજું કયું કહેવાય?’

ખંજનને થયું કે નક્કી ત્રિકમકાકા નવી સ્કીમ લાવવાના.

બે દિવસ પછી કામ પત્યું ત્યારે એક મિની વૅન લઈને કાકા આવ્યા. ત્રણેય મજૂરોને પાસે બોલાવ્યા. દરેકને એક થેલી આપી જેમાં નવાં પૅન્ટ-શર્ટ હતાં. મજૂરોને કંઈ ખબર ન પડી. તેમને લાગ્યું કે રોજ ચા પિવડાવતા આ કાકાએ બક્ષિસ આપી, પણ ત્યાં તો કાકાએ દરેકને બે કવર આપ્યાં.

હજી કશું સમજે એ પહેલાં કાકાએ બોલવાનું ચાલુ કર્યું, ‘આ પહેલા કવરમાં ૧૦,૦૦૦ છે અને બીજામાં ૨૦,૦૦૦ રૂપિયા. હવે બજારમાં જાઓ અને પહેલા કવરના પૈસામાંથી ઘરના લોકો માટે જે લેવું હોય એ લઈ લો અને ખબરદાર, બીજા કવરમાંથી ખર્ચો કરવાનો નથી. તમારી પાસે ૩ કલાક છે. પછી અહીં આવો એટલે હું અને આ ગાડી બન્ને અહીં જ ઊભા હોઈશું. આવીને ચૂપચાપ આમાં બેસી જાઓ. તમારે તમારા વતન ધરમપુર જવાનું છે.

ત્રણેય મજૂરોની આંખો ફાટી રહી ગઈ. તેમને થયું કે આ કાકો ગાંડો છે કે શું?

એમાંથી એકે પૂછવાની હિંમત કરી, ‘પણ આ બધું કેમ?’

આ પણ વાંચો : કથા સપ્તાહ : ત્રિકમલાલ (3)

કાકાએ કહ્યું કે ‘મારી પાસે ઝાડ પર પૈસા ઊગે છે એ હું ઉડાડું છું... તું તારું કામ કરને ભાઈ... ઘરે જવાનું અને આ બીજું કવર તમારા ઘરના લોકોને આપવાનું. આ ગાડીવાળો તમને ઉતારીને જશે પછી અઠવાડિયા પછી પાછો આવશે. ત્યાં સુધી મન ભરીને રહેવાનું. દીકરા-દીકરીઓ જોડે ધમાલ કરવાની, બાપા ને માની જોડે બેસવાનું અને હા, પત્નીને વહાલ કરવાનો.’

આમ બોલીને આંખ મારીને કાકા પેલા ગાડીવાળા સાથે વાત કરવા જતા રહ્યા. ખંજને જોયું તો ત્રણેય મજૂરોની આંખમાં હરખનાં આંસુ હતાં. (ક્રમશઃ)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK